જલ્પા અને કૌશિકનાં લગ્નને પાંચ વર્ષ થયાં હતાં. બંને નોકરી કરતાં હતાં અને જલ્પા નોકરી અને ઘરની જવાબદારી નિભાવતી હતી. પોતાની બંને જવાબદારીઓ વચ્ચે તે ક્યારેક થાકી જતી અને ક્યારેક આરામના મૂડમાં હોય તો પણ થાક ખૂબ છે તેવાં બહાનાં બનાવતી. કૌશિક ઘણીવાર રાત્રે તેની નજીક જવાનો પ્રયત્ન કરો અને તેની પાસે જઇને તેને પ્રેમ કરવાનો પ્રયત્ન કરતો. તેના માથે અને શરીરે હાથ ફેરવીને પોતાને તેની જરૂર છે, તેવો અનુભવ કરાવવાનો પ્રયત્ન કરતો. જલ્પા તેની વાતને અને સ્પર્શને સમજતી હોવા છતાં તેનો મૂડ ન હોવાના કારણે કે ઇચ્છા ન હોવાના કારણે કંઇક ને કંઇક શારીરિક બહાનાં બનાવી દેતી. કૌશિકને પણ સમય જતા અહેસાસ થવા લાગ્યો કે દર વખતે જલ્પાને તકલીફ જ હોય તેવું હોય તે શક્ય નથી. પરિણામે કૌશિક તેનાથી દૂર થવા લાગ્યો અને સામે પક્ષે જલ્પા પણ ક્યારેય તેને પોતાની નજીક આવવા દેતી નહીં અને શારીરિક સંબંધ માટે કોઇ પ્રયત્ન કરતી નહોતી. કૌશિક મનમાં ને મનમાં અકળાવા લાગ્યો. તેણે એક-બે વાર જલ્પા સાથે વાત કરવાનો અને પોતાની ઇચ્છાઓને વ્યક્ત કરવાનો પ્રયત્ન કર્યો પણ જલ્પા તરફથી તેને ઠંડો જ રિસ્પોન્સ મળતો. જલ્પા હંમેશાં શારીરિક સંબંધ બાંધવા માટે કંઇકને કંઇક બહાનાં કરતી જ રહેતી હતી. તે કૌશિક સાથે વાત કરવા માટે પણ સમય કાઢતી નહોતી. પરિણામે કૌશિકને હવે તેના જીવનમાં કોઇના પ્રેમ અને હૂંફની જરૂર મહેસૂસ થવા લાગી. તે તેની જ ઓફિસમાં કામ કરતી એક યુવતીના સંપર્કમાં આવ્યો અને ધીમે ધીમે બંને વચ્ચે શારીરિક સંબંધો બંધાયા. કૌશિકને જીવનમાં હવે પ્રેમ, હૂંફ, શારીરિક ઇચ્છાઓની તૃપ્તિ બધું જ મળી રહ્યું હતું. હવે તેને મનમાં ને મનમાં જલ્પા સાથે રહેવાની કોઇ જરૂર નથી તેવું લાગવા લાગ્યું અને સમય જતા તેણે જલ્પાથી છૂટા પડીને તે યુવતી સાથે જીવન વિતાવવાનો વિચાર કર્યો. બંનેને સંતાન નહોતું તેથી કૌશિક માટે જલ્પાને મુક્ત કરવી વધારે સરળ બની રહેશે તેવું તેને લાગ્યું. જ્યારે કૌશિકે જલ્પા સામે આ વાત મૂકી ત્યારે જલ્પાને તેનાં બહાનાંનું આવું પરિણામ મળશે તેવી કલ્પના પણ નહોતી. હવે બહું મોડું થઇ ગયું હતું. જલ્પાને તેની ભૂલો સમજાઇ પણ કોઇ જ ઉપાય નહોતો અને બંને સમજણથી છૂટા પડી ગયાં. કૌશિકે બીજા લગ્ન કરી લીધા અને જલ્પા પાસે ખોટી રીતે કરેલા બહાનાં સામે પસ્તાવા સિવાય કોઇ વિકલ્પ રહ્યો નહોતો. જલ્પા જેવી ઘણી સ્ત્રીઓ હોય છે કે જે ફક્ત શારીરિક સંબંધ ન બાંધવા માટે અનેકવાર ખોટાં બહાનાં કરતી હોય છે. જેમાં સૌથી વધારે માથું દુખવું, થાક લાગવો, શરીર દુખવું, કંટાળો આવવો, મૂડ નથી, આજે ઇચ્છા નથી, કામ વધારે હોવાથી થાકી જવું, કામનું પ્રેશર અને ટેન્શન રહેવું, આજે સારું નથી લાગી રહ્યું, બાળકો જાગી જશે, મને પીરિયડ્સ આવવાના છે કે આવી ગયા છે, આજનો દિવસ ખૂબ તકલીફમાં પસાર થયો એટલે મન નથી જેવાં અનેક બહાનાં હોય છે. શારીરિક સંબંધ ન બાંધવા માટે પુરુષોની સરખામણીએ મહિલાઓ સૌથી વધારે બહાનાં કરતી જોવા મળે છે. લગ્ન બાદ લગ્નેત્તર સંબંધોમાં પુરુષો પહેલાં પડતા જોવા મળે છે. તેનું એક મહત્ત્વનું કારણ લગ્નજીવનનું ફ્રસ્ટ્રેશન જ હોય છે. લગ્ન બાદ પુરુષોને પત્ની તરફથી જે પ્રેમ, હૂંફ, લાગણી અને સેક્સ મળવા જોઇએ તે ક્યાંક ને ક્યાંક પત્નીના બહાનાંઓને લીધે પણ ઓછાં થવા લાગે છે અને કેટલીકવાર તો શૂન્ય થઇ જતાં હોય છે. તેવા સંજોગોમાં પ્રેમ અને સેક્સની સતત ઝંખના અને ઇચ્છા ધરાવતો પુરુષ પરસ્ત્રી તરફ આકર્ષાયા વિના રહેતો નથી. પુરુષ તે સ્ત્રી તરફ ઝડપથી આકર્ષાવા લાગે છે, જેના તરફથી તેને શારીરિક સંબંધની તૃપ્તિ મળે છે. જે પુરુષોને સતત સમાગમથી કે શારીરિક સંબંધ બાંધવાથી તેની પત્ની દૂર રાખે તો તે અન્ય સ્ત્રી તરફ આકર્ષાવા લાગે છે. તેના માટે તેમને કોઇ દુ:ખ કે આત્મગ્લાની થતી નથી. આ અંગે અનેક રીસર્ચ થતાં રહેતાં હોય છે. જેમાં 75 ટકા પુરુષોનું કહેવું હોય છે કે તેઓ પોતાના પાર્ટનરને સમાગમ માટે તૈયાર કરવાનો પ્રયત્ન કરે છે પણ તેમના તરફથી તેમને પોઝિટિવ રિસ્પોન્સ મળતો નથી. પરિણામે તેઓને અન્ય મહિલા તરફ આકર્ષણ થવાનું મજબૂત કારણ મળી જાય છે. આ રીતે પછી જ્યારે પુરુષોના સંબંધની ઘરમાં ખબર પડે કે પુરુષ તરફથી પત્નીને છોડવાની વાત આવે ત્યારે બદનામી ફક્ત પુરુષની થતી જોવા મળે છે. તેથી દરેક સ્ત્રીના હાથમાં છે કે પોતાના પતિને અને પોતાના સંબંધને પ્રેમથી અને સાચી સ્પષ્ટતાથી સાચવીને રાખવો જોઇએ.medha.pandya@gmail.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.