કવર સ્ટોરી:દીકરીઓ પાસે ભાગીને લગ્ન કરવાની હિંમત છે તો મા-બાપને સમજાવવાની ધીરજ કેમ નથી?

19 દિવસ પહેલાલેખક: એષા દાદાવાળા
  • કૉપી લિંક
  • મા-બાપ તરીકે હવે આપણે બદલાવું પડશે. મા-બાપ તરીકે હવે આપણે આપણા ઉછેરને બદલવો પડશે
  • અત્યાર સુધી તમારું ફોકસ દીકરી સારું ભણે, ​​​​​​​પોતાના પગ પર ઊભી રહે, સારા ઘરમાં પરણે એ હતું પણ હવે તમારે તમારા ફોકસને થોડું બદલવું પડશે. શરીરનાં આકર્ષણો દીકરીને સમજાવવા પડશે​​​​​​​

એક સમાજના મહાસંમેલનમાં દીકરીઓનાં પ્રેમલગ્ન અંગે ચર્ચા કરાઇ. આ મહા સંમેલનમાં મહત્ત્વની ચર્ચાઓ બાદ કેટલાક મુદ્દાઓ તારવવામાં આવ્યા કે પુખ્તવયી દીકરી જો પ્રેમલગ્ન કરે તો એના માટે માતા-પિતાની સહી લેવી જરૂરી છે. બીજો મહત્ત્વનો મુદ્દો હતો કે દીકરી જો 25મા વર્ષ પહેલાં પ્રેમલગ્ન કરે તો માતા-પિતાની મિલ્કતમાંથી એનું નામ આપોઆપ કમી થઇ જાય. પ્રેમલગ્નની જાળમાં ફસાઇ જતી દીકરીઓનાં ભવિષ્યને સલામત બનાવવા માટેની આ ચિંતા બિલકુલ વાજબી છે પણ મારો સવાલ એટલો જ છે કે આવા કાયદાથી કે આવા વિચારોથી દીકરીઓ પ્રેમમાં પડતી અટકી જશે? દીકરીઓને થતું આકર્ષણ મરી પરવારશે? 25મા વર્ષ પહેલાં પ્રેમલગ્ન કરતી દીકરીનું નામ મિલ્કતમાંથી કમી થઇ જવાનું હોય તો એ જેની સાથે લગ્ન કરી રહી છે એ છોકરાનું નામ એના મા-બાપની મિલ્કતમાંથી કમી ન થવું જોઇએ? એની પાસેથી ઘરનાં દીકરા તરીકેના અધિકારો છીનવી ન લેવા જોઇએ? આણંદમાં એક કિસ્સો બન્યો. એક દીકરીએ પોતાના માતા-પિતાની મરજી વિરુદ્ધ એક છોકરા સાથે ભાગીને લગ્ન કરી લીધા. લગ્નનાં બે વર્ષ બાદ બંનેને એક દીકરો જન્મ્યો. દીકરો જન્મ્યાનાં એક જ વર્ષમાં પેલો છોકરો બીજી છોકરીનાં પ્રેમમાં પડ્યો. હવે ભાગીને લગ્ન કરનાર દીકરીની હાલત કફોડી થઇ ગઇ છે. ન તો એ પિયરે જઇ શકે છે અને ન તો સાસરું છોડી શકે છે. સુરતમાં આવો જ બીજો એક કિસ્સો બન્યો. 20 વર્ષની દીકરી 28 વર્ષનાં એક છોકરા સાથે ભાગી ગઇ. છ મહિના બાદ એને ખબર પડી કે પેલો છોકરો ઓલરેડી પરણેલો હતો. હવે એના મા-બાપ તો એને સ્વીકારવા તૈયાર છે પણ ભાઇ ના પાડી રહ્યો છે. આવા કિસ્સાઓ વધી રહ્યા છે. ક્યાંક આપણી દીકરીઓ ખોટા નિર્ણયો લઇ રહી છે અને ક્યાંક દીકરીઓને સમજાવવામાં આપણે ઉણા ઉતરી રહ્યા છીએ. આવા સમયે આવા સમાજોની ચિંતા અને દીકરીઓ પ્રત્યેની કાળજી સોએ સો ટકા વાજબી છે પણ સમાજની ચિંતાથી, સમાજે બનાવેલા નિયમોથી આવું થતા અટકી જવાનું નથી એ પણ વાસ્તવિકતા છે. મા-બાપ તરીકે હવે આપણે બદલાવું પડશે. મા-બાપ તરીકે હવે આપણે આપણા ઉછેરને બદલવો પડશે. ઘરનાં વાતાવરણને મોડિફાઇ કરવું પડશે. કોઇ છોકરા પ્રત્યે થયેલા આકર્ષણને દીકરી ડાઇનિંગ ટેબલ પર જમતાં-જમતાં શેર કરી શકે એવું વાતાવરણ એને પૂરું પાડવું પડશે. કોઇ છોકરાએ આપેલી પ્રપોઝલ નોટ એ ડ્રોઇંગરૂમમાં બેસીને વાંચી શકે એટલી મોકળાશ એને આપવી પડશે. શરીરનાં આકર્ષણો દીકરીને સમજાવવા પડશે, દુનિયા ઓળખી શકે એવી એવા ચશ્મા એની આંખો પર પહેરાવવા પડશે. આ બધું કર્યા પછી એને એવી ખાતરી આપવી પડશે કે તારા સાચા નિર્ણયોમાં તો અમે તારી સાથે હોઇશું જ પણ એ જ નિર્ણય