કવર સ્ટોરી:તમે તમારાં સંતાનને કઇ ઉંમર સુધી બાળક ગણશો?

એષા દાદાવાળા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

બાળક નથી. એને બાળક સમજવાની ભૂલ ન કરો. બાળક છે એવું માનીને એની ભૂલોને નજર-અંદાજ પણ ના કરો. એની ઉંમર અઢાર વર્ષની છે અને અઢારમાં વર્ષે મતાધિકાર મળતો હોય છે. દેશની સરકાર નક્કી કરવામાં સરખા હિસ્સાની ભાગીદારી મળે છે. અઢારમું વર્ષ લગ્ન કરવાની છૂટ આપે છે. અઢારમાં વર્ષે રસ્તાઓ પર કાયદેસર રીતે ફોર વ્હીલર હંકારી શકાય છે. અઢારમાં વર્ષથી જીવન પ્રત્યેની જવાબદારીઓ શરૂ થાય છે. નિર્ણયો લેવાની સ્વતંત્રતા મળે છે. ટીન-એજરના ઝોનમાંથી બહાર નીકળી પુખ્તતાનાં દરવાજામાં કાયદેસર પ્રવેશ મળે છે. 18માં વર્ષે એ બાળક મટી જાય છે. ખુદીરામ બોઝ અઢારમાં વર્ષે ફાંસીએ ચડી ગયેલા. નાતબહાર મૂકાઇ જવાની બીકને અવગણીને અઢારમાં વર્ષે ગાંધીજી લંડન ભણવા ચાલ્યા ગયેલા...તો અઢાર વર્ષ કે એનાથી વધુ ઉંમરનાં આપણાં સંતાનને એ નાકમાં શું ફૂંકી રહ્યા છે એનું ભાન હોવું જ જોઇએ અને જો એમને એવું ભાન નથી તો મા-બાપ તરીકે એ વાતનું ભાન આપણને તો હોવું જ જોઇએ. આર્યન ખાન ડ્રગ લેતા ઝડપાયો. એના ડ્રગ લેવા પાછળ સેલિબ્રિટી મા-બાપ જવાબદાર છે, એમનું તગડું બેંક-બેલેન્સ જવાબદાર છે કે એની પરવરિશ...એની ચર્ચાઓ વચ્ચે એક વાત સાફ છે કે એની પાછળ ત્રેવીસ વર્ષની ઉંમરનો આર્યન ખાન પોતે જાતે સૌથી વધુ જવાબદાર છે. ત્રેવીસ વર્ષની ઉંમરે એને એવી ખબર હોવી જોઇએ કે નાકની અંદર એ જે કંઇ પણ ફૂંકી રહ્યો છે એને શું કહેવાય...એને ભાન હોવું જોઇએ કે જેની એ મજા લઇ રહ્યો છે એ ગેરકાયદેસર છે અને આવું ગેરકાયદેસર કૃત્ય કર્યા પછી જામીન નહીં મળે તો એને સ્વીકારી લેવાની તૈયારી એની પણ હોવી જોઇએ અને એનાં મા-બાપની પણ. ત્રેવીસ વર્ષની ઉંમરે તમને મૂછનો દોરો ફૂટી ચૂક્યો હોય છે. તમે નિયમિતપણે દાઢી કરતા હોવ છો. છોકરીઓ સાથે ડેટ કરો છો. સ્મૂચ કરો છો. ડ્રિંક્સ લો છો. મમ્મી-પપ્પા વિના પાર્ટીમાં જાવ છો. જો તમે આ બધું જ જાતે-એકલાં કરી શકો છો તો તમે એક જવાબદાર વ્યક્તિ છો, બાળક તો નથી જ અને નાકમાં ફૂંકેલી મજાની જવાબદારી તમારી પોતાની છે. ભારતીય મા-બાપે હવે ‘મમતા’ની વ્યાખ્યા બદલવાની જરૂર છે. આપણે ત્યાં હજી પણ ત્રેવીસ-ચોવીસ કે સત્તાવીસ વર્ષના દીકરાને મમ્મી ‘બાબો’ કહીને બોલાવે છે. આ બાબાને ત્યાં બેબી આવે પછી પણ એ બાબો તો મટતો જ નથી. મોઢામાં અંગૂઠો લીધા વિનાનો, વધી ગયેલી કમર પર હાફપેન્ટ ટેકવવાનો પ્રયાસ કરતો બાબો ઘરડો થાય ત્યાં સુધી પેમ્પર થયા કરે છે અને બાળક હોવાનું વિક્ટીમ કાર્ડ રમ્યા કરે છે. પશ્ચિમનાં દેશોમાં અઢાર વર્ષનાં સંતાનને મમ્મી-પપ્પા સાથે એક ઘરમાં રહેવાની શરમ આવે છે. અઢાર વર્ષની ઉંમર પછી ત્યાંનાં મોટાભાગનાં સંતાનો મા-બાપની આર્થિક કે સામાજિક જવાબદારી રહેતા નથી. પોતાનાથી દૂર રહેતા સંતાન પ્રત્યે મા-બાપ ઇમોશનલ જવાબદારી નિભાવતા