તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મીઠી મૂંઝવણ:ટીનએજ દીકરીને પ્રેમનાં ચક્કરમાં પડતાં કઇ રીતે અટકાવું?

મોહિની મહેતા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રશ્ન : હું 32 વર્ષનો સારી રીતે સેટલ્ડ થયેલો યુવક છું. મારા લગ્ન માટે પરિવારજનો છેલ્લા પાંચ વર્ષથી યુવતીની શોધ ચલાવી રહ્યા છે પણ હજી સુધી આ શક્ય નથી બન્યું. મારામાં કોઇ સમસ્યા નથી પણ આમ છતાં મારા લગ્ન થવામાં શું કામ મોડું થઇ રહ્યું છે એ માટેનાં કારણની ખબર નથી પડતી. આ સમસ્યાના ઉકેલ માટે મારે શું કરવું જોઇએ? એક યુવક (વડોદરા) ઉત્તર : આજકાલના ઘણા યુવાનો આ પ્રકારની સમસ્યાની સામનો કરી રહ્યા છે. જો તમારા લગ્ન થવામાં પણ મોડું થઈ રહ્યું છે તો સૌપ્રથમ તે પાછળનું કારણ સમજી લો. આજકાલ ઓનલાઈન ડેટિંગ અને મેટ્રિમોનિયલ વેબસાઈટના જમાનામાં લાઈફ પાર્ટનર શોધવાનું કામ મુશ્કેલ નથી રહ્યું તેમ છતાં આપણી આસપાસના કેટલાક લોકો એકલવાયું જીવન જીવતા જોવા મળી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે કેટલીક જ્યોતિષ સંબંધિત સમસ્યાના કારણે લગ્ન થવામાં મોડું થતું હોય છે. લગ્ન બાબતે વ્યક્તિનો સ્વભાવ અને વ્યવહાર કેવો છે તે જાણવું ખૂબ જરૂરી છે. તમારે એવી છોકરીની પસંદગી કરવી જોઈએ જે તમારા ઘર અને પરિવારને સંભાળે. લગ્ન માટે પાર્ટનર કેવો જોઈએ છે તે અંગે નક્કી કરેલા ચોક્કસ માપદંડ નહીં છોડવાનાં કારણે ઉંમર વીતી જતા પણ સમસ્યા નડે છે. સમય સાથે બદલાવું જરૂરી છે, સમય સાથે ચાલવું અને તે અનુરૂપ સ્વીકાર કરતા શીખવું જોઈએ. ઘણાં યુવક-યુવતી સાથે એવું પણ બનતું હોય છે કે લગ્ન સંબંધમાં વારંવાર ના સાંભળવા મળતા તેમના આત્મવિશ્વાસમાં ઘટાડો થાય છે. આ કારણે પણ તેઓ લગ્ન કરવા માટે જલદી તૈયાર થતા નથી. આ સિવાય જ્યારે તમે સંભવિત પાર્ટનરને મળવા જાઓ ત્યારે સૌપ્રથમ તેની પસંદગી, શોખ, તેને શું ગમે છે અને શું નથી ગમતંુ જેવી બાબતો પણ જાણવી જરૂરી છે...નહીં તો ભવિષ્યમાં તકલીફનો સામનો કરવો પડી શકે છે. પ્રશ્ન : હું અને મારી પત્ની બંને વર્કિંગ છીએ. અમારાં લગ્નને ચાર જ વર્ષ થયાં છે પણ એમ લાગે છે કે સતત વ્યસ્ત જીવનશૈલીના કારણે જાણે અમારા સંબંધોમાંથી ઉષ્મા ગાયબ થઇ ગઇ છે. અમારા સંબંધો હૂંફાળાં અને પ્રેમાળ રહે એ માટે શું કરવું જોઇએ? એક યુવક (સુરત) ઉત્તર : ઘણીવાર કામકાજ અને જવાબદારીઓના બોજા હેઠળ કપલ એકબીજાના માટે પોતાનો કહી શકાય તેવો અલાયદો સમય કાઢી શકતા નથી. આ કારણે જ આગળ જતા તેમની વચ્ચેનું અંતર વધે છે અને લગ્નના શરૂઆતના સમયમાં અનુભવાતી ઉષ્મા ગાયબ થઈ ગઈ હોય તેવું અનુભવાય છે. જે ઘણીવાર ઝઘડા અને ક્યારેક તો છૂટાછેડા સુધી દોરી જાય છે. કપલ્સે પોતાના સંબંધોને હંમેશ માટે ઉષ્માભર્યા અને ચેતનવંતા રાખવા માટે પ્રયાસ કરવા જોઇએ. સપ્તાહમાં એક દિવસ 3-4 કલાક તમારા બંને માટે કાઢો અને મોબાઈલને બંધ કરી એકબાજુ પર મૂકી દો અને એકબીજાને સમય ફાળવો. હવે તો વરસાદની સિઝન શરૂ થશે ત્યારે વરસાદ શરૂ થાય કે નીકળી પડો. તમારા પાર્ટનર સાથે વરસાદમાં પલળવા કે પછી તમારા ટેરેસ પર જઈને પાર્ટનરના હાથમાં હાથ નાખી વરસાદમાં પલળવાનો આનંદ અનુભવો. પછી જુઓ ઘણું બધું ન કહ્યા વગર પણ તમે એકબીજાને ઘણું કહ્યાનો અહેસાસ થશે. બુક રીડિંગ કે પછી મૂવી સેશન ઘણીવાર તમે બહાર જઈ શકો તેવો સમય ન હોય તો ઘરે જ તમને સાથે બેસીને કોઈ ફેવરિટ પિક્ચર જોઈ શકો છો. કે પછી આ જ ફેવરિટ મૂવીને રોમેન્ટિક સીનને તમને બંને પાર્ટનર મળીને ભજવી શકો છો. તમે ક્યારેય ઘરમાં એવો સમય પસાર કર્યો છે જ્યારે તમારા બંનેમાંથી કોઈ કંઈ જ ન કરતું હોય? આવી નિરાંતની પળો પણ માણવી જોઇએ. પ્રશ્ન : હું 18 વરસની છું. મને 28 વરસના એક પુરુષ સાથે પ્રેમ છે. મારા ઘરવાળાને આ સંબંધ મંજૂર નથી. આ પુરુષ ભાગી જવાની સલાહ આપે છે પરંતુ મને આ પસંદ નથી. અમારી વચ્ચે શારીરિક સંબંધ પણ છે. હું તેના વિના જીવી શકું તેમ નથી. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી. એક યુવતી (ગાંધીનગર) ઉત્તર : તમારી વચ્ચેના ઉંમરના તફાવતને લીધે તમારા પરિવારના સભ્યો નારાજ હોય એ શક્ય છે. તેમને તમારો પ્રેમ કેમ પસંદ નથી એનું કારણ તમે જણાવ્યું નથી, કારણ જે હોય તે પરંતુ તમારે આ સંબંધનો અંત લાવવો જોઈએ. પરિવારની મરજી વિરુદ્ધ ભાગીને લગ્ન કરવાની સલાહ હું આપતી નથી આમ પણ પોતા માટે પતિ પસંદ કરવાની તમારી હજુ ઉંમર નથી. 18 વરસની ઉંમરે આવા અનુભવો થાય છે આ ઉંમરે સામે મળતા યુવક સાથે પ્રેમ થઈ જાય છે. આ ઉંમરે વાસ્તવિકતાનું પણ ભાન પડતું નથી. આથી આ સંબંધનો અંત લાવવામાં જ તમારી ભલાઈ છે. ભૂલવામાં સમય લાગી શકે છે, પરંતુ આ કામ અશક્ય નથી. તમારે ભવિષ્યને નજર સામે રાખવું જોઇએ.

