પ્રકરણ-3 તિરાજ આજે વસઇ રોકાણા છે...રાત્રિ વેળા કોલાબાનાં નિવાસસ્થાને બેડરૂમમાં કરવટ બદલતી સાંવરીએ ઊંડો શ્વાસ લીધો. ‘બિલીવ મી, મેં તારા હસબન્ડને એની સેક્રેટરી સાથે કઢંગી અવસ્થામાં જોયો...’ સાંવરીનું વધારે મિત્રવર્તુળ ન મળે, પણ જે ચાર-પાંચ કોલેજ ફ્રેન્ડ્સ હતી એમની સાથે કોન્ટેક્ટ જાળવી રાખેલા એ ગ્રુપમાંની વિદિતા ગયા મહિને એના વર સાથે દુબઇ ફરવા ગયેલી. કપલ પ્રાઇવેટ વિલામાં ઉતરેલું ને વિદિતાના કહેવા મુજબ એની બાજુની જ વિલામાં અતિરાજ એની સેક્રેટરી સાથે ઉતર્યો હતો, વિલાની પુલ સાઇડ પર બેઉને રંગરેલી માણતાં એણે પોતાની બાલકનીમાંથી નજરે જોયાં હતાં! ‘બળ્યું...એમનું શૂટિંગ ઉતારવાનો વિચાર મને ન આવ્યો, પાછા એ રાતે બેઉ નીક્ળી ગયાં એટલે તને તેડવાનો પણ ચાન્સ ન મળ્યો.’ મુંબઈ પરત થઈ એણે ઘરે આવી બોમ્બ વીંઝેલો. સાંવરીથી મનાયું નહોતંુ. અતિરાજ દુબઈમાં હતા એ ખરું, પણ એ તો સેક્રેટરી સાથે હોટલમાં અલગ અલગ રૂમમાં ઉતરેલા, વિલામાં ઓછા ઉતરે! જરૂર તને વહેમ થયો... સાંવરીની દલીલે વિદિતા અકળાઇ: તો શું મેં એ કપલને દૂરથી જોયું એટલે પુરુષને ઓળખવામાં થાપ ખાધી? ‘એવું હોય તો પણ હું તો એટલું કહીશ કે સાંવરી તું વહેમમાં ન રહેતી! વિદિતાના શબ્દો અત્યારે પણ ટિકટિક થવા લાગ્યા. કેવું છે માણસનું મન! અતિરાજ સાથે હોય ત્યારે સાંવરી વિશ્વાસ ઘૂંટતી : ચાહંુ છું હું એમને, તેઓ મને ચાહે છે એ જાણું છું, તો પછી છેતરવાનો કે છેતરાવાનો પ્રશ્ન જ કયાં રહે છે? મારા પિતાના બિઝનેસને એમણે કેટલી નિષ્ઠાથી સંભાળ્યો તો ય વેપારમાં અડધી ભાગીદારી સ્વીકારવા મારે એમને શબ્દશ: મનાવવા પડેલા. જેનામાં લાલચ નથી, મને જેમણે મરજીથી અપનાવી છે એણે મને છેહ દેવાનંુ કારણ જ નથી! અને છતાં કોઇ પળ એવી પણ આવી જતી કે અણિયાણું કંઇ બોલી જવાતું, પૂછી બેસાતું ને પ્રત્યાઘાતમાં અતિરાજને અવાક ભાળી સાંવરીના હોઠ વંકાઇ જતા. પછી સાંવરી જ જાતને ઠપકારતી: હું મારા પતિ પર શંકા કરુ છુ? જાણે અતિરાજ શું ધારશે મારા માટે! અતિરાજની હાજરીમાં મન મનાવતી સાંવરી એના જતા જ વિચારપલટો અનુભવતી. ક્યાંક સાચે જ તો અતિરાજ સ્વીટી સાથે...