હળવાશ:પતિને નામથી તો ના જ બોલાવાય...એમની આવરદા ઘટી જાય!

જિગીષા ત્રિવેદી15 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચાલો હવે હું જાઉં...આજે તો તમારા લોકો જોડે વાતો કરવા રહી, એમાં બહુ મોડું થઈ ગયું. હમણાં સાહેબ આવશે ને મારે તો હજી રસોઈ પણ બાકી છે.’ આ ગ્રુપ સાથે વાત કરવા પહેલી વાર ઊભા રહેલાં ખૂબ જ ડાહ્યા અને સોજ્જા, ખૂબ કામગરા એવાં સેજલબેન ઉતાવળે બોલ્યાં...ત્યાં તો અમારું ગ્રુપ એમનાં ઉપર તૂટી જ પડ્યું. ‘લે, સાહેબ આવવાના છે ને તમે હજી રસોડામાં કસું હલાયું નહીં?’ ‘તે પણ તમે ક્યારે નોકરી સ્ટાર્ટ કરી?’ ‘અલા કહેતા ય નથી. અમે કંઇ તમારા એકલહુડા સ્વભાવ વિશે ત્યાં કોઈને કહેવા થોડા જવાના હતા?’ ‘હું સંુ કહું છું? પાર્ટ ટાઈમ? કે પછી ફુલ ટાઈમ?’ ‘પ્રાયવેટમાં તો તોડાવી જ નાખતા હશે નંઇ? શું પગાર નક્કી કર્યો?’ ‘ઓફિસમાં બેસવાનું કે બહાર ફરવાનું? કે પછી તમને રિસેપ્શન પર ફોન લેવા બેહાડયાં?’ ‘અંગ્રેજી બોલવાના ક્લાસ કર્યા? કે એમનેમ જ આવડે છે?’ ‘પણ હું એમ કહંુ...કે દહાડે તો તમે ઘેર ના ઘેર હોય છો. તે...સાંજે જાવ છો કે સંુ? અરે...રે ! કંઇ નઇ કંઇ નઇ...ને હાવ પ્રૌઢ શિક્ષણની ઓફિસમાં નોકરી મળી?’ ‘પ...ણ મેં તો સાંજે ય જોયા નંઇ તમને બહાર નીકળતા. જવાનો અને આવવાનો એક્ઝેટ ટાઈમ સું નક્કી કર્યો છે? બહુ લમણાં લેવા પડતાં હશે નંઇ બધા ઉંમરલાયકો જોડે? પેલું કહે છે ને...‘પાકા ઘડે કાંઠા ના ચડે.’ હશે... જેવા નસીબ. ‘તમે બધાય સું કુલડીમાં ગોળ ભાંગો છો? કશું સમજ્યા કર્યા વગર મંડી જ પડ્યા છો...હું ક્યાંય નોકરી નથી કરતી.’ પહેલી વાર સેજલબેન ઊંચા અવાજે બોલ્યાં. ‘તો કયા સાહેબ આવવાના છે?’ ‘તમારા ભાઇની વાત કરું છું. એમને હું ઘરમાં ‘સાહેબ’ કઉં છું...’ સેજલબેને સહેજ શરમાઇને ઉત્તર આપ્યો...અને પત્યું. (કોણે કીધું એના કરતાં શું કીધું એ જ જાણવા અને માણવા જેવું છે.) ‘‘સાહેબ’ તે વળી કહેવાતું હસે? ‘મિસ્ટર’ કહેવાય ખરેખર તો...જો, આપડે એમના સું છીએ? મિસીસ. બરાબર? તો એ આપડા સું થયા? ‘મિસ્ટર’ થયા કે નહીં? સાચી વાત છે ને...’ ‘ના અલા...‘મિસ્ટર’ તો થોડું દેસી લાગે.’ ‘દેસી તો ઠીક, પણ ‘મિસ્ટર’ તો અજાણ્યાને કહેવાય. આ...આપડે સિરિયલોમાં ને પિચ્ચરોમાં નહીં જોતા કે કોઈ અજાણ્યા જોડે બબાલ થાય તો ‘એ...ય મિસ્ટર જબાન સંભાલો આપની.’ એવું કહેતા હોય છે. પતિને તો ‘હસબન્ડ’ કહેવાય. આપડે એમના વાઈફ અને એ આપડા હસબન્ડ.’ ‘‘હસબન્ડ’ તે કંઇ હારું લાગતું હશે? જોડે કાંકરીયા ફરવા ગયા હોઈએ ને આપડે પાછળ રહી જઈએ...