નાની-નાની ચાર બાબતો છે જે આમ તો ખાસ મહત્ત્વની નથી, પણ એ જિંદગીમાં નવી તાજગીનો અહેસાસ કરાવે છે. આનાથી જીવનને નવો વળાંક મળે છે
ઊર્જા શબ્દો કરતાં વધારે દૃઢ છે...
જો તમે અત્યાર સુધી તમારી જાતને લોકો, પરિસ્થિતિ કે ઘટનાઓ વિશે પ્રતિક્રિયા આપવા અંગે અટકાવી રાખી હોય કે પછી દરેક મુદ્દે નિર્વિકાર રહેવાનો વિકલ્પ અપનાવ્યો હોય, તો હવે તમારી જાતને મુક્તિને અહેસાસ કરાવો. એ વ્યક્તિને અનોખી ઊર્જાનો અહેસાસ કરાવે છે. જેવી રીતે બાળક મનગમતી વસ્તુ મેળવીને ખુશખુશાલ થઇ જાય છે એવી જ રીતે તમારી મનગમતી અભિવ્યક્તિ કરીને ખુશખુશાલ થઇ જવાનો અનુભવ મેળવો. જો તમે આવું કરશો તો શબ્દ કરતાં પહેલાં ઊર્જા અભિવ્યક્તિનું માધ્યમ બની જશે. આ ભાષાને મિત્રરૂપે અપનાવી લો.
પ્રવૃત્તિ આપે સંપૂર્ણતાનો અહેસાસ...
મનોવૈજ્ઞાનિક વિક્ટર ફ્રૈંકલનું કહેવું છે, ‘વ્યક્તિ પાસેથી બધું છીનવી શકાય છે, સિવાય કે વ્યક્તિની માનસિક આઝાદી. વ્યક્તિની આઝાદીનો સૌથી મહત્ત્વનો હિસ્સો છે, કોઇ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તેણે પસંદ કરેલો અભિગમ.‘ દરેક ક્ષણ ખાસ અહેસાસ સાથે આવે છે. તમે એ ક્ષણને હસીને અથવા ઉદાસ થઇને પણ જીવી શકો છો. એમાંથી તમે કંઇ શીખી શકો છો કે એની અવગણના કરીને આગળ વધી શકો છો. તમે પરિસ્થિતિનો સામનો કરવાની હિંમતથી આગળ વધી શકો છો કે ડરીને પીછેહઠ કરી શકો છો. વ્યક્તિનો અભિગમ જ એને વિજેતા બનાવે છે.
આત્મશક્તિનો અનુભવ...
એક કવયિત્રીનું કહેવું છે, ‘મારી અંદરના અલગ અલગ જાદુ પોતાનો કરિશ્મા દેખાડવા માટે રાહ જોઇ રહ્યા છે. હું જિંદગીમાં ક્યારેય મારી જાતથી નિરાશ નથી થવાની.‘ જેને વિશ્વાસ હોય કે જો તેના રસ્તામાં અવરોધ આવશે તો તે તરત નવો યોગ્ય માર્ગ શોધી શકશે, એના જીવનમાં ક્યારેય નિરાશાને સ્થાન નહીં મળે. એક રસ્તો બંધ થઇ ગયો, તો બીજો રસ્તો મળી જ જશે. ક્યારેક અસફળતા મળે, તો પણ તરત મન આત્મશક્તિના જાદુથી અંદરના કરિશ્માને બહાર લાવશે. પ્રેરણાપુંજ આવી રીતે જ ઝળહળે છે.
પગલાંની છાપ પર વિશ્વાસ...
એક લાંબા પ્રવાસ દરમિયાન વ્યક્તિએ અનેક વળાંકોમાંથી પસાર થવું પડતું હોય છે. દરેક વળાંક પર વ્યક્તિ પોતાના પગલાંની છાપ છોડતી જાય છે. પગનાં આ નિશાન પર વિશ્વાસ રાખીને જીવનના દરેક પ્રવાસમાં સતત આગળ ને આગળ વધવાનો અભિગમ કેળવવો જોઇએ. જીવનનો દરેક તબક્કો વ્યક્તિને નવી ઓળખ આપે છે. આ ઓળખને જાળવી રાખીને વ્યક્તિ પોતાનાં મન અને મરજી પ્રમાણે જીવન જીવવાનો વિકલ્પ પસંદ કરી શકે છે. આની સાથેસાથે પોતાની અનોખી છાપ દરેક વ્યક્તિ પર છોડી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.