(પ્રકરણ:10) ‘જાગો, પતિદેવ!’ સજ્જનસિંહે આમ તો સોમની સવારે આંખો ખોલેલી, પણ ઘેનની અસર ઊતરતાં સાંજ થઇ ગઇ. પોતાના પર ઝળુંબતી પત્નીનો સાદ કાને પડતાં સમજાઇ ગયું : ઊંઘની દવાનો ઓવરડોઝ કોઇ કામનો ન નીવડ્યો! ‘ના, હું તમારા ભેગી નર્કમાં નથી આવી... આ તો તમારા માટે નર્કમાંય જગ્યા નથી એટલે યમરાજ તેડી ન ગયા.’ સજ્જન કાંપી ગયા. આપઘાતના પ્રયાસમાંથી ઊગરવું પણ વિશાખા વ્યાજ સાથે વસૂલશે! ‘શ્રીમાન સજજનસિંહ..’ વિશાખાએ એનો કોલર પકડ્યો. બે દિવસનો ધૂંધવાટ બહાર ધસી આવ્યો, ‘મરવું જ હતું તો રસ્તો મને પૂછવો હતો... એવો માર્ગ દેખાડત કે આજે જીવતા ન હોત.’ હું જીવું છું એવું તું માનતી હોય તો તારો એ ભ્રમ છે, આઇ એમ જસ્ટ બ્રીધિંગ, નોટ લીવિંગ! તેજુએ તો મારા પુરુષત્વ પર એક વાર ઘા કરી મને નપુંસક બનાવી દીધો, પણ તું તો વારંવાર વાણીના વારથી મને સત્વહીન કરતી રહી છે... તેજુને સજા દેવાનો હક હતો કેમ કે પતિ તરીકે મે એને દોઝખ જ આપ્યું’તું.. પણ હું તારો ગુનેગાર નહોતો. મૂળીમાંથી વિશાખા થવાની લાયકાત મારા થકી મેળવનારી તને મારા અપમાન-અવહેલનાનો હક જ નથી... પણ આવું કહેવાયું નહીં. કહ્યું હોત તો એ જ પેન્ટ ઉતારવાની ધમકી મળી હોત... ‘જાણો છો, સજ્જન, તમને આલિશાન પ્રાઇવેટ હોસ્પિટલને બદલે સરકારી સિવિલમાં કેમ લાવી? કેમ કે અહીં તમારા કપડાં હંુ બદલાવું, તમને સ્પંજ કરી દઉ એની કોઇને નવાઇ નથી લાગતી, બલ્કે હેલ્થવર્કર સ્ટાફને એક પેશન્ટ પૂરતી નિરાંત થઇ જાય છે... તમારી નામર્દાનગી ઢાંકવા હું કેટલું મથું છું ને તમે...’ વિશાખાનો બનાવટી નિસાસો દઝાડી ગયો. તું તારા સ્વાર્થે મથે છે એવું કહેવાયું નહીં. ‘બટ એની-વે, તમારા આ પગલે મને મોટો ફાયદો થયો છે… જાણો છો, તમે આત્મહત્યાનો પ્રયાસ ન કરત તો અહી આવવાનું ન થાત, ને તો તમારાં પહેલા પત્ની તેજુબાનો ભેટો ન થાત..’ હેં! સજ્જનસિંહ બેઠા થઇ ગયા : તે..જકુંવર..અહીં! ‘તમારા દીકરા અજાતશત્રુના ઇલાજ માટે આવી છે...’ વિશાખાએ દિવસ દરમિયાન ભેગી કરેલી માહિતી ઓકી નાખી. તેજકુંવરનો દીકરો હોસ્પિટલમાં ભર્તી છે એટલું જાણતાં એને કેન્સર, એઇડ્સ જેવી કોઇ બીમારી હોય એવા હવાઇ કિલ્લા બાંધ્યા, પણ એ તીરના વારથી ઘાયલ થયો છે એવી ખબર પડતાં ટિકટિક થયું : અજાતશત્રુ. ફોરેસ્ટ ઓફિસર. તીર. અરે, આ તો દિલાવરખાનનો શિકાર! તીર-કામઠાંના ‘એન્કાઉન્ટર’માં જે ઊગરી ગયો એ! સ્તબ્ધ થવાયેલું. થોડી વાર પહેલાં તેજુને બહાર જતી જોઇ એના રૂમમાં ડોકિયું કરતાં બેડ પર સૂતા જુવાનને