શરીર પૂછે સવાલ:ગળ્યું ખાવાનું બહુ મન થાય છે, કોઇ બીમારી તો નહીં હોય ને?

વનિતા વોરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રશ્ન : હું 24 વર્ષની યુવતી છું અને મારું વજન બહુ ઓછું છું. મારી સમસ્યા એ છે કે મને ભૂખ તો વ્યવસ્થિત લાગે છે પણ જેટલી ભૂખ લાગે છે એટલું ભોજન હું નથી કરી શકતી. ઓછાં વજનને કારણે હું બહુ પાતળી લાગું છું અને કોઇ પણ ડ્રેસ સારો નથી લાગતો. મારે વજન વધે એ માટે મારે શું કરવું જોઇએ?
એક યુવતી (અમદાવાદ)

ઉત્તર : ઘણી વાર યુવતીઓનું વજન ઓછું હોય છે. તેમને ભૂખ તો લાગે છે, પણ જેટલી ભૂખ હોય તેટલું ભોજન નથી થઇ શકતું. આવી યુવતીઓ એક્ટમોર્ફ શ્રેણીમાં આવે છે, જેમને વજન વધતું ન હોવાની ફરિયાદ રહે છે. આવી યુવતીઓએ ભોજનમાં પ્રોટીનનું પ્રમાણ વધારવું જોઇએ. તેનાથી સ્નાયુઓનો વિકાસ થવાની સાથોસાથ ભૂખ પણ લાગે છે. આવી યુવતીઓએ નાસ્તામાં ડ્રાય ફ્રૂટ્સ, ચીઝ, પનીર, માખણ અને ઓછામાં ઓછા બે કેળાં ખાવા જોઇએ. બપોરના ભોજનમાં ત્રણ કે ચાર રોટલી અને શાકની સાથે બ્રાઉન રાઇસ અને દાળ ખાવાં. મરી અને પલાળેલા ચણાનું સલાડ દિવસમાં એક વાર અવશ્ય ખાવું. હાઇટ વધારવા માટે દોરડા કૂદવા, તાડાસન, પુલ-અપ્સ વગેરે કરી શકાય છે.
સવારે ઊઠીને નવશેકું પાણી પીઓ. એનાથી પેટ સાફ રહેશે. એકસાથે ભોજન કરવાને બદલે પેટ થોડું ખાલી રાખવું અને ત્રણ સમયનું ભોજન ન કરતાં પાંચ વાર ખાવાનું રાખવું. બહાર બનાવેલા ભોજન અથવા જંકફૂડના સેવનથી દૂર રહેવું. અલબત્ત, પંદર દિવસે એકાદ વાર બહાર જમવું હોય તો જમી શકાય છે. ઘરે જ બનાવેલી રસોઇ જમવાની આદત પાડો અને દિવસ દરમિયાન ઓછામાં ઓછું 2થી 3 લિટર પાણી પીઓ.
પ્રશ્ન : હું 32 વર્ષનો યુવક છું. મને છેલ્લા કેટલાક દિવસોથી મારી જીભનો રંગ બદલાયેલો લાગે છે. શું મને કોઇ ગંભીર બીમારી હશે?
એક યુવક (રાજકોટ)

