તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મીઠી મૂંઝવણ:સંયુક્ત પરિવાર અને સંકુચિત સાસરિયાંથી કંટાળી ગઇ છું...!

4 મહિનો પહેલા
 • કૉપી લિંક

- મોહિની મહેતા

પ્રશ્ન : મારા લગ્ન એક વર્ષ પહેલાં માત્ર 21 વર્ષની વયે થઇ ગયા હતા. મારા અને મારા પતિ વચ્ચે આઠ વર્ષનો તફાવત છે. મારા પતિ મને વધારે પડતા મેચ્યોર અને પ્રેકટિકલ લાગે છે. મને લાગે છે કે હું તેમને એક વર્ષ પછી પણ સમજી નથી શકી. હું જાહેરમાં તેમનો હાથ પકડું એ પણ તેમને પસંદ નથી. તેમને બહાર જવાનું નથી ગમતું પણ તેઓ મને ક્યારેય બહાર જવાથી નથી રોકતા. તેમના આ પ્રકારના વર્તનને કારણે હું લગ્નજીવનનાં એક વર્ષમાં જ કંટાળી ગઈ છું. શું કરું? એક યુવતી (વડોદરા) ઉત્તર : તમારા જેવી પરિસ્થિતિમાંથી અનેક દંપતિ પસાર થતા હોય છે. પતિ અને પત્ની વચ્ચે જ્યારે વયનો તફાવત થોડો વધારે હોય ત્યારે બંનેની વિચારસરણી અલગ હોય એ સ્વાભાવિક છે. તમે આખી પરિસ્થિતિને તમારા દૃષ્ટિકોણથી જ જુઓ છો, પણ ક્યારેક તમારી પતિની નજરે પરિસ્થિતિને મૂલવવાનો પ્રયાસ કરો. તમને જે રીતે પતિનું વર્તન અકળાવે છે એવી જ રીતે તમારાં પતિને પણ તમારા વર્તન અને વિચાર અલગ લાગતા હશે. તમને જે રીતે તમારાં પતિ વધારે પડતા મેચ્યોર અને પ્રેકટિકલ લાગે છે એવી જ રીતે કદાચ તમારાં પતિને પણ તમારું વર્તન બાલિશ લાગતું હશે. આ સમસ્યાનો ઉકેલ મનમાં વિચારો કરવાથી નહીં આવે પણ તમારે એકબીજા સાથે વાત કરીને એકબીજાની લાગણી જાણવાનો પ્રયાસ કરવો પડશે. તમારા લગ્નને હજી તો એક જ વર્ષ થયું છે. હજી તો તમારે એકબીજા સાથે લાંબી મજલ કાપવાની છે. તમારો સવાલ વાંચીને લાગે છે કે તમારા અરેન્જ્ડ મેરેજ હશે એટલે કદાચ લગ્ન પહેલાં પણ તમને એકબીજાને સમજવાનો સમય નથી મળ્યો. તમારે હજી તમારા સંબંધને થોડો સમય આપવાની જરૂર છે. સમયની સાથે સાથે લાગણીઓમાં પરિવર્તન આવશે અને તમે જ્યારે એકબીજાની લાગણીઓને સારી રીતે સમજવા લાગશો અને લગ્નજીવનમાં કંટાળાનું સ્થાન આનંદ અને ઉલ્લાસની લાગણી લઇ લેશે.