જોઇ નજરો પહોળી થયેલી : આવો સોહામણો જુવાન. એના ચહેરા પર કેવું તેજ! એની પડખે બેઠેલી છોકરી તો પેલી... ક્લબમાં મળેલી એ ચાંદની! કેવા પ્રેમથી સૂતેલા અજાતનું કપાળ પસવારે છે! એમની સગાઇનો અડસટ્ટો પામી પહેલાં તો તારો દુશ્મન, મારો પણ દુશ્મન નીકળ્યો એવી હિન્ટ દિલાવરને આપી દીધી. અત્યારે સજ્જનને દીકરા વિશે કહેતાં એના ડોળાય કેવા ચકળવકળ થાય છે! ‘વિશાખા, ખરેખર મારો દી..કરો અહીં છે! તેજકુંવર અહી છે!’ ‘આમ ભાવથી આંખો ભીની ન કરો... તમારી નામર્દાનગીનું વેર હું લઉં ત્યારે દીકરાની લાશ પર અશ્રુ વહાવજો!’ દી..કરાની લાશ! વિશાખા મારું મન ટટોળવા બોલી, મને તડપાવવા બોલી કે પછી.. ‘તને મારા માનની દરકાર નથી, વેર શું કામ રાખે છે!’ સજ્જનથી બોલી જવાયું. ‘હતું જ... મને હતું જ કે તમે આવું જ કંઇ કહેવાના. તમે તો વેરને લખી વાળ્યું, પણ તેજુનો ગુનો હું નથી વિસરી... ’ વિશાખાના કાર્યકારણ જાણી સજ્જનના ચિત્તમાં પડઘો પડ્યો : આપણાં લગ્ન બાદ તેજુએ તલવાર વીંઝી હોત, તો એ તારી ગુનેગાર, પણ તું જાણીને તારા સ્વાર્થે નપુંસક પુરુષને પરણે એમાં તેજુ કોઇ દૃષ્ટિકોણે ગુનેગાર નથી ઠરતી! તારા પતનમાં તેજુને જવાબદાર ઠેરવવામાં તો છટકબારી છે - ખુદના દોષમાંથી સરકવાની! ‘તેજુએ તમને જોયા, મને ઓળખી, પણ હજુ સુધી તમારા ખબર પૂછવા નથી આવી… બોલો, તમારે મળવું છે એને?’ વિશાખા કસોટીરૂપે જ પૂછતી હોવાનું સમજતાં સજ્જનસિંહે નિશ્વાસ નાખ્યો. કબૂલ, તેજુની કરણી પછી એના સ્મરણમાત્રથી ધ્રૂજી જવાતું, પણ વિશાખાને પરણ્યાં પછી જેમજેમ હું હાંસિયામાં ધકેલાતો ગયો એમ પત્ની તરીકેના તેજુના ગુણ ઊઘડતા ગયેલા… પોતાની કામપીપાસા સામે એનો દંડ વ્યાજબી લાગતો. ના, એનું બૂરું કરવાની ભાવના રહી નથી, બલકે માફી માંગી આ ભવના પાપોમાંથી મુક્ત થવાનું મન થાય છે... પણ આવું તો વિશાખાને શીદ કહેવું! બલ્કે મારે તો તેજકુંવરને ચેતવી દેવાની હોય.. ‘મારે કોઇને મળવું નથી.’ જવાબ માટે ટાંપતી વિશાખાને કહી સજ્જનસિંહે મનમા ઉમેર્યું : ના, હવે તો મળવું છે... એની માફી માગવા, વિશાખાના ખતરનાક ઇરાદા વિશે માહિતગાર કરવા પણ મળવું છે! એ જ વખતે નર્સ અલકનંદા સાથે ડોક્ટર પ્રવેશ્યાં. પેશન્ટને ચકાસી ડોક્ટરે અમુક દવાઓ લખતાં વિશાખા એમની સાથે જ ભોંયતળિયાના મેડિકલ સ્ટોર જવા નીકળી, કેસ હિસ્ટ્રી અપડેટ કરવા અલક્નંદા ત્યાં રોકાઇ. અત્યારે તો આ નર્સ જ મારી સંદેશવાહક બની શકે એમ છે! સજ્જ્નસિંહે પૂછ્યું, ‘સિસ્ટર, એક કામ કરશો?’ *** ‘અજાતશત્રુ સાથે ચાંદનીની સગાઇ થવાની છે!’ સાંજની રાત થઇ તોય વિકાસના ચિત્તમાંથી સંવેગના શબ્દો વિસરાતા નથી, તમાચાનું દર્દ ઓસરતું નથી. ખરેખર તો શનિની રાતે ક્લબમાંથી છૂટા પડ્યા પછી રવિની રજા જેમતેમ કાઢી, એમાં વળી આજે સંવેગ રજા પર હતો. ભાઇ-બહેન ક્યાંક ફરવા ઊપડ્યાં હશે? સંવેગે મને કહ્યું પણ નહી! જીવ એવો તો ચચરતો રહેલો. ન રહેવાતાં સંવેગને ફોન કર્યો, એમાં એનાં મધરના ઓપરેશનની જાણ થઇ. ત્યારે તો આંટીના ખબર પૂછવાનો વહેવાર બને છે! એ બહાને ચાંદનીનાંય દર્શન થઇ જશે.. પણ ના, ચાંદની ત્યારે હોસ્પિટલમાં હતી, પણ એના મામી પાસે નહોતી... પોતે આડકતરી પૃચ્છા કરતાં જાણવા મળ્યું કે તીરથી ઘાયલ થયેલો અજાતશત્રુ અહીંથી ત્રીજી રૂમમાં છે ને ચાંદની એની પાસે છે! ‘ત્યારે તો અજાત જરૂર એકાંતનો લાભ લઇ ચાંદની સાથે ન કરવાનું કરી રહ્યો હશે!’ કહી ધમધમાટભેર પોતે અજાતની રૂમ તરફ ધસ્યો. અડકાવેલું બારણું ખોલતાં ચાંદનીને અજાતના મોં પર ઝૂકેલી જોઇ પિત્તો હટ્યો. એનાં છાનગપતિયાં ઊંચા અવાજે જાહેર કરતાં જોણું થતું હોય એમ ટોળું વળ્યું, પણ બીજી જ ક્ષણે સંવેગે તમાચો મારી મારો તમાશો કરી નાખ્યો... પાછો કહે છે - અજાત-ચાંદનીની સગાઇ થવાની છે! અરેરે... ઊનો નિશ્વાસ સરી ગયો. ગાલ પંપાળતો પોતે નીકળ્યો ત્યાં ભોંયતળિયે દવા લેવા જતાં વિશાખા ઠકરાણાં સાથે અથડાયો. ‘સોરી. અજાતની લ્હાયમાં મને ધ્યાન ન રહ્યું...’ સોરી ઉપરાંતનું વાક્ય પોતે બબડવાની ઢબે બોલ્યો, પણ ઠકરાણાં ચમકી ગયાં : ‘શું કહ્યું? અજાત - પેલો ફોરેસ્ટ ઓફિસર?’ ‘તમે એને ઓળખો છો?’ ‘ઓળખું છું? અરે, મારે તો એની સાથે સંસારની સગાઇ છે... નડે તેવી, કનડે એવી. પણ વિકાસ, તને એ ક્યાં નડ્યો?’ ઠકરાણાંનુ મોઘમ સમજાયું નહીં, પણ એમના સવાલના જવાબમાં ચાંદનીને ઉલ્લેખી દાઝ કાઢી ઉમેરેલું પણ ખરું : તમારે એને ચેતવવો હોય તો ચેતવી દેજો કે ચાંદનીને હું એની તો નહીં જ થવા દઉં! કહી પોતે સડસડાટ નીકળી આવેલો… ત્યારનો રૂમમાં પૂરાઇ દારૂ પીધા કરું છું, પણ બળતરા શમતી કેમ નથી? વિશાખા સમક્ષ બફાટ કરી પોતે દુશ્મનને ચેતવી દેવા જેવું તો નથી કર્યું ને! એ ત્યાં શું કરતી’તી એ પણ પોતે જાણ્યું નહીં! - અને એના કાન ચમક્યા. મકાનના પાછલા હિસ્સામાં કાર પાર્ક થવાનો સંચાર સ્પષ્ટ સંભળાયો. એના રોષને ઇંધણ મળ્યું : આવી ગયો.... મારી માનો યાર! પોતે જેની પોલિટિકલ વગનો વટ દાખવતો હોય છે, એ મંત્રી લોકલાજે છૂપી રીતે આવે છે ને આ ઘર ઐયાશીનો અડ્ડો હોય એમ ઘરની એકમાત્ર