લઘુનવલ:‘આસિતાને હું માફ નહીં જ કરું, એની હિંમત કે અજ્જુના અમંગળ પર મારા નામની સહી કરે!’

2 મહિનો પહેલાલેખક: કિન્નરી શ્રોફ
  • કૉપી લિંક

(પ્રકરણ:13) ‘મને આસિતામેડમનો પ્રતિભાવ જરા અજીબ લાગ્યો, ચૌધરીસાહેબ’ સાંજની વેળાએ સુકેશ ગામના હેલ્થ સેન્ટરના ઇનચાર્જ ડૉક્ટરની કેબિનમાં ત્રણે ગોઠવાયા છે: પ્રૌઢ વયના ડો. જયદેવ ચૌધરી, નર્સ સીમા અને એનો મંગેતર સતીશ. કોસ્ટગાર્ડની ડ્યુટીને કારણે સતીશને રજાનો અવકાશ ઓછો મળતો, એમાં વળી દેવદિવાળીએ સાસરે આવવાનું થતાં સીમા સાથેની વાતચીતમાં આનંદની ઓળખનો અણસાર સાંપડતા જયદેવભાઇ પણ સ્તબ્ધ બનેલા. અલબત્ત, વિગતોમાં થોડુંઘણું મિસમેચ હતું, પણ પોતે જોયેલ ફોટાવાળી વ્યક્તિ આનંદ જ હોવામાં સતીશને શંકા ન્હોતી, તો શું આનંદ જૂઠ બોલ્યો? તો તો પછી એ સંસારમાં એકલો હોય એવું પણ કેમ માનવું! પંગુતાને કારણે એ ન કરવાનું કરી બેસે એ પહેલાં આપણે કંઇક કરવું ઘટે! એટલે તો સતીશે મહામહેનતે રોહિણી પાસેથી નંબર લઇ ફોન પર આનંદની એક્સ એમ્પ્લોયર સાથે વાત કરી, પણ ન તો એ બાઇ આનંદ જીવતો હોવાનું જાણી ખુશ થઇ, ન એણે બીજી કોઇ ક્લૂ આપી! ‘મને એ જરા અજીબ લાગ્યું..’ સતીશે કડી સાંધી, ‘મરેલો માણસ અજાણ્યો હોય તો પણ એના જીવિત નીકળવાના સમાચાર અચંબિત કરે, અહીં તો એનો ય અભાવ!’ ‘વેલ, આમાં તો એવું પણ કહેવાય કે જેવો જેનો સ્વભાવ!’ સીમાએ હળવો નિશ્વાસ નાખ્યો, ‘ચિંતા મને આનંદભાઇની છે. જાણે ક્યાં હશે!’ સેન્ટરમાં કામ કરનારા તમામને આનંદ જોડે ભળતું. બેશક, પગ કપાયાનું એને દુ:ખ હતું, પણ પરેજીમાં એને ટોકવો ન પડે. ભાઇ વિનાની સીમાએ બહેનના હેતથી એની સંભાળ રાખી હતી. ગામવાસીઓ માટે દેવદૂત જેવા બની ગયેલા જયદેવભાઇએ કાખઘોડી લાવી આપી ત્યારે તો કેવો ખુશ થઇ ગયેલો! અને પછી અચાનક જ એક રાતે કોઇને કશું કહ્યા વિના નીકળી ગયો... આટલા વખતે એનો સેતુ સંધાવાની આશા હતી, પણ ધેટ આસિતાએ પણ મહોર મારી કે આનંદનું સંસારમાં કોઇ જ નથી, પછી બીજું થઇ પણ શું શકે? ‘આનંદનું સંસારમા કોઇ નથી એવું કેમ કહેવું? આપણે એના કોઇ નથી? અજાણવાટે ગયેલો એ કંઇ ખોટું ન કરે એ જ ધાસ્તી એની ખોજ માટે પ્રેરે છે.’ જયદેવભાઇએ ડોક ધુણાવી, ‘તમારા થકી એક દિશા સાંપડી છે, સતીશકુમાર...એ બંધ ન થવા દઇએ. આપણી પાસે આનંદનો ફોટો નથી, પણ એ તો આસિતાબેન પાસેથી મેળવી આપણે અખબારમાં, સોશિયલ મીડિયામાં એના પાછા આવવાની ટહેલ નાખી શકીએ...’ ‘અરે વાહ!’ સીમા ઝળહળી ઉઠી, ‘આ તમને પહેલાં કેમ ન સૂઝ્યુ!’ ‘દેર આયે દુરસ્ત આયે’ વાગદત્તાએ માનેલા ભાઇ પ્રત્યે બનેવીનું હેત ઉભરાતું હોય એમ સતીશે ઉમંગભેર કહ્યુ, ‘આસિતામેડમ પાસેથી ફોટો નહીં મળે તો રોહિણી મેડમ પાસે તો આનંદનો ફોટો છે જ.. એ મેળવી કાલ-પરમમાં જાહેરાત આપી દઉં છું... પછી જોઇએ, આનંદબાબુ કેટલો સમય ગુપ્તવાસમાં રહી શકે છે!’ *** ‘મમ્મી, પપ્પા જમ્યાં?’ ગઇ સાંજે વૈદેહી એના સાસુ-સસરા સાથે ધમધમ કરતી નીકળી ગયાને અત્યારે વીસ કલાક થવા છતાં ઘરનું વાતાવરણ એટલું જ ભારેખમ છે. આસિતાએ લાડ લડાવ્યા, નણંદના દોષ ગણાવી પોતાનું પગલું ન્યાયી હોવાનું ઠરાવી જોયું, પણ હાર્દિકની સ્તબ્ધતામાં તસુભારનો ફરક ન વર્તાતા ગુસ્સો ફાટ્યો: ગમે એટલું કરો, પણ વહાલી તો બહેન જ! ના, ના, ધંધાધાપાના ઠેકાણા નથી ને ઘરનો પુરુષ આમ દેવદાસ બની ખૂણો પકડી લે તો બૈરીએ શું કરવું! બે કરોડ હું કંઇ મારા મોજશોખ ખાતર રળવા ઇચ્છતી હતી? ને બૈરીની તો ચાલો તમને વેલ્યુ જ નથી, પણ દીકરાના ભાવિનો પણ વિચાર નહીં કરવાનો? આસિતાએ માનેલું બીજું કંઇ નહીં તો યશના નામે હાર્દિક મન મનાવી દર્દ ભંડારી દેવાના, પણ આજે તો એ રામબાણ પણ ખાલી ગયું! આસિતામાં એ સમજ જ ન્હોતી કે પતિને કેવળ બેનના જવાનું દુ:ખ ન્હોતું... જેનું પડખું સેવ્યુ ંએ પત્નીની કરણીની પજવણી વધારે છે. રૂપિયા ખાતર આસિતા ફ્રોડ કરવા સુધી ગઇ એનો કોઇ રીતે બચાવ થઇ શકે નહીં. વધુ આઘાત એ વાતનો કે પોતે ખોટું કર્યુ એનો પસ્તાવો તો દૂર, આસિતાને એવી અનુભૂતિ સુદ્ધાં નથી! વૈદેહીના તમાચા છતાં એને વિવેકભાન નથી થયું, બલ્કે એને એ અપમાનની દૃષ્ટિએ જુએ છે એમાં જ એની દ્વેષદૃષ્ટિ છતી થાય છે. ભાભીને નણંદ પ્રત્યે કોઇ કારણસર અણખટ હોય એ સમજી શકાય, પણ આસિતામાં તો ઝેર ભર્યુ છે, એન્ડ ફોર નો રિઝન! ‘હું જાઉં છું, ભાઇ. તમે જીવ ન સંતાપતા અને યશને જાળવજો..’ જતી વખતે આવું કહેનારી વૈદેહી પોતે બેજીવી છે એનો ય વિચાર ન કર્યો આસિતાએ! નણંદના વરનો પત્તો નથી એ પરિસ્થિતિમાં ભાઇ-ભાભીએ તો એના પડખે ઊભા રહેવાનું હોય, પણ આસિતામાં એ સમજ, એ હોંશ ક્યા! હાર્દિકનો ધગધગતો નિસાસો આસિતાને સહેમાવી ગયો. પતિ બહેનના ઘર છોડવાથી દુ:ખી થાય એ ખમાતું નહોતું એમ હાર્દિકની કીકીનો શૂન્યભાવ ભીતર ધ્રૂજાવતો પણ હતો. અને છતાં જીદ છૂટતી નહોતી, અહમ ઝૂકવા દેતો નહોતો: મને તમાચો મારનારીને હું ઘરમાં ઘાલતી હોઇશ! ગઇ તો ભલે ગઇ, હાર્દિકને એવું અપેક્ષિત હોય કે