તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હળવાશ:‘આ તમે સરદીને ડાબા હાથે લેતા’તા ને, અત્યારે કેવા પરચા બતાડે છે બધાને!’

જિગીષા ત્રિવેદી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોઈની બી એમ તમે આવી રીતે અવગણના કરો ને, પછી જ્યારે એનો ટાઈમ આવે ને ત્યારે એનો બરાબરનો કોપ ઉતરે ઉતરે ને ઉતરે જ... હમજ્યા...!’ હંસામાસીએ મહિલા મંડળનાં તમામ હાજર સભ્યોને ઉદ્દેશીને સમજણ આપી. ‘હાચી જ વાત છે... તમે એને ગણો કે ના ગણો, દરેકનું પોતાનું મહત્ત્વ હોય જ અને એ તો ખરા ટાણે જ ખબર પડે તમને!’ કલાકાકીએ ય સહમત થતાં આ વાતને આગળ વધારી. ‘અરે, પરચો દેખાડે જ બરાબરનો... આ જુઓ ને બરાબરનો પરચો દેખાડ્યો ને એણે અત્તારે! કેવા સીધા દોર થઇ ગયા ને બધાં!’ સવિતાકાકીનાં આ સ્ટેટમેન્ટ બાદ મને એટલું ક્લિયર થયું કે અવગણનાની કોઈ આડઅસર છે. નક્કી કોઈ ખરાબ પરચાની વાત છે. ‘હું તો કહું...આ તમે કોઇની બી આંતરડી કકળાવોને, એનું ખરાબ પરિણામ તમારે આજે નહી તો કાલે ભોગવવું જ પડે. સંસારનો નિયમ જ છે આ...’ લીનાબહેને વાતને જનરલાઇઝ કરી અને ત્યાર બાદ થોડી વધુ સ્પષ્ટતા એ થઇ કે આ લોકોએ કોઈકને દુખ પહોંચાડ્યું છે અને એણે કોઈક બદલો લીધો છે એટલે અત્યારે બધું ડહાપણ આવ્યું છે. ‘ઠેકાણે કરી નાખ્યાને બધા ને...! એણે ધીમી પણ મક્કમ ગતિએ મહેનત કરીને એનું આખું સ્વરૂપ બદલી નાખ્યું, નામ બદલી નાખ્યું. જો કે એ તો રાશિ ચેન્જ કરો, એટલે બીજી રાશિના થોડા ઘણાં ગુણ-અવગુણ તમારામાં નેચરલી આઈ જ જાય...!’ કંકુકાકીએ જેની પણ વાત છે એની પ્રગતિ પર પ્રકાશ પાડ્યો. ‘જો કે તમારી વાત ય હાયચી છે. એણે ઓછી મહેનત નથી કરી પોતાની વેલ્યૂ વધારવા અને જુઓ તમ અત્તારે મહાસત્તા થઇને બેઠી છે ને! બધા કેવા ફફડે છે એનાથી!’ સવિતાકાકીએ જેની પણ વાત છે, એણે મેળવેલું સ્થાન કેટલી ઊંચી કક્ષાનું છે એ દર્શાવ્યંુ. પણ ચાલો...આટલા વાર્તાલાપ પછી એટલી ખબર પડી કે આ કોઈ મહિલા છે જેની વાત ચાલી રહી છે અને કોઈ એવા બહેન છે, જે આ બધાની કોમન ફ્રેન્ડ છે. આ બધાં કોઈને કોઈ રીતે એમને ઓળખે છે, અને હા...એટલી સ્પષ્ટતા પણ થઇ ગઇ કે જેની આ કોઈ વેલ્યૂ નહોતા કરતાં એણે કંઇક એવું કર્યું છે જેનું ખરાબ પરિણામ આ લોકો ભોગવી રહ્યાં છે. હવે સ્વાભાવિક છે ઇન્તેઝારી તો થાય જ કે એવું તો કોણ છે જે આ બધા પર ભારે પડે છે...! એટલે મેં જ્યાં સુધી નામ બહાર ના પડે ત્યાં સુધી મૂંગે મોઢે ઓટલા પર જ સ્થાન ગ્રહણ કરી રાખવું એમ દૃઢ નિશ્ચય કર્યો. ત્યાં તો મારી આતુરતાનો અંત આવ્યો અને હંસામાસીએ જ ઘટસ્ફોટ કર્યો, ‘કોઈ કરતાં કોઈને બી ડાબા હાથે ના લેવાય. ભોગવો હવે. આ તમે સરદીને ડાબા હાથે લેતા’તા ને, અત્યારે કેવા પરચા બતાડે છે બધાને...!’ હું ચકભમ થઇ ગઇ. કંકુકાકીએ શરદી માહાત્મ્ય આગળ ચલાવતાં કહ્યું, ‘હું તો પહેલેથી કહેતી જ’તી, કે બીજા બધ્ધાં રોગો હારા... પણ સરદી નક્કામી. ના તમે માંદામાં આવો કે ના સાજામાં આવો. જીવ નાકમાંને નાકમાં જ રહે તમારો. નાકની અંદર સતત હળવળાટ થયાં કરે ને શ્વાસ અંદર ખેંચો કે લાંબી સરણાઈઓ વાગ્યા કરે. છીંક આવું આવું થાય ને ઇન્સલ્ટ કરીને જતી રહે યાર...!’ ‘ત્યારે એં, આ છીંકો ને ખાંસી ય પહેલા આટલી મોંઘી નહોતી હો... આ કોરોલા એ તો વેલ્યૂ વધારી દીધી બેય ની... છીંકો-ખાંસી ય હવે પાંચસો-હાતસોના રીપોટો કરાવો ત્યારે ખબર પડે કે કઈ સાદી ને કઈ કોરોલો વારી... એમ.’ લીનાબહેને આ મહિલાનાં નાનાં-નાનાં કુમળાં પણ હવે તોફાની થઇ ગયા છે એવાં બાળકોનાં મૂંગા ઉપદ્રવ તરફ ધ્યાન દોર્યું. ‘અરે, અત્યારે તો એને ય આપડે નણંદના છોકરાઓ હોય એમ અછો અછો વાના (આઈ થિંક હળદર-મીઠાનું પાણી ને ઉકાળા... ને એવું જ બધું) કરીએ, તો ય ગાંઠતાં નથી. કેટલાંય ફાંફાં કરીએ, ત્યારે આપડું કીધું માને છે...’ કલાકાકીએ છીંકો અને ખાંસી થકી ફેલાતા હાહાકારને સચોટ ઉદાહરણ સહિત સમજાવ્યો. ‘હું કહું... એક ઉપાય છે આપડી પાંહે એના કોપથી બચવાનો.’ મેં ટહુકો કર્યો એટલે તમામ લોક મારી સામે આશાભરી નજરે જોવા લાગ્યા. ‘તમે લોકો એને છંછેડો જ નહીં, તો કોઈ ઉપાધિ જ નથી. તમે એની શરણાગતિ સ્વીકારી લો એટલે એ આપોઆપ સાંત થઇ જસે. એને જે ના ગમતંુ હોય, એ કરવાનું જ નઇ. જો એનો પગ પેસારો જ નહીં રાખો, તો જ એના કોપથી બચી હકાસે...’ મેં છેવટે ડહાપણ કરી જ નાખ્યું.

અન્ય સમાચારો પણ છે...