તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હળવાશ:બે દા’ડા ફરવા જઇએ તો કોઈ વેલ્યૂ જ ના રહે...

જિગીષા ત્રિવેદી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જયતિએ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં લેક્ચરરની જવાબદારી નિભાવી છે. ભારતની શિક્ષણ સંસ્થાઓમાં વિઝિટિંગ ફેકલ્ટી પણ રહી ચૂક્યાં છે

હું સુ કઉ છું. અડધી દુનિયા ફ્રેસ થવા ક્યાંક ને ક્યાંક જઇ આઈ. તે આપડે બી ફ્રેન્ડઝૉ ફ્રેન્ડઝૉ જઈએ યાર કસે.’ હંસામાસીએ ધીરેથી પ્રસ્તાવ મૂક્યો. ‘તો નક્કી કરો હેંડો. આપડે તો રેડી જ છીએ.’ કલાકાકીએ એમની વાતને તરત વધાવી લીધી. ‘મને ય જવામાં કોઈ વાંધો નથી. પણ પાછા આઇને દમ નીકળી જાય છે યાર. કપડાંના ઢગલે ઢગલા.’ સવિતાકાકીએ ડ્રો-બેક વિષે માહિતી આપીને સંમતિ જણાવી, ‘પણ પહેલાં એ તો કહો કે જઇસુ ક્યાં?’ ‘નજીકમાં જ ક્યાંક જઈએ. એટલે બે તૈણ દા’ડામાં પાછા. સસ્તું ભાડું ને સિધ્ધપુરની જાત્રા. આબુ જઇ આઈએ.’ કંકુકાકીએ પોતાની ઈચ્છા જણાવી તો હંસામાસીએ વાંધા અરજી રજૂ કરી. ‘ના હોં. નજીકમાં જવું હોય ને તો મારે નથી આવવું. બે દા’ડા ફરવા જઇએ તો કોઈ વેલ્યૂ જ ના રહે. દૂર બહાર જવું હોય તો જ આપડી હા. નકર ના. આપડા ફોટાઓમાં જોડે ભુરીયાઓ ના હોય, એ ફોટા જ સા કામના?’ ‘આઉટ સીટી બહાર તે કાંઇ જવાતુ હસે.’-કંકુકાકીએ એમની વાતઅને વખોડી કાઢી. એટલે હંસામાસીને ય પોતાની વાત સાબિત કરવાનું શૂરાતન ચડ્યુ.., ‘ત્યારે નજીકમાં જઈને હું કાંદા કાઢવાના? જો બહેન, જતા વખતની અને વળતા વખતની કેટલીક સરતો છે અને નજીકમાં જવાથી એમાંની કોઈ જ સરતોનું પાલન ના થઇ સકે. એવું ના થાય તો તો ફરવા ગયા ધૂળ બરાબર!’ ‘નજીક જવાથી ફરવા જવાનો અર્થ જ ના સરતો હોય, તો તમે કહો એમ કરીશું. બસ ! સરતો બોલવા માંડો હેંડો.’ સવિતાકાકીએ ડ્રો-બેકની ચિંતાને સાઈડ પર કરી શરતો માની રાખીને પણ ફરવા જવાની ઈચ્છા દૃઢ કરતાં પૂછ્યું એટલે હંસામાસીએ પલાંઠી વાળતા પોઝિશન લીધી અને શરૂ કર્યું. ‘પહેલી સરત તો એ કે ખૂબ બધો સામાન. હવે નજીકમાં તો માંડ બે બેગ થાય અને ફરવા માટે તૈણ બેગો તો કંપલસરી જ છે. આમ ઢગલાબંધ સામાન લઇન નીકળો તો જ બે જણ હેલ્પ કરાવે રિક્ષામાં સામાન મેલવામાં. હા, આપડાથી ના ઊંચકાય એવી એકાદ નાસ્તાની બેગ તો હોવી જ જોવે એટલે પોળના બીજા તૈણ જણ જાણે ય ખરા અને એટલા સામાન માટે અઠવાડિયુ તો કસે ને કસે જવું જ પડે.’ બોલી બોલીને થાકી ગયા એટલે પાંચેક સેકન્ડ શ્વાસ ખાધો. એ દરમિયાન કોઈએ કાંઇ પૂછ્યું નહી, એટલે એમને વાંધો પડ્યો, ‘બીજી સરત નઇ પૂછો ? જો કોઈને ફરવા જવામાં રસ જ ના હોય, તો મારે સુ કામ મારી એનર્જી વેસ્ટ કરવાની? તમારે લોકોએ જે કરવું હોય તે કરો પણ હવે મારી પાસે કોઇ સલાહ નહીં માગતા.’ ‘અરે ના ના. જવું તો છે જ ને. બીજી સરત બોલો હેંડો.’ સવિતાકાકીએ તૈયારી બતાવી એટલે એમણે પાછું વક્તવ્ય ચાલુ કર્યું, ‘પાછા વળીએ ત્યારે આપડી જોડે જો કસી વાતો જ ના હોય, તો એ સુ ધૂળ ફર્યા આપડે?’ એમનું આટલું બોલવું ને કંકુકાકીએ ટહુકો કર્યો, ‘પણ એ તો આપડે મજા કરીસું એના ફોટા મેલીસુ ને ફેસબુકમાં? ફોટા જ બધું કહી જાય. આપડે કસુ કહેવું જ ના પડે.’ અને હંસામાસીની સુપર ફાસ્ટ ટ્રેન દોડી, ‘અરે બહેન. એકલી મજા જરૂરી નથી. મજા કર્યા કરતાં તકલીફો સુ પડી એ જથ્થો આપડી જોડે પૂરતો હોવો જોવે. આ જ આપડી બીજી સરત છે. તકલીફોની વાતો હસે તો જ પાંચ-હાત જણ ભેગા થયા હસે અને ત્યારે એ લોકોમાં આપડે વર્ચસ્વ જમાઈ સકીસુ. આઉટ સીટી બહાર જઇસુ ત્યારે જ તો તકલીફો પડસે. હમજ્યા તમે!’ હંસામાસી હાંફી ગયા. ‘હમમ.’ એ દરમિયાન બે સેકન્ડ ય ખાલી ના જાય એટલે કલાકાકીએ હોંકારો ભણ્યો. ‘એટલા માટે જ કઉ છું, કે આઉટ સીટી બહાર જવંુ જ આપડા બધા માટે હિતાવહ છે. જઈસુ ત્યારથી જ તકલીફો સ્ટાર્ટ થઇ જસે. એરપોટ પર બેહી રેવું પડસે. પ્લેનમાં મૂંગે મોંઢે મોળું ધોળું ઠંડુ ગાર જેવુ ખાવું પડસે. પ્લેનમાં પગ ભટકાય એવી સાંકડી જગ્યાએમાં લાંબા સમય સુધી બેસી રહેવું પડશે અને હા, જ્યાં જઇસુ ત્યાં ખાવાનું ટેશ્ટી નઇ હોય, તો જ આપડો નાસ્તો પતસે. હારા માયલી ચ્હા મલસે નઇ એટલે માથુ દુખસે. ટેક્સી પોહાસે નઇ એટલે હાલી હાલીન પગ દુખસે. અને પાછા આઇન અડધા માંદા લાગીસુ. હેંડવામાં તકલીફ પડસે ત્યારે જ તો જ બે જણ આપડી ખબર પૂછસે હમજ્યા!’ હંસામાસીએ તકલીફોની ય રીટર્ન ટિકિટ ગણાવી એટલે સવિતાકાકી સંપૂર્ણપણે સહમત થઇ ગયા. ‘હા. વાત તો તમારી હાયચી છે હોં એલા. દૂર રહેતા હગા-વ્હાલા મજા કર્યાના ફોટા જોવે અને નજીકનાને ભેગા કરીન પોબ્લેમોની પારાયણ કરીએ. એટલે બે રીતે પ્રચલિત થવાય. ફરવા જવાના કારણમાં મૂળ મુદ્દો તો પ્રચલિત થવાનો અને પાંચ લોકોમાં પૂછાવાનો જ છે ને...’ ‘એ જ તો. આયા પછી પાંચમા ના પૂછાઈએ, તો આપડું ગયું ફેલ જાય. એટલે મૂળ મુદ્દે ફરવા જવાનું સક્સેસફૂલ ત્યારે જ થાય, જ્યારે આપડે આઉટ સીટી બહાર ફરવા જઈએ.’ હંસામાસીએ બધાના મગજમાં ઠસાવી દેતું સ્ટેટમેન્ટ આપ્યંુ. પણ મેં એક વાત નક્કી કરી લીધી. કે આ લોકો જ્યાં જશે, ત્યા હું તો એમની સાથે જઇશ જ. નજીકમાં જાય કે દૂર જાય પણ આ સંઘ કાશીએ પહોંચશે કે નહીં એ જોવાનું ભારે રસપ્રદ સાબિત થશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો