કવર સ્ટોરી:તમે ફી ભરો એટલે શિક્ષક તમારો પગારદાર થઇ જાય?

23 દિવસ પહેલાલેખક: એષા દાદાવાળા
  • કૉપી લિંક
  • શિક્ષક એ આપણા ઘરે કે ઓફિસે રાખેલો પગારદાર માણસ નથી કે એને ધમકાવી-દબડાવી શકો

હમણાં સોશિયલ મિડીયા પર એક વિડીયો વાઇરલ થઇ રહ્યો છે. આ વિડીયો એક સિરિયલનો છે. જેમાં એક મા એની દીકરીનાં શિક્ષકને ખખડાવી રહી છે. કહી રહી છે કે હું જે ટિફિન સર્વિસ ચલાવીને પૈસા કમાઇને 80 હજાર ફી ભરું છું એમાંથી તમારો પગાર નીકળે છે એટલે મારી દીકરી જો ડોબી રહી જાય તો એમાં શરમ પેરેન્ટસને નહીં પણ એનાં ગુરૂને આવવી જોઇએ!’ પોતે સંતાનોની જે ફી ભરી રહ્યા છે એમાંથી શિક્ષકોનો પગાર નીકળે છે એવું માનનારા ઘણાં મમ્મી-પપ્પાઓએ આ વિડીયોને પૂરા અભિમાન અને ગૌરવ સાથે વાઇરલ કર્યો છે. સિરિયલની ટીઆરપીની જેમ જ વોટ્સએપ ગ્રુપોમાં આ વિડીયો ઘણી સારી ટીઆરપી મેળવી રહ્યો છે ત્યારે મારો સવાલ એક જ છે કે શિક્ષક તો જ્ઞાન આપતા આપશે પણ મા-બાપ તરીકે આપણે આપણાં સંતાનોને શું શીખવી રહ્યા છીએ? શિક્ષક એ પગારદાર નોકર છે અને જ્ઞાન ખરીદી શકાય છે એવું? પૈસા ચૂકવવાથી ડોબું સંતાન હોંશિયાર થઇ જાય? શિક્ષકનાં ખાતામાં પગાર જમા થઇ જવા માત્રથી પરીક્ષામાં સારા માર્કસ લાવી આપવાની સંપૂર્ણ જવાબદારી એકમાત્ર શિક્ષકની થઇ જાય? આપણે ‘ગુરૂદેવો ભવ:’ની સંસ્કૃતિમાંથી આવીએ છીએ. આપણી પરંપરા ગુરૂશિષ્યની પરંપરા છે. શિક્ષણ એ કોઇ રેસ્ટોરન્ટમાં મળતું મલાઇ કોફ્તા નથી કે શિક્ષક મલાઇ કોફ્તા બનાવતો શેફ નથી કે મીઠું ઓછું પડ્યું એટલે બિલ ચૂકવું છું...એવી દાદાગીરી કરી એને ખખડાવી નખાય. જેમણે-જેમણે આ વિડીયો વાઇરલ કર્યો છે એ સૌને મારે એક વાત સાફ કહેવી છે કે શિક્ષક એ તમારા ગુલામ નથી. સંતાનની ફી ભરી તમે ન તો શિક્ષણને ખરીદી શકો છો કે ન તો શિક્ષકને. તમારા સંતાનને તમે પેદા કર્યું છે, શિક્ષકને નહીં! તમારા બાળકમાં રહેલી બુદ્ધિમત્તાનો આધાર તમે એને આપેલા જીનેટિક્સ પર રહેલો છે, શિક્ષકો પર નહીં. તમારા સંતાનની ઇન્ટલેક્ચુઆલિટી, કોમન સેન્સ માટે તમે જ જવાબદાર છો, એનો શિક્ષક નહીં. શિક્ષક ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ શીખવી શકે, શિક્ષક પાયથાગોરસનો પ્રમેય શીખવી શકે, શિક્ષક ઉમાશંકર જોષીની કવિતા સમજાવી શકે, શિક્ષક અકબરનું શાસન કે મુઘલ સલ્તનતની વાતો કરી શકે, સંગીતનો રાગ ગવડાવી શકે કે ચિત્રકામની રેખાઓ દોરાવી શકે, પાઠ્યપુસ્તકનાં બે પૂંઠા વચ્ચે લખાયેલી લીટીઓને કેવી રીતે યાદ રાખવી, કેવી રીતે સમજવી એનાં ટૂંકા રસ્તાઓ બતાવી શકે પણ શિક્ષક તમારા સંતાનને બદલે ભણી શકે નહીં કે એને ભણવા માટે તૈયાર કરી શકે નહીં. એને ભણવા માટે અને ભણતા રહેવા માટે તૈયાર કરતા રહેવાની જવાબદારી સંપૂર્ણપણે મા-બાપની છે, શિક્ષકની નથી. એક રાજા હતો. એકવાર રાત્રે એ નગરચર્યા પર નીકળ્યો. એક વાડીમાં એણે જોયું કે એક માણસ દસ ફૂટ દૂર ઊભા રહી એના હાથ લાંબા કરી કેરીઓ તોડી રહ્યો હતો. બીજા દિવસે સવારે એણે એ માણસને દરબારમાં બોલાવ્યો અને એને કહ્યું કે આ વિદ્યા મને પણ શીખવ. સાત દિવસ સુધી પેલા માણસે રાજાને આ વિદ્યા શીખવવાનો પ્રયાસ કર્યો પણ રાજા શીખી શક્યા નહીં. કંટાળીને રાજાએ એનાં સેનાપતિને પૂછ્યું કે હું શીખી કેમ નથી શકતો? ત્યારે સેનાપતિએ રાજાને કહ્યું કે હે રાજાજી, તમે જ્યારે પેલા માણસ પાસેથી જ્ઞાન મેળવી રહ્યા છો ત્યારે તમે ઊંચા આસને બેઠા હો છો અને પેલો માણસ તમારાથી નીચા આસને બેઠો હોય છે. જેની પાસે જ્ઞાન લેવાનું હોય એને ઊંચા આસને બેસાડવો પડે. બીજા દિવસે રાજાએ આવું કર્યું અને એમને એ વિદ્યા આવડી ગઇ. વાત બહુ સાફ છે. જે જ્ઞાન આપે છે એનું આસન ઊંચું હોવું જોઇએ. આપનારનો હાથ હંમેશાં ઉપર જ હોય અને લેનારનો નીચે! મારે પ્રત્યેક મમ્મી-પપ્પાને એક સવાલ પૂછવો છે કે તમારા સંતાનને જે ભણાવે છે એ શિક્ષકને તમે શું સમજો છો? ગુરૂ? સામાન્ય બી.એડ. કે એમ.એડ. થયેલો શિક્ષક કે માસ્ટર? યુ ટ્યૂબ પર જોઇને પનીર બટર મસાલા બનાવતા શીખવું અને યુ ટ્યૂબ બતાવીને દીકરા કે દીકરીને એકડો ઘૂંટતા શીખવવું આ બંને ઘટના વચ્ચે બહુ મોટો ફર્ક છે. જો તમે એવું માનતા હોવ કે તમે તમારા સંતાનને હોમવર્ક કરાવી શકો છો એટલે તમે એને ભણાવી પણ શકો જ તો તમે સદંતર ખોટા છો. જ્યારે તમે તમારા સંતાનને સ્કૂલમાં ભણવા મૂકો છો ત્યારે ‘ગુરૂ દેવો ભવ:’નો શ્લોક જાતે સાંભળો છો ખરા? તમારા સંતાનને સંભળાવો છો ખરા? આ શ્લોકનો ભાવાર્થ કે અનુવાદ કરી એને મનમાં, દિમાગમાં ઉતારો છો ખરા? ગુરૂ દત્તાત્રયે ચોવીસ ગુરૂઓ કર્યા. સચિન તેંડુલકરે પોતાનાં ગુરૂ આચરેકરનું સદાય સન્માન કર્યું. વાલી હોય કે વિદ્યાર્થી હોય એણે શિક્ષકનું સન્માન કરવું જ પડે. તમારા ઘરે ઝોમેટોની ડિલિવરી કરવા આવતા છોકરાને જો એક ગ્લાસ પાણી પૂછી શકતા હો તો તમારા સંતાનનાં જીવનમાં પાઠ્યપુસ્તકનાં બે પૂંઠા વચ્ચે લખાયેલા વાક્યોની ડાયરેક્ટ ડિલિવરી કરનાર શિક્ષકને થોડું સન્માન આપવું જોઇએ એવું નથી લાગતું? શિક્ષક એ આપણા ઘરે કે ઓફિસે રાખેલો પગારદાર માણસ નથી કે એને ધમકાવી-દબડાવી શકો. જો તમે એવું માનતા હોવ કે તમારું સંતાન એના શિક્ષકને કારણે ડોબું રહી ગયું છે તો તમારી પાસે ઓપન સ્કૂલિંગનો ઓપ્શન ખુલ્લો છે. માના સ્તર પર જઇને ભણાવે એ માસ્તર...આ વ્યાખ્યા ખોટી છે અને સદંતર ખોટી છે. શિક્ષક એ શિક્ષક જ છે, તમારા બાળકની મા નથી અને જો માના સ્તર પર જઇને જ ભણાવવાનું હોય તો એની મા એને ઘરે જ ના ભણાવી શકે? શિક્ષકનું કામ તમારા બાળકને ભણાવવાનું છે, એનાં જીવનમાં શિસ્તને ઉતારવાનું છે. શિક્ષકે શીખવેલી વાતો બાળક આડે હાથે ન મૂકી દે એ ધ્યાન રાખવાની જવાબદારી પેરેન્ટ્સની છે. ફી ભરવા માત્રથી કે એને જુદા જુદા પ્રકારનાં ક્લાસિસમાં મૂકી દેવાથી મા-બાપ પોતાની જવાબદારીઓ વચ્ચેથી છટકી શકે નહીં. જે તમારા બાળકને ભણાવે છે એના પ્રત્યે ગ્રેટિટ્યૂડ તો દાખવવો જ પડે. બાકી, એક વાત ખાસ યાદ રાખજો, શિક્ષકનું ઘર એનાં બે કાન વચ્ચે રહેલા દિમાગમાં કેળવાયેલા જ્ઞાનથી ચાલે છે, તમારા કમાયેલા પૈસાથી કે તમે ભરેલી ફીથી નહીં! dadawalaesha@gmail.com

અન્ય સમાચારો પણ છે...