શરીર પૂછે સવાલ:સગર્ભાવસ્થામાં ક્યાં સુધી જાતીય જીવન માણી શકાય?

એક મહિનો પહેલાલેખક: વનિતા વોરા
  • કૉપી લિંક

પ્રશ્ન : મારી બહેનપણીનાં લગ્નને ચાર વર્ષ થવા આવ્યાં. શરૂઆતમાં બે વર્ષ દરમિયાન એણે અને એના પતિએ ફેમિલી પ્લાનિંગ કર્યું હતું, પણ હવે છેલ્લા બે વર્ષથી અનેક પ્રયત્ન કરવા છતાં એને સંતાન થતું નથી. એ બંનેનાં ટેસ્ટ નોર્મલ આવે છે. કોઇ ઉપાય જણાવશો?
એક મહિલા (જામનગર)
ઉત્તર ઃ
તમારી બહેનપણીએ જ્યારે લગ્નજીવનની શરૂઆતમાં બે વર્ષ ફેમિલી પ્લાનિંગ કર્યું હતું, તે વખતે એણે કોઇ ગાયનેકોલોજિસ્ટની સલાહ લીધી હતી કે નહીં તે અંગે તમે જણાવ્યું નથી. જો ગાયનેકોલોજિસ્ટની સલાહ લીધા વિના એ બંનેએ આ પ્લાનિંગ કર્યું હોય તો તેમણે એ માટે શો ઉપાય અપનાવ્યો હતો, તે વિશે પણ જાણવું જરૂરી બને છે. કેટલીક વાર મહિલાઓ ડોક્ટરની સલાહ લીધા વિના જાતે જ મેડિકલ સ્ટોર પરથી દવા લઇ લેતી હોય છે, જેથી ગર્ભ ન રહે. આનાથી આડઅસર થઇ શકે છે. આથી તમારી બહેનપણીએ કયો ઉપાય અપનાવ્યો હતો, તે જાણીને પછી ગાયનેકોલોજિસ્ટને બતાવવાનું કહો.
પ્રશ્ન : મારી સમસ્યા બહુ વિચિત્ર છે. મને જાતીય સંબંધ બાંધ્યા પછી રડવું આવે છે. મને કોઇ મોટી માનસિક સમસ્યા હશે?
એક યુવતી (ભાવનગર)
ઉત્તર ઃ
જાતીય સમાગમ પછી મૂડ બગડે છે અથવા મન વ્યાકૂળ રહે છે તો ડરવાની જરૂર નથી. આ સમસ્યા ઘણાં લોકોને હોય છે. ઇન્ટરનેશનલ સોસાયટી ફોર સેક્સ્યુઅલ મેડિસિન દ્વારા આપેલી માહિતી મુજબ આ પરિસ્થિતિને પોસ્ટ સેક્સ બ્લ્યૂઝ કહેવામાં આવે છે. આ પ્રકારની પરિસ્થિતિમાં મરજીથી માણેલા જાતીય સંબંધ પછી વ્યક્તિ દુઃખી રહે છે. આ ખૂબ જ મુશ્કેલીવાળો અનુભવ હોય છે. આ પરિસ્થિતિમાં કેટલાક બેચેન બની જાય છે તો કેટલાક રડવા લાગે છે. તમારી લાગણી પાછળનું એક કારણ તમારા હોર્મોન્સ પણ હોઇ શકે છે. જ્યારે તમે સેક્સ કરો છો ત્યારે મગજ ડોપામીન રિલીઝ કરે છે જેનાથી તમે ઇમોશનલ થઇ જાઓ છો. આ કોઇ ગંભીર સમસ્યા નથી પણ આમ છતાં તમે મનોચિકિત્સકનો સંપર્ક કરી શકો છો.
