તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લઘુનવલ:મને દિલાસો પાઠવનારાઓને કેમ કહેવું કે પતિની બેવફાઇ મારાથી છાની નહોતી

કિન્નરી શ્રોફ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

પ્રકરણ-6

એક મહિનો! તારીખિયાં પર નજર ફેંકી સમયનો તાળો મેળવતા અથર્વનો નિશ્વાસ સરી ગયો. બરાબર ત્રીસ દિવસ અગાઉ પોતાને પહેલી લૂંટમાં જેકપોટ લાગ્યો હતો. પહેલા દાવમાં કરોડોના હીરા મેળવી વિચારેલું કે માની સારવારમાં હવે કોઇ કમી નહીં રહે. એના આવેશમાં પોતે વહેલી પરોઢિયે હોસ્પિટલ પહોંચી ગયેલો, પણ જનરલ વોર્ડના પેસેજના બાંકડે હીબકાં લઇ ફોન મચડતાં મેનામાસીને જોતા ફાળ પડી: શું થયું, માસી? ‘સારું થયું તું આવી ગયો, દીકરા...હું તને જ ફોન કરતી હતી...’ માસીએ આંસુ લૂછતાં કહ્યું, ‘તારી માની તબિયતે ઉથલો માર્યો છે.... ડોક્ટર હમણાં જ ચેક કરી કહી ગયા કે દીવામાં ઝાઝું તેલ નથી! બેટા, તને જોવા જ પ્રાણ ટક્યા છે, જા, જઇને એને મુક્ત કર!’ નો! હવે જ્યારે પૈસાનો બંદોબસ્ત થયો છે ત્યારે વિધાતા મારી માને તેડવાની અંચી કરે એ કેમ ચાલે! જોમભેર એ માના પલંગ સુધી પહોંચ્યો ખરો, પણ ડચકાં ખાતી માને ભાળી બદનમાં શીતલહેર પ્રસરી ગઇ. ‘મા!’ એનાથી રડી પડાયું. દીકરાનો પોકાર સંભળાયો હોય એમ માએ આંખો ખોલી, હોઠ ફ્ફ્ડ્યાં, ‘દીકરા...મારો વખત આવી ગયો.’ અથર્વ માને વળગી પડ્યો. ‘તેં તો ઘણું કર્યુ, મારા લાલ. માની આંતરડી ઠારી છે.’ સાવિત્રીબહેને દીકરાનાં માથે હાથ મૂક્યો, ‘ખૂબ સુખી થજે, ખુશ રહેજે...આમ જ અમારા સંસ્કારને ઉજાળજે!’ અને બે-ત્રણ ઊંડા શ્વાસ લઇ એમણે ડોક ઢાળી દીધી. અથર્વએ અત્યારે પણ એનો ખાલીપો અનુભવ્યો. સંસ્કારને ઉજાળવાનું કહેનારી માને દીકરાના અપરાધની જાણ હોત તો? ના, માને ખાતર ગુનો આચરવાનો મને અફસોસ નથી, પણ ધારોકે લૂંટના રૂપિયાથી પોતાનો ઇલાજ થયાનું માએ જાણ્યું હોત તો મારા સંસ્કારને વગોવવાનો હક તને કોણે આપ્યો કહી મારા પર ફિટકાર વરસાવત, પાપની લક્ષ્મી કદી ફળતી નથી એવો વસવસો કરત. પાપ...