પ્રશ્ન : હું એક યુવક સાથે ત્રણ વર્ષથી રિલેશનશિપમાં છું. હવે મારો બોયફ્રેન્ડ લગ્ન કરવા માટે દબાણ કરી રહ્યો છે. મારી પારિવારિક સ્થિતી અને જવાબદારી એટલી બધી છે કે હું બીજા બેથી ત્રણ વર્ષ સુધી લગ્ન કરી શકું એમ નથી. આ સંજોગોમાં મારો બોયફ્રેન્ડ મારી પરિસ્થિતિ સમજવાને બદલે મને ધમકી આપી રહ્યો છે કે જો હું આવનારા બેથી ત્રણ ‘શુભ’ મહિનાઓમાં લગ્ન નહીં કરું તો તે મારી સાથે બ્રેકઅપ કરી લેશે. મારે શું નિર્ણય લેવો જોઇએ? એક યુવતી (સુરત) ઉત્તર : તમારી સ્થિતિ સુડી વચ્ચે સોપારી જેવી થઇ ગઈ છે. આ સ્થિતિમાં યોગ્ય નિર્ણય લેતા પહેલાં શાંતિથી તમારી જવાબદારીઓનું અને પ્રાથમિકતાઓનું મૂલ્યાંકન કરો. તમારી પાસે બે વિકલ્પ છે. એક વિકલ્પ બોયફ્રેન્ડ સાથે લગ્ન છે અને બીજો વિકલ્પ પારિવારિક જવાબદારી નિભાવવાનો છે. તમે લાંબા સમયથી એક રિલેશનશિપમાં હો એટલે તમને આ મામલે ગંભીર હો એ સ્વાભાવિક છે. હકીકતમાં આદર્શ પરિસ્થિતિ એ છે કે તમારો બોયફ્રેન્ડ સારી રીતે તમારી જવાબદારીઓ સમજે અને તમારા પર લગ્નનું કોઇ પણ દબાણ કરવાને બદલે તમારી જવાબદારી નિભાવવામાં તમારો સાથ આપે. તમે મોકળા મનથી આ વાતની તમારા બોયફ્રેન્ડ સાથે ચર્ચા કરો. આ સિવાય જો તમારે લગ્ન કરવા જ પડે એમ હોય તો લગ્ન પછી પણ તમે પારિવારિક જવાબદારીઓ નિભાવી શકો છો. જો તમે લગ્ન પછી પણ પિયરપક્ષની પારિવારિક જવાબદારી નિભાવવા ઇચ્છતા હો તો આ વાતની તમારા બોયફ્રેન્ડ અને તેના પરિવાર સાથે ખાસ સ્પષ્ટતા કરી લો જેથી લગ્ન પછી કોઇ સમસ્યા ઉભી ન થાય. આ તમામ પરિસ્થિતિમાંથી પસાર થયા પછી આખરે જે સ્થિતિનું નિર્માણ થાય એમાં લાંબા ગાળાનો વિચાર કરીને બહુ સમજી વિચારીને નિર્ણય લો કારણ કે આ એક નિર્ણય તમારું આખું જીવન બદલી શકે છે. પ્રશ્ન : મારા લગ્નને આઠ વર્ષ થઇ ગયા છે. છેલ્લા કેટલાક મહિનાઓથી મને મારા પતિના વર્તન પરથી લાગે છે કે તેમનું અફેર ચાલે છે. શું પુરુષનું અફેર ચાલતું હોય તો એના વર્તનમાં પરિવર્તન અનુભવી શકાય છે. એક મહિલા (રાજકોટ) ઉત્તર : તમારા લગ્નને આઠ વર્ષ થઇ ગયા છે એટલે તમે તમારા પતિને સારી રીતે સમજતા હો એ સ્વાભાવિક છે. તમને લાગતું હોય કે તમારા પતિના સ્વભાવમાં પરિવર્તન આવ્યું છે તો પહેલાં તો તેમની સાથે સ્પષ્ટ શબ્દોમાં આ મુદ્દાની ચર્ચા કરો. કેટલાક લક્ષણો છે જેના પરથી પતિનું બીજે અફેર ચાલે છે કે નહીં એનો ક્યાસ કાઢી શકાય છે. જોકે આના કારણે કોઇ ચોખ્ખો અભિપ્રાય બાંધી શકાય નહીં. પતિ જાતીય સંબંધ બાંધવાનું ટાળતો હોય અને જો તમે પહેલ કરો તો હું થાકી ગયો છું અથવા તો કામનો બોજો વધારે છે એવો તર્ક નિયમિત રીતે આપતો હોય હોય તો એ ચેતવણી સમાન છે. પતિ જો ઘરમાં સતત વ્યગ્ર લાગે, પત્ની સાથે બહાર જવાનું ટાળે અને એકલા બહાર જવાની તક ન ચૂકે તો તેનામાં આવેલો આ બદલાવ ધ્યાન ખેંચે છે જો પતિ વારંવાર મોડી રાત્રે ઘરે આવતો હોય અને સામેથી મોડું થવાનું કારણ આપવા લાગે તો તરત જ ચેતી જવાની જરૂર છે.

પ્રશ્ન : હું 29 વર્ષની પરિણીતા છું અને સંયુક્ત પરિવારમાં રહું છું. લગ્ન પહેલાં જ મને ખબર હતી કે મારે સંયુક્ત પરિવારમાં રહેવાનું છે. સાસરામાં આમ તો કોઇ વાતની કમી નથી પણ અહીંના લોકોની વિચારસરણી થોડી સંકુચિત છે જ્યારે મારા વિચારો થોડા મુક્ત છે. આ કારણે મારે ક્યારેય સાસરિયાંની નારાજગીની પણ સહન કરવી પડે છે અને આ કારણે જ હું મારી નણંદો અને જેઠાણીઓ સાથે નિકટતા નથી કેળવી શકી. હું મારા પતિને બીજી કોઇ જગ્યાએ ફ્લેટ લેવાનું પણ કહી શકું એમ નથી. આના કારણે હું ડિપ્રેશન અનુભવું છું. હું શું કરું? એક મહિલા (અમદાવાદ) ઉત્તર : પરિવારમાં ક્યારેક ક્યારેક વાદવિવાદ, કલહ અને લડાઇ સામાન્ય છે. પરિવાર ફેસબુક કે વોટ્સએપ જેવી સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ નથી કે જ્યાં કોઇ પસંદ ન પડે તો એની સાથે ગણતરીની મિનિટોમાં સંપર્ક કાપી શકાય. પરિવારના અન્ય સભ્યો તમને કઇ રીતે મૂલવે છે એ વાતને ખાસ મહત્ત્વ આપવાની જરૂર નથી. તમારે હંમેશાં સકારાત્મક વિચારસરણી જાળવી રાખવાની છે. હવે બીજી વ્યક્તિ તમને કઇ રીતે જુએ છે એ બીજી વ્યક્તિના વિચારો પર આધાર રાખે છે. હાલમાં અનેક પરિવારો વિભક્ત પરિવારમાં રહે છે અને આ કારણે તેમને અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે. આ સંજોગોમાં તમને સંયુક્ત પરિવારમાં રહેવાની તક મળી છે. જો તમે થોડી સમજદારીથી કામ લેશો તો એ તમારા માટે ચોક્કસ ફાયદાકારક સાબિત થશે. આ સમસ્યાનો યોગ્ય ઉકેલ એ છે કે તમે નાની વાતોની અવગણના કરો અને શક્ય હોય ત્યાં સુધી બધાનો સાથ લઇને ચાલો. સમયની સાથે સાથે તમે પણ પરિવારમાં તમારું સ્થાન બનાવી લેશો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો