મીઠી મૂંઝવણ:હું બધાનું ધ્યાન રાખું છું પણ કોઇને મારી પડી નથી...!

એક મહિનો પહેલાલેખક: મોહિની મહેતા
  • કૉપી લિંક

પ્રશ્ન : હું 21 વર્ષની યુવતી છું. મને હંમેશાં મૈત્રીપૂર્ણ વર્તન જ ગમે છે. હું બધાં સાથે સારી રીતે જ વર્તન કરું છું અને મારાથી બને એટલી શક્ય મદદ કરવાનો પ્રયાસ કરું છું. આટલી મહેનત કર્યા પછી પણ મને બહુ ખરાબ અનુભવ થયો છે. મેં જેને ખેંચાઇને પણ મદદ કરી હોય એવી વ્યક્તિઓ જરૂરિયાતના સમયે મારી સાથે ઊભી નથી રહેતી અને મને એકલી પાડી દે છે. આના કારણે મને બહુ દુ:ખ થાય છે. આમાં મારો કોઇ વાંક છે?
એક યુવતી (અમદાવાદ)
ઉત્તર :
જો તમે હદથી વધારે બીજાની કેર કરવાનો નેચર ધરાવતા હોવ તો તમારે સાવધાન થઇ જવાની જરૂર છે. કારણ કે આ સ્વભાવ તમને નુકસાન પહોંચાડી શકે છે. બીજા વ્યક્તિની દરકાર કરવી, તેઓનો ખ્યાલ રાખવો ખૂબ જ સારી બાબત છે, પરંતુ કોઇ પણ વસ્તુ જ્યારે હદથી વધારે થવા લાગે ત્યારે તે ઘાતક બની જાય છે. ઘણીવાર બીજા વ્યક્તિની સમસ્યાનો ઉકેલ લાવવામાં આપણે પોતે એટલાં ગૂંચવાઇ જઇએ છીએ અને પોતાના વિશે વિચારવાનું પણ બંધ કરી દઇએ છીએ. ખેંચાઇને પણ મદદ કરવાના તમારા નેચરથી સમસ્યા એવા સમયે ઉભી થાય છે જ્યારે તમે પોતાની જાત પહેલાં બીજાને પ્રાથમિકતા આપવાનું શરૂ કરી દો છો. વળી, મોટાભાગે સામેવાળી વ્યક્તિ આ પ્રકારના સ્વભાવની વ્યક્તિને ગંભીરતાથી લેવાનું બંધ કરી દે છે અને તેઓ તમારી લાગણીઓની પરવા કરવાનું પણ બંધ કરી દે છે. તમારાં આ સ્વભાવના કારણે તમે કદાચ એવા વ્યક્તિની પણ દેખરેખ રાખવાનું શરૂ કરી દો છો, જેને તમારી ખાસ જરૂરિયાત પણ નથી હોતી.
જો તમે હદથી વધારે સાલસ અને દરકાર રાખનાર વ્યક્તિ હશો તો તમારા સંબંધો મજબૂત નહીં પણ કમજોર જ રહેશે. કારણ કે, તમારાં સ્વભાવના કારણે તમે હંમેશાં બીજાની હામાં હા જ મેળવશો, પછી ભલે તમે તેમની વાતથી અસહમત હો. તમારે એ સમજવું જરૂરી છે કે, કોઇ પણ સંબંધમાં વ્યક્તિની દરકાર કરવી અલગ બાબત છે અને પોતાના મતને નિડર બનીને સામે રાખવો અલગ બાબત છે. તમારી વાતને સહજતાથી મૂકશો તો તમારો સંબંધ વધારે મજબૂત બનશે.
