પહેલું સુખ તે...:જો જો...વેડિંગ પાર્ટીની મજા સ્વાસ્થ્ય માટે ન બની જાય સજા

3 મહિનો પહેલાલેખક: સપના વ્યાસ
  • કૉપી લિંક

હવે થોડા સમયમાં લગ્નગાળો શરૂ થશે એટલે સ્વાદિષ્ટ અને કેલરીથી ભરપૂર વાનગીઓ અને ડેઝર્ટ આરોગવાના અનેક અવસર સર્જાશે. આ સમયે મન પર કાબૂ રાખવાનું કામ ઘણું મુશ્કેલ હોય છે અને પરિણામે વ્યક્તિ આવી વાનગીઓની ભરપૂર મજા માણે છે જે સ્વાસ્થ્ય માટે બિલકુલ યોગ્ય નથી. લગ્નની જમણવારમાં જમવા જતી વખતે કેટલાક ખાસ મુદ્દાઓનું ધ્યાન રાખવામાં આવે તો સ્વાસ્થ્યને પણ નુકસાન ન પહોંચે અને વજનને પણ વધતું રોકી શકાય છે. સ્વાદિષ્ટ ભોજનની મજા માણીને સ્વાસ્થ્ય માટે સજા ન બની જાય એ માટે કેટલીક ટિપ્સનું ખાસ પાલન જરૂરી છે. ડાયક પર નજર : જો તમારે લગ્નના જમણવારમાં હાજરી આપવાની હોય તો તમારા ડાયક પર આગોતરી નજર રાખો. જો તમારે રાત્રે જમણવારમાં જવાનું હોય તો દિવસે હળવું ભોજન કરવાનું પસંદ કરો. સવારના ભોજનમાં કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ્સ અને પ્રોટીનને વધારે મહત્ત્વ આપો કારણ કે એમાં પ્રમાણમાં ઓછી કેલરી હોય છે અને એનું સેવન કર્યા પછી લાંબા સમય સુધી ભૂખ નહીં લાગે. આ માટે તમારે આહારમાં સલાડ, સુપ, સ્મૂધીના સ્વરૂપમાં ફળો અને શાકભાજીનું સેવન કરવું જોઇએ તેમજ પનીર, ટોફુ અને નટ્સને પણ ભોજનમાં સ્થાન આપવું જોઇએ. લીન પ્રોટીનની પસંદગી : હવે વાતાવરણમાં ક્રમશ: ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે આહારમાં શક્ય હોય ત્યાં સુધી ગરમ વાનગીઓને પ્રાધાન્ય આપવું. શાકાહારીઓએ બને ત્યાં સુધી પનીર, સોયા અને દાળ જેવા લીન પ્રોટીનને તેમજ નોન-વેજિટેરિયને ફિશ તેમજ ચિકનને આહારમાં સ્થાન આપવું જોઇએ. કેલરીને કરો બેલેન્સ : જો તમારું ડિનર હેવી હોય તો બ્રેકફાસ્ટ અને લંચ હળવું કરવાનો પ્રયાસ કરો અને એમાં ભરપૂર પ્રમાણમાં શાકભાજી તેમજ ફળોને સ્થાન આપો. હળવાં લંચ અને બ્રેકફાસ્ટને કારણે આખા દિવસના આહારમાં ઓછી કેલરી લેવાય છે અને આ રીતે હેવી કેલરીવાળા ડિનરને સહેલાઇથી બેલેન્સ કરી શકાય છે. હાઇડ્રેટેડ રહો : શિયાળામાં બહુ તરસ ન લાગતી હોવાના કારણે શરીરમાં જો પાણીની કમી થઇ ગઈ હોય તો એ વાતનો બહુ અહેસાસ નથી થતો. જો શરીરમાં પાણીનું સ્તર ઘટી જાય તો સ્વાસ્થ્ય પર એની બહુ નકારાત્મક અસર થાય છે અને માથાનો દુખાવો, પેટની સમસ્યા તેમજ ત્વચાની સમસ્યા જેવી સ્થિતિ સર્જાઇ શકે છે. જો લગ્નની જમણવારમાં જતી વખતે વ્યક્તિ પૂરતી