તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વુમનોલોજી:તમારી ‘મન કી બાત’ કેવી હોય છે?

મેઘા જોશી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જો જાત સાથે પૂરેપૂરી પારદર્શિતા સાથે નિષ્ઠાપૂર્વક રહી શકાય તો જાત ક્યારેય સામી નહીં થાય. મન એ ખરા અર્થમાં આપણું પોતીકું રજવાડું છે, જેમાં સમૃદ્ધ અનુભવો પણ હોય છે

મૂંઝારો, પસ્તાવો, દુઃખ, હરખ, સફળતા, નિષ્ફળતા, પ્રેમ, નફરત જેવી અનેક લાગણીઓને દિવસના અંતે ખાલી થઇ જવાની, સમજવાની અને પૃથક્કરણની જરૂર હોય છે. દરેક સૂર્યોદય પહેલાં એક એવી રાત હોય જેમાં ખૂબ સ્વસ્થતા સાથે જાત સાથે વાત કરી હોય તો એ દિવસ ખરા અર્થમાં જીવંત લાગે છે . જાત સાથે વાત કરવી એ કોઈ નવી વાત નથી, પણ આપણા સૌમાં નિરંતર ચાલતી પ્રક્રિયા છે. સ્વ સાથેના સંવાદને ધર્મગ્રંથ, સફળ વ્યક્તિની આત્મકથા અને સાઇકોલોજીનાં પાઠ્યપુસ્તકમાં પણ અલગ અલગ રીતે સમજાવ્યું છે. કોઈ પણ અગત્યના નિર્ણય લેવાના હોય કે સમસ્યાનો ઉકેલ શોધવાનો હોય ત્યારે આપણે શાંત થઈને અંદરના કોલાહલને સાંભળવાનો પ્રયત્ન કરીએ છીએ. જો જાત સાથે પૂરેપૂરી પારદર્શિતા સાથે નિષ્ઠાપૂર્વક રહી શકાય તો જાત ક્યારેય સામી નહીં થાય. મન એ ખરા અર્થમાં આપણું પોતીકું રજવાડું છે, જેમાં સમૃદ્ધ અનુભવો પણ હોય અને પાયમાલ થઇ ગયેલા નબળા વિચાર પણ હોય. સમાજે જેને સ્વીકૃતિ નથી આપી તેવા ધરબાઈ ગયેલા વિકાર પણ હોય. કોઈ એટલે કોઈને ખબર ના હોય તેવી ભૂલો હોય અને ગાઈ વગાડીને છાપરે ચડાવ્યાં હોય તેવા વખાણ પણ હોય. તમે ક્યારે, કોને કેવી રીતે વ્યક્ત થવાની છૂટ આપો એટલે કે વર્તનમાં અભિવ્યક્ત થવાની પરવાનગી આપો અને કોને ટપારીને ચૂપચાપ બેસાડી દો એ નિર્ણય તમારો પોતાનો હોવો જરૂરી છે. સ્વ સાથે તંદુરસ્ત સંવાદ સાધવા માટે અને તેનું ઉત્તમ પરિણામ મેળવવા માટેની મુખ્ય બે પૂર્વ શરતો છે . એક પ્રામાણિકતા અને બીજી ઓબ્જેક્ટિવિટી. તમારી દરેક ભૂલનું અથવા નિષ્ફળતાઓનું પૃથક્કરણ કરતી વખતે પોતાની જાતની આળપંપાળ કર્યા વિના બિલકુલ પ્રામાણિક થઈને જોવાની છે અને બીજા સામે આંગળી ચીંધ્યાં વગર બિલકુલ પ્રેક્ટિકલ થઈને તેને મૂલવવાની છે. જો એ શક્ય બનશે તો જ ભૂલનું પુનરાવર્તન નહીં થાય. કોઈ મને સમજતું નથી, આ સમય ખરાબ છે, મારી સાથે જ આવું કેમ થયું, મેં કોઈનું શું બગાડ્યું હતું, મારો શું વાંક હતો, મને જ કેમ બધાં આવાં મળ્યાં, મારા ધાર્યાં પ્રમાણેનું કેમ કંઈ થતું નથી? મોટાભાગે જાત સાથે વાત કરતી વખતે આ પ્રશ્નો કોમન છે. પોતાનાં બાળકની એક પણ ભૂલ માતાને દેખાય નહીં અને દેખાય તો એને નજરઅંદાજ કરીને ચૂમી ભરી લે છે. આપણે આ જ કરીએ છીએ. જાતને પ્રેમ કરવો હોય તો એવા પિતા જેવો કરજો જે સારી બાબતથી ખુશ થાય પણ માથે ના ચડાવે અને ટકોર કરવામાં પાછી પાની ના કરે. ‘સ્વ સંવાદ’ માટે દરેક પ્રકારના અનુભવની માનસિક તૈયારી, તમારી પારદર્શિતા, નૈતિકતા, સાચા કે ખોટા નિર્ણયની જવાબદારી લેવાની હિંમત અને તમારો કોર પાર્ટ પહેલા તપાસી લેજો. મન સાથે તંદુરસ્ત વાત થાય તો ખરું, બાકી બધી લવારી . meghanajoshi74@gmail.com

અન્ય સમાચારો પણ છે...