શરીર પૂછે સવાલ:પતિ મારી ઇચ્છા પૂરી કરતા નથી

22 દિવસ પહેલાલેખક: વનિતા વોરા
  • કૉપી લિંક

પ્રશ્ન : મારી ઉંમર 39 વર્ષ છે. મને છેલ્લા થોડા સમયથી માસિકસ્રાવ ક્યારેક એકાદ-બે મહિને આવે છે, તો ક્યારેક ત્રણ-ચાર મહિના થઇ જાય છે. જ્યારે માસિક આવે ત્યારે પેટ અને પેડુના ભાગમાં ખૂબ દુખાવો થાય છે. મેં ડોક્ટરને પૂછ્યું તો એમનું કહેવું છે કે મેનોપોઝ શરૂ થઇ ગયો છે. શું આટલી નાની વયમાં મેનોપોઝ શરૂ થઇ જાય?
એક મહિલા (વીસનગર)
ઉત્તર ઃ
તમારા ડોક્ટરે તમને જે કહ્યું તે સાચું છે. પહેલાંના સમયમાં મહિલાઓને મેનોપોઝની શરૂઆત 50-55ની વયથી થતી હતી, પણ હવે વહેલો મેનોપોઝ શરૂ થઇ જાય છે. તમને આ રીતે બે-ત્રણ મહિને કે ત્રણ-ચાર મહિને માસિક આવે છે, એ મેનોપોઝની શરૂઆત જ છે. તમને તમારા ડોક્ટરે જણાવ્યું જ હશે કે આ રીતે મહિને-બે મહિને માસિકસ્રાવ આવીને ધીરે ધીરે માસિક આવતું બંધ થઇ જશે. ચિંતા કરવાની જરૂર નથી. આ સમયગાળા દરમિયાન મૂડસ્વિંગ્સ, હોટ ફ્લશીશ, ડિપ્રેશન જેવી સામાન્ય સમસ્યા થાય તો તેને શાંતિથી પસાર કરી લેવી. તમને બીજી કોઇ સમસ્યા નથી.
પ્રશ્ન : મારા પતિ એમની ઇચ્છા હોય ત્યારે મારી સાથે સેક્સ માણે છે, પણ ક્યારેક મને ઇચ્છા થાય અને એમને ઇચ્છા ન હોય ત્યારે એ સ્પષ્ટ ના કહી દે છે. આના કારણે ક્યારેક મને બીજા કોઇ પુરુષ સાથે સંબંધ બાંધવાનું મન થઇ આવે છે. મને ખબર છે કે આ યોગ્ય ન ગણાય, પણ મારે શું કરવું તે સમજાતું નથી. યોગ્ય માર્ગદર્શન આપશો.
એક મહિલા (આણંદ)
ઉત્તર ઃ
તમારી સમસ્યા સમજી શકાય એવી છે, પણ એના માટે તમે જે વિચારો છો એ તમારા મતે જ જો યોગ્ય ન લાગતું હોય, તો માર્ગદર્શન મેળવવાની જરૂર જ નથી. આવું કોઇ અયોગ્ય પગલું ભરવાને બદલે તમે પતિને શાંતિથી સમજાવો કે જેમ એમને સેક્સ માણવાની ઇચ્છા થાય છે તે રીતે તમને પણ થાય અને તમારી ઇચ્છા સંતોષવાની એમની ફરજ પણ છે. સેક્સ માણવા માટે માત્ર પુરુષને જ ઇચ્છા જાગે અને સેક્સ માણે એ જરૂરી નથી. સ્ત્રીને પણ સેક્સની ઇચ્છા જાગતી હોય છે, જે પતિએ સમજીને એને સ્વીકારવી જોઇએ. આ વાતને તમે પતિને સમજાવશો તો એ ચોક્કસ તમારી ઇચ્છા પૂરી કરશે, પણ પરપુરુષ સાથે સંબંધ બાંધવાની વાતને મનમાંથી કાઢી નાખો એ વધારે સારું રહેશે.
પ્રશ્ન : મારો દીકરો એકવીસ વર્ષનો છે. એને હજી સુધી દાઢી-મૂછ આવ્યા નથી. એનામાં અન્ય કોઇ લક્ષણો જોવા નથી મળતા કે જેના લીધે દીકરાના પૌરુષત્વ અંગે શંકા જાગે. પિતા તરીકે મને એની ચિંતા થાય છે કે એને હજી દાઢી-મૂછ કેમ નહીં આવ્યા હોય?
એક પુરુષ (ગોંડલ)
ઉત્તર ઃ
