હળવાશ:‘જો, ફાઈલોના આમ જોવા જાઓ તો ઘણા પ્રકાર છે...!’

એક મહિનો પહેલાલેખક: જિગીષા ત્રિવેદી
  • કૉપી લિંક

‘તે હું સુ કઉ છું...કે...આ... ફાઈલોના આશરે પ્રકાર કેટલા હોય?’ હંસામાસીએ પૂછ્યું...એટલે કલાકાકીએ સામે સવાલ કર્યો, ‘કેમ?’ તો હંસાગૌરી ચિડાયાં, ‘અરે તમે પેટા પ્રશ્નો કર્યા વગર મારા સવાલનો જવાબ આલો ને આવડતો હોય તો...’ ‘એમ નઇ... તમારો સવાલ જ ક્લિયર નહીં હોય એટલે પૂછંુ છંુ...’ કલાકાકીએ કલેરિટી કરી એટલે હંસામાસીએ એમને સમજાવ્યાં, ‘તમે પહેલાં આનો જવાબ આલો ને, કલેરિટી કરું છું પછી એનો ટાઈમ આવે ત્યારે... બધુ શ્ટેપ બાય શ્ટેપ જ આગળ જવાય... તમે ચાર ઓપ્સનો આલો... એમાંથી હું સિલેક્ટ કરું.’ ‘અલા પણ તમારે ફાઇલોના પ્રકાર જાણીને કામ સુ છે એ તો કહો...’ કંકુકાકીએ જુદી રીતે એનો એ જ પ્રશ્ન પૂછ્યો... એટલે હંસામાસીએ મિજાજ ગુમાવ્યો, ‘તમે લોકો છે ને, કોઇની સમસ્યા ઉકેલો એવી આશા જ ઠગારી... એક સીધા સવાલનો જવાબ આલવામાં તમને લોકોને પેટમાં સુ દુખે છે એજ નઇ હમજાતું મને તો.’ ‘તમારો પ્રોબ્લેમ જ એ છે... તમને એમ લાગે છે કે તમારો સવાલ સીધો છે... પણ અસલમાં એવું નહીં યાર... તમારો સવાલ થોડો અઘરો છે... એનો મુદ્દાસર જવાબ આલવા માટે અમુક પ્રશ્નો જરૂરી છે... હમજો તમે!’ લીનાબહેને એમને ટાઢા પાડયાં... પણ હંસામાસી વધારે છંછેડાયાં... ‘તમે યાર સવાલના પ્રકારમાં ના પડો ને..., મને ખાલી ફાઇલોનો પ્રકાર કહો કહેવો હોય તો... અને આવડતો હોય તો... નકર હું પડતો મૂકું આ સવાલને.’ ‘ઓકે... જો, ફાઈલોના આમ જોવા જાવ તો ઘણા પ્રકાર છે.’ લીનાબહેને મુદ્દાસર જવાબ આપવાનું નક્કી કરીને સ્ટાર્ટ કર્યું... (મને એમ હતું, કે હમણાં નાની મોટી કે મીડિયમ સાઇઝથી લઈને પૂંઠાની ફાઇલ, ઘોડા ફાઇલ કે પછી પ્લાસ્ટિકની ફાઇલ ફોલ્ડર એવું બધંુ આવશે... ત્યાં તો હું ચકભમ થઈ જઉ એવા પ્રકારો વિશે જાણવા મળ્યું.) ‘જો, ફાઇલ એ આખો વિષય જ બહોળો છે... એના ઉપર ચર્ચા કરવા માટે આમ તો ખાસ્સો સમય જોઈએ... તેમ છતાં હું તમને ટૂંકમાં કહું તો... દુનિયામાં મહદઅંશે જે પ્રકારો જોવા મળે છે, તે રીતે જોવા જઇએ... તો એના મેઇન મેઇન પ્રકારમાં મુખ્યત્વે ત્રણ પ્રકાર છે... જે આ મુજબ છે... એક ડોક્ટરની ફાઇલ, બે વકીલની ફાઇલ અને ત્રીજી કે જે વિશ્વ કક્ષાએ સૌથી વધારે અસ્તિત્વ ધરાવે છે, તે છે... અમેરિકાની ફાઇલ. હવે આ ત્રણેયમાં કાગળિયા આપડા અને પૈસા ય આપડા... પણ બીજી બે ફાઇલોમાં અને અમેરિકાની ફાઇલમાં એક નાનો અમથો ફેર... પેલા બંનેમાં એ લોકો આપડાને આલે અને આમાં આપડે આલવાની... અને એનું પણ એક કારણ છે... જો, પેલા બેયમાં આપડે એ લોકોને સિલેક્ટ કર્યા હોય... એટલે એ લોકા ફાઇલની સેવા આલે... જ્યારે આમાં એ લોકો ફાઈલોને આધારે આપણને સિલેક્ટ કરે... એટલે આપડે આલવાની.’ ‘હવે વાત એવી છે કે મારા ઘરે તમે ફાઇલોનો ચોથો જે પ્રકાર કહેવાનો ભૂલી ગયા છો એ આમની ‘ઓફિસની ફાઈલો’ જે ઢગલો પડી છે એમનેમ ધૂળ ખાતી...તે મને સવાલ હતો મનમાં કે આનો ઉપયોગ સુ? પણ આ બધું હાંભળીને હવે મને આઇડિયા આવી ગયો કે સુ કરવું જોઈએ... મને એમ થાય છે કે આ ફાઈલો હું અમેરિકા આલવામાં જ વાપરી શકીશ. એ બહાને અમેરિકા જઈ અવાય... આમે ય એ સિવાય બીજો કોઈ ઓપ્સન જ નહીં.’ હંસામાસીએ સમજીને નિર્ણય કર્યો. ‘અલા... પણ એકલી ફાઇલોથી કસુ નઇ થાય... ખરેખરું તો વીઝા જોઈએ અમેરિકા માટે.’ સવિતાકાકીએ અમેરિકા માટેની બીજી મહત્ત્વની જરૂરિયાત સ્પષ્ટ કરી એટલે હંસામાસીને લાગી આવ્યું, ‘ઓ બહેન..., લગ્ન ન કર્યા હોય એ લોકો જાનમાં તો ગયા જ હોય અને મને એટલી તો ખબર છે કે વીઝા માટે બી પહેલાં તો ફાઈલો જ મૂકવાની હોય... અને એ ફાઇલોના આધારે જ વીઝા મલે... અને તમે જોજો ને... હું ફાઈલોને એવી સરસ શણગારીસને કે એ લોકોને ગમી જ જાય... અને એ લોકો મને વીઝા આલી દે... આમે ય મને રસોઈ-શો જોઈ જોઈને કોઈ બી વાનગીને ગારનીસિંગ કરતાં આવડી ગયું છે...’ ‘પણ વીઝા લઈને તમે સુ કરસો...? જવાના છો અમેરિકા? એના કરતાં તમને એક વણમાગી સલાહ આલુ? તમે અમેરિકા માટે થઈને આ ફાઈલો ના બગાડો યાર... આમે ય તમે એકલાં સુ કરસો અમેરિકા જઈને... એના કરતાં હજી થોડી ફાઈલો ભેગી થવા દો... ને પસ્તીમાં આલી દો... કિલોએ પાંચ હાત રૂપિયા ભાવ હસે તો ય દહ-બાર કિલો ભેગી થસે, તો ભેગા થઈને પાર્ટી કરીસું વડા પાંવની... સુ કહો છો...? અને હું તો વળી એમ કહું, કે આપડા ઘેર બી જે વધારાની ફાઈલો પડી હોય, એ બી આલી દઈએ... ભેગી થસે, તો એમાંથી કદાચ બે-તૈણ વાર વડા-પાંવની પાર્ટી થઈ હકે.’ હંસામાસી અમેરિકા ના જાય એટલા માટે લીનાબહેન એમનાથી બનતું કરી છૂટયાં. વડા-પાંવનું સાંભળીને હંસામાસીએ માંડી વાળ્યું અમેરિકા ફાઇલ મૂકવાનું... અને કાલે પસ્તી લેવા ભાઈ આવે, ત્યારે સૌના ઘરની ફાઈલો ભેગી કરીને એમને આપવાનું નક્કી કર્યું. હું વારી ગઈ આ બધા પર... મીઠડાં લીધાં મેં તો એ બધાંયને સમાવી શકાય એટલા પહોળા હાથ કરીને....

અન્ય સમાચારો પણ છે...