શરીર પૂછે સવાલ:થોડુંક કામ કરવાથી પણ થાકી જાઉં છું!

વનિતા વોરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક

પ્રશ્ન : હું 40 વર્ષની મહિલા છું. છેલ્લા કેટલાક સમયથી મને થોડુંક કામ કરવાથી પણ ખૂબ થાક લાગે છે, શું કરું? એક મહિલા (મુંબઇ) ઉત્તર : મિડલ એજમાં ઘણી સ્ત્રીઓ આવી પરિસ્થિતિનો સામનો કરતી હોય છે. ઘણી વખત તમે સારું ખાતા હો પરંતુ તો પણ વિટામિન અને મિનરલ્સની કે માઇક્રો ન્યુટ્રિયન્ટની ઉણપ આવી જતી હોય છે. મેગ્નેશિયમની ઊણપથી પણ આ પરિસ્થિતિ સર્જાઈ શકે છે. આ સિવાય વિટામિન-ડી અને બી-12ની કમીથી પણ આવું થઈ શકે છે. ઘણી વાર બૅઝિક પાણીની કમીથી પણ આવું થઈ શકે છે. ઘણી વખત સ્ત્રીઓમાં હોર્મોનલ ઇમ્બેલેન્સ થતું હોય તો પણ આવું થઈ શકે છે. જો તમારું વજન એકદમ વધી ગયું હોય તો પણ આ શક્યતા રહે છે. ઘણી વખત વ્યક્તિને જેટલા આરામની જરૂરત હોય એટલો એને મળતો ન હોય તો પણ આ પરિસ્થિતિ સર્જાતી હોય છે. તમે એક્સરસાઈઝ રેગ્યુલર કરવાની કોશિશ કરો. એ ખૂબ જરૂરી છે. એનાથી તમારી સ્ટ્રેન્થ વધશે. એવું ન વિચારો કે આજે થાક લાગ્યો છે તો એક્સરસાઈઝ નથી કરવી. યોગ કરશો તો સ્નાયુઓ સ્થિતિસ્થાપક રહેશે અને આવી તકલીફ નહીં થાય. આ સિવાય ડોક્ટરને પૂછીને માઇક્રો ન્યુટ્રિશિયન્સનો એક કોર્સ કરી લો જેથી તમને આ તકલીફ ન થાય. રોજિંદા જીવનમાં ફ્રેશનેશ અને એનર્જી માટે રાતની 8 કલાકની ઊંઘ કરો જે ખૂબ જરૂરી છે. આ બધી બાબતોનું ધ્યાન રાખશો તો ચોક્કસ થાક નહીં લાગે. પ્રશ્ન : મારે મારાં સેક્સ સેશનના સમયમાં વધારો કરવો છે માટે મારે શું કરવું જોઈએ? હું દરરોજ 1થી 2 વખત જાતીય સંબંધ માણું છું. હું આના સમયગાળામાં વધારો કરવા ઇચ્છું છું. શું આ શક્ય છે? એક પુરુષ (વાપી) ઉત્તર : જ્યારે પણ તમે જાતીય જીવન માણતા હશો તેમાં સૌથી વધુ અગત્યની વાત ક્વોલિટી છે, ક્વોન્ટિટી નહીં. જો તમે દિવસમાં ઘણી બધી વખત જાતીય સંબંધ માણતા હો પણ જો તમે કે તમારા પાર્ટનર ખુશ ન હો તો તેવાં જાતીય જીવનનો કોઈ ફાયદો નથી. આનાથી વિરુદ્ધ જો તમે અઠવાડિયામાં એક જ વખત સેક્સ માણો પણ એનાથી તમે અને તમારો પાર્ટનર ચરમસીમા અનુભવતા હો તો એ વાત જાતીય જીવન માટે વધુ મહત્ત્વની છે. જાતીય જીવન આનંદ માટે હોય છે, મજુરી માટે નહીં. સેક્સ સેશનનો સમય વધારવા પર આવીએ તો, સામાન્ય રીતે અર્લી ઓર્ગેઝનિક રિસ્પોન્સ સામાન્ય ભાષામાં પ્રિમેચ્યોરાઈઝેશન