એકબીજાને ગમતાં રહીએ:હમને તો ફકીરોં સે સુની થી યે કહાની કિસ્મત કી લકિરોં સે બંધી દુનિયા દીવાની

એક વર્ષ પહેલાલેખક: કાજલ ઓઝા વૈદ્ય
  • કૉપી લિંક
  • સ્વાર્થ માટે તો બધા જીવે છે, પોતે મજા કરવાની હોય તો પૈસા સહુ ખર્ચી શકે છે. મુદ્દો એ છે કે જ્યારે આપણી આસપાસના લોકો ખુશ અને સુખી નહીં હોય તો આપણે આપણી ખુશી અને સુખ પૂરેપૂરું માણી નહીં શકીએ

આજથી શરૂ થતા તહેવારો જેવા જોઈએ તેવો ઉત્સાહ કે ઉમંગ લઈને આવ્યા નથી. આ વર્ષ નવરાત્રિ વિના, જન્માષ્ટમી વિના અને બીજા અનેક તહેવારો પરંપરાગત રીતે ઉજવ્યા વિના પૂરું થયું છે. મંદિરો બંધ રહ્યા, માણસો પણ ઘરમાં બંધ રહ્યા. સમય બદલાયો અને એની સાથે બદલાઈ છે માનવજાતના અસ્તિત્વની આખીયે કથા!

આજથી દિવાળી સત્તાવાર રીતે શરૂ થાય છે, પરંતુ જે લોકો પાસે પૈસા છે, સગવડ છે એમને માટે કદાચ આ તહેવાર હજીયે નાની-મોટી ઉજવણી સાથે આવ્યો છે. અનેક લોકોનું કામ આ વર્ષે બંધ રહ્યું છે. વ્યવસાય કે બિઝનેસ શરૂ થયા પછી પણ જેવું જોઈએ તેવું કામ મળતું નથી, એ ફરિયાદ લગભગ દરેક વ્યક્તિની છે. કેટલીક કંપનીમાં પગારમાં કપાત આવી છે તો કેટલીક કેટલીક કંપનીઓએ બોનસમાં કપાત જાહેર કરી છે. કામદારો અને કર્મચારીઓ, વેપારીઓ અને વ્યવસાયિકો સહુ માટે આ વર્ષ કપરું પૂરવાર થયું છે ત્યારે પૂરા થઈ રહેલા વર્ષ સાથે આપણે બધા કોઈ પ્રિય વ્યક્તિને ખોઈ બેઠા છીએ અથવા આર્થિક રીતે નુકસાન ભોગવીને પીડાયા છીએ.

કેટલાક લોકોના ઘરમાં કદાચ દિવાળીનો તહેવાર ઉજવવાના તો ઠીક, સારું ખાવાની કે બે-ચાર સારા કપડાં પહેરવાની પણ સગવડ નહીં હોય. ફિલ્મ ‘કિસ્મત’માં કવિ પ્રદીપનું લખેલું, અનિલ બિશ્વાસના સંગીતમાં સ્વરબદ્ધ થયેલું એક ગીત, ‘ઘર ઘર મેં દિવાલી હૈ, મેરે ઘર મેં અંધેરા...’ આજે કદાચ વર્ષો પછી ફરી એકવાર સાચું લાગે છે! કવિ પ્રદીપના શબ્દો, ‘ચારોં તરફ લગા હુઆ મીના બાઝાર હૈ, ધન કી જહાં પે જીત હૈ, ગરીબોં કી હાર હૈ, ઈન્સાનિયત કે ભેસ મેં ફિરતા હૈ લૂટેરા... જી ચાહતા સંસાર મેં મૈં આગ લગા દૂં, સોયે હુએ ઈન્સાન કી કિસ્મત કો જગા દૂં...’ જેવી લાગણી કેટલાક ઘરોમાં કદાચ પ્રવર્તી રહી હશે. જે લોકો પાસે પૈસા છે, સગવડ છે એમને દિવાળી ઉજવતા જોઈને કેટલાક ઘરોમાં રહેલું અંધારું વધુ ગાઢું થઈ ગયું હશે. ઈર્ષ્યાને કારણે નહીં, અભાવ અને અસહાયતાને કારણ ! કયાં માતા-પિતાને એવી ઇચ્છા ન હોય કે એમના સંતાન કમસે કમ તહેવારમાં ખુશ રહે? અત્યારે પરિસ્થિતિ એવી છે કે માતા-પિતા ગમે તેટલું ઇચ્છે તો પણ એના સંતાન માટે કશું કરી શકે એમ નથી. બે ટાઈમના ભોજનની જ જ્યાં તકલીફ હોય ત્યાં તહેવારની ઉજવણી વિશે વિચારી પણ કઈ રીતે શકાય?

