પહેલું સુખ તે...:સ્વસ્થ અને સક્રિય રહેવા માટે ઇમ્યુનિટી વધારવી જરૂરી

સપના વ્યાસ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

રોનાના સેકન્ડ વેવની ભારતીયોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર બહુ નકારાત્મક અસર પડી છે. આ સંજોગોમાં આપણી જાતના અને પરિવારના સ્વાસ્થ્યની યોગ્ય જાળવણી બહુ જરૂરી બની ગઇ છે. સ્વસ્થ રહેવા માટે માસ્ક પહેરવાની અને હાથને સેનિટાઇઝ કરવાની સાથે સાથે ઇમ્યુનિટીમાં વધારો થાય એવા પ્રયાસો કરવા પણ બહુ જરૂરી છે. શરીરની રોગો સામે લડવાની કુદરતી જન્મજાત શક્તિને રોગપ્રતિકારકશક્તિ કહેવાય છે. જો વ્યક્તિની ઇમ્યુનિટી સારી હોયતો માનવ શરીર રોગરહિત રહે અને જો ઇમ્યુનિટી બરોબર ન હોય તો શરીરમાં બેક્ટેરિયા, વાઈરસ અથવા તો ફંગસ ઇન્ફેક્શનના કારણે અનેક પ્રકારના રોગ થઇ શકે છે.

હળદર, ફળો, શાકભાજી, દૂધ અને હેલ્થ ડ્રિન્કનું સેવન કરવાથી ઇમ્યુનિટીમાં વધારો થાય એવાં તત્ત્વો શરીરને મળે છે. હળદરના ગુણ અંગે ઘણા લોકો જાણે છે. તે એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણથી ભરપૂર હોય છે. હળદરમાં કરક્યુમિન નામનું સંયોજન હોય છે. જે શરીર માટે ઘણી રીતે ફાયદાકારક છે. ખોરાકમાં હળદર અને મરીનો નિયમિત ઉપયોગ સ્વાદને વધારે છે તેમજ ઇમ્યુનિટીને મજબૂત બનાવે છે. આ સિવાય વિટામિન-સી, વિટામિન-ડી અને ઝિંકનું સેવન કરવાથી શરીરના ઇમ્યુનિટી પાવરમાં વધારો થાય છે.

દૂધનું નિયમિત સેવન કરવાથી શરીરને જરૂરી પોષકતત્ત્વો મળે છે જેના કારણે ઇમ્યુનિટીમાં વધારો થાય છે. દૂધમાં પ્રોટીન, ચરબી, કેલ્શિયમ, વિટામિન-ડી, બી-2, બી-12, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા પોષક તત્ત્વ પૂરતા પ્રમાણમાં હોય છે. દૂધમાં પ્રોટીન તેમજ એમિનો એસિડ હોય છે જેના કારણે સ્નાયુઓને તાકત મળે છે. એ મગજ માટે પણ ફાયદાકારક છે. ગરમ દૂધ પીવાથી શરીરને ઊર્જા મળે છે. આ કારણોસર ઇમ્યુનિટી વધારવી હોય તો રોજ બે ગ્લાસ જેટલું દૂધવાળું હેલ્થ ડ્રિન્ક પીવાથી વધારે ફાયદો થાય છે. શરીરની ઇમ્યુનિટી જળવાયેલી રહે એ માટે હિમોગ્લોબિનનું સ્તર યોગ્ય રહે એનું ધ્યાન રાખો. સ્ત્રીઓનું હિમોગ્લોબિન સ્તર 13થી 15 ગ્રામ અને પુરૂષોનું 14થી 16 ગ્રામના સ્તર સુધી જળવાયેલું રહે એ યોગ્ય છે. જો શરીરની ઇમ્યુનિટી ઓછી હોય તો વ્યક્તિ વારે વારે શરદી, ફ્લૂ, તાવ વગેરેનો ભોગ બને છે. વિટામિન-સી શરીરની ઇમ્યુનિટીને વધારે છે. કુદરતે આપણને એવી કેટલીયે આહારની વસ્તુઓ આપી છે, જેમાં વિટામિન-સીનો ભંડાર છે. આપણા આહારમાં સરળતાથી ઉપલબ્ધ એવી આ ચીજો ઉમેરીને આપણે શરીરની ઇમ્યુનિટીને વધારી શકીએ છીએ.

શરીરની ઇમ્યુનિટી જળવાઇ રહે એ માટે પૂરતો આરામ જરૂરી છે અને આ માટે રોજ નિયમિત રીતે 6થી 8 કલાકની ઊંઘ ખૂબ જરૂરી છે. આ માટે રાત્રે સુવાનો અને સવારે ઉઠવાનો સમય ચોક્કસ રાખો. જો સ્વસ્થ રહેવું હોય તો વ્યસનથી દૂર રહો. માનસિક તનાવ જેટલો વધારે હશે તેટલા પ્રમાણમાં ઈમ્યુનિટી ઓછી થશે. બાળકોની ઇમ્યુનિટી પ્રમાણમાં નબળી હોય છે અને બાળકોની ઇમ્યુનિટી વધારવા માટે નિયમિત સમતોલ આહાર લેવો જરૂરી છે. તેમના આહારમાં વધારે પ્રમાણમાં પોષ્ટિક ફળ, શાકભાજી અને પ્રોટીનયુક્ત વસ્તુનો સમાવેશ કરવો જોઈએ. મોટાભાગના પેરેન્ટ્સને બાળકોના સ્વાસ્થ્યને લગતી સમસ્યા સતાવતી હોય છે. હકીકતમાં બાળકોની ઇમ્યુનિટી ઓછી હોવાના કારણે તેઓ વારંવાર બીમાર પડતા હોય છે જેના કારણે માતા-પિતાની ચિંતા વધી જાય છે.

જો બાળકો નિયમિત રીતે સંતુલિત ભોજન અને હેલ્થ ડ્રિન્કનું સેવન કરે તો તેમની રોગપ્રતિકાર શક્તિમાં નોંધપાત્ર વધારો થાય છે. જે બાળકો અઠવાડિયામાં પાંચ દિવસ નિયમિત 30થી 40 મિનિટ સુધી કોઈ પણ પ્રકારનો વ્યાયામ કરે છે તે બીજા બાળકોની તુલનામાં 50થી 60% ઓછા બીમાર પડે છે. નિયમિત વ્યાયામ તથા રમત રમવાથી વજન પણ નિયંત્રિત થાય છે અને રોગ સામે પ્રતિકારક શક્તિ પણ વધે છે. ટેકનોલોજીના વધી રહેલા ચલણને કારણે મોટાભાગના બાળકોનો સમય ટીવી જોવામાં કે પછી ‌‌વિડિયો જોવામાં પસાર થતો હોય છે જે બિલકુલ યોગ્ય નથી. બાળકો શારીરિક રીતે નિષ્ક્રિય બની જાય તો તેમની ઇમ્યુનિટી ઓછી થતી જાય છે. આમ, બાળકોનું ડાયટ અને જીવનશૈેલી સ્વસ્થ રહે એ જોવાની જવાબદારી માતા-પિતાની છે.

અન્ય સમાચારો પણ છે...