તરીકે ઓળખવામાં આવે છે. આ તકલીફ સામાન્ય છે. તેનો ઈલાજ પણ એટલો જ સરળ છે. સૌ પ્રથમ તો નિયમિત જાતીય જીવન માણો અને બને તેટલો ફોરપ્લે સમય માણો. પ્રશ્ન : મારી વય 35 વર્ષની છે અને મારે બે સંતાનો છે. મને દર મહિને છ સાત દિવસ માસિક ચાલું રહે છે. જેના કારણે શરીરમાં લોહીનું પ્રમાણ પણ ઓછું થઇ ગયેલ છે. મારી સોનોગ્રાફીમાં બેથી વધારે ફાઇબ્રોઇડની ગાંઠ બતાવેલ છે. મારા ડોક્ટરે તાત્કાલીક ગર્ભાશય કાઢી નાખવાની સલાહ આપી છે. મેં સાંભળ્યું છે કે આવું ઓપરેશન કરાવ્યા પછી જાતીય જીવન માણવામાં તકલીફ પડે છે. શું આ વાત સાચી છે? એક મહિલા (વડોદરા) ઉત્તર : તમારી ઉંમરની સ્ત્રીઓની જો સોનોગ્રાફી કરવામાં આવે તો ઘણી સ્ત્રીઓમાં આ પ્રકારની ફાઇબ્રોઇડની ગાંઠો જોવા મળતી હોય છે અને જેના કારણે માસિક સ્ત્રાવ વધારે પડતો આવતો હોય છે. ઘણી વખત ગર્ભાશયનાં ઓપરેશન ખોટી રીતે કરવામાં આવે છે. પરંતુ અમુક કિસ્સાઓમાં ગર્ભાશય દૂર કરવું આવશ્યક પણ હોય છે. વધુ પડતા માસિક સ્ત્રાવ માટે હવે ઓપરેશન વગરના ઇલાજ પણ શક્ય છે. ગર્ભાશયનાં ઓપરેશન દરમિયાન ઘણી વખત ગર્ભાશયની સાથે ઓવરી (અંડાશય) પણ દૂર કરવામાં આવે છે અને આના કારણે સમાગમ વખતે યોનિમાર્ગમાં પુરતી ભિનાશ થતી નથી. આમ થવાથી સમાગમ વખતે દુખાવો સ્ત્રીને થાય છે અને ચરમસીમા અનુભવાતી નથી. માટે શક્ય હોય ત્યાં સુધી ડોક્ટર જોડે બીજા વિકલ્પોની ચર્ચા કરવી જોઇએ. આપની ઉંમર ખૂબ જ નાની છે. ગર્ભાશય ને જો ઓવરી સાથે દુર કરવામાં આવશે તો ખૂબ જ નાની ઉંમરમાં મેનોપોઝના લક્ષણો દેખાઇ શકે છે. આ મામલે એક કરતા વધારે ડોક્ટર્સના અભિપ્રાય લઇને જ કોઇ નિર્ણય લેવો હિતાવહ છે. પ્રશ્ન : હું 28 વર્ષની યુવતી છું અને ડેસ્ક જોબ કરું છું. મારે આખો દિવસ ખુરશી પર બેસીને કામ કરવાનું હોય છે જેના કારણે મને પીઠનો દુખાવો થઇ ગયો છે. મને યોગ કરવાથી મળતા પરિણામ પર બહુ વિશ્વાસ છે. શું એવું કોઇ આસન છે જે કરવાથી પીઠના દુખાવામાં રાહત મળે છે? એક યુવતી (રાજકોટ) ઉત્તર : જો તમને યોગાસન કરવામાં રસ હોય તો પીઠના દુખાવામાં રાહત મેળવવા માટે નિયમિત રીતે પરિવૃત ઉત્કટાસન કરી શકો છો. આ આસનને ઘણા લોકો રિવોલ્વ્ડ ચેર પોઝ નામથી પણ ઓળખે છે. આ ઉત્કટાસનનું ટ્વિસ્ટેડ વેરિએશન છે. પરિવૃત ઉત્કટાસનનું નામ સંસ્કૃત ભાષાથી લેવામાં આવ્યું છે. આ આસન કરવા માટે સૌથી પહેલા એક ખુરશી અને ઈંટ લો. ખુરશીની સામેની તરફ નીચે ઈંટ રાખો. ખુરશી પર બેસો અને હાથને ખોળામાં રાખો. આ દરમિયાન તમારા પગ મજબૂતીથી ઈંટ પર ટકેલા રહે તેનું ધ્યાન રાખો.