મીઠી મૂંઝવણ:લવ મેરેજ માટે પેરેન્ટ્સને કઇ રીતે મનાવવાં?

4 મહિનો પહેલાલેખક: મોહિની મહેતા
  • કૉપી લિંક

પ્રશ્ન : હું 42 વર્ષનો પુરુષ છું અને મારી પત્નીની વય 35 વર્ષની છે. મારે એક દીકરી છે જે 12 વર્ષની થઇ ગઇ છે. મારી સાળીને હમણાં દીકરો આવ્યો છે તો હવે મારી પત્ની પણ બીજા બાળક માટે અને ખાસ કરીને દીકરા માટે જીતકરે છે. તેની આ જીદને કારણે અમે એક વાર તો એબોર્શન કરાવી ચૂક્યાં છીએ, પણ વારેઘડીએ એમ કરવું નથી. શું ટેસ્ટ-ટ્યુબ બેબીની ટ્રીટમેન્ટ કરાવીએ તો એનાથી ગર્ભની જાતિ નિશ્ચિત થઈ શકે? ડૉક્ટરનું કહેવું છે કે ટેસ્ટ-ટ્યુબ બેબીની ટ્રીટમેન્ટમાં બે-અઢી લાખનો ખર્ચ થાય અને એ પછી પણ દીકરાની કોઈ ગેરન્ટી નથી આપતા. આટલો ખર્ચ અમે કરી શકીએ એમ નથી. મારે શું કરવું જોઇએ? એક પુરુષ (સુરત) ઉત્તર : સૌથી પહેલાં તો બીજા બાળક માટેનું તમારું જે કારણ છે એ અત્યંત બાલિશ છે. તમે તમારી પત્નીનું નામ આગળ કરો છો પણ ઊંડે-ઊંડે તમારી જાતને પહેલાં પૂછી જુઓ કે તમે શું ચાહો છો? સંતાનોનો ઉછેર અને શિક્ષણની જવાબદારી તમારી રહેવાની છે. શું તમે એ માટે તૈયાર છો? એક વાત સમજી લો કે દીકરો અને દીકરી એ બન્ને જેન્ડર માટે જવાબદાર પુરુષ માત્ર છે અને એના માટે હેરાનગતિ મહિલાઓએ ભોગવવી પડે છે. તમે દીકરાની આશામાં ગર્ભપાત કરાવતાં રહેશો તો તમારી પત્નીનું સ્વાસ્થ્ય જ કથળશે. એટલું જ નહીં, આ ગેરકાનૂની છે. ફર્ટિલિટી ટ્રીટમેન્ટ જે યુગલોને કુદરતી રીતે ગર્ભધારણ ન થતું હોય તેમના માટે છે. એ પ્રક્રિયા દીકરો મેળવવા માટે કરવી એ પત્ની પર એક પ્રકારનો અત્યાચાર જ કહેવાય. જો તમારા પત્ની પણ આ માટે આગ્રહ કરતા હોય તો એને પ્રેમથી અને ક્યારેય કડક અભિગમ અપનાવીને સમજાવવા જોઇએ. અગત્યની વાત એ પણ છે કે તમારે દેખાદેખીમાં સંતાન પ્લાન કરવાને બદલે તમારી આર્થિક પરિસ્થિતિ અને શારીરિક સંજોગોને પણ ધ્યાનમાં રાખવાં જોઈએ. એક તરફ તમે કહો છો કે આર્થિક રીતે એટલી પહોંચ નથી તો બીજા સંતાનને લાવીને તમે એનો ઉછેર કઈ રીતે કરશો? દીકરો મેળવવાની લાયમાં તમે અત્યારે ભગવાને લક્ષ્મીરૂપી જે દીકરી આપી છે તેમને પણ અન્યાય કરી રહ્યા હો એવું પણ બની શકે છે. પ્રશ્ન : મારી વય 18 વર્ષની છે. મારી સમસ્યા એ છે કે મારા એક કઝિન મામા ઘરે મળવા આવે ત્યારે તક મળે ત્યારે મારા પ્રાઇવેટ અંગો પર હાથ ફેરવે છે. મને એ નથી ગમતું, પણ હું આ અંગે કોઇને કહું તો કોઇ મારી વાત માનશે નહીં. મારે એમને કઇ રીતે મારાથી દૂર રાખવા? તેમની હાજરીમાં મારી સલામતી કેટલી? એક યુવતી (અમદાવાદ) ઉત્તર : આપણા સમાજમાં ઘણાખરા જે અપરાધ બને છે, તેમાં મોટા ભાગે પરિચિતો અથવા ઘરના સભ્યો જ જવાબદાર હોય છે. તમે કઝિન કાકાનાં વર્તન અંગે જો કોઇને કહો તો કોઇ તમારી વાત ન માને તે સમજી શકાય એવી વાત છે કેમ કે આપણે ત્યાં કાકા કે મામાને સન્માનીય દરજ્જો આપવામાં આવે છે. આથી તમારી વાત કોઇ ન માને તે સ્વાભાવિક છે. જોકે તમે આ બાબતે તમારી માતાને જાણ કરી શકો છો અને તેમને ખાતરી થાય તે માટે ક્યારેક જ્યારે તેઓ તમારી સાથે હોય ત્યારે આડકતરી રીતે માતાને કહો કે તમારા પર નજર રાખે. આમ કરવાથી તમારી માતાને સાચો ખ્યાલ આવશે. તમારા મામા સાથે એકાંતમાં રહેવાની ભૂલ બિલકુલ ન કરશો કેમ કે એમાં તમારી કોઇ પ્રકારની સલામતી નહીં રહે. કોઇ પણ પગલું ભરતાં પહેલાં વિચારજો અને જરૂર લાગે તો તમારી માતા કે પરિવારની કોઇ વિશ્વસનીય વ્યક્તિને સાથે રાખશો. પ્રશ્ન : મારા પિતાના અવસાન બાદ અમારા એક સંબંધીએ જ મારી માતા અને અમારું ધ્યાન રાખ્યું હતું. હવે એ સંબંધીનાં પત્નીનું અવસાન થતાં તેઓ મારી માતા સાથે લગ્ન કરવા ઇચ્છે છે. મારી માતા આ અંગે બિલકુલ તૈયાર નથી, પરંતુ એમના અમારા પર એટલા ઉપકાર છે કે અમે ના પણ કહી શકીએ એમ નથી. યોગ્ય માર્ગદર્શન આપશો? એક યુવતી (રાજકોટ) ઉત્તર : તમારા પિતાના અવસાન બાદ તમારા સંબંધીએ તમારાં માતા અને તમારા સૌનું ધ્યાન રાખ્યું તે સારી વાત છે અને આ રીતે કોઇ પરિવારને આધાર આપવો એ પણ સારી બાબત છે. હવે એ સંબંધી પોતાની પત્નીનાં અવસાન બાદ જો તમારી માતા સાથે લગ્ન કરવા ઇચ્છતા હોય અને તમારી માતાની ઇચ્છા ન હોય તો કઇ રીતે ના કહેવી એ મૂંઝવણ અનુભવવાની જરૂર નથી કેમ કે એમણે તમારા પરિવાર માટે જે કંઇ કર્યું હોય તે માનવતાની અથવા સંબંધની દૃષ્ટિએ કર્યું હતું. તમે તેમના ઉપકાર બદલ એમનો આભાર માનીને નમ્રતાપૂર્વક તમારી માતાની ઇચ્છા વિશે એવી રીતે વાત કરો કે તેમને ખરાબ પણ ન લાગે અને તમારા સંબંધો પણ સારા રહે.

