હળવાશ:‘મને ઝુમ્મરોની બીક વધારે લાગે, ઝુમ્મર તો એક્સો ને દસ ટકા પડે પડે ને પડે જ...’

15 દિવસ પહેલાલેખક: જિગીષા ત્રિવેદી
  • કૉપી લિંક
  • હંસામાસીએ જરાક અમથી વાત ઉચ્ચારી એ ભેગા બધા ઢાળમાં ગાડી હાંકવા માંડ્યાં....આ લોકો અંદર અંદર એકબીજાને ક્યારે લિન્ક શેર કરી નાખે છે એ જ મને તો ખબર નથી પડતી...કદાચ મેઇન સર્વર એક જ છે આ લોકોનું...

અલા કહીએ, પણ બીક તો લાગે યાર...’ કંકુકાકી બોલ્યા. ‘ના હવે. બોલવામાં તો ચાલે અલા. ફેરવી તોળવાનું એમાં તો.... કાં તો પછી હેં હેં હેં હેં કરીને હસીને ફીંડલું વાળી દેવાનું.... અને બોલવામ તો એવી પચ્ચી છટકબારી છે.... અને છેલ્લે કસુ યાદ ના આવે, તો ‘શોરી’ તો હાથવગું છે જ.... એટલે બોલતા તો ના આવડે તો ચાલે.... છટકતા આવડતું હોય, તો બોલતા ના આવડે તો ચાલે.’ રેખાબહેને કહ્યું. ‘એ જ તો.... બીજી બધી વાતમાં અણઆવડત હોય, તો પહોંચી વળાય.... કામ ના આવડતું હોય, તો કોકને વળગાડીને છટકી જવાય. પણ બોલવામાં તો ખાસ આવડત હોંસીયારી હોવી જોઈએ’ એવો કંકુકાકીએ સામો જવાબ આપ્યો. ‘પણ આપડે કસુ કર્યું ના હોય તો ય સેનું બીવાનું? એ જ મને તો ખબર નઇ પડતી...’ કલાકાકીને પ્રશ્ન થયો એટલે કંકુકાકીએ જવાબ આપ્યો, ‘બીક તો બીક હોય યાર... એના માટે કસુ કર્યું જ હોય એ જરૂરી નથી... અને દરેકના મગજમાં બીકનું સેક્સન અલગ રીતે આએલું જ હોય... એટલે બીક તો લાગે જ.’ ‘મોટા લોર્ડ જેક્સન જ કેમ ના આઈ જાય... આપડે તો કોઈનાથી ના બીએ.’ કલાકાકીએ બહાદુરી બતાવી. ‘તમે હમજતા નહીં અલા... હું નિર્જીવની વાત કરું છું... અને અમુક બે ત્રણ વસ્તુ એવી છે, કે બીક લાગે લાગે ને લાગે જ... પછી એ ગયા જનમની ય હોય સકે છે... પેલું આવતું તું ને ‘અપને પૈરોં કે નીચે કી ઝમીન દેખીએ’ એ માયલું ય હોઇ સકે. કારણ કે, મને એટલી તો પાક્કી ખબર જ છે, કે જે દેખાય છે, એ અવયવો જ નવા હોય, અને જે અત્યારે બી નરી આંખે નથી દેખાતું, જેમ કે યાદ વિચાર અને બીક ચિંતા. આ બધુ તો ગયા જનમનું એનું એ જ રહે... અને એ બધુ ક્યાં હોય? તો કહે મગજમાં. હવે હમજ્યા? કે હજી વધારે હમજાવું?’ કંકુકાકી કલેરિટી કરી. ‘હાચી વાત... મને છે ને, મારી પાછળ બસ ખટારો હોય ને, એની બહુ બીક લાગે.’ સવિતાકાકી સહમત થયા. ‘એવી રીતે મને ઇલેકટ્રિકના પ્લગોની સીચો હોય ને, એની બહુ બીક લાગે... મને એમ જ થાય કે એ પ્લગ ભરાઈને સીચ દબાઈસ, એટલે મને સોટ જ લાગસે સીધો.’ હંસામાસી ય બીકમાં જોડાયાં. હંસામાસીએ જરાક અમથી વાત ઉચ્ચારી એ ભેગા બધા ઢાળમાં ગાડી હાંકવા માંડ્યાં....આ લોકો અંદર અંદર એકબીજાને ક્યારે લિન્ક શેર કરી નાખે છે એ જ મને તો ખબર નથી પડતી, પછી ખબર નહીં....