શ્વાસ લો અને પોતાના હાથ જોડીને નમસ્તે કરવાની મુદ્રામાં લઈને આવો. હવે શ્વાસ છોડતા શરીરને ડાબી તરફ વાળો અને તમારા જમણા હાથની કોણીને તમારા ડાબા ઘૂંટણની નજીક મૂકો. આ દરમિયાન તમારા હાથ છાતીની સામે જ નમસ્કારની મુદ્રામાં રહેશે. હવે તમે આ મુદ્રામાં ઓછામાં ઓછા 10 સેકન્ટ સુધી રહો અને શ્વાસ લેતા રહો. બાદમાં પરત તે જ પોઝિશનમાં આવો અને બીજી સાઈડથી આ આસન કરો. આ આસનથી પીઠના દુખાવામાં રાહત મળે છે પરંતુ કેટલાક લોકોએ આ આસન કરતા પહેલા થોડી સાવચેતી રાખવી જોઈએ. જેમને માથાનો દુખાવો અને અનિદ્રાની સમસ્યા છે જેમણે આ આસન કરતાં પહેલા એક્સપર્ટની સલાહ લેવી જોઈએ. ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓ આ આસન ન કરે. આસન કરતી વખતે શરીર સાથે બળજબરી ન કરો. આ આસન થોડું અઘરું છે. તેથી જ્યારે પણ ટ્રાય કરો ત્યારે કોઈ યોગ ટ્રેનરની મદદ લો અને એ કરતા પહેલાં ડોક્ટર સાથે વાત કરો. પ્રશ્ન : મારા દસ વર્ષના દીકરાને વારંવાર કરમિયાં થઇ જાય છે. આ સમસ્યાનો ઉકેલ શું હોઇ શકે? એક મહિલા (અમદાવાદ) ઉત્તર : જો તમારા બાળકને વારંવાર કરમિયાં થઇ જતા હોય તો ઘરની સફાઈ અને પર્સનલ હાઇજિન પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. ભેજવાળાં વાતાવરણમાં ઘરમાં બધું જ સૂકું રાખવું જોઈએ. બાળકોમાં જમ્યા પહેલાં, રમીને આવે એ પછી, બહારથી ઘરે પાછાં આવ્યાં બાદ હાથ અને પગ સાબુથી ધોવાની આદત કેળવવી જોઈએ. બાળકને ઉકાળેલું પાણી અને ઘરનો બનાવેલો તાજો ખોરાક જ આપો. ઘરમાં માખી-મચ્છર ન થાય એનું ધ્યાન રાખો.

બાળકોના પેટમાં કરમિયાં થતા જ હોય છે અને એ પણ મોટા ભાગે પાણીજન્ય છે. કોઈ પણ ઉંમરે એ થઈ શકે છે. પાણીમાં ફરતા કરમિયાંનાં ઇંડાં પેટમાં જાય તો બાળકને કરમિયાં થઈ શકે છે. બાળકોએ જ નહીં, પરંતુ સમગ્ર પરિવારે કરમિયાં માટેનો કોર્સ કરી લેવો જોઈએ, કારણ કે ઘરમાં એક જ ટોઇલેટ યુઝ કરતા લોકોને એકબીજાને કારણે ચેપ લાગી શકે છે. કરમિયાંની તકલીફ એવી છે જેનાં લક્ષણો દેખાય એ પછી જ દવા લેવી એવી રાહ જોવાની જરૂર નથી. એની દવા ઘણી જ સેફ છે. જો તમારા બાળકને વારંવાર કરમિયાં થતા હોય તો તમે દર 6 મહિને એક વાર એનો કોર્સ કરી શકો છો.

અન્ય સમાચારો પણ છે...