વાહન ચલાવવાના તમારા અનુભવોને યાદ કરો. ગાડીએ તમને સગવડો તો પૂરી પાડી જ છે, પણ બીજું શું શું આપ્યું? હવે તમે બીજા પર નિર્ભર નથી. જોકે જ્યારે પણ જરૂર પડે ત્યારે તમારા પિતા, ભાઈ, પતિ અથવા પુત્ર તમારી મદદ માટે હાજર જ હોય છે, પણ હવે તમારું શિડ્યૂલ બનાવવા માટે તમે સક્ષમ છો. તમે જાણો છો કે કોલેજ અથવા ઓફિસ પહોંચવામાં 20 મિનિટ લાગે છે તો એ મુજબ બધી તૈયારી કરો છો. તમારે કોઈ વાહન માટે પણ રાહ જોવી પડતી નથી. આ ઉપરાંત રસ્તામાં અન્ય કામો પણ પૂરા કરી શકો છો, શોપિંગ કરી શકો છો. આ સાથે કોઈ મિત્રના સારા-નરસા પ્રસંગમાં તેની મદદ કરી શકો છો. જાતે ડ્રાઈવ કરવાનાં એક નિર્ણયથી તમારા જીવનમાં કેટલું પરિવર્તન આવ્યું છે. બની શકે કે તમને શરૂઆતમાં થોડો ડર અને ખચકાટ રહ્યો હશે અને થોડું તણાવભર્યું પણ રહ્યું હશે, પણ આજે જ્યારે તમે સહજ રીતે ગાડી ચલાવી લો છો ત્યારે કેટલું સારું લાગે છે. યાહુની સીઈઓ મેરિસા મેયર કહે છે, ‘હું હંમેશાં એવું કંઈ કરતી રહું છું, જેને લઈને મારા મનમાં થોડો ખચકાટ થતો હોય. મારું માનવું છે કે, આ રીતે જ તમે તમારો ગ્રોથ કરો છો.’ જીવનના મહત્ત્વનાં ક્ષેત્રોમાં જુઓ કે, ક્યાંક તમે કારણ વગર અન્યો પર તો નિર્ભર નથી ને! પછી ભલે એ તમારાં પરિવારજનો કેમ ન હોય. તમારા જીવનના બંધ દરવાજામાં ડોકિયું કરો. અંતરાત્માને ઢંઢોળો. શક્ય છે કે તમારી જીવનની ગાડી ચાલતી રહેતી હોય. જરૂર પડે ત્યારે મદદ પણ મળી રહેતી હશે, પણ બદલામાં તમે તમારા આત્મવિશ્વાસ, આત્મનિર્ભરતા અને આત્મનિર્ણયથી વંચિત રહી મોટી કિંમત ચૂકવો છો. આ મહિલા દિવસનો મંત્ર છે જાતને કેન્દ્રમાં રાખો. જાતને ઓળખો. આ વાતને સાડીના કે દુપટ્ટાના છેડે અથવા રૂમાલમાં ગાંઠ બાંધી રાખો. અન્યો માટે તમે ઘણું કર્યું છે, અને સ્વાભાવિક રીતે તમારી જવાબદારીરૂપે આગળ પણ કરતા રહેશો, પણ હવે થોડું પોતાનાં પર પણ ધ્યાન આપવાનું શરૂ કરો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.