હું નમતી જઇ વૈદેહીને તેડી લાવીશ તો એ બનવાનું નથી. અરે, અજ્જુ જીવતો હોવાનું તો હું ભાઇ-બહેન કોઇને નહીં કહું, જાઓ! આજ તેવરમાં એણે રાંધ્યુ, અત્યારે યશને જમાડતી વેળા દીકરાએ પહેલાં બાપ માટે પૂછ્યું એ ગમ્યું અને ન પણ ગમ્યું. યશને જમાડી એના કાનમાં બોલી: જા, તારા પપ્પાને મનાવીને બે રોટલી ખવડાવી દે. થાળી લઇને આવેલા દીકરાનો હાથ હાર્દિક ઠેલી ન શક્યો. એને કોળિયા ભરતો જોઇ આસિતાએ ધારી લીધુ કે હવે થોડા દિવસમાં હાર્દિક બહેનનો શોક વિસારી નોર્મલ થઇ જવાના! હાશ. *** ‘ક્યાં સુધી આમ રોષને પંપાળ્યા કરીશ?’ રાત્રિવેળા ઇડરના ઘરના આંગણામાં ઉદાસી ગંઠાઇ હતી. અમૃતભાઇ હિંચકે બેઠા વિચારમગ્ન હતા, ગોદાવરીબહેને પડખે બેઠેલી વહુની પીઠ પસવારી ઉમેર્યુ, ‘આ હાલતમાં ગુસ્સો સારો નહીં.’ સાંભળીને કમ્પાઉન્ડ-વોલની બીજી બાજુ આવી ઉભેલા અજિંક્યના કાન સરવા થયા: વળી પાછું શું થયું! ગઇકાલે સુરત ગયેલા ઘરવાળા આજે આવી જાય એવી ધારણા નહોતી, પણ વાળુ કર્યા પછી પગે આપોઆપ આ રસ્તો પકડી લીધો... આંગણે બેઠેલાં સ્વજનોને જોઇ હૈયું ભરાયું, જોકે માના શબ્દો અજ્જુને સમજાયા નહીં. ‘નહીં, મા, આસિતાને હું માફ નહીં જ કરું. એની હિંમત કે આપણા અજ્જુના અમંગળ પર મારા નામની સહી કરે!’ વૈદેહીની રીસ-રોષ હજુ ઓસર્યા નથી. આસિતાની હરકત ધારણા બહારની હતી. પિયરથી આમ નાતો તૂટશે એવું ધાર્યુ નહોતું, પણ મારા અજ્જુના મંગળના ભોગે તો કોઇ સુખ ન હોયને! એમની વાત સાંભળતા અજિંક્યને ધીરેધીરે ગડ બેઠી: એક્સિડન્ટના વળતર તરીકે મને મૃત સ્વીકારી કંપની વૈદેહીને બે કરોડ ચૂકવવા તૈયાર છે, જેનો લાભ કે ગેરલાભ લેવા આસિતાએ વૈદેહીની બનાવટી સહી કરી પણ છેવટે ચેક પણ આપવો પડ્યો ને છોગામાં વૈદેહીનો તમાચો ય ખાધો! બિચારી આસિતા. અજિંક્યના હોઠ મરકી ગયા. અને બીજી પળે ઝબકારો થયો: બે કરોડ! ઓહ, આ રૂપિયા જો એક સહીના સાટામાં મળતા હોય તો લઇ લેવા ઘટે. મારા ઘરનાને જીવનભરની નિરાંત! ઓહ, વૈદેહીને કોઇ સમજાવતું કેમ નથી! -પણ ના. મને મૃત માનનારા કોઇ કાગળ પર વૈદેહી કે મારાં પેરન્ટ્સ ક્યારેય સહી નહીં કરે. અજિંક્યને થયું આર્થિક કટોકટીનો અંત કેટલો હાથવગો છે ને તો ય કેટલો અશક્ય! ખરેખર તો મારે એ વિચારવુ જોઇએ કે આ અશક્યને શક્ય કેમ કરાવાય... એટલું થયા પછી જ હું ગિરનારનો મારગ લઇ શકું! અને સરાઇ પાછા વળતા અજિંક્યનું દિમાગ ધારી દિશામાં દોડવા લાગ્યું. *** એવું તે શું થાય કે વૈદેહી