બની શકે વિદિતાએ એમને જ જોયા હોય, આખરે મને ખોટંુ કહેવામાં વિદિતાનો શું સ્વાર્થ! પતિ પર આંધળો વિશ્વાસ રાખનારીઓ પસ્તાઇ શકે એ તો સાચંુ જ ને! અતિરાજ આખરે તો પુરુષ. સુંદર નારીદેહનાં પ્રલોભન સામે પુરુષને પરાજિત થતા કેટલી વાર! કોને ખબર, સ્વીટીની નિયતમાં ખોટ હોય ને એણે અતિરાજને બહેકાવ્યા પણ હોય...અત્યારે પણ એ જ કશ્મકશે સાંવરીને પરેશાન કરી મૂકી. મારે ગમે તેમ ધારી અતિરાજને કે સ્વીટીને પણ અન્યાય નથી કરવો એમ ખોટા ભ્રમમાં પણ રહેવા નથી માંગતી હું! તો શું કરું? રોજ ઓફિસ જવાનુ શરું કરી દઉં? વસઇનાં ઘરે પહોંચી છાપો મારું? નહીં, નહીં...મારે મારી શંકાનું ગામગજવણું નથી કરવું! કંઇ ન નીકળ્યું તો હું જ ભૂંડી ઠરું. કોઇ એવો રસ્તો વિચાર સાંવરી કે સાપ પણ મરે ને લાઠી કોઇને દેખાય પણ નહીં! સાંવરીના મગજમાં કંઇ બેઠું અને એવો જ ચિત્તમાં સત્યેન યાદ આવ્યો : યસ, હું જે કરવા ઇચ્છું છું એમાં એ જરૂર મને મદદરૂપ થઇ શકે! Â Â Â ‘બોલો, દીદી, તમારી શી સેવા કરી શકંુ?’ બીજા દિવસે સાંવરીના એક કોલે સત્યેન બપોરે ઘરે આવી ગયો. વસઇથી મોડી સવારે પરત થયેલો અતિરાજ થોડો આરામ કરી ઓફિસ જવા નીકળી ગયેલો એટલે આ સમય સાંવરીને બધી રીતે અનુકૂળ હતો. ખરેખર તો માના નામે પપ્પાએ ચેરિટેબલ ટ્રસ્ટ બનાવેલંુ જે ન્યાતના તેજસ્વી તારલાઓના અભ્યાસ માટે સ્કોલરશિપ પૂરી પાડતંુ. સત્યેન આના થકી જ સોફ્ટવેર એન્જિનિયર થઈ પોતાનો બિઝનેસ કરે છે. એટલે નેચરલી પોતાને તમામ મદદ કરવાનો! ‘મારે મોબાઇલનાં થોડા લેસન્સ શીખવા છે. યુ નો, અતિરાજ કહે છે કે આપણે એક મોબાઇલ શો-રૂમ ખોલીએ અને એ શોપ મારે જ સંભાળવાની થશે કેમકે પ્રોફિટ બધો ટ્રસ્ટમાં જવાનો છે.’ સાંવરીએ ભૂમિકા બાંધવા ખાતર કહ્યંુ. ‘પણ એ પહેલાં મારે થોડું ગ્રાઉન્ડ તૈયાર કરી લેવંુ ઘટે...તારી પાસે સમય ન હોય, પણ તું કોઇ એવા માણસને મોકલી શકે જે મને મોબાઇલને લગતંુ બધંુ શીખવે. મોટી કંપનીના ઉચ્ચ અધિકારીઓ કઇ રીતે ફોન ક્લોન કરીને રાખે એની પણ મારે સમજ લેવી છે.’ ‘ગોટ ઇટ. હું બે સિટિંગમાં બધું શીખવી દઇશ.’ સાંવરી મલકી. મનમાં પડઘો ઉઠ્યો : માણસનું મન ભલે ન વાંચી શકાય એનો મોબાઇલ ‘વાંચવા’ મળે તો એ મન વાંચવા બરાબર જ કહેવાય! એકવાર અતિરાજનો મોબાઇલ ક્લોન થઇ જાય પછી મારાથી એમનંુ કોઇ રહસ્ય છાનંુ નહીં રહે! પોતાનંુ પગલું કયો ભેદ ખોલશે એની સાંવરીને ત્યારે કયાં જાણ હતી? Â Â Â આજે પણ ઇનામ ન લાગ્યું! અથર્વે નિરાશા અનુભવી. માના ઇલાજ માટે સરકારી હોસ્પિટલના ડોક્ટરે પ્રાઇવેટમાં જવાની ભલામણ કરી અને એ માટે રૂપિયાનો જોગ કરવાનો ઉપાય઼ અથર્વને લોટરીની ટિકિટમાં દેખાયો. રોજ પાંચસો-સાતસોની ટિકિટ ખરીદતો ને બીજે દહાડે છાપામાં આવતા રિઝ્લ્ટે નિરાશા જ સાંપડતી. જાણે આમાં વિધાતાની શું મરજી છે? જેણે પેટે પાટા બાંધી મને ભણાવ્યો એ માના ઇલાજ માટે પણ હું સક્ષમ નથી એની જેવી બીજી કરૂણા શું હોય! ‘તુ નકામો જીવ સંતાપે છે, દીકરા’ સાવિત્રીમાના સાદે અથર્વે અખબાર સાથે વિચારોનો પણ વીંટો વાળી દીધો. દીકરાની હાલત સમજતાં સાવિત્રીમાએ પહોંચો પસવાર્યો, ‘મા-બાપને ડોક્ટરની સારવારની તમા નથી હોતી, સંતાન એમની થોડી ઘણી કાળજી લે એ જ એમને મન ભવસાગર તર્યા જેવું હોય છે ને તે તો શ્રવણ બની માની આંતરડી ઠારી છે.’ મા ભલે આવું કહે- માને, પણ એ પ્રોપર સારવાર વિના સ્વર્ગે સિધાવી તો હું મારી જાતને કદી માફ નહીં કરી શકું! અથર્વની ભીતર આક્રોશ વળ ખાતો હતો: હવે તો ગમે એ કરીશ, ચોરી કરીશ, લૂંટ કરીશ, ખૂન કરીશ પણ પૈસાના અભાવે તો માને નહીં જ મરવા દઉં! Â Â Â સ્વીટીની કીકીમાં હીરાની ચમક અંજાઇ ગઇ. ‘પૂરા સો કરોડના હીરા છે...’ સંભાળીને હીરાની પોટલી પેન્ટના અંડરપોકેટમાં મૂકી અતિરાજ ખુશ થયો. સ્વીટીએ દમ ભર્યો. દસ દિવસ અગાઉ વસઇનાં એકાંતમાં અતિરાજે પોતાનો પ્લાન કહ્યો ત્યારે પહેલાં તો મનાયું પણ નહીં...‘તારે અખિલ શાહ સાથે લગ્ન કરવાનાં છે.’ આવું કહી અતિરાજે સ્વીટીને ચોંકાવી દીધેલી. દુબઈમાં જેના નામે બસો કરોડનું રોકાણ બોલે છે, અતિરાજ જેને પોતાના પ્લાનનું પાયાનું પ્યાદુ કહે છે એ અખિલ આખરે છે કોણ? ‘તું જ જોઇ લે.’ સ્વીટીના જવાબમાં અતિરાજે બેગમાંથી પાસપોર્ટ કાઢી એના હાથમાં થમાવ્યો હતો. પાસપોર્ટધારકની દાઢીધારી છબી ધ્યાનથી નિહાળતી સ્વીટીના નેત્રો અચરજથી પહોળાં થયાં. આ તો અતિરાજ જ નહીં? એમના ચહેરા પર દાઢી કેવી લાગે છે, પાછા આંખના તપખીરી લેન્સને કારણે ઓળખાતા પણ નથી! ‘બટ યુ ગેસ ઇટ રાઇટ!’ સ્વીટીને ધીરે-ધીરે પ્રકાશ પથરાયો : મતલબ, મુંબઇના અતિરાજ દુબઈના અખિલ બની જવાના! સાંવરીને ડિવોર્સ નથી દેવા એટલે? ‘સવાલ કેવળ ડિવોર્સ કે મારી ઇમેજનો નથી, સ્વીટી. સાંવરીની જગ્યાએ ખુદને મૂકીને જો. જે માણસને તારા પિતાના વેપારમાં આગ્રહ દઇ અડધા હિસ્સાનો ભાગીદાર બનાવ્યો હોય, એ પરસ્ત્રીના મોહમાં ફસાઇ તલાક આપે ને સાથે અડધો બિઝનેસ પણ લઈ જાય તો તું એ સહન કરી શકે? ‘નો વે. મને ચીટ કરનારને હું છોડતી હોઇશ!’ ‘તો પછી સાંવરી પણ શું કામ છોડે? એ તલાક ન આપે તો કેસમાં તારીખ જ પડતી રહે. ડોમેસ્ટિક વાયોલન્સની ખોટી ફરિયાદ નોંધાવી તને પણ એમાં સાંકળી લે તો આપણે તો કોર્ટ-કચેરીથી બચી ન શકીએ! એના કરતા બેટર કે આપણે આપણી દુનિયા જ અલગ કરી લઇએ.’ ‘કરેક્ટ, પણ તમારી ઓળખ છૂપાવવા કરતા સાંવરીને જ હટાવી દઈએ તો...’ સ્વીટીથી બોલી જવાયું હતું. ‘નો ક્રાઇમ બિઝનેસ. સાંવરીનંુ અકુદરતી મૃત્યુ થાય તો પહેલો શક મારા પર આવે! નો વે...આપણે બિઝનેસમાંથી કેવળ મારો હિસ્સો જ લઇએ છીએ, કેવળ મારી ફેક ઓળખ સર્જવા જેટલંુ જ ખોટું કરીએ છીએ, એ કંઇ મોટો ક્રાઇમ નથી.’ મુદ્દો ગળે ઉતર્યો. અતિરાજે સમજાવ્યું કે કઈ રીતે જર્મનીના પ્રોજેક્ટના નામે પોતે બિઝનેસમાંથી પૈસા લઈ અખિલના નામે ઇન્વેસ્ટ કર્યા છે; દુબઇની છેલ્લી મુલાકાતનો હેતુ જ એ હતો. ‘અચ્છા, એટલે મને વિલામાં એકલી મૂકી તમે આ કામે નીકળતા.’ ‘હા, પાકે પાયે કર્યા વિના તને કહેવંુ નહોતું એટલે બીજી બુક્ડ હોટલમાં જઇ અખિલ બની રોકાણનાં કામ પતાવ્યાં છે...’ ઇન ફેક્ટ, ત્યાર પછીના આ દિવસોમાં બીજા બસો કરોડ અખિલના નામે રોકાઇ ચૂકયા છે, છેવટના સો કરોડની ડીલિવરી અતિરાજે ડાયમંડમાં લીધી એટલે એના હિસ્સાના પાંચસો કરોડનો હિસાબ પૂરો! હવે નેક્સ્ટ સ્ટેપ એટલે આવતીકાલે થનારું અતિરાજનું ‘મૃત્યુ’! સ્વીટીનું હૈયંુ ધડકી ગયું. કાવતરાંનો આ છેલ્લો અંક જ કટોકટીભર્યો છે, કાલે એમાં પાર ઉતર્યા પછી સુખ જ સુખ હશે જીવનમાં! કાલે શું થવાનું એની તો કોને ખબર હોય છે? (ક્રમશ:)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.