તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
- એષા દાદાવાળા
ઘટના નં-1
રાજકોટમાં કરફ્યૂનાં સમય દરમિયાન એક પતિ-પત્ની બાઇક પર નીકળે છે. પોલીસ એમને અટકાવે છે. પત્નીએ માસ્ક પહેર્યું નથી. મહિલા પોલીસ પત્નીને માસ્ક ન પહેરવા અંગે દંડ ફટકારે છે. પત્ની દંડ ન ભરવા માટે દલીલો કરે છે. પતિ અકળાઇ જાય છે અને કશું પણ બોલ્યા વિના જાહેર રસ્તા પર પોલીસની હાજરીમાં પત્નીને તમાચો મારી દે છે.
ઘટના નં-2
ક્રિકેટનાં સ્ટેડિયમમાં ભારતની મેચ પૂરી થઇ છે ત્યાં જ ઓડિયન્સમાં ઇન્ડિયાનું ટી-શર્ટ પહેરેલો એક છોકરો ગજવામાંથી નાનું અમથું જ્વેલરી બોક્સ કાઢી છોકરી સામે ઘૂંટણિયે બેસી જાય છે. છોકરો હજારો લોકોની સામે છોકરી માટેનાં પ્રેમને વ્યક્ત કરે છે. સ્ટેડિયમમાં હાજર રહેલાં હજારો લોકો તાળીઓ પાડે છે, હાઉઝ ધ જોશની બૂમો પાડે છે. પેલી છોકરી શરમાઇ જાય છે અને પોતાને મળેલા અસીમ પ્રેમને કબૂલી લે છે.
ઘટના નં-3
ચાર વર્ષનાં અભિયાન બાદ સ્કોટલેન્ડ ઐતિહાસિક નિર્ણય લે છે. પોતાને ત્યાં ચાલતી રૂઢિચુસ્ત પરંપરાઓને બદલવા અને સ્ત્રીને સન્માન મળે એ માટે અહીં પિરિયડ પ્રોડક્ટ એક્ટ પસાર થાય છે. આ એક્ટ હેઠળ હવે આ દેશમાં સેનેટરી પેડ્સનો હવે કોઇ ચાર્જ ચૂકવવાનો નહીં રહે.
આ ત્રણેય ઘટના સોશિયલ મીડિયા પર બહુ વાઇરલ થઇ છે. પહેલી બે ઘટના પુરૂષ અને પશુ વચ્ચેનો ફરક સમજાવે છે અને ત્રીજી ઘટના સ્ત્રીને પશુ સમજતા લોકો માટે લાલબત્તી સમાન છે. પહેલી ઘટનાનો પુરૂષ પતિ નથી પશુ છે. પત્નીએ માસ્ક નથી પહેર્યું, એ એની ભૂલ છે. દંડ ન ભરવો પડે એટલે એ પોલીસ સાથે દલીલ કરે છે એ પણ ખોટું છે, પણ સામે પોલીસ ઊભી છે એ વાતને નજર અંદાજ કરી પૌરૂષત્વ બતાવવા એને તમાચો મારી દેનાર પતિ પણ સરાસર ખોટો છે. પત્ની એ ખેતરમાંનું ઢોર હરગિઝ નથી કે લાકડી બતાવો તો જ સીધી ચાલે.
બીજી ઘટના સ્ત્રીત્વને ગૌરવ અપાવનારી ઘટના છે. સ્ટેડિયમમાં હજારો લોકોની વચ્ચે પેલી છોકરી સાથે જે કંઇપણ થયું એ લાખો છોકરીઓની ડ્રીમ ઘટના છે. એક રાજકુમાર આવશે અને ઘોડા પર બેસાડીને લઇ જશે એવા ખ્વાબ જોતી છોકરીઓને પોતાનાં સપનાંઓ પર યકીન થવા માંડે એવી આ ઘટના છે. સ્ત્રીનાં સ્નેહને, એની લાગણીઓને, એનાં પ્રેમને સન્માન આપવાનું હોય એવું આ છોકરો જાણે છે. ત્રીજી ઘટના એક ઐતિહાસિક ઘટના છે. આમ તો એક સ્ત્રી તરીકે હુંપિરિયડ્સનાં વિશેષ લાભો સાથે સંમત નથી. મને આવતા પિરિયડ્સને હું કોઇપણ પ્રકારની અજાયબી ગણતી નથી. પિરિયડ્સનાં દુખાવાને કારણે મેં ક્યારેય ઓફિસે રજા નથી પાડી. પિરિયડ્સ લીવમાં હું માનતી નથી પણ જે દેશમાં ‘પિરિયડ્સ’ શબ્દ પણ ખૂલીને ન બોલી શકાતો હોય, સેનેટરી પેડસ અછૂતની યાદીમાં આવતા હોય એવા દેશની મહિલાઓ માટે આ ઘટના ચોક્કસ જ આશીર્વાદરૂપ છે. એક દેશે, એ દેશનાં કાયદાએ કરેલું આ સ્ત્રીનું સન્માન છે. આમ તો આપણે ત્યાં પણ બાયોડિગ્રેડેબલ સેનેટરી પેડ્સ જન ઔષધિ કેન્દ્રો પરથી માત્ર એક રૂપિયામાં મળી જ રહ્યા છે. પહેલી ઘટનામાં માલિકીભાવ છે. બીજી ઘટનામાં સમાનતાનો ભાવ છે. ત્રીજી ઘટનામાં સન્માનનો ભાવ છે.
આપણે ત્યાં સ્ત્રીઓ હાઇવે પર કાર ડ્રાઇવ કરતી થઇ છે, પોતાનું અલાયદું ક્રેડિટ કાર્ડ રાખતી થઇ છે. નોકરી કરે છે, પૈસા કમાય છે પણ એની જિંદગીનાં ઘણાં નિર્ણયો એણે પપ્પાને, પતિને કે સંતાનને પૂછીને લેવા પડે છે. સ્ત્રીની બુધ્ધિ પગની પાનીએ એવું હજી પણ ઘણાં લોકો માને છે. બે દીકરીઓનાં પિતા લાખોની સંપત્તિ મૂકીને ગુજરી જાય ત્યારે એ પૈસાનું શું કરવાનું એ દીકરીઓ નક્કી નથી કરતી, એમનાં પતિઓ નક્કી કરે છે. સ્ત્રી જ ઘર ચલાવે એવું આપણે કહીએ છીએ. કયું શાક બનાવવાનું, ઘરે કોને આમંત્રણ આપવાનું, લગ્નમાં કેટલો ચાંલ્લો કરવાનો વગેરે..વગેરે..પ્રકારનાં નિર્ણયો આપણે સ્ત્રીને માથે લાદી દીધા છે અને બડાશો મારીએ છીએ કે ઘરમાં તો સ્ત્રી કહે એ જ થાય. બાકી એનાં હિસ્સે આવેલા 1 લાખ રૂપિયા પોસ્ટમાં મૂકવાનાં, ફિક્સ ડિપોઝીટ કરવાની કે ફોરેન ટુરમાં વાપરી નાખવાનાંએનો નિર્ણય સ્ત્રીનાં હિસ્સે રહેતો નથી.
જે લોકો પત્નીઓ પર જોક કહે છે, પહેલાં પોતે ખડખડ હસે છે અને પછી ઓડિયન્સને હસાવે છે એવા તમામ લોકો રાજકોટની ઘટના માટે જવાબદાર છે. પત્ની પોસ્ટ ઓફિસનાં ડબ્બા જેવી લાગે તો લાગે પતિ ડામરનાં રોડ જેવો છે એવું કહીને પત્નીઓ ખડખડ હસે છે? સ્ત્રી મજાકનું સાધન હોઇ શકે જ નહીં. પત્નીનાં શરીર પર આવી ગયેલા ટાયરની કહાની ખાઇ ખાઇને ફૂલી ગયેલા તમારા ફૂગ્ગાં્ની કહાની સાથે ક્યારેય મેચ નહીં થાય. પતિ માથાકૂટ કરે, પોતાનું જ હાંક્યે રાખે ત્યારે પત્ની જો એને લાફો ન ઝીંકી દેતી હોય તો પતિ પણ પત્નીને લાફો મારી શકે નહીં. તમે આ ત્રણેય ઘટના તમારા દીકરાને વંચાવજો. એને સમજાવજો કે હજારો લોકો વચ્ચે તારી પ્રેમિકા કે પત્નીને ડાયમંડની રીંગ નહીં પહેરાવી શકે તો કંઇ નહીં પણ હજારો લોકો વચ્ચે એનું અપમાન કરવાનો અધિકાર તને નથી જ. એને એવું પણ સમજાવજો કે સ્ત્રીદાક્ષિણ્ય એ એનાં શિક્ષિત અને સંસ્કારી હોવાનો પુરાવો છે. દીકરીને સ્ત્રી સંસ્કાર શીખવતાં તમામ મા બાપે હવે ફરજિયાતપણે દીકરાને સ્ત્રીદાક્ષિણ્યનાં પાઠ પણ ભણાવવા જ પડશે. dadawalaesha@gmail.com
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.