કદાચ મેઇન સર્વર એક જ છે આ લોકોનું. કોઈ મેમ્બર ‘ક’ બોલે ને આખી બારાખડીની ખબર કેવી રીતે પડી જાય છે. મારે તો હવે રાહ જોવી જ રહી. વળી વાર્તાલાપ આગળ ચાલ્યો. ‘મને તો તમાર જેમ સીચોની ના લાગે... પ્લગો કે સીચો તો નિરદોસ કહેવાય... એને તો આપડે અડીએ, તો જ એ સોટ લગાડે, પણ મને તો પંખાની જ બીક લાગે, કે જો ફુલ પંખો કરીસું તો પંખો પડસે જ.’ રેખાબહેને કીધું... ‘મને તો પંખા કરતાં ઝુમ્મરોની બીક વધારે લાગે... પંખો તો કદાચ ના ય પડે, પણ ઝુમ્મર તો એક્સો ને દસ ટકા પડે પડે ને પડે જ... અ પિચ્ચરોમાં પંખા નઇ, ઝુંમર જ પડે છે... જોતાં નથી?’ સ્મિતાબહેને બીક અંતર્ગત પંખાનું ડિવેલ્યુએશન કર્યું. ‘એ તો એની નીચે ઊભા રો’ તો જ વાગે... એના કરતાં તો લીફની બીક વધારે કહેવાય... એટલે હું તો પચ્ચી માળના ફ્લેટ હોય ને, તો ય લીફમાં નઇ જવાનું... એટલે નઇ જ જવાનું. ભયંકર બીક લાગે મને લિફ્ટની... કારણ કે, એમાં સ્પ્રિંગ આવે... અને વિજ્ઞાનનો નિયમ છે, કે સ્પ્રિંગ હોય, એટલે છટકે છટકે ને છટકે જ.’ કલાકાકી બીક બાબતે લિફ્ટને ઊંચો દરજ્જો આપ્યો... એટલે સ્મિતાબહેને ય ચોપડાવ્યું, ‘તે એમાં બી જાવ તો જ પડો. હં ! (છણકો ય કર્યો નાનો એવો.) ‘અરે, પણ ગમ્મે તેમ તો ય આ બધું તો નક્કી નથી, કે ક્યારે થાય... એટલે બીવાઈ ને એક વખત આપડે ના કરીને, કોકને હોંપી દઈએ તો ય ચાલે... પણ એક વસ્તુ એવી છે, કે નક્કી જ છે, કે એ થવાનું જ છે... અને મને એની જ બીક લાગે છે... એ છે ઓપ્રોપ્રેસન. કારણ કે, પેલામાં તો પહેલા ઘટના બને, પછી બેભાન થવાય... જ્યારે આમાં તો બેભાન થયા પછી ઘટના બને... હમજ્યા ! અને જો, આપડે જોઈ સકવાના હોઈએ, તો તો કસી બીક જ ના લાગે... કારણ કે દેખાય જ, કે સુ કાર્યક્રમ કરે છે ડોકટરો ભેગા થઈને... પણ મને તો એ જે આપડાને બેભાન કરે, એની બીક લાગે.’ કંકુકાકી પોતાની બીક વિષે વિગતવાર નિબંધ બોલ્યા. ‘એ તો તમને કહીને કરે એટલે... બાકી તમને કીધા વગર કરી દે તો લાગે?’ લીનાબહેને પૂછ્યું એટલે કંકુકાકીને સામો સવાલ ઉઠ્યો, ‘સુ? ઓપ્રોપ્રેસન? કીધા વગર?’ ‘ના અલા... એ તો કીધા વગર કરાતું હસે? એટલી તો છે મારામાં હોં !’ લીનાબહેને પોતાનામાં બુદ્ધિ છે એમ સાબિત કર્યું. એટલે મેં પૂછ્યું. ‘ત્યારે બીજું શું કીધા વગર કરવાનું હોય ડૉક્ટર સાહેબે?’ ‘બેભાન.’ રણકતો જવાબ આવ્યો સામેથી. ‘હેં?’ આશ્ચર્ય તો થાય ને મને. ‘હું એમ કઉ છું, કે તમને કીધા વગર બેભાન કરે તો તો બીક ના લાગે ને? એટલે એમ, કે તમને ઘેરથી જ બેભાન કરી નાખે, અને એ ય કીધા વગર... તો પછી તો કોઈ કકરાટ જ નઇ ને?’ એમણે કંકુકાકીને આખી વાત સમજાવી. મને તો આ લોકોના ખતરનાક મગજની બીક લાગી હોં... અને ચિંતા ય થઈ, કે જે દિવસે હું આ લોકોનો ટૉપિક હોઈશ, એ દિવસે મારું શું થશે?

અઘરા શબ્દો: ઓપ્રોપ્રેસન= ઓપરેશન.

અન્ય સમાચારો પણ છે...