જો તમારે અવગણનાનો ભોગ ન બનવું હોય તો સૌથી પહેલાં તો તમારી જાતને સમય આપો અને તમારી લાગણીઓને અન્ય કરતાં ટોપ પ્રાયોરિટી પર રાખો. બીજાં વ્યક્તિઓનું ધ્યાન રાખો, તેઓનું સન્માન પણ કરો પણ એક નિશ્ચિત રેખાની અંદર રહીને, નહીં તો તમે તમારું આત્મ-સન્માન ગુમાવી દેશો. તમારી જરૂરિયાતની દરકાર કરવાનું શરૂ કરી દો, તમારાં ભવિષ્ય માટે પ્લાનિંગ કરો, એવા લોકો વિશે વિચારવું બંધ કરો જે તમારા વિશે નથી વિચારતા. નેગેટિવ અને બીજાના વિશે ખરાબ બોલતાં લોકોથી અંતર જાળવવાનું શરૂ કરો, આનાથી તમારાં જીવનમાં હકારાત્મક ફેરફાર આવશે.

પ્રશ્ન : હું છેલ્લા બે વર્ષથી એક છોકરી સાથે રિલેશનમાં છું. અમે બંને એકબીજાને ખૂબ જ ચાહીએ છીએ, પરંતુ સમસ્યા એ છે કે મારી ગર્લફ્રેન્ડ મેરેજ કરવાની સ્પષ્ટ ના પાડે છે. તે કહે છે કે તેને લગ્નસંસ્થામાં વિશ્વાસ જ નથી. હું તેના સિવાય બીજી કોઈ છોકરી સાથે લગ્ન કરવાની કલ્પના પણ કરી શકું તેમ નથી. મારી વય 31 વર્ષની થઇ ગઇ છે અને હવે મારો પરિવાર મારા પર લગ્ન કરવાનું દબાણ કરી રહ્યો છે અને મારી ગર્લફ્રેન્ડ લગ્ન માટે કોઇ સંજોગોમાં તૈયાર નથી. હવે મારે શું કરવું જોઇએ?
એક યુવક (વડોદરા)
ઉત્તર :
તમારી સ્થિતિ સમજી શકાય એમ છે. તમે પરિવારની લાગણી અને ગર્લફ્રેન્ડની ઇચ્છા વચ્ચે ફસાઇ ગયા છો. આ પરિસ્થિતિમાં તમારે શું કરવું જોઇએ એ નક્કી કરવા માટે પહેલાં તો તમારી શું ઇચ્છા છે એની આત્મસમીક્ષા કરો. શું તમે તમારી ગર્લફ્રેન્ડ સાથે મેરેજ ન થવાના હોય તો રિલેશનશિપ ચાલુ રાખવા તૈયાર છો? જો તમારો જવાબ હામાં હોય તો પણ તમે કેટલું ખેંચી શકશો? તમારી વય 31 વર્ષની થઇ ગઇ છે ત્યારે હવે તમે ડેટિંગ અને પ્રેમમાં શું ફરક છે તે કદાચ તમે જાણતા હશો. તમે અને તમારી ગર્લફ્રેન્ડ હાલમાં રિલેશનશિપને અલગ-અલગ દૃષ્ટિકોણથી જુઓ છો.
હવે જ્યારે તમારી રિલેશનશીપને ચાર વર્ષ થઇ ગયા છે ત્યારે હવે આ વિશે સ્પષ્ટતા થઇ જાય એ જરૂરી છે. જીવનના આ તબક્કે તમારા માટે મેરેજ કરવા કેમ જરૂરી છે તેનાં કારણોનું લિસ્ટ બનાવો અને તે અંગે તમારી ગર્લફ્રેન્ડ સાથે ચર્ચા કરો. તમે ઈચ્છો તો આ અંગે કાઉન્સેલિંગ પણ લઈ શકો છો. તમારી ગર્લફ્રેન્ડ મેરેજને માત્ર એક ફોર્માલિટી માને છે અને તમારા બંને વચ્ચે આ જ મામલે વિચારભેદ છે. જેમની સાથે તમારે વિચારભેદ હોય તેવા વ્યક્તિ સાથે રહેવાથી ક્યારેક તો સમસ્યા થશે જ. તેની સાથે કાયમના સંબંધ રાખવા તમે સમજો છો તેટલું સરળ નહીં હોય. તમારે અને તમારી ગર્લફ્રેન્ડે સાથે મળીને આ મુદ્દાઓની ચર્ચા કરવી જોઇએ અને પછી જ કોઇ નિર્ણય લેવો જોઇએ.
