તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હળવાશ:‘બ્રેકમાં સરખો પ્લાન કરતા હોય તો બબ્બે સિરિયલ પતે અડધા કલાકમાં...’

જિગીષા ત્રિવેદી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ‘અરે, સિરિયલ કોમેડી હોય તો તો આપણે ચલાઈ લઈએ યાર...પણ આ હાહુ-વહુમાં તો કન્ટિન્યુટી જાળવવી કંપલસરી છે યાર...બીજું તો કંઈ નંઇ પણ આપણો ટેન્શનનો આખો મૂડ જતો રહે છે યાર...! બ્રેક કેમ આવતો હશે? અને બ્રેક આવે ચાલો હમજ્યા...પણ એમાં જાહેરાત કેમ આલે છે આ લોકો?’

‘આ ખોટું યાર...’ હંસામાસીએ છણકો કરતાં ડોકાની સ્પ્રિંગ જમણી બાજુ છટકાવી. ફોર્સ એટલો બધો હતો કે નાકમાંથી નિર્દોષ ભાવે જ છંટકાવ થઇ ગયો. ફૂવારો સીધો સવિતાકાકીનાં મુખકમળને સ્પર્શયો, પણ એનાથી એમને કંઇ બહુ ફેર પડ્યો હોય એવું લાગ્યું નહીં. એમણે પરસેવો લૂછતાં હોય એટલી જ સ્વાભાવિક રીતે પાલવ ફેરવી દીધો ને જીવનનું સત્ય ઉચ્ચાર્યું, ‘ખોટું કે ખરું...જે છે એ આ જ છે અને આમ જ ચાલશે. તમને ગમે કે ના ગમે, પણ સ્વીકારવું જ રહ્યું...’ ‘એમ ના ચાલે ને યાર...! બધા પોતાને મનફાવે એમ કરે એ તો કાંઇ ચાલતું હશે યાર...! અને આપડો સહેજે વિચાર જ નહીં કરવાનો?’ કંકુકાકીએ પણ ઊભરો કાઢ્યો. ‘આપડા થકી જ તો એ લોકોની બોલબાલા છે અને એ લોકો આપણી જોડે જ આવું કરે યાર...! દુ:ખ તો થાય યાર.’ કલાકાકીએ અપાર દુ:ખ સાથે સજ્જડ રીતે વાંધો ઉઠાવ્યો. હંસામાસીએ જરાક અમથી વાત ઉચ્ચારી એ ભેગા બધા ઢાળમાં ગાડી હાંકવા માંડ્યાં...આ લોકો અંદર અંદર એકબીજાને ક્યારે લિન્ક શેર કરી નાખે છે એ જ મને તો ખબર નથી પડતી, પછી ખબર નહીં...કદાચ મેઇન સર્વર એક જ છે આ લોકોનું. કોઈ મેમ્બર ‘ક’ બોલે ને આખી બારાખડીની ખબર કેવી રીતે પડી જાય છે. મારે તો હવે રાહ જોવી જ રહી. વળી વાર્તાલાપ આગળ ચાલ્યો. ‘પણ મને એ ખબર નથી પડતી, કે એ લોકોને આમાં શું મજા આવે છે આપણને હેરાન કરીને...!’ સવિતાકાકીએ વગર વાંકે હેરાન થતાં હોય એમ છંછેડાઈને આવું કીધું એટલે કંકુકાકી પણ દાંત ભીંસીને બોલ્યાં, ‘મને મળે તો તો હું સીધા દોર કરી નાખું પણ મળતા નથી એની જ મોકાણ છે.’ ‘અરે, ક્યાં મળે એ પણ નથી ખબર, નહિંતર હું તો વારો જ કાઢી નાખું એ લોકોનો...’ કલાકાકી પણ પોતાની જીભરૂપી શસ્ત્ર પર ગૌરવ કરતાં પૂરા જુસ્સા સાથે વાતમાં જોડાયાં. હવે તો મને મગજમાં ખંજવાળ આવવા માંડી ત્યાં હંસામાસીએ જ મુદ્દા પર પ્રકાશ પાડ્યો, ‘બીજું બધું તો ઠીક પણ આવું થાય એટલે લિન્ક તૂટી જાય આપણી...જોરદાર ક્લાઇમેક્સ આવ્યો હોય ને જાહેરાત આવે...’ આ સિરિયલમાં વચ્ચે આવતા બ્રેકની વ્યથા છે એ જાણીને હું માથું ભટકાડવા ખૂણો શોધતી લમણે હાથ દઈને બેસી રહી કારણ કે બ્રેક કેમ આવે છે એ જાણવાનો મારો હક નંઇ! ‘અરે, સિરિયલ કોમેડી હોય તો તો આપણે ચલાઈ લઈએ યાર...પણ આ હાહુ-વહુમાં તો કન્ટિન્યુટી જાળવવી કંપલસરી છે યાર...બીજું તો કંઈ નંઇ પણ આપણો ટેન્શનનો આખો મૂડ જતો રહે છે યાર...!’કંકુકાકીએ પોતાને થતી તકલીફ જણાવી. ‘ખાલી અહીં નહીં...બધે આ જ પ્રોબ્લેમ છે. આ કથામાં પણ જુઓ તમે...વચ્ચે વચ્ચે ભજન નથી આવી જતું? એવું યાર...’ સવિતાકાકીએ પ્રોપર સરખામણી કરીને ઉદાહરણ સાથે ટેકો આપ્યો. ‘પણ બ્રેક કેમ આવતો હશે? અને બ્રેક આવે ચાલો હમજ્યા...પણ એમાં જાહેરાત કેમ આલે છે આ લોકો?’ એમાં બીજી સિરિયલ આપી દેતાં હોય તો એક હારે બબ્બે સિરિયલ પતે અડધા કલાકમાં...બળ્યું આપણો પણ ટાઈમ બચે, પણ હમજે કોણ?’ કંકુકાકી અપાર અફસોસ સાથે બોલ્યા, એટલે હવે લીનાબહેને પોતાના ઓટલાથી સભામધ્યે પ્રવેશ કર્યો, ‘અરે, એને ઇન્ટરવેલ કે’વાય...આ આપડે થિયેટરમાં પિચ્ચર જોવા જઈએ છે, એમાં આવે છે ને? એનું જ મિનિ સ્વરૂપ...’ ‘પણ અલા...એમાં તો અઢી કલાકે દહ મિનિટ હોય ખાલી...’ કલાકાકીએ ઇન્ટરવલના સમય વિશે ચોખવટ કરી એટલે લીનાબહેને વિગતે સમજાવ્યું..., ‘પણ તમે લોજિકલી જોવા જાવ તો એમાં ને આમાં આસમાન જમીનનો ફેર બી ખરો ને યાર...એમાં તૈણ કલાક ને આમાં તો હો-બહો કલાક...અને બીજું એમાં મેઇન સ્ટોરીમાં ક્લાયમેક્સ પણ એક-બે જ હોય...જ્યારે આમાં તો લગભગ સ્ટોરી હોતી જ નથી...નકરા ક્લાયમેક્સો જ હોય એટલે હામે નેચરલી એટલા ઇન્ટરવેલ બી વધી જ જાય ને! હમજો તમે.’ એકધારું બોલી ગયા, એટલે વચ્ચે શ્વાસ ખાધો બે-ત્રણ સેકન્ડ...પાછું જ્ઞાન પીરસવાનું ચાલુ કર્યું, ‘અને પૈસા બી જોવા પડે...પેલું તૈણ કલાકના તૈણસો જેટલા લઈ લે, જ્યારે આમાં તૈણસો રૂપિયામાં તો અધધધ સિરિયલો જોવા મલે...અને એમાં ય અગણિત ક્લાયમેક્સ...આ તમે ખમણ ને ભજીયા અને ગાંઠિયા સાથે તળેલાં મરચાં વધારે માગો છો કે નંઇ? અને વચ્ચે વચ્ચે એની મજા લો છો ને? એવી રીતે બ્રેકની મજા લો યાર...જીવનમાં આનંદ કરો...આવા ખોટા વાંધા પાડીને બળતરા ના કરો. તો જ સુખી થશો...હમજ્યા!’ તત્ત્વજ્ઞાન લાંબુ ચાલ્યું એટલે પાણી પીધું વચ્ચે...પછી તેઓશ્રી સમાપન કરતાં બોલ્યા, ‘એટલે ખરું જોવા જઈએ તો બ્રેક તો હક છે એ લોકોનો...અને જો બહેન, કોઈનો હક આપડાથી ના છીનવાય...’ મારા સહિત ત્યાં બેઠેલા તમામનો બ્રેક તરફનો દૃષ્ટિકોણ બદલી નાખ્યો બોલો...હું અહોભાવથી ગદગદ થઈ એમની સામે જોઈ રહી.

અન્ય સમાચારો પણ છે...