પ્રશ્ન : હું 32 વર્ષની મહિલા છું અને છેલ્લા ઘણાં સમયથી વજન ઉતારવા માટે પ્રયાસ કરું છું. એ માટે નિયમિત એક્સરસાઇઝ અને ડાયટિંગ પણ કરું છું પણ આમ છતાં મારું વજન ઉતરતું નથી. આવું શું કામ થતું હશે? મારું વજન શું ક્યારેય નહીં ઉતરે?
એક મહિલા (અમદાવાદ)
ઉત્તર ઃ
વજન ઉતારવાનો નિર્ણય લઇ લીધા પછી એ દિશામાં સમજી વિચારીને યોગ્ય રીતે પહેલું પગલું મૂકવું જરૂરી છે. વજન ઉતારવા માટે યોગ્ય ડાયટની પસંદગી, ફિટનેસ વધારતી એક્સરસાઇઝ અને લાઇફસ્ટાઇલમાં ફેરફારના યોગ્ય વિકલ્પોની પસંદગી કરવી પડે છે. આ પસંદગીમાં અનેક અવરોધ નડી શકે છે પણ સારી વાત એ છે કે સફળતાપૂર્વક વજન ઉતારવાની પ્રક્રિયા બહુ જટિલ નથી અને ડાયટ તેમજ લાઇફસ્ટાઇલમાં નિયમિત રીતે નાના નાના ફેરફાર કરીને વધારાનું વજન ઉતારી શકાય છે. આ ફેરફાર કરવા માટે બહુ પૈસા ખર્ચવાની કે પછી સમય અને એનર્જીનું રોકાણ કરવાની જરૂર નથી. તમારે માત્ર તમારા વજન ઉતારવાના ફિટનેસ ગોલને સિદ્ધ કરવામાં મદદ કરે એવી નવી લાઇફસ્ટાઇલને હકારાત્મક અભિગમથી અપનાવાની રહે છે.
જ્યારે તમે વજન ઉતારવાની યાત્રાની શરૂઆત કરો ત્યારે થોડી ધીરજ રાખવાની જરૂર હોય છે. આ એક લાઇફસ્ટાઇલનો બદલાવ છે જેનું પરિણામ રાતોરાત નથી મળતું. આ યાત્રા નાનકડી દોડ નથી પણ એક મેરેથોન રેસ છે જેને ધીરજપૂર્વક પ્લાનિંગથી પૂર્ણ કરવાની છે. તમારી આદતોનું જાત નિરીક્ષણ કરો. તમને ખબર પડી જશે કે કઇ આદત સારી છે અને કઇ આદત કુટેવ બની ગઇ છે. જો તમે જીવનશૈલીમાં ક્રમશ: નાના નાના પરિવર્તન કરશો તો એને બહુ ઝડપથી જીવનમાં વણી લેશો. એક સમયે એક જ પરિવર્તન પર ધ્યાન આપો. એક પરિવર્તન જીવનશૈલીનો હિસ્સો બની જાય એ પછી બીજા પરિવર્તનની દિશામાં કામ કરો.
પ્રશ્ન : મારી વહુ 30 વર્ષની છે. તે પ્રેગ્નેન્ટ છે. તેને ડોક્ટરે બેડ-રેસ્ટ કરવાનું કહ્યું છે. શું સગર્ભાવસ્થામાં બેડ-રેસ્ટ જરૂરી છે?
એક મહિલા (વડોદરા)
ઉત્તર ઃ
સ્ત્રી પ્રેગ્નન્ટ છે એનો અર્થ એ નથી કે તે બીમાર છે. જોકે હકીકત છે કે પ્રેગ્નન્સી દરમિયાન દરેક સ્ત્રીને પોતે સામાન્ય રીતે કરતી હોય એના કરતા થોડા વધુ આરામની જરૂર હોય જ છે, પરંતુ અમુક એવી શારીરિક પરિસ્થિતિ ઉભી થાય છે કે સ્ત્રીને બેડ-રેસ્ટ એટલે કે પથારીવશ થઈ જવું પડતું હોય છે. જ્યારે સ્ત્રીનું બ્લડ-પ્રેશર ખૂબ વધી જાય ત્યારે બ્લડ-પ્રેશરને કાબૂમાં રાખવા અને કોઈ મોટી હાનિથી બચવા દવાઓની સાથે-સાથે બેડ-રેસ્ટ સજેસ્ટ કરવામાં આવે છે. આ સિવાય સ્ત્રીને કોઈ પણ જાતનું વાઇરલ કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન થાય, તાવ-શરદી-ખાંસીથી લઈને બીજી કોઇ સમસ્યા સર્જાય ત્યારે પણ સંપૂર્ણ બેડ-રેસ્ટ લેવો જોઈએ, કારણ કે એ દરમિયાન શરીરને જેટલો આરામ મળે એટલી રિકવરી જલદી આવી જાય છે. જો સગર્ભાના પગ પર ખૂબ જ સોજા આવતા હોય ત્યારે પણ તેનું હલન-ચલન ઘટાડી તેને રેસ્ટ કરવાનું કહેવામાં આવે છે. જો સ્ત્રીના ગર્ભાશયનું મુખ થોડું પહોળું હોય અથવા થોડું નબળું લાગતું હોય કે તો પ્રી-મેચ્યોર ડિલિવરીની આશંકા ટાળવા માટે ડોક્ટર બેડ-રેસ્ટ કરવાનું કહે છે. જો બાળકનો ગ્રોથ ઓછો હોય તો તેને જરૂરી પોષણ મળી રહે એ માટે અને જ્યારે સ્ત્રીને ખૂબ વધારે કમરનો દુખાવો હોય અથવા એકદમ જ દુખાવો વધી જાય ત્યારે ટેમ્પરરી બેડ-રેસ્ટ આપવામાં આવે છે. આ પરિસ્થિતિ સિવાય સ્ત્રી માટે સગર્ભાવસ્થામાં કામ કરવાનું જરૂરી છે. એક્ટિવ રહેવાનું પણ ખૂબ જરૂરી છે. સગર્ભાવસ્થા દરમિયાન બેડ-રેસ્ટ જરૂરી છે કે નહીં એ ડોક્ટર જ નક્કી કરી શકે છે એટલે ડોક્ટરની સલાહ મુજબ જ કામ કરવું જોઇએ.
પ્રશ્ન : હું 32 વર્ષનો યુવક છું. મારા પત્નીને પ્રથમવાર ગર્ભ રહેલ છે. આ સંજોગોમાં મારે જાણવું છે કે કેટલા મહિના સુધી સેકસ સંબંધ બાંધી શકાય?
એક યુવક (રાજકોટ)
ઉત્તર ઃ
સામાન્ય રીતે જો સ્ત્રીને પાણી પડવું અને સ્પોટિંગ થવું જેવી કોઇ સમસ્યા હોય અથવા તો કોઇપણ કારણસર ડોક્ટરે જાતીય જીવનની ના પાડેલી હોય તો સેક્સથી સંપૂર્ણ નવ મહિના દૂર રહેવું જોઇએ. જે સ્ત્રીઓને પહેલાં ત્રણ-ચાર વાર ગર્ભપાત થયેલ હોય તેવી સ્ત્રીઓ પણ ગર્ભવસ્થા દરમિયાન સંપૂર્ણ નવ મહિના જાતીય જીવનથી દૂર રહેવું જોઇએ. બાકી જો કોઇ ઉપરોક્ત તકલીફો ના હોય તો છેલ્લા દિવસ સુધી તમે જાતીય જીવન માણી શકો છો. સાતમાં મહિનાથી સ્ત્રીના પેટ ઉપર વજન ના આવે તે આસનોનો પ્રયોગ હિતાવહ છે. અત્રે નોંધવું જરૂરી છે કે દરેક કેસમાં સ્ત્રી રોગ ડોક્ટરની સલાહ મુજબ જ નિર્ણય લેવો જોઇએ અને તેમની સલાહ બાદ જ આગળ વધવું.

અન્ય સમાચારો પણ છે...