તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
- એષા દાદાવાળા
થોડા સમયથી આખું સોશિયલ મીડિયા એક છોકરી પર હસી રહ્યું છે. એનાં નામનાં અનેક મીમ બની રહ્યા છે. એ છોકરીની બહેને એનાં સસરા અને સાસુને ફોનમાં શું કહ્યું એની ઓડિયો ક્લિપ ખાસ્સી એવી ડિમાન્ડમાં હતી. લોકોએ આ ક્લિપ સાંભળી અને ઢગલાબંધ લોકોને ફોરવર્ડ પણ કરી. ગુજરાતનાં કોઇ શહેરની, કોઇ એક ગલીનાં, કોઇ એક મકાનમાં રહેતી સાવ અજાણી છોકરી...જેને આપણે પહેલા ક્યારેય મળ્યા નથી અને હવે ક્યારેય મળવાના નથી એની મોબાઇલ ફોનની ડિમાન્ડ અને તૂટી ગયેલી સગાઇની આપણે મજાઓ લૂંટી. આવી ઘટનાઓ આપણને સૌને એક વાત સાફ શીખવી જાય છે કે આપણે ક્યાં અટકવાનું છે! ‘મારી બહેન તો શોખીન છે…એને આવા હલકા ફોન ન ચાલે!’ ઓડિયો ક્લિપમાં કહેવાયેલી આ વાત એક સવાલ ઊભો કરી જાય છે. શોખીન હોવું એટલે શું? અને છોકરીઓએ કઇ હદ સુધી શોખીન રહેવું જોઇએ? દરેક મા-બાપે પોતાનાં સંતાનોને ‘શોખીન હોવા’નો અર્થ સમજાવવાની સખ્ત જરૂર છે. તમારી પાસે ફોન હોવો એ તમારો શોખ હોય શકે પણ આઇફોન જ હોવો જોઇએ એને વળગણ કહેવાય. લખવું એ મારો શોખ હોય શકે પણ 5 લાખની મોબ્લાંથી જ લખવું એને મારું વળગણ કહેવાય, ગાંડપણ કહેવાય. લૂઇ વિતોં બોલતા પણ ન આવડતું હોય એવા લોકોને લૂઇ વિતોં ખરીદવાનું વળગણ હોય છે. શોખની સરહદ ક્યાં પૂરી થાય છે અને વિદ્રોહનું વળગણ ક્યાંથી શરૂ થાય છે એનું ભાન મા-બાપે સંતાનોને કરાવવું જ જોઇએ. બહેનપણીઓને બતાવવા આઇફોન લેવો એ દેખાડો છે, શોખ નથી. મજાની વાત તો એ છે કે માત્ર બીજાને બતાવવા આઇફોનનો ઉપયોગ કરતા મોટાભાગનાં લોકોને આખેઆખો આઇફોન વાપરતા આવડતું જ નથી હોતું. મોટાભાગનાં લોકો સામેવાળાને આંજી દેવા કે ચાકો પાડી દેવા માટે જ આઇફોન વાપરતા હોય છે.
પશ્ચિમનાં દેશોમાં વેઇટરનું કામ કરનારથી લઇને મોટી કંપનીનાં સી.ઇ.ઓ.ના હાથમાં આઇફોન જોવા મળે છે કારણ કે ત્યાંની ટેલિફોન કંપનીઓ જ બહુ જ સરળતાથી હપ્તેથી આઇફોન આપી રહી છે. આપણે ત્યાં હજી એટલી સરળતા અને સહજતા આવી નથી. ત્યાં 18 વર્ષની ઉંમરથી છોકરાઓ કમાવા માંડે છે. એમને કામની નાનમ નથી. આપણે ત્યાં 25 વર્ષે પણ ક્યારેક કમાવાનાં ઠેકાણા હોતા નથી. સંબંધમાં મહત્ત્વ પ્રેમનું હોય છે. કાળજીનું હોય છે. મોંઘીદાટ ગિફ્ટ્સ ક્યારેય કોઇ સંબંધને મજબૂત બનાવી શકી નથી અને બનાવી શકવાની નથી. અહીંયા છોકરીઓએ એક વાત ખાસ સમજવાની જરૂર છે કે તમારો ફિઓન્સે કે તમારો પતિ એનાં ગજવાને પરવડે એવી ગિફ્ટ તમારા માટે લાવે ત્યારે એ ગિફ્ટની કિંમત આંકવાને બદલે એનાં પ્રેમનું મૂલ્યાંકન કરજો. મોંઘીદાટ ગિફ્ટની ઉઘરાણીઓ સંબંધમાં એક પ્રકારની ખંડણી જેવી બની જાય છે. સમય પર આ ખંડણી જમા નહીં કરાવી તો માનસિક અત્યાચારો થતા રહે, ટોણાંનાં બાણો છૂટતા રહે અને પ્રેમી કે પતિ બાણશૈયા પર સૂતો રહે. આવી બાણશૈયાઓ ઠીક નથી. જ્યારે તમે સંબંધમાં દાખલ થાવ છો ત્યારે તમે જાણતા જ હો છો કે પેલો મુકેશ અંબાણીનો વંશજ નથી. એણે પોતાની રીતે શરૂઆત કરવાની છે. આવા સમયે ધીરજ રાખવી જ જોઇએ. નવા સંબંધમાં કે નવા લગ્નમાં પ્રેમને મજબૂત કરવાની સાથે સાથે પેલા છોકરાને એનાં ગજવાને મજબૂત કરવાની તક પણ આપવી જોઇએ. સમય સારો ચાલ્યો તો બની શકે પેલો છોકરો તમને વર્ચ્યૂ ગિફ્ટ કરવાની પોઝિશનમાં આવી જાય! સવાલ ધીરજનો પણ છે. તમે બધાએ પણ આ ઓડિયો ક્લિપ સાંભળી જ હશે. જેમાં છોકરીની બહેન એવું કહે છે કે ‘તમે માણસો તો સારા જ છો...ખાલી તમે અપાવ્યો એ ફોન હલકો છે.’ શોપિંગ મોલમાં જઇને આવા મોંઘાદાટ ફોનો, મોંઘીદાટ ગિફ્ટો, ચાકો પાડી દે એવી વસ્તુઓ ખરીદી શકાશે પણ સારા માણસો ખરીદી શકાશે નહીં. એમને મેળવવા માટે એમનાં મનને જીતવા પડશે. સારા માણસો મળી જાય પછી એમને સાચવવા અને જાળવવા પણ પડશે જ. જિંદગીમાં આવા સારા માણસો જોઇતા હોય તો ખોટા દેખાડાઓમાંથી બહાર આવી જવું જોઇએ. મોંઘોદાટ ફોન તમારા હાથમાં નહીં હોય તો તમને પ્રેમ કરનારા લોકો ઓછા નહીં થઇ જાય. પરીક્ષામાં તમારા માર્કસ કપાઇ નહીં જાય. નોકરીના ઇન્ટરવ્યૂમાંથી તમને બાકાત નહીં કરી દેવાય.
બીજી એક વાત ખાસ સમજવી જોઇએ કે જ્યારે પણ ડિમાન્ડ કરીએ ત્યારે એ ડિમાન્ડને લાયક બનવાની જવાબદારી આપણી જ છે. જિંદગીમાં હંમેશા તમારી પાસે બે ચોઇસ હોય છે. માગો અને મેળવો. માગવા કરતા મેળવવાની ચોઇસ હંમેશા બહેતર સાબિત થતી હોય છે. જો તમારે તમારા વળગણોને પાળીપોષીને મોટા કરવા હોય તો બેશક કરી શકો છો પણ તમારા દમ પર. મારી પાસે એક આઇફોન હોવો જોઇએ, બેશક હોવો જોઇએ પણ હીરા-મોતીથી લદાયેલો કોઇ રાજકુમાર જેવો છોકરો ઘોડા પર આવે અને મારા કપાળને હળવેથી ચૂમી મારી હથેળીઓ વચ્ચે લેટેસ્ટ આઇફોન મૂકી જાય એવા સપનાં હવે નકામા છે. વળગણ રાખવું હોય તો તમે જાતે જ તમારા સપનાંઓને પૂરા કરી શકો, તમારા શોખને પાળીપોષીને મોટા કરી શકો એવું વળગણ રાખો.
બાકી એક વાત ખાસ યાદ રાખો. સંબંધમાં પ્રેમ જરૂરી છે, સંબંધમાં પૈસા જરૂરી છે પણ મોંઘીદાટ ગિફ્ટો જરૂરી નથી. પ્રેમમાં તો ખુવાર થઇ જવાનું હોય આ વાત સાંભળવામાં અને બોલવામાં ખૂબ સારી લાગે પણ જિંદગીની સાચી હકીકત એ છે કે તમે પ્રેમમાં ખુવાર થઇ જાઓ એવી ઇચ્છા ધરાવતી વ્યક્તિ સાથે જીવન તો શું એક રૂમ પણ શેર ન કરવો જોઇએ. એક કડવી વાસ્તવિકતા એ છે કે આપણે ત્યાં પ્રેમ વિના લગ્નો ટકી શકે છે પણ જરૂરિયાતો અને અપેક્ષાઓની અપૂર્ણતા લગ્નને ખતમ કરી નાખે છે. સંબંધો જરૂરિયાતો અને અપેક્ષાઓ આધારિત થઇ ગયા છે. એને જો પ્રેમ આધારિત કરી દેવામાં આવે તો પ્રેમ ચાંદ તારા તોડી લાવવાનાં પાગલપન સુધી લઇ જ જઇ શકે છે. જિંદગીમાં તમને ‘એપલ’ ગિફ્ટ કરી શકે એવી વ્યક્તિને શોધવા કરતા તમે કોઇને ‘એપલ’ ગિફ્ટ કરી શકો એવા બનવામાં વધારે રસ રાખજો. dadawalaesha@gmail.com
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.