ઘણી વાર છોકરાઓમાં પણ હોર્મોન્સના સ્રાવની સમસ્યા થતી હોય છે. બનવાજોગ છે કે તમારા દીકરાના હોર્મોન્સમાં કોઇ અસંતુલન હોય અને તેના લીધે એને દાઢી-મૂછ ન આવ્યા હોય. આ ઉપરાંત, એનામાં તમે કહો છો તેમ એવા કોઇ લક્ષણો જણાતા નથી જેથી એના પૌરુષત્વ અંગે જાગે. તમારે કોઇ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. તમે તમારા દીકરાને કોઇ સેક્સોલોજિસ્ટને બતાવી જુઓ. શક્ય છે કે તેમના દ્વારા કોઇ દવા આપવાથી તમારા દીકરાને દાઢીમૂછ આવી જાય. આ રીતે તેમની પાસેથી આ સમસ્યાનો ઉકેલ મળી રહેશે.
પ્રશ્ન : મારી વય 40 વર્ષ છે. મને હજી પણ ગમે ત્યારે સેક્સ માણવાની ઇચ્છા થઇ આવે છે. સામાન્ય રીતે મેનોપોઝ પછી શારીરિક સંબંધ માણવાની ઇચ્છા ઓછી થઇ જાય છે, પણ મને હજી એ માટે ઇચ્છા થાય છે. આવું બની શકે ખરું? મેનોપોઝ પછી સેક્સ માણવાની મને સેક્સ માણવાની ઇચ્છા કેમ થતી હશે?
એક મહિલા (વડોદરા)
ઉત્તર ઃ
તમારો મેનોપોઝ શરૂ થઇ ગયો છે, તેના લીધે સેક્સ માણવાની ઇચ્છા ઓછી થઇ જાય એવી તમારી માન્યતા ખોટી છે. અલબત્ત, તમે કહ્યું છે તેમ, સામાન્ય રીતે મેનોપોઝ પછી સ્ત્રીની સેક્સની ઇચ્છામાં ઘટાડો થાય છે, પરંતુ આ બાબત તમામ સ્ત્રીઓને લાગુ પડે જ એવું નથી. ઘણી સ્ત્રીઓને મેનોપોઝ પછી પણ સેક્સ માણવાની ઇચ્છા થાય છે. તમારા કિસ્સામાં પણ એવું જ બન્યું છે. તમને મેનોપોઝ પછી સેક્સ માણવાનું મન થાય છે, એ સારું છે કેમ કે કેટલીક વાર આ બાબતમાં દાંપત્યજીવનમાં ખટરાગ પણ થઇ શકે છે. માટે તમને જે ઇચ્છા થતી હોય તે તમારા પતિ સમક્ષ વ્યક્ત કરો. એ ચોક્કસ તમારી ઇચ્છા પૂરી થશે.
પ્રશ્ન : મારા લગ્ન ફેબ્રુઆરીમાં થવાનાં છે. મારી બહેનપણીઓ મને કહે છે કે લગ્નની પ્રથમ રાત્રે જ્યારે કપલ સેક્સ માણે ત્યારે યુવતીઓને દુખાવો થતો હોય છે. મને ડર લાગે છે કે મને પણ દુખાવો થશે? એ દુખાવો કેમ થતો હોય છે એ વિશે જણાવશો.
એક યુવતી (વડોદરા)
ઉત્તર ઃ
તમારી બહેનપણીઓની વાત સાચી છે કે ઘણી યુવતીઓને લગ્નની પ્રથમ રાત્રે સેક્સ માણતી વખતે દુખાવો થતો હોય છે. જોકે એમણે તમને જે રીતે વાત કરી છે એટલો દુખાવો થતો હોતો નથી. વાસ્તવમાં, આ દુખાવો થવાનું કારણ યુવતીઓનો જે કૌમાર્યપટલ હોય છે, તે તૂટે ત્યારે સામાન્ય દુખાવો થાય છે. માટે તમે બીનજરૂરી ડરો નહીં. અત્યારે તો ઘણી યુવતીઓ ફિઝિકલ એક્ટિવિટી કરતી હોવાથી કૌમાર્યપટલ તૂટી જાય છે. જો તમે પણ આવી કોઇ ફિઝિકલ એક્ટિવિટી કરતાં હો, તો તમારો કૌમાર્યપટલ પણ તૂટી ગયો હોય તેવું બનવાજોગ છે. કદાચ એથી તમને દુખાવો ન પણ થાય. તેથી ખોટી ચિંતા ન કરો. તમને વિચારો છો એવો દુખાવો નહીં થાય.

અન્ય સમાચારો પણ છે...