સેક્સ સેન્સ:તન-મન જો બને નીરસ... તો વધારો થોડો રસ

20 દિવસ પહેલાલેખક: મેધા પંડ્યા ભટ્ટ
  • કૉપી લિંક

લગ્નજીવનને એક કે બે દાયકા થઇ ગયા પછી ઘણાં કપલ્સની વચ્ચે શારીરિક આકર્ષણ ઓછું થવા લાગે છે. જેમ જેમ ઉંમર વધતી જાય છે, તેમ સંબંધમાં માનસિક અને શારીરિક તણાવ ઊભો થવા લાગે છે. આના કારણે કપલ્સ વચ્ચે શારીરિક ક્રિયા નહિવત્ બની જાય છે. રોશની અને અલ્કેશના જીવનમાં પણ આ જ તકલીફ ઊભી થઇ. બાર વર્ષના લગ્નજીવન પછી બંનેને એકબીજા માટે સમય પણ નહોતો અને એકબીજા માટે શારીરિક આકર્ષણ પણ નહોતું રહ્યું. રોશની ઘરનાં કામ, બાળકોમાં અને સાથે જ તેના ઓફિસનાં કામને લઇને સતત દોડાદોડીમાં રહેતી. અલ્કેશને તે પૂરતો સમય નહોતી આપી શકતી. ધીમે ધીમે તેના રૂટિનમાં તે અલ્કેશથી સંપૂર્ણપણે દૂર થઇ ગઇ. રાત્રે પથારીમાં સાથે સૂવા પૂરતા બંને એકબીજાને જોઇ શકતા તેવી પરિસ્થિતિ ઊભી થઇ ગઇ હતી. અલ્કેશને મોટાભાગે ટૂરિંગ જોબ હોવાના કારણે તે ભાગ્યે જ ઘરે રહેતો અને તેવા સમયે પણ રોશની સાથે સમય વિતાવવાનું તેનું મન ધીમે ધીમે રોશનીના વર્તનને લઇને પાછું પડવા લાગ્યું હતું. અલ્કેશ ઘણીવાર રાત્રે રોશનીની નજીક જવા પ્રયત્ન કરતો અને તેને પાછળથી પોતાની નજીક ખેંચવાનો પ્રયત્ન કરતો પણ રોશની તેને જરા પણ સહકાર આપતી નહીં. આ પ્રકારની અનેકવાર બનેલી ઘટનાને કારણે તેને રોશનીની નજીક જવામાં જરાપણ રસ રહ્યો નહોતો. ક્યારેક તે સૂતેલી રોશનીના છાતીના ભાગને સ્પર્શવાનો પ્રયત્ન કરતો તો એક-બે વાર રોશનીના છણકાથી તેને અપમાન થયાની લાગણી થઇ. આવી કેટલીક ઘટનાઓએ અલ્કેશને રોશનીથી માનસિક અને શારીરિક રીતે દૂર કરી દીધો હતો. એકબીજાને સમય આપો જેમ જેમ તમારી ઉંમર વધે છે, તેમ તેમ તમારી જાતીય પ્રતિક્રિયાઓ ધીમી પડતી જાય છે. આવી પરિસ્થિતિમાં તમે અને તમારા જીવનસાથી સેક્સ માટે શાંત, આરામદાયક અને કોઇ મુશ્કેલી ન આવે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવીને તમારી સફળતાની તકોને સુધારી શકો છો. તમે સમાગમ અને તેની સાથે જોડાયેલી બાબતો વિશે વિચારો છો, તે ખરાબ બાબત નથી. તેવા સમયે જો ક્યારેક એકબીજાની અનુકૂળતાએ સેક્સ કરવામાં વધુ સમય વિતાવવો એ ખરાબ બાબત નથી. તમારી રોજિંદી દિનચર્યામાં સેક્સને એક ભાગ ગણી લેવો જરૂરી બની જાય છે. લ્યુબ્રિકેશનનો ઉપયોગ કરો ઘણીવાર લાંબા સમય સુધી સમાગમ ન કરવાના કારણે મહિલાને સમાગમ ક્રિયાની શરૂઆતમાં યોનિમાર્ગમાં શિશ્નના પ્રવેશથી તકલીફ ઊભી થાય છે. સાથે જ પેરીમેનોપોઝમાં શરૂ થતી યોનિમાર્ગની શુષ્કતાને લ્યુબ્રિકેટિંગ પ્રવાહી અને જેલ વડે સરળતાથી સુધારી શકાય છે. પીડાદાયક સેક્સને ટાળવા માટે આનો મુક્તપણે ઉપયોગ કરો. આ એક એવી સમસ્યા છે જે કામવાસના અને સંબંધોના તણાવમાં વધારો કરી શકે છે. જ્યારે લ્યુબ્રિકન્ટ કામ ન કરે, ત્યારે તમારા ડૉક્ટર સાથે અન્ય વિકલ્પોની અને સેક્સ દરમિયાન પડતી તેમજ ઊભી થતી તકલીફોની ચર્ચા કરો. વિવિધ આસનોનો પ્રયાસ કરો ઘણીવાર એક જ પ્રકારની સંભોગક્રિયાથી પણ બે વ્યક્તિઓને સમાગમમાં નીરસતાનો અનુભવ થવા લાગે છે. આવા સમયે નવા પ્રયત્નો કરવાથી નવીનતા મળે છે. વિવિધ જાતીય આસનોની સૂચી વિકસાવવાથી માત્ર સંભોગમાં રસ જ ઉમેરાતો નથી, પરંતુ સમસ્યાઓને ઉકેલવામાં પણ મદદ મળી શકે છે. સ્પર્શથી પણ પ્રેમ કરો ઘણીવાર બેમાંથી કોઇ એક વ્યક્તિનો મૂડ હોય તો તેને સુંવાળા અને પ્રેમાળ સ્પર્શથી ફક્ત ઉત્તેજિત કરી શકાય છે. તેના માટે જરૂરી નથી કે તેને સમાગમ માટે ફરજિયાત રીતે તૈયાર કરો. ઘણીવાર પ્રેમાળ સ્પર્શ પણ શારીરિક શાંતિ આપી શકે છે. તમે તમારા પાર્ટનરના શરીરના ઉત્તેજક ભાગોને સ્પર્શ કરીને પોતે શારીરિક આનંદ પ્રાપ્ત કરી શકો છો અને આવા સમયે જે પાર્ટનરનો મૂડ ન હોય તો તેણે બીજાની માનસિક અને શારીરિક સ્થિતી સમજીને તેને થોડો સપોર્ટ કરવો જરૂરી છે. તેનાથી તમારા સંબંધોમાં ક્યારેય એકબીજાથી શારીરિક રીતે દૂર થઇ ગયા છો, તેવા વિચારો જન્મ લેશે નહીં. એકબીજાની માનસિક અને શારીરિક પરિસ્થિતિને સમજીને વર્તવાથી સંબંધમાં ક્યારેય સમાગમને લઇને કડવાશ કે ખટાશ ઊભી નહીં થાય. medha.pandya@gmail.com

અન્ય સમાચારો પણ છે...