પ્રશ્ન : હું 25 વર્ષીય આઇટી પ્રોફેશનલ યુવતી છું. હું મારી ઓફિસમાં જ કામ કરતા એક યુવકના પ્રેમમાં છું. એ યુવક બધી જ રીતે મારા માટે યોગ્ય છે પણ એની જ્ઞાતિ અમારા કરતાં સાવ અલગ છે. મારા પેરેન્ટ્સ લવ મેરેજની એકદમ વિરુદ્ધમાં છે. આના કારણે હું તેમને મારી પસંદ જણાવતા ડરી રહી છું. મારે લવ મેરેજ માટે મારા પેરેન્ટ્સને કઇ રીતે મનાવવા? એક યુવતી (મહેસાણા) ઉત્તર : જો યુવક બધી રીતે યોગ્ય હોય તો પણ જો માતા-પિતા લવ મેરેજને અયોગ્ય માનતા હોય તો એના માટે તેમને મનાવવા એટલું સરળ કામ નથી. તેઓ હજુ પણ તેમના બાળકોની પસંદગી પર વિશ્વાસ કરી શકતા નથી અને બીજી તરફ ધર્મ અને જાતિ પણ એક મુદ્દો બની જાય છે. ઘણી વખત સંતાનો પરિવારના સભ્યોને છેલ્લી ક્ષણે કહે છે કે, તેઓ કોઈને પસંદ કરે છે અને તેની સાથે લગ્ન કરવા માગે છે. સંતાને સમજવું પડશે અચાનક કોઈ નવી વાત સાંભળ્યા પછી, માતાપિતા તેને સરળતાથી સ્વીકારી શકતા નથી. તેથી તેમને આંચકો આપવાના બદલે, તેમને અગાઉથી કેટલાક સંકેતો આપવાનું શરૂ કરો. કેટલાક એવા કામ કરો જેનાથી તેમને એ વાતનો અંદાજો આવી જાય કે તમારા જીવનમાં કોઇ યુવક છે અને તમે તેને તમારી લાઈફ પાર્ટનર બનાવવા માંગો છો. તેનાથી તમારા પરિવારના સભ્યોને ઝટકો નહીં લાગે અને તેઓ પોતે તમારી સાથે આ અંગે વાત કરશે. જ્યારે પણ તમે તેમને તમારા બોયફ્રેન્ડ વિશે કહેવાનું વિચારી રહ્યા હોવ તો ધ્યાનમાં રાખો કે માતા-પિતાનો મૂડ ખૂબ જ સારો હોય. ખુશનુમા વાતાવરણમાં, પરિવારના સભ્યો તમારી આ વાત પર ગુસ્સે થઈ શકશે નહીં અને જો તમે ઇચ્છો તો, તમે તમારા બોયફ્રેન્ડને સારો દિવસ જોઈને મળવા માટે પણ બોલાવી શકો છો, જેથી તેમની વચ્ચે સુમેળ રહે. જો કે માતા-પિતાને સમજાવવા એ એટલું સરળ કામ નથી, પરંતુ તેઓને ધીરે-ધીરે સમજાવવા પડે છે. દરરોજ નહીં પણ અઠવાડિયામાં અને મહિનામાં એક વાર તેની વાત કરવાની હોય છે અને કેટલીક પોઝિટિવ વાત કર્યા પછી તેને ત્યાં જ છોડી દેવી. માતા-પિતા પણ ઈચ્છે છે કે, બાળકના લગ્ન સમયસર થાય, તેથી જ્યારે તમે તમારી જીદને વળગી રહેશો તો તેમને પણ તમારા પ્રેમ પ્રત્યે વિશ્વાસ થવા લાગશે અને અંતે તેઓ તમારી ખુશી માટે સંમત થઇ જાય છે.

અન્ય સમાચારો પણ છે...