અથર્વ આંખો મીંચી ગયો. કદાચ, લૂંટના પૈસે થતા ઇલાજથી માનું પુણ્ય અભડાય નહીં એટલે જ ઇશ્વરે એને તેડી લીધી! માનાં ક્રિયાપાણી પત્યાં, આજે વરસી વળી ગઇ ત્યારે એ જ વિચારવાનું રહે છે કે લૂંટના હીરાનું હવે કરવું શું? સાચવીને વાપરે તો બે-ત્રણ પેઢી ચાલે એટલું ધન એમાંથી ઉપજે એમ છે, પણ એવો વિચાર અથર્વને સ્પર્શ્યો નહીં: મારી મનસા કેવળ માના ઇલાજ માટે રૂપિયા ભેગા કરવાની હતી, હવે એ સંભવ જ નથી ત્યારે આ પૈસો મારા માટે અણહકનો થયો. તો પછી એક જ રસ્તો રહે છે: હીરા જેના હોય એને સુપરત કરી દેવા! અને એણે પસ્તીના રેક પરથી અખબારની થપ્પી ઉઠાવી. વીત્યા દિવસોમાં શોકને કારણે પેપર જોવા પણ ગમતા નહીં... પણ હવે ધ્યાનથી જોવા દે...પેલા આદમીને લૂંટયા પછી બ્લાસ્ટ જેવો ધડાકો સંભળાયો હતો. કદાચ એની નોંધ અખબારમાં આવી હોય તો ક્લૂ મળી પણ જાય! અથર્વએ તારીખ પ્રમાણે અખબાર ગોઠવી પાના ઉલટાવવા માંડ્યાં. હિયર ઇટ ઇઝ! ઘટનાના ત્રીજા દિવસના છાપામાં હેવાલ હતો: વસઇની ખાડી નજીક ધડાકાભેર કાર ફાટતા યુવાન વ્યાપારીનાં મૃત્યુની આશંકા! Â Â Â ઓહ! ઘટનાને લગતા આજ સુધીનાં તમામ સમાચારપત્રો વાંચી અથર્વે સાર તારવ્યો: થોડા સમયથી કાર આપમેળે સળગી ઉઠ્યાના બનાવો બનતા રહે છે. આવું જ કંઇક કોલાબા ખાતે રહેતા વેપારી અતિરાજ સાથે બન્યુ. મોડી સાંજે પોતાની વસઇ ખાતેની ફેક્ટરી જવા નીકળેલા અતિરાજે ટ્રાફિકને કારણે કદાચ કાચો રસ્તો લીધો હોવાનુ સંભવ છે, એ જોકે એક રીતે ફાયદામાં રહ્યું કેમકે ખાડી નજીક જોરદાર ધડાકાભેર એમની કાર ફાટવાની દુર્ઘટના સર્જાઇ. આ ઘટનાહાઇવે નજીક બની હોત તો એના ધમાકાથી આગળપાછળના વાહનોને નુકસાન પહોંચ્યું હોત ને મોટી હોનારત થઇ જાત! પ્રચંડ ધડાકાથી કાર ફાટતા વાહનચાલકના બચાવની સંભાવના નહિવત્ છે. અલબત્ત, ઘટનાસ્થળની તપાસમાં માનવશરીરનાં નામે હાથનો ફાટી ગયેલો પંજો માત્ર મળ્યો છે, જે મેડિકલ રિપોર્ટ અનુસાર અતિરાજનો જ હોવાનું પુરવાર થયું છે. ધડાકાથી ઉછળીને ખાડીમાં પડી ગયેલી કારના અવશેષ પણ ખાડીમાંથી મળી આવ્યા છે એટલે એવું પણ અનુમાન સહજ છે કે અતિરાજનો ક્ષત-વિક્ષત દેહ પણ ખાડીમાં ફંગોળાયો હોય ને દરિયાઇ જીવો એને સ્વાહા કરી ચૂકયા હોય. પ્રાથમિક તપાસમાં પોલીસ આ અકસ્માતને સ્વયંભૂ માની કોઇપણ પ્રકારના ષડયંત્રની શક્યતા નકારે છે. અખબારે વાચકોને એવી પણ માહિતી પીરસી છે કે ઘટનામાં મૃત મનાતા અતિરાજ શાહ જાણીતા મહેતા એમ્પાયરના ફાઉન્ડર નવીનચંદ્ર મહેતાના જમાઇ છે અને પોતાની પાછળ ધર્મપત્ની સાંવરીદેવીને વિલાપ કરતા છોડી ગયા છે. અરે, બે દિવસ અગાઉનાં અખબારમાં કંપની તરફથી ફુલપેજની પ્રથમ માસિક શ્રદ્ધાંજલિ છપાઇ છે. શ્રદ્ધાંજલિની જાહેરાતમાં છપાયેલો ફોટો જોઇ અથર્વને એ રાત સાંભરી ગઇ. બિચારો અતિરાજ! મને બેગ આપી એણે જીવ બચાવ્યાનો સંતોષ માન્યો પણ હોય તો એ વધુ ટક્યો નહીં! એનાં નસીબમાં જ એ રાતે મરવાનું હતું...અરે, મેં ફેંકેલી ચાવી લેવા પણ એ ઉતર્યો હોત તો બચી જવાના ચાન્સ રહેત. અલબત્ત, તો પણ એ ગંભીરપણે ઘાયલ તો થયો જ હોત અને પોલીસને મળ્યો પણ હોત જે બન્યું નથી, મતલબ એ રાત ખરેખર અતિરાજ માટે કાળરાત્રિ બની ગઇ. અને મારા માટે? મને જો ત્યાંથી નીકળવામાં જરા જેટલું મોડું થયું હોત તો કદાચ હું પણ...અથર્વ ધ્રૂજી ઉઠ્યો. મા સંતાનની બલા લેતી હોય છે, કોને ખબર મારું મૃત્યુ માએ માગી લીધું હોય! અથર્વની આંખના ખૂણા ભીંજાયા: નહીં, મારી માના સંસ્કાર હું લજવીશ નહીં. હવે હું બે પાંદડે થઇશ તો મારી મહેનતથી. મને હવે આ હીરાનો ખપ નથી. અખબારી હેવાલમાં હીરાનો ક્યાંય ઉલ્લેખ નથી. નેચરલી, બે નંબરની આઇટમ હોય તો મિસિસ અતિરાજથી પોલીસને ડાયમંડનાં જોખમ વિશે કહેવાયું પણ ન હોય...એથી જોકે મને ફર્ક નથી પડતો. મારા માટે આ હીરા હવે સાંવરીદેવીની અમાનત છે, એમની જણસ એમને જ સુપરત કરવી રહી! Â Â Â ‘જે થવાનું હતું એ થઇ ગયું, તું તારે હિંમત રાખજે બહેન.’ દેશથી ખરખરે આવેલા સંબંધીઓએ સાંવરીને આશ્વાસન પાઠવ્યું. સાંવરીએ આંસુ લૂછ્યાં. ખરેખર તો આંસુ સારીને હું થાકી ગઇ છું...મને દિલાસો પાઠવનારાઓને કેમ કહેવું કે મારા પતિની જાણ બહાર એમનો મોબાઇલ ક્લોન કર્યા પછી એમની બેવફાઇ મારાથી છાની નહોતી રહી! અતિરાજની સ્વીટી સાથેની ટેલિટોક, એના મેસેજીસ, એના નેટસર્ફિંગની હિસ્ટ્રી- ઇટ ઓલ પ્રૂવ્ડ કે અતિરાજ પોતાનું અસ્તિત્વ મિટાવી અખિલ બની દુબઇમાં સ્વીટીને પરણી સેટલ થવાના છે અને એ માટે મારા પિતાજીના વારસામાંથી મળેલા પાંચસો કરોડ પણ સગેવગે કરી દીધા છે! સાંવરી માટે એ હૃદયભંગની ક્ષણ હતી. આખરે વિદિતાની વાત સાચી નીકળી. એણે દુબઇમાં નોટિસ કરેલુ કપલ ખરેખર અતિરાજ-સ્વીટી હતાં! વસઇનાં ઘરે પણ બેઉ ચૂપચાપ મળતાં રહે છે આ બધું જાણવું અસહ્ય હતું. તમારું આવું પતન, અતિરાજ! લડવું હતું, ઝઘડવું હતું, છતાં પોતે ચૂપકીદી રાખી. ના, મારી પ્રતિક્રિયા સાવ ઉછાંછળી ન હોય. બોલાચાલીમાં સત્યનો વિસ્ફોટ થાય ખરો, પણ પછી અતિરાજ-સ્વીટીનો માર્ગ પણ ખુલ્લો થઇ જાય. અલબત્ત, એમણે ધાર્યુ એમ હું આસાનીથી ડિવોર્સ તો ન જ આપત, પણ પછી અમારા છૂટાછેડા પણ ગોસિપનો વિષય બની રહેત...