તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મીઠી મૂંઝવણ:શરમાળ યુવતીને કેવી રીતે નિકટતા માણવી ગમે?

મોહિની મહેતા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રશ્ન : હું 30 વર્ષની હાઉસવાઇફ છું. મારાં લગ્નને પાંચ વર્ષ થઇ ગયાં છે. છેલ્લા કેટલાક સમયથી મને એવું લાગે છે કે મારા પતિનું બીજી યુવતી સાથે પ્રેમપ્રકરણ છે. હું આ વાતની ખાતરી કરવા માટે તેમના મોબાઇલમાં ટ્રેકિંગ અને રેકોર્ડિંગ ડિવાઇસ ડાઉનલોડ કરવા ઇચ્છું છે. શું આ યોગ્ય છે? એક મહિલા (અમદાવાદ) ઉત્તર : તમારી સમસ્યા જાણીને એ વાતની ખાતરી થાય છે કે તમારા અને તમારા પતિ વચ્ચે વિશ્વાસની લાગણી પ્રવર્તી નથી. જો તમને એકબીજા પર વિશ્વાસ હો તો તમને આ ઉપાયનો વિચાર પણ ન આવત. જો તમને લાગે છે કે તમારો પાર્ટનર ખોટું બોલે છે તો સૌથી પહેલાં તો તેની સાથે સંવાદ સાધવાનો પ્રયાસ કરવો જોઇએ. જો તમે પાર્ટનરની જાસૂસી માટે ટ્રેકિંગ કે રેકોર્ડિંગનો પ્રયોગ કરી રહ્યાં છો તો તમે તેમનો અધિકારને છીનવી રહ્યાં છો. તમારે પાર્ટનરને એટલી જગ્યા આપવી જોઇએ કે, તે શ્વાસ લઇ શકે. વિડીયો કે ઓડિયો બનાવવાનો નિર્ણય નૈતિક રીતે અયોગ્ય છે એટલે એમાં સમય અને ઊર્જા ન બગાડવી જોઇએ. તમારી સમસ્યાનો ઉકેલ સંવાદથી જ આવી શકે છે. તમે પાર્ટનરને ડરાવવાને બદલે તેની સાથે સમજાવટથી કામ લો. જો તે એમ કહે કે તેનું કોઇ અફેર નથી તો જ્યાં સુધી મોટું કારણ ન મળે ત્યાં સુધી તેની વાત પર વિશ્વાસ કરો. જો તે અફેરની વાત સ્વીકારે તો કારણો અને પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ કરો અને પછી યોગ્ય રસ્તે આગળ વધો. પ્રશ્ન : મારે એક દીકરો છે, જેની વય પંદર વર્ષ છે. એ રાત્રે મોડે સુધી ઇન્ટરનેટ પર સર્ફિંગ કરતો હોય છે. એક વાર એ રાત્રે મોડો ઘરે આવ્યો ત્યારે એના મોંમાંથી સિગારેટની દુર્ગંધ પણ આવતી હતી. હજી એ પંદર જ વર્ષનો છે, ત્યાં એ આવી કુટેવો ધરાવે છે, તો મોટો થશે ત્યારે એનું ભવિષ્ય શું? મારે એને કેવી રીતે સમજાવવો? એક મહિલા (રાજકોટ) ઉત્તર : આજકાલ ટીનએજર્સમાં મોટા ભાગે ઇન્ટરનેટ અને અન્ય વ્યસનોની કુટેવ જોવા મળે છે. તમારા દીકરાની વય પંદર વર્ષ છે અને બનવાજોગ છે કે એના મિત્રવર્તુળમાં કોઇ મિત્રોને આવી કુટેવો હોય તો તમારા દીકરાને પણ આવી કુટેવ પડી ગઇ હોય. તમે તપાસ કરો કે એના મિત્રવર્તુળમાં કોને આવી કુટેવ છે અને શક્ય હોય તો એને સારા મિત્રો બનાવવા માટે સમજાવો. જો તમે એની સાથે જબરદસ્તી કરશો તો એ આવા મિત્રો સાથે વધારે નિકટ થતો જશે. આ ઉંમરે સંતાનોને સમજાવીને પ્રેમથી પાછા વાળવામાં જ સાચી સમજદારી છે. તમારો દીકરો મુગ્ધાવસ્થામાંથી પસાર થઇ રહ્યો છે અને આ સમયે તેના પર મિત્રોની અને આસપાસના લોકોની વર્તન બહુ ઝડપથી થાય છે. તેના મિત્રો પર નજર રાખો. જો શક્ય હોય તો તેના મિત્રના પરિવારજનોના સંપર્કમાં રહો. આ રીતે તમે સંતાનનાં જીવનમાં શું ચાલી રહ્યું છે એનાથી માહિતગાર રહી શકશો. પ્રશ્ન : મારી બહેનપણી જેને પ્રેમ કરે છે, તે યુવાનને હું પસંદ છું. મને આ વાતની ખબર નહોતી, પણ જ્યારે મારી બહેનપણીએ એની સમક્ષ પોતાની લાગણી વ્યક્ત કરી ત્યારે એણે જણાવ્યું. મારી બહેનપણી હવે મારી સાથે વાત નથી કરતી. મારે શું કરવું? એક યુવતી (સુરત) ઉત્તર : તમારી બહેનપણીને ગમતો યુવાન તમને પ્રેમ કરતો હોય અને તમને એની જાણ ન હોય તો એમાં તમારો કોઇ વાંક નથી. તમે તો એ યુવાનને પ્રેમ કરતાં નથી. તમારી બહેનપણીએ એ સમજવું જોઇએ કે આમાં તમને કંઇ લાગતું-વળગતું નથી. એણે તમારી સાથે વાત કરવાની છોડવી ન જોઇએ. તમે એક વાર બહેનપણીને મળીને શાંતિથી સમજાવો કે તમને એ યુવાન પ્રત્યે કોઇ લાગણી નથી અને એ તમારી સાથે વાત ન કરે એ યોગ્ય નથી. જ્યારે બે વ્યક્તિઓ વચ્ચે તાલમેળ હોય ત્યારે જ તેમની વચ્ચેની મિત્રતા લાંબો સમય ટકે છે. જો તમારી બહેનપણી તમારો કોઇ વાત સાંભળવા અને સમજવા તૈયાર ન હોય તો તમારે પણ સમજી જવું જોઇએ કે તમારી મિત્રતા તમે ધારો છો એટલી મજબૂત નથી. હકીકતમાં તમારી બહેનપણીને તમારા ઇરાદાઓ પર શંકા છે અને તેમને તમારી હકીકતમાં વિશ્વાસ નથી અને એટલે જ એ તમારી વાત સમજવાને બદલે તમારી સાથે ન બોલવાનું વલણ અપનાવી રહી છે. જો તમારા પ્રયાસો પછી પણ એ તમારી સાથે વાત કરવા માટે તૈયાર ન હોય તો હાલમાં આ મુદ્દાને થોડો વિરામ આપી દો. સમય પાસે દરેક સમસ્યાનો ઉકેલ હોય છે. થોડા સમયના બ્રેક પછી તેને કદાચ પોતાની ભૂલનો અહેસાસ થશે અને તમે બંને નવેસરથી મિત્રતાની શરૂઆત કરી શકશો. પ્રશ્ન : મારી વય 24 વર્ષની છે. હું છેલ્લા પાંચ વર્ષથી એક યુવકના પ્રેમમાં છું. મેં જ્યારે મારા ઘરમાં આ વાત કરી ત્યારે હોબાળો મચી ગયો. મારા માતા-પિતા મારી વાત સાંભળવા જ તૈયાર નથી. મારા પિતાએ મરવાની ધમકી આપવાની મારી બીજી જગ્યાએ પરાણે સગાઇ કરી દીધી. હું હજી અ‌વઢવમાં છું કે મારે શું કરવું? એક યુવતી (મુંબઇ) ઉત્તર : પરાણે કોઈકની