આપણે, જે લોકો ઉચ્ચ મધ્યમવર્ગ કે ધનિક છે એમને કદાચ કલ્પના પણ નથી કે અત્યારની પરિસ્થિતિમાં કેટલાય લોકોના ઘરોમાં લાંબા સમયથી અંધારું છવાયેલું છે. યુવાન સંતાનના આપઘાત કે કોરોનામાં થયેલાં મૃત્યુને કારણે કેટલાય લોકોની દિવાળી આ વખતે સ્મરણોના અંધારામાં ડૂબી ગઈ છે. જેમણે સ્વજન ખોયું છે, એને માટે કેવી દિવાળી? જેમણે નોકરી ખોઈ છે, વ્યવસાયમાં નુકસાન ઉઠાવ્યું છે કે જેમના પગાર અને બોનસના પૈસા કપાયા છે એને આ દિવાળી તો ઝેર જેવી લાગતી હશે. બીજી તરફ છેલ્લા નવ મહિનાથી કોરોનાનો ભય અને એનાથી ઊભી થયેલી સમસ્યાઓ ઓછી થઈ નથી. લોકો પોતાની રીતે કામે જરૂર ચઢ્યા છે, નોર્મલ જિંદગી જીવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, પરંતુ ગમે તેટલું કરવા છતાં આર્થિક પરિસ્થિતિ જેવી જોઈએ તેવી સુધરી નથી. થિયેટર ખુલ્યા છે, ક્લબ્સ અને રેસ્ટોરાં પણ ખૂલ્યાં છે, પરંતુ આજથી થોડા જ મહિના પહેલાં રવિવારે રેસ્ટોરાંની બહાર દેખાતી વેઇટિંગની ભીડ ઘટી છે. તૈયાર કપડાં કે ફર્નિચરની ખરીદીમાં દેખીતો ઘટાડો છે. સોનાના ભાવ આસમાને છે અને જનસામાન્ય માટે જીવન જરૂરિયાતની ચીજો ખૂબ મોંઘી થઈ રહી છે ત્યારે આજથી શરૂ થતી દિવાળી જેને માટે સારી અને સમસ્યારહિત હોય એ સહુએ આ વર્ષે અન્યનો વિચાર કરવો રહ્યો.