ઉત્તર : જીભ શરીરનું ખાસ અંગત છે. ઘણી વખત અમુક બીમારીઓના શરૂઆતનાં લક્ષણ જીભ પર જોવા મળે છે. આ કારણોસર જ્યારે જીભનો રંગ બદલાય છે ત્યારે આ વાત પર ધ્યાન આપવું જરૂરી છે અને તરત ડોક્ટરની સલાહ લેવી જોઇએ. આના કારણે ઘણી વખત બીમારીની આગોતરી માહિતી પણ મળી શકે છે. જો જીભ પર ક્રીમી વ્હાઈટ પેચીઝ હોય તો એ ઈન્ફેક્શનનું લક્ષણ હોય છે. એ દવાઓની સાઈડ ઈફેક્ટ અથવા કોઈ ગંભીર બીમારીનું કારણ પણ હોઈ શકે છે. આના કારણે માઉથ કેન્સર જેવી ગંભીર બીમારી થઇ શકે છે. જો તમારી જીભ સ્મૂધ થઇ ગઇ હોય તો એ પોષક તત્ત્વોની ઊણપને કારણે થઇ શકે છે. આયર્ન, ફોલિક એસિડ અને વિટામિન બીની કમીને કારણે આવી સ્થિતિ ઊભી થઇ શકે છે. જે વ્યક્તિની જીભ સાવ ફિક્કી હોય એને જોઈને જ ડોક્ટરો કહી દે છે કે તેને એનીમિયાની તકલીફ હોઈ શકે છે, કારણ કે જો હિમોગ્લોબિન ઓછું હોય તો જીભ દ્વારા તરત જ ખબર પડે છે. એ સિવાય જો વ્યક્તિની જીભ સૂકી લાગે તો વ્યક્તિ ડીહાઇડ્રેટ થઈ ગઈ છે. આમ, જીભનો રંગ લાંબા સમય સુધી બદલાયેલો લાગે તો તરત ડોક્ટરનો સંપર્ક કરવો જોઇએ.
પ્રશ્ન : મને વારંવાર ગળ્યું ખાવાનું મન થાય છે. હું ગમે તે ભોજન કરું પણ કંઇક ગળ્યું ન ખાઉં તો કંઇ પણ ખાવાનો સંતોષ નથી થતો. આનું શું કારણ હશે? કારણ કે મને પણ ખબર છે કે મારી આ ટેવ હેલ્થ માટે સારી નથી.
એક યુવતી (રાજકોટ)
ઉત્તર : શુગર ક્રેવિંગ થવા પાછળ આમ તો ઘણાં કારણ હોઈ શકે છે, પરંતુ મુખ્ય કારણ ખોટી લાઇફસ્ટાઇલ જ હોય છે. આ માટે તમારા તમામ મીલ્સનો સમય રેગ્યુલરાઇઝ કરવાની જરૂર છે. આ સિવાય સવારનો નાસ્તો જે લોકો સ્કિપ કરે છે એને પણ શુગર ક્રેવિન્ગ્સ થયા જ કરે છે, કારણકે શરીરને જ્યારે એનર્જીની જરૂર હોય છે ત્યારે તમે એને એ આપતા નથી. એને કારણે શુગરની જરૂરિયાત ક્રેવિંગમાં પરિણમે છે. આ સિવાય જો તમે એક ફિક્સ સમય પર જમતા હશો તો તમને ક્યારેય ક્રેવિંગ નહીં થાય, પરંતુ જો તમે ક્યારેક 11 વાગ્યે જમો તો ક્યારેક 1-2 વાગ્યે તો ક્યારેક જમો જ નહીં એવું થાય તો ક્રેવિંગ થઈ શકે છે.
જો તમને શુગર ક્રેવિંગ થતું હોય તો સૌથી પહેલાં તમે તમારું શેડ્યુલ સુધારો. કંઈ પણ થાય, સવારે ઉઠ્યા પછીના બે કલાકની અંદર બ્રેકફાસ્ટ ચોક્કસ કરો. સમય પર જમો અને સમય પર સૂવો. આ મૂળભૂત નિયમોનું પાલન કરજો. જો આટલી કાળજી રાખશો તો ક્રેવિંગ પોતાની મેળે ઓછી થશે. જ્યારે ક્રેવિંગ થતું હોય એવું લાગે ત્યારે અમુક પ્રકારનો કન્ટ્રોલ શરૂઆતમાં રાખવો જરૂરી છે. શુગરનું ક્રેવિંગ થાય અને એ પૂરી કરી લેવાથી વધુ ક્રેવિંગ થાય છે. ધીરજથી કામ લેશો તો ક્રેવિંગની લાગણી ધીમે ધીમે જતી રહેશે.
પ્રશ્ન : મહિલાઓ ધાર્મિક પ્રસંગો અગાઉ ત્રણ-ચાર દિવસ પહેલાં માસિક લંબાવવા ગોળી લે છે તે શું આ દવાઓથી મહિલાને નુકસાન કે આડઅસર થવાની શક્યતા ખરી?
ઉત્તર : માસિક લંબાવવા માટે બે પ્રકારની ગોળીઓ આવે છે: એક, બજારમાં મળતી સામાન્ય ગર્ભનિરોધક ગોળી અને બીજી ગોળીમાં માત્ર પ્રોજેસ્ટ્રોન હોર્મોન્સ હોય છે. માસિકસ્રાવ એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન હોર્મોન્સનું પ્રમાણ ઓછું થવાથી આવે છે. જ્યારે આ ગોળી લેવામાં આવે ત્યારે હોર્મોન્સનું પ્રમાણ શરીરમાં વધે છે, જેથી માસિક આવતું નથી. ગોળી બંધ કર્યાના બે-ત્રણ દિવસમાં માસિક પાછું આવી જતું હોય છે. આ ગોળી અનિયમિત માસિકને નિયમિત કરવા માટે પણ વપરાય છે. આ ગોળીથી અમુક લોકોને દવા લે ત્યાં સુધી ઉબકા આવે અથવા શરીરમાં પાણી ભરાવાથી સોજા અનુભવાતા હોય છે. બાકી કોઇ કાયમી આડઅડર જોવા મળતી નથી. દુનિયામાં લાખો સ્ત્રીઓ આ દવાનું સેવન કરતી હોય છે. પરંતુ આ દવા સ્ત્રી રોગ નિષ્ણાત ડોક્ટરના માર્ગદર્શન હેઠળ જ લેવી જોઇએ.
પ્રશ્ન : બે મહિના પછી મારા લગ્ન છે. હું કે મારો ફિયાન્સે હમણાં બાળક નથી ઇચ્છતા. મારી એક બહેનપણીએ કહ્યું છે કે સમાગમને અધવચ્ચે અટકાવીને વીર્ય બહાર વહાવી દેવાથી ગર્ભધારણ અટકાવી શકાય છે. શું આ વાત સાચી છે?
ઉત્તર : નવપરિણીતો માટે ગર્ભનિરોધક એ બહુ અગત્યનો મુદ્દો છે. આજના જમાનામાં યોગ્ય રીતે કરેલ સંતતિ નિયમન આશીર્વાદ સમાન છે. આજે ફેમિલી પ્લાનિંગ માટે આપણી પાસે ઘણી પદ્ધતિઓ છે. આ પદ્ધતિ વિશેની સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરવા યોગ્ય ડોક્ટરની મુલાકાત આવશ્યક છે. લગ્નજીવનની શરૂઆતમાં પુરુષો નિરોધનો ઉપયોગ કરવાનું વધુ પસંદ કરે છે. જ્યારે સ્ત્રીઓ ગર્ભનિરોધક ગોળી લેવાની ઇચ્છા રાખે છે. જે સ્ત્રીએ દરરોજ લેવાની હોય છે. બાળક થતું અટકાવવા સમાગમને અધવચ્ચેથી રોકી દઇ વીર્યને બહાર વહાવી દેવાનો જાતે જ શોધી કાઢેલો નુસખો બહુ સલામત કે સારો નથી.

અન્ય સમાચારો પણ છે...