સાથે લગ્નનું ચોકઠું ગોઠવી નાખવાની જીદ સાવ ખોટી છે, પછી એ તમારી જીદ હોય કે તમારા પિતાની. જો તમે એકબીજાને સમજાવી શકો એમ ન હો તો થોડોક સમય માટે લગ્નની વાત જ નેવે મૂકી દો. તમારી વય હજી 24 જ વર્ષની છે એટલે તમારી પાસે રાહ જોવાનો સમય છે. સૌથી પહેલાં તો જો તમારે લગ્ન ન જ કરવાં હોય તો જે જગ્યાએ પરાણે સગાઇ કરી છે ત્યાં સમગ્ર હકીકત જણાવીને સ્પષ્ટ શબ્દોમાં કહી દો કે તમે આ લગ્ન નથી કરવાં ઇચ્છતાં. તમે હજી એકાદ-બે વરસ લગ્ન માટે થોભી જશો તો વાંધો નહીં આવે. દબાણમાં બાંધેલા સંબંધો આખી જિંદગી બગાડે છે અને પરાણે કરેલાં લગ્ન પછી બંને પાત્રોની જિંદગી બગડી જાય છે. હકીકતમાં તમારે અત્યારે જીદ કરવાને બદલે થોડું ઢીલું મૂકવાની જરૂર છે. એકવાર તમારા પિતાને એવો અહેસાસ થશે કે તમે તેની વાત સમજી રહ્યા છો તો એ પણ થોડા નરમ બનશે. જો તમારા પિતા અને તમે બંને સમજદારીથી કામ લેશો તો ચોક્કસપણે કોઇ ઉકેલ નીકળશે. અત્યારે આ મુદ્દાને લાંબો ખેંચવાને બદલે કરિયર કે જીવનના બીજા મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરશો તો સમયની સાથે એનો ઉકેલ આ‌વી જ જશે. પ્રશ્ન : મારા બે મહિનામાં લગ્ન થવાનાં છે. હું મારી ફિયાન્સેને ઘણી વખત એકાંતમાં મળું છું. આ સમયે હું તેને કઇ રીતે નિકટતા માણવી ગમે એ જાણવાનો આડકતરો પ્રયાસ કરું છું, પણ તે અત્યંત શરમાળ હોવાથી મગનું નામ મરી નથી પાડતી. હું તેની પસંદગી અને નાપસંદગી જાણવા માગું છું પણ તેને આ વિશે વાત કરવાનું પસંદ જ નથી. શરમાળ યુવતીઓને કેવી રીતે નિકટતા માણવી ગમે છે? એક યુવક (વડોદરા) ઉત્તર : દરેક વ્યક્તિ પોતાની જિંદગીની એ પળોને સારી રીતે વિતાવવા માંગે છે જ્યારે તે પોતાના હમસફરની સાથે હોય છે. એવું નથી કે સેક્સની ઈચ્છા માત્ર પુરુષોમાં જ હોય છે, પરંતુ મહિલાઓ પણ આ પળનો એટલો જ આનંદ ઉઠાવતી હોય છે. કિસ પ્રેમની લાગણી વ્યક્ત કરવાનું સૌથી ઉત્તમ માધ્યમ છે. દરેક યુવતી ઈચ્છતી હોય છે કે તેનો પાર્ટનર જાતીય સંબંધ બાંધતી વખતે ચુંબન કરે. મહિલાઓને ઉત્તેજનાથી ભરેલી વ્યક્તિ સારી લાગે છે. જોકે આનો અતિરેક ન થઇ જાય એ પણ ઇચ્છનીય છે. આદર એક એવી વસ્તુ છે જે મહિલાઓ કાયમ મેળવવા ઈચ્છતી હોય છે. બેડરૂમમાં જાતીય સંબંધ દરમિયાન ધ્યાન રાખો કે એવો શબ્દ કે વાત ન બોલાઇ જાય જે સાંભળીને તેમની લાગણીઓ દુભાય અને તેમને તમારી સાથે જાતીય સંબંધ બાંધવાથી પણ નફરત થઈ જાય.

અન્ય સમાચારો પણ છે...