આ વિચાર કરવો એટલે શું? આપણી આસપાસના જગતમાં કદાચ જો કોઇને તકલીફ હોય તો એમની દિવાળી સુધરે એવો પ્રયાસ કરવો અત્યારના સંજોગોમાં સૌથી જરૂરી છે. કપડાં ઈસ્ત્રી કરવાનો વ્યવસાય કરતા એક ભાઈએ હજી હમણાં જ ફરિયાદ કરતા કહ્યું, ‘બહેન કોરોનાના ડરથી લોકો હજી ઈસ્ત્રી કરવાના કપડાં આપતા નથી. આવક અડધી થઈ ગઈ છે.’ તો, લિફ્ટમેન, વોચમેન અને શાકભાજી કે કરિયાણાની નાની દુકાન ધરાવતા લોકો માટે દિવાળી અઘરી પૂરવાર થઈ રહી છે. આવા સમયમાં જો ઘરમાં ટીનએજ કે સમજદાર સંતાન હોય તો એને ફટાકડા નહીં ખરીદવા સમજાવીને એટલા પૈસા બીજાના ઘરમાં દિવાળી સારી થાય એ માટે વાપરવા તૈયાર કરી શકાય. લગભગ સારા જ હોય, પરંતુ ટૂંકા પડતા હોય, ન ગમતા હોય (એવું સદભાગ્ય આપણા સંતાનો પાસે છે) અથવા ઘણા લાંબા સમયથી ન પહેર્યા હોય એવા કપડાં આપણી આસપાસના જરૂરિયાતમંદ લોકોને પહોંચાડવા એમને પ્રોત્સાહિત કરી શકાય. નાસ્તા અને મીઠાઈ લઈને આપણા નિકટના લોકો, વોચમેન, ડ્રાઈવર, માળી, ડોમેસ્ટિક હેલ્પ, ઓફિસની નીચે બેસતા જૂતા રીપેર કરનાર કે જૂના કપડાં રીપેર કરનાર, ઓફિસના લિફ્ટમેન, પ્યૂન જેવા કેટલાય લોકોને ઘેર આનંદપૂર્વક મોકલી શકાય અથવા જો આપણી તૈયારી હોય તો સંતાનને સાથે લઈને જાતે જઈને આપી શકાય. આનાથી આપણા સંતાનને એવું પણ સમજાય કે એ કેટલા સદભાગી અને કેટલા સુખમાં જીવે છે! પૈસા આપી દેવાથી જવાબદારી પૂરી થતી નથી, કોઈને ખુશ કરવા માટે એની જિંદગીમાં કશુંક બદલવું જરૂરી છે. જેના ઘરમાં આ દિવાળીએ અંધારું હોય એના ઘરમાં સ્મિતનો, સગવડનો કે સમભાવનો અને સ્નેહનો દીપક પ્રગટાવવાની આપણી જવાબદારી છે. આપણી આસપાસ વસતા, જેને આપણે ઓળખતા હોઈએ અથવા જેને કારણે આપણું જીવન સરળ બને છે એવા કેટલાય લોકોની દિવાળી સુધારવાનો આપણને મોકો મળ્યો છે એમ માનવું જોઈએ.

સ્વાર્થ માટે તો બધા જીવે છે, પોતે મજા કરવાની હોય તો પૈસા સહુ ખર્ચી શકે છે. મહત્ત્વનો મુદ્દો એ છે કે જ્યારે આપણી આસપાસના લોકો ખુશ અને સુખી નહીં હોય તો આપણે આપણી ખુશી અને સુખ પૂરેપૂરું માણી નહીં શકીએ. આપણી આસપાસનું જગત એ જ આપણા અસ્તિત્વનો આધાર છે. આમ તો, મોટાભાગના લોકો પોતાને માટે અથવા પરિવાર માટે કમાય છે, અન્યો સાથે પોતાનું સુખ અને સંપત્તિ વહેંચવાની તક અને જરૂરિયાત વારંવાર ઊભી થતી નથી. આ વર્ષ એવી તક અને જરૂરિયાત બંને લઈને આવ્યું છે. બીજા માટે કશું કરવાની, એમની દિવાળી સુધારવાની કે એમના ચહેરા પર સ્મિત લઈ આવવાની આ દિવાળીએ આપણા સહુ માટે તક ઊભી થઈ છે. આ દિવાળી આપણા સહુ માટે કદાચ ‘તહેવાર’ હશે, પણ માણસ તરીકેનો ‘વહેવાર’ જ આ પેન્ડેમિકના અને કોરોનાના વર્ષને સાચા અર્થમાં જીવન જીવવા લાયક બનાવશે. kaajalozavaidya@gmail.com

અન્ય સમાચારો પણ છે...