કંપનીના દસ્તાવેજ પર સહી કરી બે કરોડનો ચેક લઇ લે? મા-બાપની માંદગી આવે એવું વિચારવુ ન જોઇએ, પણ એમના ઇલાજ માટે વૈદેહી સમાધાન સ્વીકારે ખરી. પણ એમ તે માંદગી સર્જવી મારા હાથમાં ઓછી છે! એ સિવાય તો એવું કોણ છે જેના સાટુ વૈદેહી સહી કરવામાં કાચી સેકન્ડનો વિચાર ન કરે? અને અજ્જુના ચિતમાં સળવળાટ થયો, કીકીમાં ચમક ઉપસી: છે, એક જણ છે! મારો લાડલો, વૈદેહીનો વહાલો યશવીર! ધારોકે.. અજ્જુના દિમાગે હવે જેટ ઝડપ પકડી: ધારોકે યશને કંઇ થયું...માની લો એ કિડનેપ થયો તો એની ફિરૌતીમાં વૈદેહી માગો એ રકમ આપી દે, પણ એ માટે પહેલાં એણે કંપની પાસેથી બે કરોડ લેવા પડે! અને અજ્જુના પ્યારા યશ માટે વૈદેહી એ અચૂક કરવાની! નક્કી થઇ ગયું: યશને થોડા સમય માટે કિડનેપ કરી બદલામાં ચાલીસ લાખ માગવા જે આજના સંજોગોમાં કેવળ વૈદેહી બે કરોડ લે તો જ ચૂકવાય.. યશને કિડનેપ જ કરવો છે તો એ દિશામાં અજિંક્ય પ્લાન ગૂંથવા લાગ્યો: એક પગ સાથે હું બહુ દોડધામ ન કરી શકુ, મારે કોઇને મદદમાં રાખવો રહ્યો જે પૈસા લઇ કહો એ કરવા તૈયાર થઇ જાય અને હું એની સાથે જ રહીશ એટલે યશ પર જરા જેટલું જોખમ પણ નહીં. હવે આ ભાડૂતી આદમી ક્યાંથી શોધવો? એ જ વખતે બહાર મુસ્તાક મિરચીનો સ્વર પડઘાયો ને અજ્જુને એકાએક બધું આપમેળે ગોઠવાતું લાગ્યું: મુસ્તાકને રૂપિયાની જરૂર છે, છ લાખ ખાતર હું કહું એ કરવા તૈયાર થઇ જવાનો! અજિંક્ય ઝળહળી ઉઠ્યો. *** કિડનેપ! બીજી બપોરની વેળા અજિંક્યએ મુસ્તાકને ઓરડીમાં તેડાવી બાળકના અપહરણનો પ્રસ્તાવ મૂકતા પહેલાં તો એ ભડક્યો પણ પછી સાધુ આનંદ બસ ડેપોમાં મળેલો એ જ છે એ ઓળખે અચંબિત થયો: મને કેમ એ ધ્યાનમાં ન આવ્યું! પાછો એ મારું કામકાજ જાણી ગયો એટલે પહોંચેલો તો ગણાય જ.. જરૂર એના સ્વાર્થે જ મને પોલીસમાં ઝડપાવાને બદલે છુટો રહેવા દીધો. એ ચારેક વરસના છોકરાનું અપહરણ કરાવવા માગે છે, પાછો રહેશે તો મારી સાથે જ.. ટાંગ ગૂમાવનારાની માશૂકાનો દીકરો હશે? મને છ લાખની ઓફર કરનારો પોતે ફિરૌતીમાં કેટલા પડાવશે? આ વિચારે મુસ્તાક ટટ્ટાર થયો. સાધુની પંગુતા નિહાળી મનમાં જ મલક્યો: તે જમને ઘર દેખાડ્યું, સાધુડા. હવે જે થાય એ ભોગવજે! પ્રગટ જુદુ બોલ્યો, ‘ભલે મા’રાજ. તમે કહેશો એમ જ થશે...’ અજિંક્યએ ઉંડો શ્વાસ લીધો, ‘ઠીક તો આજ રાતની બસમાં સુરત પ્રયાણ કરીએ..’ પોતાનો પ્લાન કેવો અંજામ આણશે એની અજિંક્યને ત્યારે ક્યા ખબર હતી?(ક્રમશ:)

અન્ય સમાચારો પણ છે...