પ્રશ્ન : મારી ચૌદ વર્ષની દીકરી ભણવામાં હોશિયાર છે. હાલમાં તેણે મને જણાવ્યું કે તે તેની સાથે ભણતા એક છોકરાના પ્રેમમાં છે. હું એ છોકરાને ઓળખું છું અને તે સારા પરિવારનો સમજદાર છોકરો છે પણ ટીનએજ દીકરીનું પ્રેમપ્રકરણ મને ખાસ પસંદ નથી પડ્યું. મને લાગે છે કે આ વય ભણવાની અને દુનિયાને સમજવાની છે, પ્રેમ પ્રકરણ કરવાની નહીં. હું આ વાત મારી દીકરીને કઇ રીતે સમજાવીને તેને યોગ્ય રસ્તે વાળી શકું? એક મહિલા (અમદાવાદ) ઉત્તર : તમારી ચિંતા સ્વાભાવિક છે અને આનો ઉકેલ ગુસ્સો કરવાને બદલે સમજદારીપૂર્ણ અભિગમથી લાવી શકાય છે. ટીનએજ દરમિયાન આ પ્રકારની લાગણી થાય એ બહુ નોર્મલ છે. આ વયમાં હોર્મોનલ બદલાવ આવતો હોવાના કારણે છોકરા અને છોકરીઓ બંનેમાં શારીરિક અને માનસિક બદલાવ આવવા લાગે છે. આ વયનું સંતાન યુવાવસ્થાના ઉંબરા પર હોય છે જેના કારણે વિજાતીય આકર્ષણ થતું હોય છે. આ સિવાય આધુનિક જીવનશૈલીના કારણે પણ ટીનએજ લવનું પ્રમાણ વધ્યું છે. ઘણીવાર માતા-પિતા બંને વર્કિંગ હોય અથવા તો પોતાનાં જીવનમાં અત્યંત વ્યસ્ત હોય ત્યારે ન્યૂક્લિયર ફેમિલીમાં બાળક એકલું પડી જાય છે જેના કારણે ટીનએજમાં વિજાતીય આકર્ષણનો ભોગ બને છે. આ વયના બાળકોમાં વધારે જોશ અને ઉત્સાહ હોય છે જેના કારણે તેઓ પ્રેમમાં પડવાના રોમાંચ તરફ આકર્ષાય છે. જો તમારું સંતાન ટીનએજમાં જ પ્રેમનાં ચક્કરમાં પડી જાય તો પહેલાં તો તેને ગુસ્સે થયા વગર વાસ્તવિક પરિસ્થિતિની સમજણ આપો. આવી સ્થિતિ ઊભી ન થાય એ માટે થોડા સતર્ક રહો અને બાળકનાં જીવનમાં શું ચાલી રહ્યું છે એનાથી માહિતગાર રહો. બાળકને ઉપદેશ આપવાને બદલે સમજણ આપો અને પ્રેમમાં પડવા માટે ગુસ્સે થવાને બદલે તેમને માફ કરી દો અને એનાં ભયસ્થાનથી માહિતગાર કરો. જો તમારા બાળકને ખાતરી હશે કે માતા-પિતા તેના પર ભરોસો રાખે છે તો આ લાગણી એને ખોટા રસ્તા પર જતા અટકાવશે. ટીનએજમાં બાળક ભાવુક અને સંવેદનશીલ હોય છે એટલે એની લાગણીને સમજવાનો પ્રયાસ કરો.

અન્ય સમાચારો પણ છે...