પ્રશ્ન : હું 25 વર્ષની યુવતી છું. પહેલાં હું ભણવામાં અને પછી કરિયર બનાવવામાં બહુ વ્યસ્ત રહેવાને કારણે મને જીવનમાં કોઇ સાથે પ્રેમ કરવાની તક જ નથી મળી. હવે મારી લગ્નલાયક વય થઇ ગઇ હોવાના કારણે મારા ઘરમાં લગ્ન કરવાનું દબાણ છે પણ મને એમ લાગે છે કે અરેન્જ્ડ મેરેજ બોરિંગ હોય છે અને એમાં બહુ સમાધાન કરવા પડે છે. મને લવ મેરેજ કરવાની બહુ ઇચ્છા હતી પણ હવે અરેન્જ્ડ મેરેજ કરવા પડે એવી સ્થિતિ સર્જાઇ છે. આ સંજોગોમાં શું અરેન્જ્ડ મેરેજ કરાય? એક યુવતી (અમદાવાદ) ઉત્તર : લવ મેરેજ હોય કે અરેન્જ્ડ મેરેજ, પણ દરેક લગ્ન ટકી જવા માટે બંને પક્ષે થોડું સમાધાન કે એડજસ્ટમેન્ટ માગે છે. સામાન્ય રીતે હાલની જનરેશનમાં લવ મેરેજનો ટ્રેન્ડ વધી રહ્યો છે. લગ્નની ઉંમરે પહોંચેલા યુવક કે યુવતી પોતાના માટે પસંદગી અનુસાર જીવનસાથીની શોધ કરતા હોય છે. જો કે, આમ છતાં અરેન્જ્ડ મેરેજની મદદથી જીવનસાથી પસંદ કરતા યંગસ્ટર્સની સંખ્યા પણ ઓછી નથી. આ સિક્કાની બીજી તરફ જોવામાં આવે તો મોર્ડન જમાનામાં અરેન્જ મેરેજ કરનારા લોકોની સંખ્યામાં પણ જરાય ઘટાડો નથી થયો. આજના સમયમાં સંબંધ નિભાવવા સૌથી મુશ્કેલ કામ છે અને જ્યારે પતિ-પત્નીના સંબંધની વાત આવે તો તેમાં અનેક પ્રકારના પડકારોનો સામનો કરવો પડે છે. ખાસ કરીને લવ મેરેજમાં લગભગ દરરોજ એક પડકાર સામે આવીનો ઉભો રહે છે. જ્યારે અરેન્જ મેરેજમાં તમારાં માનસિક શાંતિ ભંગ થાય તેવા ચાન્સિસ ખૂબ જ ઓછા હોય છે. આ જ સૌથી મોટું કારણ પણ છે કે, લોકો અરેન્જ મેરેજ પર વધારે વિશ્વાસ કરે છે. એક રિસર્ચ અનુસાર, અરેન્જ મેરેજમાં ડિવોર્સનો દર માત્ર 6 ટકા છે, જ્યારે લવ મેરેજમાં આ આંકડો વધારે છે. લવ મેરેજમાં લોકો પહેલાં ડેટિંગ કરે છે અને પછી કરિયર બનાવવાના ચક્કરમાં લગ્નને પાછળ ઠેલતા રહે છે. તેવામાં ઉંમર પણ વધી જાય છે, જે દરેક માતા પિતા માટે ચિંતાનો વિષય બને છે. જ્યારે અરેન્જ મેરેજમાં લગ્નની એક ચોક્કસ ઉંમર હોય છે અને માતાપિતાના પ્રયત્નો રહે છે કે, તેમનું સંતાન નિશ્ચિત ઉંમરે વૈવાહિક જીવનમાં સેટલ થઇ જાય. પેરેન્ટ્સ જ્યારે તેમના સંતાનો માટે સંબંધની પસંદગી કરે છે, તો તેઓની જવાબદારી પણ વધી જાય છે. આખરે લગ્ન એેેટલે બે વ્યક્તિઓ વચ્ચેનો નહીં પણ બે પરિવારો વચ્ચેનો સંબંધ અને આ સમીકરણ અરેન્જ મેરેજમાં વધારે સારી રીતે માંડી શકાય છે. પ્રશ્ન : હું 26 વર્ષની યુવતી છું. મેં હમણાં જ લગ્ન માટે ત્રણથી ચાર યુવકો જોયાં છે અને હવે મારે બે-ત્રણ અઠવાડિયામાં ફાઇનલ નિર્ણય લઇ જ લેવાનો છે. હવે લગ્ન કરવા માટે યુવકની પસંદગી જેવો અઘરો નિર્ણય લેતા પહેલાં ક્યાં મુદ્દા ખાસ ચકાસવા જોઇએ એવું મારી મમ્મીને પૂછ્યું તો એ કહે એવું બધું નહીં વિચારવાનું, જે ગમે એ કહી દેવાનું. મને એની વાત ગળે નથી ઉતરતી. મારે કોઇ યુવક માટે હા પાડતા પહેલાં શું ધ્યાન રાખવું જોઇએ? એક યુવતી (સુરત) ઉત્તર : છોકરો હોય કે છોકરી, લગ્ન દરેક માટે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય છે. દાંપત્યજીવનને સુખી બનાવવા માટે તમે તમારા પાર્ટનરની વિચારસરણી અને વર્તન જાણવાનો પ્રયાસ કરો. દરેક સંબંધમાં વ્યક્તિનો સ્વભાવ, પર્સનાલિટી, સમજણ, વિશ્વાસ વગેરે જેવાં પાસાં પર ધ્યાન આપવું જરૂરી હોય છે અને એનું અવલોકન કર્યા પછી જ અંતિમ નિર્ણય લઇ શકાય છે. કોઈ પણ સંબંધને મજબૂત બનાવવા માટે એકબીજાનો આદર કરવો ખૂબ જ જરૂરી છે, આ જ કારણે લગ્ન જેવા બંધનને સંબંધોમાં બદલવાની ફરજ પડે છે, જો તમે તમારા પાર્ટનરને માન નહીં આપો તો તમે ક્યારેય તેમને પ્રેમ નહીં કરી શકો. લગ્ન જેવા પવિત્ર બંધનને મજબૂત કરવા માટે સંબંધોમાં પ્રેમ અને સન્માન હોવું જરૂરી છે. આ કારણોસર પાર્ટનરી પસંદગી કરતી વખતે એ તમારો આદર કરે છે કે નહીં એ વાત ખાસ ચકાસી લો. પાર્ટનરની પસંદગી કરતાં પહેલાં તેમના સંબંધીઓને જાણો, તમારા જીવનસાથીના પરિવાર, મિત્રો, સંબંધીઓ વિશે જાણકારી મેળવો તેમજ તેમના પાછલા સંબંધો વિશે પૂછો. જો તમને આટલી પ્રાથમિક માહિતી હશે તો તમે તમારો નિર્ણય વધારે સારી રીતે લઇ શકશો. તમે તમારા પાર્ટનરને પૂછી શકો છો કે શું તમને લગ્ન બાદ સિંગલ પરિવારમાં રહેવું ગમે છે કે પછી પરિવાર સાથે, કારણ કે ઘણીવાર ઘણા લોકો પોતાના પરિવાર સાથે રહેવાનું પસંદ કરે છે. જો તમે વિભક્ત પરિવારમાં જ રહેવા ઇચ્છતા હો તો લગ્ન પછી આ બાબતે મોટો વિખવાદ થઇ શકે છે. આટલી માહિતી ભેગી કરીને તમે એ યુવક સાથે લગ્ન કરવા કે નહીં એનો સહેલાઇથી નિર્ણય લઇ શકશો. પ્રશ્ન : હું ૨૦ વર્ષની યુવતી છું. બે મહિના પછી મારાં લગ્ન છે. સુહાગરાત અને જાતીય સંબંધો વિશે મને કશી જ માહિતી નથી. મને આ બાબતે યોગ્ય માર્ગદર્શન આપશો. બીજી વાત એ કે, મારા ભાવિ પતિ મારાથી સાત વર્ષ મોટા છે. ઉંમરનું અંતર અમારા જાતીય સંબંધોને માટે નુકસાનકારક તો સાબિત નહીં થાય ને?