પ્રશ્ન : મારી પત્નીને ભરપૂર અંગપ્રદર્શન થાય એવાં જ કપડાં પહેરવા ગમે છે. હું આ મામલે તેને ટોકું તો એને બહુ ખરાબ લાગે છે અને પછી અમારી વચ્ચે ઝઘડો થઇ જાય છે. તે દલીલ કરે છે કે તે લગ્ન પહેલાં પણ આવાં કપડાં જ પહેરતી હતી અને તેને આવું જ ડ્રેસિંગ ગમે છે. અમે જ્યારે કોઇ પારિવારિક પ્રસંગોમાં જઇએ છીએ ત્યારે બધાં તેની સામે જ ટીકીટીકીને જોતા હોય છે જે મને બિલકુલ નથી ગમતું. મારા માતા-પિતાને પણ પુત્રવધૂનાં વસ્ત્રોને કારણે શરમાવું પડે છે. જોકે મારી પત્ની મારી વાત સમજવા જ તૈયાર નથી.મારી આ સમસ્યાનો ઉકેલ કઇ રીતે આવી શકે?
એક યુવક (સુરત)
ઉત્તર :
તમારી સમસ્યા સમજી શકાય એમ છે. સામાન્ય રીતે સંયુક્ત કુટુંબમાં રહેતી સ્ત્રીઓ મર્યાદામાં રહેતી હોય છે, પરંતુ ઘરમાં વડીલની હાજરી ન હોય તો ક્યારેક આવી શક્યતા નિર્માણ થતી હોય છે. સ્વાભાવિક છે કે, તમારી જગ્યાએ બીજી કોઈ વ્યક્તિ પણ હોય તો તે પણ કદાચ અસહજતા અનુભવે. આમ તો દરેક વ્યક્તિને તેને જે રીતે રહેવું હોય તે રીતે રહેવાનો હક છે, પરંતુ ક્યારેક સમય અને સંજોગ પણ જોવા પડે છે.
શક્ય છે કે તમારી પત્ની લગ્ન પહેલાં પણ બોલ્ડ વસ્ત્રો પહેરતી હોય એટલે તેને આ સ્વાભાવિક લાગે છે પણ તેણે હવે સમજવું જોઇએ કે લગ્ન પછી તેના પર સાસરિયાંનું માન જાળવવાની જવાબદારી પણ છે. તેણે સમજવું પડશે કે જો સોસાયટીમાં માન જાળવી રાખવું હોય તો અમુક રીતે રહેવું પડે છે. જો તમારી પત્ની આ વાત સમજવા તૈયાર ન હોય તો તમારે બળને બદલે કળથી કામ લેવાની જરૂર છે. તમે તેને અમુક ખાસ સંજોગોમાં કે જાહેરમાં બોલ્ડ વસ્ત્રો ન પહેરવા માટે સમજાવી શકો છો.
આ સ્થિતિનો ઉકેલ સમજાવટથી જ આવી શકે છે. જોકે તમે કઈ રીતે તેને સમજાવો છો તે સૌથી મહત્ત્વની વાત છે. જો તમે તેની સાથે આ અંગે ચર્ચા કરતાં ગુસ્સે થઈ જતા હશો કે પછી તેને ગુસ્સો આવી જતો હશે તો તેનું નિરાકરણ ક્યારેય આવવાનું નથી. ગુસ્સાથી હંમેશાં વાત બગડે જ છે અને કોઇ સમાધાન નથી આવતું.

અન્ય સમાચારો પણ છે...