શરીર પૂછે સવાલ:કુટુંબ નિયોજનનાં ઓપરેશનના કેટલા સમય પછી જાતીય સંબંધ બાંધી શકાય?

8 મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રશ્ન : હું 24 વર્ષીય યુવતી છું. મારી સમસ્યા એ છે કે મારા સ્તનની સાઇઝ મને નાની લાગે છે અને મને ડર છે કે આના કારણે મારા લગ્નજીવનમાં સમસ્યા ઊભી થશે. મારા સ્તન સુડોળ અને આકર્ષક લાગે છે એ માટે કોઇ ઘરગથ્થુ ઉપાય હોય તો જણાવવા વિનંતી. એક યુવતી (અમદાવાદ) ઉત્તર : સ્ત્રીઓનાં સૌંદર્યનું એક મહત્ત્વનું પરિબળ સ્તનસૌંદર્ય છે. દરેક યુવતીની ઇચ્છા હોય છે કે તેનાં સ્તન સુડોળ અને સ્વસ્થ હોય. કેટલાક કારણોસર ઘણી યુવતીઓનાં સ્તનનો આકાર ખૂબ નાનો હોય છે. સ્તનનું કદ મોટાભાગે આનુવંશિક હોય છે અને કોઇ કોસ્મેટિક સર્જરી વગર એમાં મોટો ફેરફાર કરવાનું શક્ય નથી. જોકે એવા કેટલાક ઘરગથ્થુ ઉપાયો છે જેને અમલમાં મૂકવાથી સ્તનસૌંદર્યમાં ચોક્કસ વધારો કરી શકાય છે. ઓલિવ ઓઇલથી સ્તન પર દિવસમાં બે વાર માલિશ કરવાથી એ વિકસિત થવા માંડે છે. રોજ 3-4 કળી લસણ ખાવાથી બ્રેસ્ટનું ઢીલાપણું દૂર થાય છે અને તે દૃઢ બને છે. વડનાં ઝાડની લટકતી ડાળીને સૂકવીને અને પછી પાણી સાથે વાટીને એનો બ્રેસ્ટ પર લેપ કરવાથી સ્તન પુષ્ટ અને કડક થઈ જાય છે. દાડમની છાલ વાટીને સ્તન પર સતત સાત દિવસ સુધી સૂતાં પહેલાં લગાવવાથી ઢીલાં સ્તનની સમસ્યા દૂર થાય છે. આ સિવાય સ્તન પર નિયમિત રીતે ગરમ અને ઠંડાં પાણીનો શેક કરવાથી પણ સારું પરિણામ મળે છે. કસરત પણ સ્તનને સુડોળ બનાવે છે. આ માટે રોજ માત્ર 5 મિનિટ કસરત કરો. આ કસરતમાં પ્રેશર અને પામ એક્સરસાઈઝનો સમાવેશ કરવો જોઇએ. તમારી બ્રાની ખરી સાઈઝ પણ સ્તનનાં સ્વાસ્થ્ય માટે જરૂરી છે. તમારા કપ સાઈઝને ફિટ થતી બ્રા પહેરો. તમારી બ્રાના સ્ટ્રેપ્સ પણ વ્યસ્થિત અને આરામદાયક હોવા જોઈએ. આહાર પણ તમારા સ્તનનાં સ્વાસ્થ્ય પર અસર કરે છે અને એ માટે ખોરાકમાં ફાઈબર અને પ્રોટીનનો સમાવેશ કરો. ઓટ અને બ્રાઉન રાઈસનો પણ આહારમાં સમાવેશ કરી શકો છો. આનાથી પણ ફાયદો થશે. પ્રશ્ન : શું એ વાત સાચી છે કે ઊભા રહીને જાતીય સંબંધ બાંધવાથી ગર્ભ રહેતો નથી? એક યુવક (વલસાડ) ઉત્તર : આ એક ખોટી માન્યતા છે. શુક્રાણુઓ અને સ્ત્રી બીજનાં મિલનથી જ ગર્ભધારણ થાય છે, પછી જાતીય સંબંધ કોઈપણ રીતે બંધાયો હોય. આ રીતે એક વાત સાબિત થાય છે કે જાતીય ક્રિયાનો સીધો સંબંધ વ્યક્તિની માનસિક પરિસ્થિતિ સાથે જોડાયેલો છે. ગર્ભ રહેવાનું વિજ્ઞાન સ્ત્રીના અંડકોષનાં આયુષ્ય અને પુરુષનાં શુક્રાણુઓ સાથે જોડાયેલું છે. ઓવ્યુલેશન દરમિયાન અંડાશયમાંથી અંડબીજ અલગ પડે છે અને તે ફેલોપિઅન ટ્યૂબમાંથી થઈને ગર્ભાશય તરફ પોતાનો માર્ગ શરૂ કરે છે. છૂટું પડેલું અંડ સામાન્ય રીતે 24 કલાક જીવે છે અને પુરુષ શુક્રાણુઓ સ્ત્રીનાં શરીરમાં 3થી 5 કલાક જીવી શકે છે. ગર્ભધારણ માટે છૂટાં પડેલાં અંડબીજ નજીક નજીક હોવા જોઈએ જેથી નાશ પામતા પહેલાં મળી શકે અને જોડાઇ શકે. ઘણીવાર જાતીય સંબંધ બાંધતી વખતે યોગ્ય આસનનો ઉપયોગ કરવાથી ગર્ભ ધારણ કરવામાં મદદ મળે છે પણ એ બિલકુલ જરૂરી નથી કે ઊભા રહીને જાતીય સંબધ બાંધવાથી ગર્ભ રહેતો નથી. આ વાતને હંમેશાં ધ્યાનમાં રાખવી જોઇએ. પ્રશ્ન : મારી વય 37 વર્ષની છે અને મેં હમણાં કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવ્યું છે. મારે એ જાણવું છે કે આ ઓપરેશનના કેટલા દિવસ પછી જાતીય સંબંધ બાંધી શકાય? એક મહિલા (અમદાવાદ) ઉત્તર : સામાન્ય રીતે સ્ત્રીના માસિક આવવાનાં પહેલા 14 દિવસમાં આ ઓપરેશન કરવામાં આવે છે. જેથી જ્યારથી ઓપરેશન થાય ત્યારથી જ મોટે ભાગે બીજા ગર્ભનિરોધક સાધનોનો પ્રયોગ જરૂરી રહેતો નથી. બાકી જો તકલીફ ના હોય અને ઇચ્છા હોય તો ઓપરેશનના સાતથી આઠ દિવસ પછી પણ જાતીય સંબંધ રાખી શકાય છે. સ્ત્રી નસબંધી એ સ્ત્રીને ગર્ભવતી થતી અટકાવવા માટે શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે. આ માટે એક નાનું ઓપરેશન કરવું પડે છે. આમાં ઓપરેશન દ્વારા સ્ત્રીની ફેલોપિયન ટ્યૂબને બંધ કરવામાં આવે છે અથવા કાપી નાખવામાં આવે છે. હકીકતમાં આ ટ્યૂબ દ્વારા જ ઇંડાં અંડાશયમાંથી ગર્ભાશય સુધી પહોંચે છે. નસબંધી કરાવ્યાં પછી ચેકઅપ માટે ડોકટર પાસે જવું જરૂરી છે અને ડોક્ટર દ્વારા આપવામાં આવતી દવાઓનો કોર્સ પૂર્ણ કરવો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ઓપરેશન પછી ઓછામાં ઓછા 7 દિવસ સુધી શારીરિક સંબંધો બનાવવાનું ટાળો. શારીરિક સંબંધ બાંધવાના મામલે ડોક્ટરની સલાહ લઇને જ કોઇ નિર્ણય લો. પ્રશ્ન : હું 31 વર્ષની યુવતી છું. મારાં લગ્ન હજી નથી થયાં. મારા ઘરના લોકો મને પરણી જવા માટે પ્રેશર કરે છે અને કહે છે કે જો વય વધી જશે કે બાળકો થવામાં સમસ્યા થશે. હકીકત એ છે કે મારે લગ્ન ત્યારે જ કરવાં છે જ્યારે યોગ્ય જીવનસાથી મળે. જો હું મોડી પરણી અને પછી બાળકમાં કઈ તકલીફ પડી તો? પણ બાળકની ચાહમાં ગમે તેને તો પરણી શકું એમ નથી હું. મને મારી મિત્રએ એગ ફ્રીઝિંગ વિશે વાત કરી છે. શું આ વિકલ્પ સલામત છે? એક યુવતી (વડોદરા) ઉત્તર : માતૃત્વ એક એવી અવસ્થા છે જેના માટે શારીરિક જ નહીં, માનસિક રીતે પણ રેડી હોવું ખૂબ જ જરૂરી છે. ક્યારેક એવું બનતું હોય છે કે જ્યારે તમે માનસિક રીતે સજ્જ થાઓ ત્યાં સુધીમાં તમારી શારીરિક સજ્જતા જતી રહે છે. આવા સમયે એગ ફ્રીઝિંગ જેવી ટેક્નોલોજી કામ લાગી શકે છે. એગ ફ્રીઝિંગ એ આજના સમયમાં ઘણા પ્રશ્નોનું નિરાકરણ સાબિત થઈ રહ્યું છે. કરિયર માટે, ભણતર માટે કે પછી યોગ્ય પાત્ર ન મળે એ માટે જ્યારે સ્ત્રીઓ બાળકનું પ્લાનિંગ મોડું કરે છે ત્યારે ફર્ટિલિટી સંબંધિત પ્રશ્નો આવી શકે છે. યુવાન વયે સ્ત્રીનાં એગ એકદમ ફળદ્રુપ હોય છે. જો તમે એગ ફ્રીઝ કરાવો છો તો તમે મોટી ઉંમરે પણ સ્વસ્થ બાળક મેળવી શકો છો. એટલું જ નહીં, ફર્ટિલિટી સંબંધિત તકલીફો નહીં થાય. આ એકદમ સેફ ટેક્નિક છે માટે એમાં ગભરાવવા જેવું નથી. એગ ફ્રીઝિંગ ઘણા બધા કેસમાં વરદાન સાબિત થાય છે. આજકાલ નાની ઉંમરે સ્ત્રીઓને કેન્સર થવા લાગ્યું છે ત્યારે આ સ્ત્રીઓ ભવિષ્યમાં માતૃત્વના સુખથી વંચિત ન રહે એ માટે એગ ફ્રીઝિંગ વરદાન બને છે. આ ઉપરાંત અમુક સ્ત્રીઓને નાની વયે મેનોપોઝ આવી જાય છે. આ સંજોગોમાં પણ એગ ફ્રીઝિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકાય છે અને હકારાત્મક પરિણામ મેળવી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...