પ્રશ્ન : મારી ઉંમર 38 વર્ષ છે અને હું એક હેલ્ધી અને નોર્મલ લાઈફ જીવી રહ્યો છું. હાલમાં મારી કંપનીમાં ફુલ બોડી ચેક-અપ હતું ત્યારે એના રિપોર્ટ પરથી મને ખબર પડી કે મારું ટેસ્ટોસ્ટેરોન લેવલ ખૂબ જ ઓછું છે. મારી આ સમસ્યાનો ઉકેલ શું છે? એક યુવક (અમદાવાદ) ઉત્તર : પોતાના મનથી કોઈ જ રીતની ટ્રીટમેન્ટ શરૂ કરતાં પહેલાં પોતાના ડોક્ટરની સલાહ લો. તેમના દ્વારા કરેલી તપાસથી જ ખબર પડશે કે ટેસ્ટેસ્ટેરોન લેવલમાં ઉણપ છે કે નહીં. તે પછી ડોક્ટર જે ટ્રીટમેન્ટ જણાવે તેના આધાર પર જ કામ કરવું જોઈએ. ટેસ્ટોસ્ટેરોન ઓછું હોવાનો મતલબ એ નથી કે તમે નપુંસક થઇ જશો. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના મતે એક પુરુષના શરીરમાં ટેસ્ટોસ્ટેરોનની નોર્મલ રેન્જ 300થી 1 હજાર નેનોગ્રામ પ્રતિ ડેસીલીટર હોવી જોઈએ. પરંતુ જ્યારે ટેસ્ટોસ્ટેરોનનું લેવલ 300થી નીચે જતું રહે તો સમજવું કે ટેસ્ટોસ્ટેરોન લેવલ ઘટી રહ્યું છે તેવું જોવા મળે છે. કિશોરવસ્થા અને યુવાનોમાં આ હોર્મોન ઝડપથી વધે છે પરંતુ ઉંમરની સાથે તેના લેવલમાં ઘટાડો થવા લાગે છે ટેસ્ટોસ્ટેરોનને સેક્સ હોર્મોન પણ કહેવામાં આવે છે જે સેક્સ ડ્રાઇવ વધારવાનું કામ કરે છે. તેની ઉણપથી શરીરમાં આવતાં ફેરફારો પૈકી એક છે જે વધારે પડતો થાક. વધુ થાક લાગવોનો અર્થ છે કે પુરુષના શરીરમાં ટેસ્ટોસ્ટેરોનનું ઉત્પાદન ઘટ્યું છે. આ હોર્મોનની ઊણપથી એવું લાગે છે કે, બોડીમાં બિલકુલ એનર્જી નથી. જોકે ઉંમર વધવાની સાથે આવા લક્ષણો જોવા મળી શકે છે. આથી શરીરમાં એનર્જી લેવલ વધારવા માટે આઠ કલાકની ઊંઘ લેવી જરૂરી બને છે. જોકે ટેસ્ટોસ્ટેરોન ઓછા થવાથી ઊંઘવામાં સમસ્યા આવી શકે છે. જેના કારણે ઇન્સોમેનિયા અથવા રાત્રે બેચેનીનો અનુભવ થયા કરે છે. આ માટે નિયમિત ઊંઘ લેવી જરૂરી બને છે. ટેસ્ટોસ્ટેરોન પુરુષોમાં સ્પર્મનું ઉત્પાદન અને સેક્સ ડ્રાઈવરને વિકસિત કરવામાં મહત્ત્વનો રોલ નિભાવે છે, એવામાં આ હોર્મોન લેવલમાં ઘટાડો પુરુષોની લિબેડો એટલે કે કામેચ્છાને નષ્ટ કરી શકે છે. આ પુરુષની સેક્સ ડ્રાઈવ એટલે સેક્સ કરવાની ઈચ્છા ખતમ થઈ જાય છે. પ્રશ્ન : મારી વય 18 વર્ષની છે પણ આમ છતાં મને માસિક નથી આવ્યું. શું મને કોઇ મોટી બીમારી હશે? એક યુવતી (રાજકોટ) ઉત્તર : સામાન્ય રીતે છોકરીઓ 10થી 12 વર્ષે પ્યુબર્ટી એજમાં આવી જાય છે. જો 15 વરસ સુધી માસિક ન આવે તો વાતને ગંભીરતાથી લેવાની જરૂર છે એને હળવાશથી ન લેવાય. હવે નિદાન અને સારવાર પદ્ધતિ બને એટલી ઝડપથી કરશો તો પરિણામ મળી શકે છે. સૌથી પહેલાં તો તેની કેટલીક તબીબી તપાસ કરાવો. FSH, LH, TSH, PrL, CBC, ESR, Mountex ટેસ્ટ કરાવો. આ ઉપરાંત કેરિઓટાઇપિંગ પણ કરાવી લેવું. આ ટેસ્ટથી જનીનગત કોઈ ખામી હશે તો એ પણ ખ્યાલ આવી જશે. કેટલીક વાર ટીબીને કારણે પણ ગર્ભાશય વિકસતું નથી એટલે ટેસ્ટમાં શું આવે છે એના પર આગળની સારવારનો ઘણો જ આધાર છે. આ સિવાય પીરિયડ્સ સિવાયનાં પ્યુબર્ટીનાં લક્ષણો વિકસ્યાં છે કે કેમ એ તમે નથી જણાવ્યું. જો ઓવરીઝ બરાબર હોય તો હોમોર્ન પ્રોડક્શન બરાબર થઈ શકતું હશે. આવા સંજોગોમાં ડોક્ટરની સલાહ પ્રમાણે હાઇ પ્રોજેસ્ટરોન અને ઇસ્ટ્રોજન હોમોર્ન્સ આપીને માસિક શરૂ કરાવવું પડે છે. જો હોમોર્ન્સ છતાં માસિક ન આવે તો લેપ્રોસ્કોપી કરાવીને અંદર અવયવની ખામી છે કે કેમ એની તપાસ કરાવવી પડે. તમારે આ મામલે તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જોઇએ. પ્રશ્ન : મને વારંવાર એલર્જી થઇ જાય છે. આના કારણે હું બહુ પરેશાન થાઉં છું. એનું શું કારણ હશે? આના માટે કોઇ ટેસ્ટ છે ખરો? એક યુવતી (સુરત) ઉત્તર : તમારી સમસ્યા સમજી શકાય એવી છે. એલર્જી એ કોઈ રોગ નથી. તેનાથી કોઈ મોટું જોખમ રહેલું નથી. એલર્જીની કોઈ સારવાર કરી શકાતી નથી. કેટલાક દર્દીઓ એલર્જીની દવા લેતા હોય છે. એલર્જીની આમ તો કોઈ દવા નથી હોતી. તેને લઈને રાખવામાં આવતી કાળજી એ જ તેની દવા છે. જ્યારે આપણી રોગપ્રતિકારક શક્તિ કોઈ વસ્તુ અથવા પરિસ્થિતિ પર પ્રતિક્રિયા આપવાનું શરૂ કરે છે અને તે સંવેદનશીલ બને છે, ત્યારે સર્જાતી સ્થિતિને એલર્જી કહેવામાં આવે છે. તેમાં શરીર કોઈપણ રીતે પ્રતિક્રિયા આપી શકે છે. તેમાં કોઈને સામાન્ય ગણાતા ડિઓડરન્ટની સુગંધથી તીવ્ર માથાનો દુખાવો થઇ શકે છે. એલર્જી પેદાં કરતા કણોને ‘એલર્જન’ કહેવામાં આવે છે. તેના સંપર્કમાં આવતા કેટલાક લોકોને એલર્જી થાય છે, જ્યારે કેટલાક લોકો પર તેની અસર થતી નથી. સ્કિન પ્રિક ટેસ્ટ દ્વારા એલર્જી વિશે જાણી શકાય છે. ડોકટર્સ તેનાથી ઓછામાં ઓછી 40 અલગ-અલગ પ્રકારની વસ્તુઓની એલર્જી વિશે જાણી શકે છે. લોહી દ્વારા પણ એલર્જીની તપાસ થઈ શકે છે, પરંતુ તે પ્રમાણમાં ખર્ચાળ હોય છે અને ઘણી વખત તેના પરિણામો સચોટ હોતા નથી. પરંતુ ખાદ્ય સામગ્રી વિશે એલર્જીની તપાસ માટે અને નાના બાળકોમાં એલર્જી ટેસ્ટ માટે આ પદ્ધતિ વધુ ઉપયોગી બને છે. પ્રશ્ન : મને સમાગમ વખતે મને ઝડપથી સ્ખલન થઈ જાય છે. મારા હમણાં જ લગ્ન થયા છે અને મને ચિંતા છે કે મારી પત્ની ગર્ભવતી થશે કે નહીં? એક યુવક (વડોદરા) ઉત્તર : શીઘ્રસ્ખલનથી પ્રેગ્નન્સી રહેવામાં ક્યારેય કોઈ તકલીફ થતી નથી. બાળક રાખવા માટે પુરુષના શુક્રાણુ અને સ્ત્રીનાં સ્ત્રી બીજનું મિલન થવું જરૂરી છે. સ્ખલન જલદી થવાથી આ બેના મિલનમાં કે બાળક રાખવામાં કોઈ તકલીફ થતી હોતી નથી. બાળક રાખવા માટે તમારે સ્ત્રીના ફળદ્રુપ દિવસોમાં સંબંધ રાખવો જોઈએ. આ દિવસો એટલે કે સ્ત્રીના માસિકના બારમાંથી અઢારમા દિવસ વચ્ચેનો સમયગાળો. બે ત્રણ મહિનામાં આ દિવસોમાં સંબંધ રાખવામાં આવે તો મોટાભાગના યુગલોને ગર્ભધારણ થઇ જતું હોય છે. જો આમાં નિષ્ફળતા મળે તો તમારે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. તેઓ સૌપ્રથમ આપના શુક્રાણુની તપાસ કરાવશે. જેનું પરિણામ માત્ર બે કલાકની અંદર મળી જતું હોય છે. રિપોર્ટમાં કઈ તકલીફ નહીં હોય તો પત્નીના લોહીના રિપોર્ટ, સોનોગ્રાફી અને જરૂર લાગે તો ડાયગ્નોસ્ટિક લેપ્રોસ્કોપીની સલાહ આપી શકે છે. શીઘ્રસ્ખલનની સામાન્ય તકલીફ છે. આ તકલીફના ઉપાયો પણ એટલા જ સરળ છે. સામાન્ય રીતે શીઘ્રસ્ખલન એવી વ્યક્તિઓમાં જોવા મળતું હોય છે જેઓ જાતીય જીવન નિયમિત માણતા નથી હોતા. જેઓના બે સંભોગ વખતે લાંબો સમયગાળો હોય છે તેમને પણ આ તકલીફ હોય છે. આ માટે સૌપ્રથમ તો આપનું જાતીય જીવન નિયમિત કરો. આમ કરવાથી પણ 50 ટકા પુરુષોને શીઘ્રસ્ખલનમાં ઘણી બધી રાહત થઈ જતી હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.