પેરેન્ટિંગ:બાળકોને કેવી રીતે બનાવશો જવાબદાર?

16 દિવસ પહેલાલેખક: મમતા મહેતા
  • કૉપી લિંક

નાની વયમાં બાળકના ઉછેરમાં તોડી પણ બેદરકારી એને બેજવાબદાર બનાવી શકે છે. આ કારણે બાળપણના શરૂઆતના તબક્કામાં જ એનામાં સારી આદતોનું સિંચન કરવું જરૂરી છે. જો આ વયમાં બાળકને સારી આદત શીખવવામાં આવે તો એ લાંબા ગાળે જવાબદાર વ્યક્તિ બની શકે છે. બાળકની બેજવાબદારીના કારણો ઘણી વખત માતા-પિતાની અવગણના બાળકને બેજવાબદાર બનાવી દે છે. આ સિવાય વધારે પડતો પ્રેમ મળવાથી પણ બાળક કેરલેસ બની જાય છે. બાળક પોતાના મિત્ર પાસેથી પણ ઘણું બધું શીખે છે એટલે ઘણી વખત તેમના બેજવાબદાર અભિગમનું કારણ તેના મિત્રો પણ હોઇ શકે છે. જો બાળક તણાવગ્રસ્ત હોય તો પણ એને બીજી કોઇ વાતમાં રસ નથી પડતો અને એ બેજવાબદાર બની જાય છે. નો લેક્ચર પ્લીઝ જો બાળકને દરેક વાતમાં ટોકવામાં આવે તો એ બાળકને ચિડીયું બનાવી દે છે. બાળકની નાની ભૂલ પર પેરેન્ટ્સ નોન-સ્ટોપ ઉપદેશ આપવાનું શરૂ કરી દે છે જેના કારણે ક્રમશ: બાળક તેમને સાંભળવાનું જ બંધ કરી દે છે. બાળક જ્યારે નાનું હોય ત્યારે જ એને ચોકલેટનું રેપર ડસ્ટબિનમાં નાખવાનું અથવા તો રમકડાં સરખી રીતે સેટ કરવાનું શીખવવાથી એને પોતાના નાનાં-મોટાં કામ કરવાની આદત પડશે. આ રીતે બાળક પોતાની મેળે પોતાનું કામ કરતા શીખી જાય છે. આ સિવાય બાળકની બેદરકારી સામે આંખ આડા કાન કરવાની ભૂલ ક્યારેય ન કરવી જોઇએ. જો તમે આજે તમારા નાના બાળકની બેદરકારી સામે ખાસ ધ્યાન નથી આપી રહ્યા તો ભવિષ્યમાં તમારી સમસ્યા જ વધી શકે છે. વારંવાર ના ન પાડો જેમ જેમ બાળક મોટું થતું જાય એમ એમ તે પોતાની જાતને વધારે સમજદાર સમજવા લાગે છે. આ સ્થિતિમાં તમે બાળકને વારંવાર ‘ના’ પાડ્યા કરશો તો એને ખોટું લાગી શકે છે. ઉદાહરણ તરીકે જો તમારું બાળક કોમ્પ્યુટર પર ગેમ રમી રહ્યું છે અને જો તમે એને તરત ગેમ બંધ કરવાનું કહેશો તો એને ખરાબ લાગી શકે છે. આવું ન થાય એ માટે તેને ગેમ બંધ કરવા માટે પાંચેક મિનિટનો સમય આપો અને પછી બાળકને પ્રેમથી સમજાવો. તમે પણ સુધરો ઘણી વખત બાળક તમને જેવી રીતે વર્તન કરતા જુએ છે એવી જ રીતે પોતે પણ વર્તન કરે છે. કેટલાક ઘરોમાં ઘરના કામ સિવાય પતિના તમામ કામ પણ પત્ની જ કરતી હોય છે. આ પરિસ્થિતિમાં જો તમે બાળકને પોતાનું કામ જાતે કરવા માટે સમજાવશો તો એ સ્પષ્ટ ના પાડી દેશે. આવું ન થાય એ માટે માતા-પિતાએ બાળક સામે સમજદારીપૂર્વક વર્તન કરવું જોઇએ. બાળકને કંઇક કહેતા પહેલાં કે એને સુધારવાનો પ્રયાસ કરતા પહેલાં પોતાની જાતમાં સુધારો કરવો જોઇએ.

અન્ય સમાચારો પણ છે...