સ્ત્રી સાથે રાતવાસો કરી પરોઢ પહેલાં જતા રહે છે. ઘરના બબ્બે પુરુષોના ગાલ પર આ તમાચો નથી? પિતાજી તો ચાલો, વરસોથી લકવાની બીમારીમાં પથારીવશ, પણ હું? જુવાનજોધ દીકરાનીય મંત્રીને તમા નહીં? વાડામાં પડતી મેડીના રૂમની બારી ઉઘાડી જોયું, તો મા પાછલો દરવાજો ખોલી મંત્રીશ્રીને ભીતર દોરતી દેખાઇ. વિકાસના લમણાંની નસો ફૂલી ગઇ. ગંદી ગાળ બોલી એ થૂંક્યો. સાવિત્રી સહેમી ગઇ, પણ ઉપલા માળની બારી પર અછડતી નજર માત્ર ફેંકી દયાળજીએ સાવિત્રીને પડખે લઇ એના ખભા દબાવી આશ્વસ્ત કરી ને એ સ્પર્શ વિકાસને દૂર રહ્યે પણ જ્વાળામુખીના લાવા સરસો દઝાડી ગયો! એણે હાથમાંના ગ્લાસનો ઘા કર્યો ને કાચ તૂટવાનો ખણખણાટ આખા ઘરમાં પ્રસરી ગયો. *** ‘સા..પ! સા..પ!’ અડધી રાતના સુમારે હોસ્પિટલના ત્રીજા માળની લોબીમાં દેકારો મચી ગયો. અજાતશત્રુ પર તીરથી હુમલો કરનાર હરિ, જગલાના રૂમ બહાર પહેરો ભરતા કોન્સ્ટેબલના પગે વીંટળાયેલો સાપ જોઇ એણે ચીસ નાખી હતી. પછી તો ફલોર પર ત્રણેક સાપ દેખાતાં રાતપાળીના સ્ટાફમાં, લોબીમાં સૂતેલાં સગાંવહાલાંમાં અફરાતફરી મચી ગઇ. હોબાળો શમે એ પહેલાં સાતમી મિનિટે નર્સની ચીસ ગૂંજી : રૂમમાંથી કેદીઓ ગાયબ છે! - અને હો-હા સાંભળી લોબીમાં દોડી આવેલી ચાંદનીનું બગાસું આ જાણી અડધે અટકી ગયું. હરિ-જગલો સાચે જ રૂમમાં નથી એની ખાત્રી કરી એ અજાતશત્રુની રૂમમાં દોડી. સ્પેશિયલ રૂમનો દરવાજો માત્ર ઠેલેલો હતો. આખા દિવસના થાકેલાં મા બીજા પલંગ પર પોઢ્યાં છે. અજાત કદાચ દવાના ઘેનમાં છે... - અને રૂમમાં નર્સ પણ મોજૂદ છે એ જોઇ ચાંદની ખચકાઇ. બારી તરફ મોં કરી બોટલમાંથી સિરિંજમાં પ્રવાહી ભરતી એ પીઠ પાછળના સંચારે ભડકી પાછળ ફરી, ચાંદનીને જોઇ ચમકી. એવી જ ચમક ચાંદનીએ અનુભવી : ‘તમે કોણ! ડ્યૂટી પર તો અત્યારે સિસ્ટર વિરાણી છે ને!’ ‘એ ઇમર્જન્સી વોર્ડમાં ગઇ છે.’ એ સહેજ થોથવાઇ એટલે પણ ચાંદનીને વહેમ ગયો, ‘તમે આ શાનું ઇન્જેક્શન આપો છો? અજાતને અત્યારે કોઇ ઇન્જેક્શન નથી આપવાનું હોતું.. કોણે અને ક્યારે પ્રિસ્ક્રાઇબ કર્યું?’ ખલાસ! ચાંદનીની ઊલટ-તપાસે હામ ફસકી હોય એમ સિરિંજને બોટલ સાથે બારી બહાર ફગાવી એ ભાગી, એની ક્રિયાએ ભડકેલી ચાંદની રસ્તો રોકવા ગઇ, તો એને હડસેલી એ બાઇ રૂમ બહાર નીકળી ગઇ... .... આની દસમી મિનિટે અજાતશત્રુ ચાંદની સાથે તપાસમાં નીકળ્યો, ત્યારે ન તો હોસ્પિટલમાં સાપ હતા, ન નર્સનો વેશ ધરનારી બાઇ! (ક્રમશ:)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.