તો શું, ‘હસબન્ડ’...‘હસબન્ડ’ કરીને બૂમો પાડવાની ભરબજારે? પરણેલા બધા હસબંડો પાછળ જોવે અને આપડા હસબન્ડને શરમાવા જેવું થાય યાર. હારું લાગતું હશે? વા...ત કરો છો! જાહેરમાં ખરેખર તો આપડા છોકરા કે છોકરીના નામે બોલાવાય એટલે આપડાવાળા જ વાંહે વળીને જોવે.’ ‘એ તો વળી હાવ જ ખોટું હોં. આપડે આપડા છોકરાવને ઘરમાં ‘ટબુ’ કે ‘કબુ’ એમ હુલામણા નામે બોલાવતા હોઈએ તો રસ્તામાં ‘ટબુ’ ‘કબુ’ કરવાનું? કૂતરાંને બોલાવતા હોઈએ એવું લાગે.’ ‘એના કરતાં પિન્ટુના પપ્પા કે ચિન્ટુના પપ્પા એવી બૂમ પડાય...’ ના હોં... જેટલા પિન્ટુ - ચિન્ટુ હોય, એ બધાના પપ્પા ઊભા રહે અને જે પોતે પિન્ટુ-ચિન્ટુ હોય એ ય ઊભા રહે...એના કરતાં ‘ઓ...ય’ કરવાનું એટલે આપડો અવાજ ઓળખીને આપડા ‘ઓય’ જ્યાં હોય ત્યાં ઊભા રહી જાય.’ ‘‘ઓય’ ના કરાય ‘લા...તમે ‘ઓ...ય’ એવી બૂમ પાડો એટલે જનરલ બૂમ થઈ જાય. રસ્તા પર તો આપડા સિવાય બધા ‘ઓય’ કહેવાય એટલે જેટલા ‘ઓય’ હોય એટલા બધા વાંહે વળીને જુએ. ભાઈઓ ય વાંહે જુએ, ને બહેનો ય વાંહે જુએ...એના કરતાં તો પછી એમના જે તે નામથી બોલાવવું હારું.’ ‘ના હોં...નામથી તો ના જ બોલાવાય...એમની આવરદા ઘટી જાય.’ ‘એટલે જ મને તો ‘સાહેબ’ જ બરાબર લાગે છે.’ સેજલબેને ધીરેથી પોતાની રજૂઆત કરી. ‘‘સાહેબ’ હોય તો હોય એમની ઓફિસમાં...આપડા સાહેબ તો નથી જ એટલે કાયદેસર બી જોવા જાવ ને, તો ‘સાહેબ’ તો ના જ કહેવાય.’ ‘એક આઇડિયા છે. ઇંગ્લિશમાં એમના નામનો પહેલો અક્ષર અને અટકનો પહેલો અક્ષર લઈને બોલાવાય.’ ‘બકુલભાઇ દેસાઇ નામ હોય, તો ‘એ...બીડી’ એમ થોડું કહેવાય? બધા બીડી સોધવા નીચે જોવા માંડે.’ ‘આ પોળના નાકે ફ્લેટમાં પેલી નિકી રહે છે ચોથા માળે.. એની જેમ નામનો પહેલો ઇંગ્લિસ અકસર અને ફાધરના નામનો પહેલો અકસર બી લઈ સકો તમે.’ ‘હા હા.. પેલી નીક્લી... આખો દહાડો શોપિંગો ને પાર્ટીઓ જ કર્યા કરે છે એ જ ને...? એણે પોતાના વરને બોલાવવાનો અનોખો રસ્તો શોધ્યો છે એની ખબર છે તમને?’ ‘હા.. એ જ. એ બોલાવે છે ને એના વરને. આખો દિ ‘ડી.જે.’ આમ ને ‘ડી.જે.’ તેમ...એ જ મને તો પ્રોપર સેટિંગ લાગે છે. ઇંગ્લિસનું ઇંગ્લિસ ને ફેસનની ફેસન. આ સિવાય આવરદા બાવરદાનુ ટેંસન બી નઇ અને પાછું એક્ઝિક્યુટીવ ઓફિસર જેવું લાગે એટલે એ રસ્તામાં બૂમ બી પાડે ને, તો બીજા બધાં આપડી હામે જોવાને બદલે ડી.જે. હામે જુએ...હમજ્યા!’ પછી મૌન છવાઈ ગયું. બધા કદાચ નામમાં સમાયેલું સંબોધન ગોઠવતા હશે અને સેજલબહેન રસોડું સંભાળવા ઉપડી ગયાં.

અન્ય સમાચારો પણ છે...