હાઇડ્રેટેડ હશે તો એ પોતાની ભૂખ પર થોડો કંટ્રોલ કરી શકશે અને વિચારપૂર્વક ભોજનની પસંદગી કરી શકશે. જો તમે વધારે પાણી પીશો તો ભોજનનું પ્રમાણ થોડું ઓછું થઇ જશે અને પરિણામે તમે ભોજનની કેલરીને કાબૂમાં રાખી શકશો. ફ્રાઇડ ફૂડ ટાળો : લગ્નની જમણવારમાં સ્વાદિષ્ટ ભોજનના અનેક વિકલ્પ મળતા હોવાના કારણે તમારા સંયમની સારી એવી કસોટી થાય છે. આ સંજોગોમાં આહાર માટે એવી વાનગીઓની પસંદગી કરવી જોઇએ જે તળેલી ન હોય. બેક્ડ, સ્ટીમ્ડ અથવા તો ગ્રિલ કરેલી વાનગીઓ ખાવાથી પ્રમાણમાં ઓછું નુકસાન થાય છે. તમે સ્વાદિષ્ટ સલાડની પસંદગી કરી શકો છો પણ તળેલી વાનગીઓ અને કેલરીથી ભરપૂર ડિપ્સથી દૂર રહેવું જોઇએ. પોર્શન સાઇઝ પર નજર : હેલ્ધી ડાયટની જાળવી રાખવાનો એક અન્ય સારો વિકલ્પ આહારના પ્રમાણ એટલે કે પોર્શન સાઇઝ પર નજર રાખવાનો છે. યોગ્ય ડિશની પસંદગીની સાથે સાથે એનું પ્રમાણ પણ ઓછું રાખવાથી સ્વાદની મજા માણવાની સાથે સાથે ડાયકને બેલેન્સ કરી શકાય છે. જમણવારમાં અલગ અલગ વાનગીઓની મજા માણવામાં કંઇ ખોટું નથી પણ એનું પ્રમાણ ઓછું હોવું જોઇએ. કેલરીની ગણતરી : હેલ્ધી ડાયકને જાળવી રાખવા માટે દૈનિક આહારની સરેરાશ કેલરી પર નજર રાખો. કેલરીની ગણતરી કરવાથી તમે શું ખાઓ છો અને લાંબા ગાળે તેની સ્વાસ્થ્ય પર કેવી અસર પડશે એની જાણકારી મેળવી શકો છો. લગ્નની જમણવારમાં તમારી પાસે અનેક વાનગીઓનો વિકલ્પ હોવાથી કેલરીની ગણતરી કરીને વાનગીની પસંદગી કરવાથી તમે એ દિવસની કેલરીને તેમજ થોડા આગામી દિવસોના ડાયકને બેલેન્સ કરી શકો છો. જમણવાર પહેલાં હેલ્ધી સ્નેક : લગ્નના જમણવારમાં જતા પહેલાં ફ્રેશ સલાડ, રોસ્ટેડ નટ્સ, સીડ્સ અથવા તો સૂપ જેવા હેલ્ધી સ્નેકનું સેવન કરી શકાય. જો તમારું પેટ થોડું ભરેલું હશે તો એના કારણે તમે ભૂખની લાગણી પર કાબૂ મેળવીને વાનગીની પસંદગી કરી શકશો. સામાન્ય રીતે વેડિંગ ફૂ઼ડ વધારાની કેલરી તેમજ બિનસ્વાસ્થ્યપ્રદ ફેટ્સથી ભરપૂર હોય છે જેના કારણે તમે બ્લોટેડ ફિલ કરી શકો છો. લગ્નગાળા દરમિયાન પણ સ્વાસ્થ્યપ્રદ ડાયકનું સેવન પ્રાયોરિટી હોવું જોઇએ. એના પ્રત્યે થોડી પણ બેદરકારી દાખવવાથી શરીરમાં વધારાની ચરબી જમા થાય છે અને પરિણામે કાર્ડિયોવસ્ક્યુલર અને બીજા રોગો થાય છે. નિયમિત રીતે વર્કઆઉટ કરવાથી વજનને વધતું અટકાવી શકાય છે જ્યારે હેલ્ધી ડાયક શરીરને એના દરેક કાર્યોને મહત્તમ ક્ષમતાથી વધારે સારી રીતે કરવામાં મદદરૂપ થાય છે. hello@coachsapna.com

અન્ય સમાચારો પણ છે...