ખી દુનિયામાં દર વર્ષે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવવામાં આવે છે. દેશ અને દુનિયામાં આ દિવસની સારી રીતે ઉજવણી કરવામાં આવે છે. જોકે આ દિવસની ઉજવણી કઇ રીતે શરૂ થઇ એનો ઇતિહાસ બહુ રસપ્રદ છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો ઇતિહાસ એક સદી જૂનો છે. આ દિવસને પહેલી વખત વર્ષ 1911માં સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. શ્રમિક આંદોલન સાથે જોડાયાં છે મૂળ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના મૂળ શ્રમિક આંદોલનથી જોડાયેલા છે. 1908માં 15,000 મહિલાઓએ કામના ઓછા કલાકો, વધુ સેલરી અને વોટ આપવાના અધિકારની માંગણી કરી હતી. આ સમયગાળો પરિવર્તનનો સમયગાળો હતો. આ સમય દરમિયાન પ્રસિદ્ધ જર્મન એક્ટિવિસ્ટ ક્લારા જેટકિનના પ્રયાસોને કારણે ઇન્ટરનેશનલ સ્તરે 1910માં મહિલા દિવસના આંતરરાષ્ટ્રીય સ્વરૂપને સત્તાવાર પરવાનગી આપવામાં આવી. આ પરવાનગી બાદ 1911માં પહેલી વખત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવવામાં આવ્યો. તેનું આયોજન ઓસ્ટ્રિયા, ડેનમાર્ક, જર્મની અને સ્વિટ્ઝર્લેન્ડમાં કરવામાં આવ્યું હતું. આખરે વર્ષ 1975માં સંયુક્ત રાષ્ટ્રએ આ દિવસની ઉજવણી કરવાનું શરૂ કર્યું. મહિલાઓના સન્માન માટે ખાસ દિવસની ઉજવણી હાલમાં ભૂતકાળની સરખામણીમાં મહિલાઓની પરિસ્થિતિ ઘણી સારી છે. જોકે આજે પણ સમાજના અમુક વર્ગો એવા છે જ્યાં મહિલાઓના હકોને ખાસ મહત્ત્વ આપવામાં નથી આવતું અને ત્યાં મહિલાઓના હકની લડાઈ આજે પણ ચાલુ છે. કેટલીય મહિલાઓ આજે વિવિધ સ્તરે પોતાના હક માટે ઝઝૂમી રહી છે. આ સંજોગોમાં મહિલાઓને તેમનો હક અપાવવા માટે સમાજને જાગૃત કરવો જરૂરી છે અને એટલે જ આ દિવસ મનાવવામાં આવે છે. વિશ્વમાં ઉજવણી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી આખી દુનિયામાં બહુ સારી રીતે કરવામાં આવે છે. રશિયા સહિતના અનેક દેશોમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે રાષ્ટ્રીય રજા હોય છે. ચીનમાં સ્ટેટ કાઉન્સિલની ભલામણ અનુસાર, 8 માર્ચે ઘણી મહિલાઓને અડધા દિવસની રજા આપવામાં આવે છે, પણ એ અલગ મુદ્દો છે કે અનેક માલિકો મહિલા કર્મચારીઓને આ રજાનો લાભ આપતા નથી. ઇટાલીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અથવા લા ફેસ્ટા ડેલ્લા ડોન્નાની ઉજવણી મિમોસા બ્લોસમના ફૂલ આપીને કરવામાં આવે છે. અમેરિકામાં માર્ચ મહિનો મહિલાઓના ઇતિહાસનો મહિનો હોય છે. આ સમય દરમિયાન અમેરિકન મહિલાઓની સિદ્ધિને દર વર્ષે રાષ્ટ્રપ્રમુખની ઘોષણા દ્વારા બિરદાવવામાં આવે છે. ખાસ રંગ સાથે ઉજવણી ઇન્ટરનેશનલ વુમન્સ ડેના સેલિબ્રેશનની શરૂઆત થઇ ત્યારે રાષ્ટ્રીય મહિલા પાર્ટી, સંયુક્ત રાજ્ય અમેરિકાએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર પર્પલ રંગ પહેરવાનું સૂચન આપ્યું હતું કારણ કે પર્પલ રંગ, નિષ્ઠા, ઉદેશ, નિરંતરતા અને અડગ જ દૃઢતાનું પ્રતીક છે. આ ગરિમા અને સ્વાભિમાનનો પણ રંગ છે. તેથી મહિલા દિવસનો રંગ પર્પલ રાખવામાં આવ્યો છે. આ દિવસે મહિલાઓ શક્ય હોય ત્યાં સુધી પર્પલ રંગનો ડ્રેસ પહેરીને ઉજવણીમાં ભાગ લે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.