રહે છે. આપણે ત્યાં સાવ ઉલ્ટું છે. બત્રીસ-પાંત્રીસ વર્ષે પણ આપણાં બાબાઓ ‘બાળક’ જ રહે છે. મા-બાપે એક વાત સાફ સમજવાની જરૂર છે કે અઢાર વર્ષનું, ત્રેવીસ વર્ષનું કે પચ્ચીસ વર્ષનું તમારું સંતાન હવે બાળક રહ્યું નથી. એને બાળક કહેવાનું અને બાળક સમજવાનું બંધ કરી દો. એ હવે એક જવાબદાર નાગરિક છે. તમારું સંતાન તમારી હાજરીમાં વ્હીસ્કીનાં ચાર પેગ લઇ શકે પણ એને એવી ખબર હોવી જોઇએ કે એ ગુનો છે અને પીધેલી હાલતમાં પોલીસ પકડે તો સખ્ત સજા થઇ શકે છે. તમારા ખભે હાથ મૂકીને એ સિગરેટનો કશ ભલે લે પણ સિગરેટ ક્યાં ન પી શકાય એનું ભાન એને હોવું જોઇએ. લાયસન્સ વિના કાર હંકારતા તમારા ફરજંદને પોલીસનાં હાથમાં પાંચસોની નોટ મૂકતા શીખવવાના હો તો એક્સિડન્ટ કર્યા બાદ પોલીસ સ્ટેશનનાં વાતાવરણમાં કેવી રીતે સેટ થવાનું એ પણ શીખવજો. મુરાદાબાદની રેલીમાં બળાત્કારનાં મામલે મુલાયમસિંહ યાદવે કહેલું કે ‘એ તો બાળકો છે અને બાળકોથી ભૂલ થઇ શકે !’ દરેક મા-બાપને મારો એક સવાલ છે કે મા-બાપ તરીકે તમે તમારા સંતાનને કઇ ઉંમરમાં જવાબદાર ગણો છો? એને મતાધિકાર મળે છે ત્યારે? એ હોસ્ટેલમાં એકલો રહેવા માંડે છે ત્યારે? એનાં લગ્ન થાય છે ત્યારે? તમારો બિઝનેસ એનાં હાથમાં સોંપી દો છો ત્યારે? તમારું સંતાન એકાદી પાર્ટીમાં જઇ નાકમાં કશું ફૂંકી ના આવે એ માટે તમે સતત ચિંતિત રહો છો, કબૂલ…પણ તમે ક્યારેય એને પાસે બેસાડીને જીવનમાં નહીં જ કરવાની એવી ભૂલોનું લિસ્ટ આપ્યું છે? તમે ક્યારેય પણ એને મક્કમ અવાજે એવું કહ્યું છે કે તારી આટલી ભૂલો અમે ક્યારેય માફ નહીં કરીએ ! એને જવાબદાર બનાવવા ઓવરલોડેડ રહેતી તમારી મમતા પર કંટ્રોલ મેળવવા તમે તૈયાર છો? સંતાનની માફ નહીં કરવા જેવી ભૂલોમાં પણ જે મા-બાપ એવું કહે છે કે ‘એ તો બાળક છે…’ તો બાળકની સાથે-સાથે એ મા-બાપને પણ આકરામાં આકરી સજા ફટકારવી જોઇએ. આપણે ત્યાં એક કહેવત છે, ‘સોળે સાન અને વીસે વાન’ ! આપણાં સંતાનને સોળે સાન ના આવે તો કંઇ નહીં પણ ત્રેવીસની ઉંમરે પણ જો સાન આવતી ના હોય તો ઉંમર પ્રમાણે એનો માનસિક વિકાસ થઇ રહ્યો નથી એવું સ્વીકારી લેજો. તમારું સંતાન એ તમારું બાળક હોવાની સાથે-સાથે એક જવાબદાર નાગરિક પણ છે. દારૂ પીને રસ્તા પર કાર ડ્રાઇવ કરતી વખતે પોતાની જિંદગી જેટલી કિંમતી છે એટલી જ કિંમતી બીજાની જિંદગી પણ છે એનું એને ભાન કરાવજો. એ નાકમાં કશુંક ફૂંકી આવે ત્યારે મા-બાપ તરીકે રાત-દિવસ જેલની બહાર ઊભા રહેવા તૈયાર રહેજો પણ એને નહીં મળી રહેલા જામીનને સ્વીકારવાની તૈયારી પણ રાખજો. આપણે આપણી નવી પેઢીને ક્યાં સુધી બાળક સમજ્યા કરશું? અઢારમા વર્ષથી એણે પોતાની જવાબદારીઓ નક્કી કરવી પડશે. જો ડ્રગ લઇને આવતું, એક્સિડન્ટ કરીને આવતું, બળાત્કાર કરીને આવતું તમારું સંતાન તમારા માટે બાળક હોય તો એનો મતાધિકાર સરકારને સરન્ડર કરી આવજો, પ્લીઝ ! dadawalaesha@gmail.com

અન્ય સમાચારો પણ છે...