હળવાશ:‘કોઈ ના કરે, તો આપડે ય કેમ કરીએ? આપડે બી નંઇ કરવાનું... શિમ્પલ...’

જિગીષા ત્રિવેદી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ‘તો પછી પેલી વાત ખોટી? કે ‘કાલ કરે સો આજ, ને આજ કરે સો અબ...’ એ પણ કામ કરવા માટે જ બની છે ને?’ મનીષાબહેનને બિચારાને મૂંઝવણ થઈ એટલે પૂછ્યું. લીનાબહેને લાંબા હાથ કરીને મોટા અવાજે વિરોધ કર્યો

‘અલી બેસ બે મિલિટ... આખો દિવસ શું દોડાદોડ મંડી છે? મનીષાબહેનને ચોકઠામાંથી ફટાફટ પસાર થતાં જોઈને હંસામાસીએ ટહુકો કર્યો... એટલે મનીષાબહેને ટૂંકમાં જવાબ આપ્યો...,‘અરે... બહુ કામ છે હંસાબહેન...’ ‘એટલું બધું તે વળી સું કામ છે તે જ્યારે જુઓ ત્યારે ધોડ ધોડ કરતી હોય છે?’ સવિતાકાકી ય બોલ્યાં. ‘નક્કી એના પગમાં ચક્કર હશે જોજો તમે... બતાય તો જરા...’ કંકુકાકીએ એમ કહીને ચતુરાઈથી એમના પગમાંથી ચંપલ કઢાવડાવ્યાં. ‘કહીએ... પણ થાક તો લાગે યાર... આપડે તો ઠીક છે મજાક કરીએ, પણ આખો દિવસ આટલી બધી દોડાદોડ હોય એને જ ખબર પડે...’ કલાકાકી એમની તરફેણમાં બોલ્યાં. ‘તે પણ હું તો એમ કહું કે આટલું બધું કામ જ કેમ કરવું પડે...? હંસામાસીએ અતિ મહત્ત્વનો પ્રશ્ન પૂછ્યો એટલે મનીષાબહેન કહે, ‘લો બોલો... કામ હોય તો કરવું જ પડે ને...!’ ‘એસા ઝરૂરી નહીં હૈ... ના બી કરીએ... આપડા મનની મરજી...!’ હંસામાસીએ ડાયલોગ માર્યો... ‘એમ કસું આપડી મરજી ચાલે નંઇ એ તો... માથે પડ્યું હોય, તો કરવું જ પડે... અને કોઈ ના કરે તો આપડે તો કરવું જ પડે ને યાર...’ મનીષાબહેને દલીલ કરી. ‘કોઈ ના કરે, તો આપડે ય કેમ કરીએ? આપડે બી નંઇ કરવાનું... શિમ્પલ...’ કંકુકાકીએ કામ અંતર્ગત નવો નિયમ સમજાવ્યો. પછી એમને ઓટલે ખેંચતાં કહે, ‘કામ તો રહેવાનું હવે... અને એં, બે ઘડી અમારી જોડે આનંદ કરી લે... બાકી તો જીવનમાં સું જોડે લઈ જવાના છીએ...? ખાલી હાથે આયા’તા... ને ખાલી હાથ જવાના... આનંદ જ અગત્યનો છે... હમજી...’ ‘એ તો હાથ જ ખાલી હોય... બાકી જોડે તો લઈ જ જવાનું હોય કંઇ ને કંઇ... એટલે જ બધું ય કામ આ ભવે કરી નાખવાની કંઇ જરૂર નંઇ... થોડું આવતા ભવ માટે બી રાખવું જોઈએ... સું કહો છો...!’ સવિતાકાકીએ કામને કેરી ફોરવર્ડ કરવા વિશે સલાહ આપી... ‘લો બોલો. એવું તે કંઇ હોતું હશે?’ કલાકાકીને આ વાત સમજાઈ નંઇ એટલે એમણે સામો પ્રશ્ન કર્યો... પણ સવિતાકાકી કંઇ બોલવા જાય એ પહેલાં લીનાબહેન વચ્ચે કૂદી પડ્યાં, ‘કેમ ના હોય? આપડે સબંધમાં ય નથી કહેતા, કે પરભવનું લેણું... પછી એવું બી કહી છીએ ને, કે ગયા ભવનું માંગતા હશે તે આ ભવે ચૂકવી દેવાનું... અને એં, આ મોબાઇલમાં ય આ મહિનાનો ડેટા ના વપરાયો હોય, તો આવતા મહિને ટ્રાન્સફર નંઇ થતો? ત્યારે પછી...? વા...ત કરો છો તે.’ ‘હાચું કીધું તમે... અને એં, આ ગણિતમાં આપડે વત્તાકાર કરીએ છીએ, તો એમાં બી સરવાળો ત્રેપ્પન આવે, તો તગડો નીચે રાખીને પાંચડો આગળ નહી લઈ જતાં? તો પછી હું એમ કઉ... કે આ બધું બધું ટ્રાન્સફર થાય, તે કામ બી થાય જ ને! ઉપર તો બધી વસ્તુ માટે સરખો જ નિયમ હોય... અંઇ જેવું ના હોય ઉપર.’ સવિતાકાકીએ ય બીજા ઉદાહરણ સાથે નિયમ સમજાવ્યો. ‘તો પછી પેલી વાત ખોટી? કે ‘કાલ કરે સો આજ, ને આજ કરે સો અબ...’ એ પણ કામ કરવા માટે જ બની છે ને?’ મનીષાબહેનને બિચારાને મૂંઝવણ થઈ એટલે પૂછ્યું. લીનાબહેને લાંબા હાથ કરીને મોટા અવાજે વિરોધ કર્યો, ‘ના ના ના ના... બધી વાતમાં એ નિયમ લાગુ ના પડે. એમાં કેવું છે કે... તમારે નક્કી કરવાનું કે કયાં કામને આવતા ભવમાં ટ્રાન્સફર કરવું છે ને કયાં કામમાં ‘કાલ કરે સો આજ...’વાળી વાત માનવી છે... કારણ કે જો આ ભવે આ ને આ લોકો જ ભટકવાના છે... ખાલી મોઢા જુદા હસે. તમે જ વિચાર કરો કે આ તમે દર તીજે દા’ડે મારા ઘેરથી ખાંડ ને લીંબુ, એક બટેકું ને બે લીલા મરચાં... ને બધું કંઇ ને કંઇ કેમ લઈ જતાં હશો? મેં ગયા ભવે થોડું ઘણું લીધું જ હશે... તે તમે અત્તારે વ્યાજ સહિત વસૂલ કરો છો... બાકી આપડે ક્યાં પહેલાં વાટકી વહેવાર ય હતો...? અને તમે તો વળી રેખાબહેન પછી રહેવા આયા છો... અને રેખાબહેન ય એવું કોઈ દિવસ કશું લઈ નઇ જતાં... ઊલટું કંઇ ને કંઇ વાનગી બનાઈ હોય, તો આપી જાય છે... એટલે એમણે લીધું હશે મારી જોડેથી ગયા ભવે... એમ જ માનું હું તો...’ આટલું કીધું ને બધા સમજી ગયાં... અને મનીષાબહેન તો ઓટલે એ...ય ને પલાંઠી વાળીને બેસી ગયાં... હંસામાસીએ મને ઈશારો કરીને બધાની ચા મૂકવાનું ય કહી દીધું લાગ જોઈને... હું ય વિચાર કરતી ઘરમાં ગઈ, કે નક્કી મેં ગયા ભવે આ બધાની બહુ જ ‘ચા’ પીધી હશે...

અન્ય સમાચારો પણ છે...