એક યુવતી (રાજકોટ) ઉત્તર : આજની યુવા પેઢીમાં જાતીય વ્યવહારો વિશેની સમજણ હોય છે જ પરંતુ તમે આ વિશે ખરેખર કશું ના જાણતા હો તો કોઈ સારા લેખકનાં પુસ્તકો વાંચો અથવા તો ડોક્ટરને મળીને એની પાસેથી માર્ગદર્શન લો. જોકે કોઇ પણ સંજોગોમાં સસ્તું અને ઊતરતી કક્ષાનું સાહિત્ય વાંચવું જોઈએ નહીં કારણ કે એવાં પુસ્તકો માર્ગદર્શન આપવાના બદલે ગેરમાર્ગે દોરતા હોય છે. તમારા અને તમારા ભાવિ પતિ વચ્ચેનું ઉંમરનું અંતર લગ્નજીવનમાં અવરોધરૂપ નહીં બને. પ્રશ્ન : મારા છ મહિના પહેલાં જ લગ્ન થયાં છે. હું લગ્ન પહેલાં પણ નોકરી કરતી હતી અને લગ્ન પછી પણ નોકરી કરી રહી છું. લગ્નના શરૂઆતના ચાર-પાંચ મહિનામાં તો મારા પતિએ કંઇ ન કહ્યું પણ હવે તેઓ આડકતરી રીતે જણાવી રહ્યા છે કે મારે મારા પગારમાંથી પચાસ ટકા સેલરી ઘરખર્ચમાં આપવી પડશે. મારે મારા પેરેન્ટ્સના ઘરમાં કોઇ ઘરખર્ચ આપવો પડતો ન હોવાથી મારો મોટાભાગનો પગાર મેં મારા પૈસે લીધેલા ઘરની લોન ભરવામાં અને ઇન્વેસ્ટમેન્ટમાં વપરાઇ જાય છે. મારા પતિને આ નથી ગમતું. મારે શું કરવું?એક મહિલા (વડોદરા) ઉત્તર : એ વાતમાં કોઈ બે મત નથી કે આજકાલ પતિ-પત્નીઓ વચ્ચે બધું બરાબર હોવા છતાં પૈસાને લઈને ઝઘડો શરુ થઇ જાય છે. લગ્ન પછી ઘણી કામકાજી મહિલાઓને ઘણી બધી પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે જ્યાં તેના સાસરિયાઓ સેલેરી પર તેમનો હક જતાવવાની કોશિશ કરે છે. તેઓ ઈચ્છે છે કે તમે તમારી સેલેરી આવતા જ આખી તેમને આપે. એવામાં ઘણીવાર મહિલાઓ ઇચ્છે તો પણ ના નથી પાડી શકતી પરંતુ મનમાં ને મનમાં ઘૂંટાયા કરતી હોય છે. જેની સીધી અસર પતિ-પત્નીના સંબંધ પર પાડવા લાગે છે. જોકે તમે તમારી રિલેશનશિપને પ્રભાવિત કરવાની જગ્યાએ તમારા સાસુ-સસરા સાથે જ વાત કરવાની કોશિશ કરો. જોકે વિવાદ ન થાય એ માટે પતિ-પત્નીએ તેમના માસિક ખર્ચાનું એક બજેટ બનાવીને ચાલવું જોઈએ જેને મેનેજ કરવા માટે તમારી બન્નેની સેલેરી હોવી જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.