અને એ મારે થવા નથી દેવું. મને તો મારા પિતાની પ્રેસ્ટિજનો વિચાર હોયને! એટલે તો પોતે અતિરાજને પણ એનું પેપર ફૂટી ગયું હોવાની ગંધ નહોતી આવવા દીધી. જોકે દિમાગમાં તો એકની એક ગણતરી જ ચાલતી આખરે મારે શું કરવું? આનો એક જવાબ જ મળ્યો: ટિટ ફોર ટેટ! મને ધોકો દેનારને મારે દગો જ દેવાનો હોય...અને આનું પરિણામ એ આવ્યું કે... ‘જાતને જાળવજે, બહેન’ સાંવરી ઝબકી. વિચારમેળો સમેટી વિદાય લેતા સ્નેહીજનોને વળગી થોડું વધું રડી લીધું. ‘એકલી એકલી મૂંઝાતી નહીં હોં. પોલીસ તપાસમાં, કાયદાની સલાહ માટે સમાજની ઓળખાણ કામે લગાવીશું.’ ‘થેન્ક્સ...’ કહેતી સાંવરીને જોકે આની ચિંતા નહોતી. પોલીસને અતિરાજનાં મૃત હોવામાં શંકા નહોતી. થોડા દિવસમાં મને અતિરાજનું ડેથ સર્ટિફિકેટ પણ મળી જશે. તકલીફ એટલી જ છે કે મને છેહ દેનાર માટે મારે સફેદ સાડી પહેરી દુ:ખનો દેખાવ કરી લોકોની સહાનુભૂતિ જીતવાની હોય છે! જોકે એ પણ હવે કેટલા દિવસ! સંબંધીઓના ગયા બાદ સાંવરી હાશ કરતી હોલના સોફા પર ગોઠવાઇ. સામે હાર ચડાવેલી પતિની તસવીર જોઇ કટુ સ્મિત આવી ગયું: ત્યાં કોઇના પગરવે સાંવરીએ મનોભાવ સંકેલી લીધા. ‘બેન, કોઇ ભાઇ તમને મળવા આવ્યા છે.’ ‘મને મળવા!’ સાંવરીએ દરવાજા તરફ નજર દોડાવી. એક અજાણ્યો જુવાન અદબભેર બારણે ઉભો હતો. પાછું કોઇ ખરખરે આવ્યું કે શું! ‘ઠીક છે, મોકલ એમને‘ નોકર ગયો ને જુવાન આવે એ પહેલાં સાંવરીએ દર્દનો મુખવટો ઓઢી લીધો. અને એ નજીક આવી ઉભો. ‘નમસ્કાર’ એણે બેગ નીચે મૂકી હાથ જોડયા, ‘મારું નામ અથર્વ. તમારા પતિના દેહાંત બદલ દિલસોજી પાઠવું છું. મારે એ પણ કબૂલવું છે કે અતિરાજભાઇને સૌથી છેલ્લે જીવિત જોનારો હું હતો.‘ અ...ચ્છા. સાંવરી સતર્ક થઇ. ના, આદમી કેવળ ખરખરે નથી આવ્યો. ‘એમની એક અમાનત પણ મારી પાસે છે.’ અથર્વે બેગ વચ્ચેની ટીપોઇ પર મૂકી, ખોલી અને સો કરોડના હીરાની ચમક સાંવરીના ચહેરા પર છવાઇ ગઇ.(ક્રમશ:)

અન્ય સમાચારો પણ છે...