વુમનોલોજી:સુંદરતાના વખાણ પર નમ્ર વાંધા- અરજી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કમનસીબે સમાજ આજે પણ એવું માની બેઠો છે કે કાં સ્ત્રી રૂપાળી હોય અથવા બુદ્ધિશાળી હોય. અને આથી જ જ્યારે બંને લાક્ષણિકતાઓ એકસાથે જોવા મળે ત્યારે એને ઘાટા અક્ષરે મૂકવામાં આવે છે

- મેઘા જોશી

‘વાહ, આ છોકરી સુંદર તો છે જ પણ સાથે બૌદ્ધિક પણ છે!’ ધારોકે આ વાક્ય તમે સાંભળો કે વાંચો તો તમારી પહેલી પ્રતિક્રિયા શું આવે? ખુશ થાઓ? વેઇટ, થોડી શાંતિથી વિચારો. સુંદરતા સાથે બુદ્ધિ હોવી એ ઉપરવાળા તરફથી જાણે સ્ત્રી માટે બંપર ઓફર હોય એ રીતે આશ્ચર્યચિહ્્ન સાથે ગણાય છે. અહીં આશ્ચર્યને બદલે અહોભાવ હોય તો હજી સમજ્યા. વેલ, સ્ત્રી માટે આવા ઘણાં વખાણને જરીક ગંભીરતાથી ચકાસીએ તો એમાં કોઈ એક સ્ત્રીનું સન્માન કરવાના પ્રયાસમાં સમગ્ર સ્ત્રી સમૂહનું અપમાન દેખાય. ધારોકે કોઈ સ્ત્રી સુંદરતાના નિયત માપદંડમાં ફિટ ન થઈ શકે તો એની દરેક ક્ષમતા અને એની આગવી ઓળખને તમે કઈ રીતે ઓછી આંકી શકો? કમનસીબે સમાજ આજે પણ એવું માની બેઠો છે કે કાં સ્ત્રી રૂપાળી હોય અથવા બુદ્ધિશાળી હોય. અને આથી જ જ્યારે બંને લાક્ષણિકતાઓ એકસાથે જોવા મળે ત્યારે એને ઘાટા અક્ષરે મૂકવામાં આવે છે.

ધારોકે કોઈ યુવતીનો ચહેરો જોવો ગમે એવો હોય, નાક અને નકશો નમણો હોય પણ કદ,વજન,લંબાઈ પેલી પરફેક્ટ ફ્રેમમાં સેટ ન થતી હોય તો એના વખાણ કેવી રીતે થાય ખબર છે? ‘રૂપે રંગે કેવી સરસ છે, થોડી લાંબી હોત તો વધુ સારી લાગતી અથવા ચહેરો બહુ સરસ છે પણ તું જાડી કેમ છે? તંદુરસ્ત અને ચુસ્ત હોવું એ આરોગ્ય માટે બેશક સારું છે પરંતુ વજન સુંદરતાના નક્કી કરેલ કાટલાં કરતાં વધુ હોય ત્યારે એના કોલેસ્ટેરોલ કે કેલરીની ચિંતા કરતા આંખને ગમે એવા ફિગરની ચર્ચા વધુ થાય છે. વિદ્યા બાલનનાં ચહેરા કે ઉત્કૃષ્ટ અભિનયના વખાણ સાથે કૌંસમાં એના વજન અને ઘેરાવાને પણ મૂકવામાં આવે છે. ચાલો એ તો સેલિબ્રિટી છે અને સફળ સ્ત્રી છે એટલે એની ચામડીની નીચે બાઝી ગયેલા મેદને વધારે શરમ નથી વેઠવી પડતી, પણ આપણી આસપાસ કે પરિવારમાં કોઈ પણ કારણસર કોઈ સ્ત્રી વધુ ‘વજનદાર’ હોય તો એને એથી વધુ વજનદાર સલાહો અપાય છે. વજન ઊંચાઈના સમીકરણ સાથે પ્રમાણસર હોવું જોઈએ એ એક સ્વસ્થ વ્યક્તિની નિશાની છે પરંતુ સ્ત્રીના વજનને સ્વસ્થ વ્યક્તિત્વ કરતાં સેકસ અપીલ સાથે વધારે જોવામાં આવે છે અને આથી જ આ વખાણ સામે વાંધો હોવો જોઈએ.

‘છોકરી આમ શામળી છે પણ લાગે દેખાવડી. આમ બીજી કાળી છોકરીઓ જેવી ના લાગે.’ ખ્યાલ આવે છે ને કે આ વખાણમાં પણ ભીનો વાન ધરાવતી છોકરીના વખાણમાં હજારો-લાખો શામળી છોકરીઓનું અપમાન છે. કાળી છોકરીઓમાં તું ઘણી સુંદર છે એવા આ એક વાક્યમાં માત્ર ગૌરવર્ણી ના હોય એવી એક છોકરીની સુંદરતાની પ્રશસ્તિ થાય છે એની સાથે ગોરા રંગ સાથે જોડાયેલ સુંદરતાને માન્યતા આપવામાં આવે છે. બ્લેક બ્યુટી કે ડસ્કી બ્યુટી જેવા છોગા દીપિકા પાદુકોણે, કોંકણા સેન અને નંદિતા દાસ સાથે પણ વર્ષો સુધી લાગ્યા. કળા સાથેની ઓળખ આપવી હોય ત્યારે પણ પહેલાં એમના ચામડીના રંગની વાત થાય એ પછી અભિનય કળા અંગે ચર્ચા થાય. સ્વરૂપવાન સ્ત્રીને કેવું સારું? આ એક વિચારે અન્ય અનેક સ્ત્રીઓ પોતાની એનર્જી પરફેક્ટ બ્યુટીની વ્યાખ્યામાં આવવા માટે વેડફી નાખે છે અને બીજી તરફ સુંદરતાને અકબંધ રાખવા માટે સુંદર સ્ત્રીઓ પણ સતત પ્રયત્નશીલ રહે છે. તમે કહેશો કે એમ ખોટું શું છે? ખોટું માત્ર એટલું જ છે કે, તમારા વખાણ પાછળ બહુમતી સ્ત્રીઓનું અપમાન થાય છે એ તમે કેમ ચલાવી લો? meghanajoshi74@gmail.com

અન્ય સમાચારો પણ છે...