ખોટો પડશે તો પણ અમે તારી બાજુમાંથી હટીશું નહીં. અત્યાર સુધી તમારું ફોકસ દીકરી સારું ભણે, પોતાના પગ પર ઊભી રહે, સારા ઘરમાં પરણે એ હતું પણ હવે તમારે તમારા ફોકસને થોડું બદલવું પડશે. તમારી દીકરીને ભણાવવા-ગણાવવા અને પરણાવવાની સાથે એ ઇમોશનલી સ્ટ્રોંગ બને, ઇમોશનલી કોઇનાથી છેતરાય નહીં અને ધારો કે છેતરાય તો હિંમતભેર એનો સામનો કરી શકે એનું પણ ધ્યાન રાખવાનું છે. મા-બાપની સાથે સાથે દીકરીઓએ પણ પોતાની જવાબદારીઓને સમજવાની છે. જેની સાથે બે મહિના-બે વર્ષ કે થોડા દિવસોની ઓળખાણ છે એવી વ્યક્તિ માટે જેના પેટે જન્મ લીધો છે એવા મા-બાપને બાજુ પર મૂકી દેતા પહેલાં સો વાર વિચાર કરવો પડશે. હું જ્યારે પણ પ્રેમલગ્ન કરવા માટે ઘરેથી ભાગી ગયેલી દીકરીઓના કિસ્સાઓ વાંચું છું ત્યારે મને એક સવાલ હંમેશા થાય છે કે જેની પાસે મા-બાપ સાથેના સંબંધો બાજુ પર મૂકીને ભાગી જવાની હિંમત છે એ જ દીકરી પાસે મા-બાપને પોતાનાં સંબંધો વિશે સમજાવવાની ધીરજ કેમ નથી હોતી? લગ્ન કરવા માટે મા-બાપને કન્વિન્સ કરવા કરતાં ભાગી જવાનો ઓપ્શન વધારે સહેલો કેમ લાગે છે? જ્યારે તમે પ્રેમમાં પડો છો, જ્યારે તમે એક વ્યક્તિને જીવનભર માટે સ્વીકારો છો ત્યારે એ પ્રેમની, એ વ્યક્તિની સ્વીકૃતિની જવાબદારી તમારી થઇ જાય છે. તમારી આજુબાજુ રહેલા પાંચ હજાર પાંચસોને નવ્વાણું છોકરાઓ વચ્ચે એ એક જ છોકરો તમને કેમ ગમ્યો એનો જવાબ તમારી પાસે હોવો જોઇએ અને દિલ-દિમાગ બેઉને કન્વિન્સ કરી શકે એવો હોવો જોઇએ ! કેટલીક છોકરીઓને એવું પૂછો કે તારે આની સાથે લગ્ન કેમ કરવા છે તો એ જવાબ આપશે હું એને પ્રેમ કરું છું ને એટલે... મને લાગે છે કે આ જવાબ દુનિયાનો સૌથી જુઠ્ઠો અને બોગસ જવાબ છે કદાચ એટલે જ ઘણા મા-બાપ દીકરીના પ્રેમલગ્નને પરવાનો આપતા નથી હોતા કારણ કે એ લોકો જાણતા હોય છે કે પ્રેમનો ફાંકો ઉતરતા બહુ ઝાઝા દિવસો લાગતા નથી હોતા. આવા સમયે મા-બાપને સમજાવવા એ દીકરીની જવાબદારી છે અને જવાબદારીમાંથી ભાગી જવું એ કાયરતા છે. પ્રેમલગ્ન કરનાર દીકરીઓને મિલ્કતમાંથી બાકાત કરી નાખવાનો વિચાર કે કાયદો એવા જ લગ્નો અટકાવી શકશે જે મિલ્કત માટે થતા હોય છે. બાકીના લગ્નોનું શું? આવા કાયદા, આવા વિચારો પ્રેમલગ્નના નામે થઇ રહેલી છેતરામણી સામે એક ડર ઊભો કરી શકે. બાકી આપણે જાતે જ દીવાલ સાથે ભટકાવાનું નક્કી કરીને બેઠા હોઇએ તો દુનિયાની કોઇ બ્રેક આપણને આવું કરતા અટકાવી શકતી નથી. હે દીકરીઓ, તમે કોઇના પ્રેમમાં હો અને તમારા મા-બાપ તમને એની સાથે લગ્ન કરવાની ના પાડે તો ભાગી જવાને બદલે ના પાડવાનું કારણ જાણજો અને એમની ‘ના’ સામે તમારી ‘હા’ જસ્ટિફાઇ થઇ શકે એવાં કારણો શોધજો. મા-બાપને અંધારામાં રાખીને ભાગી જવાની હિંમત ભેગી કરવા કરતા મા-બાપને સમજાવીને કન્વિન્સ કરી શકો એવી હિંમત ભેગી કરજો. પ્રેમલગ્ન કરવા એ ગુનો નથી પણ પ્રેમલગ્ન કરવા માટે ભાગી જવું એ ચોક્કસ ગુનો છે. મા-બાપનાં સંસ્કારો સામે કરેલી બગાવતનો ગુનો અને મા-બાપે મૂકેલા વિશ્વાસનો ઘાત કરવાના ગુનાની કોઇ સજા નથી હોતી ! dadawalaesha@gmail.com

અન્ય સમાચારો પણ છે...