તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હળવાશ:‘સ્વભાવ ખરાબ હોય, પછી છેવટે અફસોસ કરવાનો જ વારો આવે...’

જિગીષા ત્રિવેદી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ‘એનો સ્વભાવ જ તો...વધારે પડતી વાયડી. કામ કંઇ કરે નઇ ને નકરા ખર્ચા જ કર્યા કરે. ફેસનમાંથી હાથ ના કાઢે એટલે પછી છૂટાછેડા જ થાય ને...!’

‘અરે યાર...આવું નહોતું થવું જોઈતું!’ કલાકાકીએ નિસાસો નાખતાં કહ્યું એટલે સવિતાકાકીએ આશ્વાસનના બે શબ્દો કહ્યાં, ‘એ તો જો બહેન, થવા કાળ બધું થઇને જ રહે.’ ‘પણ તો ય યાર...! આપણને અફસોસ થાય યાર.’ કલાકાકી અફસોસ વ્યક્ત કરવાનો કાર્યક્રમ ચાલુ જ રાખ્યો. ‘જો બહેન, જીવનમાં કસું થઇ હકે એમ ના હોય ને તો અફસોસ પણ ના કરવો કારણ કે અફસોસ કરવાથી કસું વળવાનું નથી અને જે થાય એ મૂંગે મોઢે જોયા કરવાનું. જીવ નઇ બાળવાનો...શું સમજ્યા! સ્વભાવ ખરાબ હોય, પછી છેવટે અફસોસ કરવાનો જ વારો આવે.’ હંસામાસી કંઇક ના સમજાય એવું ભળતું જ બોલ્યાં. ફિલોસોફીનું વાવાઝોડું છવાઈ ગયું અમારાં ચોકઠામાં... ‘સ્વભાવની વાત નહી અલા. હું એમ કહું છું કે આ રસી લીધી હોય તો ય કેમ કોરોના થાય?’ કલાકાકીએ ફોડ પાડ્યો. ‘તે પણ થાય જ અને હું હાચું જ કઉં છું. એનું મેઇન કારણ સ્વભાવ જ છે.’ હંસામાસી પોતાની વાતને અડગ રીતે વળગી જ રહ્યાં. ‘તમે તો એકદમ હો ટચના હોના જેવી વાત કરી. આપડે તમારી વાત સાથે સોએ સો ટકા સહમત...’ કંકુકાકી કોણ જાણે શું સમજ્યાં, પણ હંસામાસીની વાત સાથે સહમત થઇ ગયાં. ‘પણ સ્વભાવને રસી સાથે કેવી રીતે સેટિંગ આવે યાર?’ કલાકાકીએ પૂછ્યું. ‘આવે જ ને. જો...હું તમને હમજાઉં. આ તમારા નણંદને કોઇની જોડે બને છે?’ હંસામાસી પોતાની વાત ગળે ઉતારવા ઉદાહરણ સહિત સમજાવવા તત્પર થઈને કહેવા માંડ્યાં. ‘ના...’ કલાકાકીએ એકાક્ષરી જવાબ આપ્યો. ‘કેમ ?’ હંસામાસી તરફથી સામો પ્રશ્ન થયો એટલે કલાકાકીએ મોઢું મચકોડીને જવાબ આપ્યો. ‘એનો સ્વભાવ નઇ હારો એટલે જ તો...હં!(થોડો જોરથી છણકો કર્યો, એટલે કંકુકાકીએ માસ્ક સરખું કર્યું) ‘હવે ગમ્મે એવો સ્વભાવ હોય, તો પણ એ તમારી નણંદ મટી જવાની છે? કે પછી કોઇની ભાભી કે કાકી મટી જવાની છે? ના...અને તમે ગમે એટલું ઈચ્છો કે એ તમારા ઘેર ના આવે, તો ય એ કોક દી’ પ્રસંગે તો તમારા ઘેર આવસે જ ને? તમે ગમ્મે એટલા સારા હો, પણ ક્યારેક તો ભેગાં થવાના જ ને? હવે એવું તો છે જ નઇ ને કે તીજ ને તેરસ કોઈ દિ’ ભેગા થવાના જ નથી...! હાચી વાત કે નઇ?’ (હંસામાસીએ કોરોનાની શોર્ટ નોટ લખવાને બદલે નણંદનો નિબંધ લખ્યો...) ‘હમ્મ...’ કલાકાકીએ ડોકું ધૂણાવતાં હોંકારો ભણ્યો એટલે હંસામાસીએ દૂધમાંથી મલાઈ તારવતા હોય એમ વાતમાંથી મુદ્દો તારવ્યો, ‘હવે આ કેસમાં તમારા નણંદનો ‘સ્વભાવ’ એ કોરોના છે... હમજ્યા...! તમે હારા હસો, તો ય તમારા ઘેર તો આવવાની જ! બરાબર?’ ‘હા... છૂટકો છે એને રાખ્યા વગર?’ કલાકાકીએ વળી મોઢું વાંકુ કરીને જવાબ આપ્યો. ‘હમ્મ... એ જ તો.... અને એ આવે ત્યારે તમે એને સહન કરવાના જ ને! અને આઈ એવી રીતે જવાની ય ખરી જ! બરાબર?’ (હંસામાસીએ શબ્દ સમૂહનો દરેક શબ્દ સમજાવવાનું જાણે બીડું ઝડપ્યું’તું આજે) ‘હવે જો તમે એનું ધાર્યું નઇ કરો તો રોકાશે અને હેરાન કર્યા કરસે અને બેય માણસ વચ્ચે ઝગડો કરાવીને જશે. હવે જો બહેન, કહેવત જ છે કે ઝેરથી ના મરે એને ગોળથી મારવું...એટલે જો પ્રોપર દવા નિયમિત લો તો કોરોના જતો જ રહે... હમજ્યાં...!’ ‘હમ્મ...’ હું સમજી ગઈ, એટલે કલાકાકી પણ કદાચ સમજી જ ગયા હશે એવું લાગ્યું મને...પણ એમણે મોળું મોળું ‘હમ્મ’ કીધું એટલે લીનાબહેન મેદાનમાં ઊતર્યા. ‘હું તમને બીજા એંગલથી હમજાવું... એમ કહીને લીનાબહેન કંકુકાકીની સામે જોઈને કહે, ‘તમે મને એમ કહો, કે તમાર ભાઈના છોકરાની સગાઇ કેમ તૂટી?’ ‘એનો સ્વભાવ તોછડો છે તેમાં જ તો! મોટો સાહેબ છે કોઈ કંપનીમાં. એમાં તો એ પાવર એટલો કરે કે બધાને આમ તલવારની ધાર પર રાખે. તેમાં જ સગાઇ તૂટી એની.’ કંકુકાકીએ જવાબ આપ્યો એટલે વળી લીનાબહેને સવિતાકાકીને પૂછ્યું, ‘હવે... તમે મને એમ કહો કે તમારા ફઇ સાસુનાં નણંદની ભાણીનાં છૂટાછેડા કેમ થયાં?’ ‘એનો સ્વભાવ જ તો...વધારે પડતી વાયડી. કામ કંઇ કરે નઇ ને નકરા ખર્ચા જ કર્યા કરે. ફેસનમાંથી હાથ ના કાઢે એટલે પછી છૂટાછેડા જ થાય ને...!’ સવિતાકાકીએ વાયડાઇની વ્યાખ્યા આપી એટલે લીનાબહેને વ્યવસ્થિત પલાંઠી વાળી અને આખી સભાને સંબોધીને આસપાસ બેસેલા સભ્યોને આવરી લેતા કહ્યું, ‘હવે આમાં સગાઇને પહેલો ડોઝ ગણો ને લગ્નને બીજો ડોઝ ગણો... પણ છેવટે પરિણામ સું આવ્યું? જે તે છોકરો કે છોકરી એકલા જ છે ને? આ બંને કેસમાં એ લોકોનો ‘સ્વભાવ’ જ કોરોના થયો કે નઇ?’ ‘અલા હા... હાચું... હાચું...’ બધા એક સાથે બુલંદ અવાજે સહમત થયા બોલો. આ તો અમારી પોળની શક્તિશાળી મહિલાઓ છે એટલે... બાકી ‘કોરોના’ સમજવો અને સમજાવવો, એ કંઇ સહેલું નથી.

અન્ય સમાચારો પણ છે...