તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસથાળ:ચોમાસામાં સ્વાદના જબરદસ્ત જલસા જેવા ગરમાગરમ નાસ્તા

રિયા રાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ક્રિસ્પી પાલક સામગ્રી : પાલકનાં પાન-20-25 નંગ, ચણાનો લોટ-1 કપ, કોર્નફ્લોર-અડધો કપ, હિંગ-પા ચમચી, હળદર-પા ચમચી, લાલ મરચું પાઉડર-અડધી ચમચી, મીઠું-સ્વાદ મુજબ, અજમો-પા ચમચી, જીરા પાઉડર, સંચળ પાઉડર રીત : પાલકનાં પાનને ધોઇને કોરાં કરી લેવાં. ચણાના લોટમાં લાલ મરચું, મીઠું, હિંગ, કોર્ન ફ્લોર, અજમો, હળદર ઉમેરીને ઘટ્ટ ખીરું તૈયાર કરો. તેમાં પાલકનાં પાન એક પછી એક ડુબાડીને મધ્યમ તાપે ક્રિસ્પી તળી લો. આ રીતે બધાં પાનને ક્રિસ્પી તળી એક પ્લેટમાં ગોઠવી લો. હવે તેના ઉપર જીરા પાઉડર, સંચળ પાઉડર અને ચાટ મસાલો અને લાલ મરચું ભભરાવો. તૈયાર છે એકદમ ચટપટી ક્રિસ્પી નવી વેરાયટી જે ખાસ વરસાદી માહોલમાં ખાઇ શકાય. ખીચું બોલ્સ સામગ્રી : ચોખાનો લોટ-1 કપ, પાણી-1 કપ, મીઠું-સ્વાદ મુજબ, ઘી-1 ચમચી, રાઈ-1 ચમચી, જીરું-1 ચમચી, લાલ મરચું પાઉડર-1 ચમચી, બારીક સમારેલાં મરચાં-4 નંગ, તલ-2 ચમચી, હળદર-અડધી ચમચી, સમારેલી કોથમીર-2 ચમચી, તેલ-2 ચમચી રીત : કડાઈમાં પાણી ઉકાળવા મૂકવું. સ્વાદ મુજબ મીઠું અને ઘી પણ ઉમેરો. પાણી ઉકળવા લાગે એટલે તાપ મધ્યમ કરી ધીરે ધીરે લોટ ઉમેરતાં જવું અને સતત હલાવતાં જવું. હવે ઢાંકણ ઢાંકી અને સાતથી આઠ મિનિટ માટે ચડવા દો. તૈયાર થયેલ ખીચાને એક થાળીમાં ઠંડંુ થવા મૂકો. સમારેલી કોથમીર ઉમેરી બરોબર મસળી અને નાના નાના બોલ્સ તૈયાર કરો. તૈયાર કરેલા બોલ્સને સ્ટીમરમાં દસ મિનિટ માટે સ્ટીમ કરવા મૂકો અને ઠંડાં થવા દો. હવે વઘાર માટે કડાઈમાં તેલ ગરમ થાય એટલે રાઇ, જીરું, લીલાં મરચાં, તલ, લીમડાનાં પાન, હળદર અને બોલ્સ ઉમેરી દો. ગરમાગરમ ખીચું બોલ્સની મજા માણો. ડ્રાય પનીર ટેરેફિક સામગ્રી : પનીર-200 ગ્રામ, પેરી પેરી મસાલો-2 ચમચી, લસણ પેસ્ટ-1 ચમચી, સોયા સોસ-2 ચમચી, લીંબુનો રસ-1 ચમચી, મેંદો-1 કપ, બ્રેડ ક્રમ્સ-1 કપ, મરી પાઉડર-પા ચમચી, મીઠું-સ્વાદ મુજબ રીત : પનીર લાંબા ટુકડાઓમાં કાપો. એના પર પેરી પેરી મસાલો, લસણ પેસ્ટ, લીંબુનો રસ અને સોયા સોસ નાખીને અડધો કલાક માટે મેરીનેટ થવા દો. હવે એક બાઉલમાં મેંદો, મરી પાઉડર અને મીઠું મિક્સ કરો. બીજા બાઉલમાં બ્રેડ ક્રમ્સ રાખો અને અન્ય બાઉલમાં મેંદામાં મીઠું અને પાણી ઉમેરી પાતળી પેસ્ટ બનાવવી. હવે પનીરને સૌપ્રથમ સૂકા મેંદામાં રગદોળો, પછી મેંદાની પેસ્ટમાં અને ત્યારબાદ બ્રેડ ક્રમ્સમાં રગદોળો. આ રીતે ત્રણ લેયરમાં પનીર તૈયાર થશે. આ પ્લેટને વીસ મિનિટ માટે ફ્રીઝરમાં રાખો. એને તવા પર શેલો ફ્રાય કરી શકાય અને તળી પણ શકાય છે. કોથમીર-ફુદીના ચટણી સાથે સ્વાદિષ્ટ લાગશે. કરારી આલુ સ્ટિક સામગ્રી : બટાકા-4 નંગ, કોર્નફલોર-4 ચમચી, લાલ મરચું પાઉડર-1 ચમચી, મરી પાઉડર-અડધી ચમચી, ઓરેગાનો- અડધી ચમચી, આદુંની પેસ્ટ-અડધી ચમચી, લસણ પેસ્ટ-અડધી ચમચી, છીણેલું ચીઝ-2 ચમચી, મીઠું-સ્વાદ મુજબ, ક્રશ કોર્નફલેકસ-અડધો કપ રીત : બટાકાને બાફી લેવા. ઠંડાં થાય એટલે મસળી લેવાં. તેમાં કોર્નફલોર, ક્રશ કરેલાં કોર્નફ્લેક્સ, મરી પાઉડર, લાલ મરચું પાઉડર, આદું-લસણની પેસ્ટ, ઓરેગાનો, ચીઝ અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી મિક્સ કરી લેવું. તૈયાર થયેલ મિશ્રણના હાથ વડે લાંબા રોલ્સ તૈયાર કરવા. ગરમ તેલમાં સોનેરી રંગના તળવા. આ કરારી આલુ સ્ટિક બાળકોને બહુ પસંદ પડશે. મિસળ પાંઉ સામગ્રી : ફણગાવેલા મગ-2 કપ, તેલ-3 ચમચી, ડુંગળીની પેસ્ટ-1 કપ, ટામેટાની પેસ્ટ-1 કપ, આદું-મરચાંની પેસ્ટ-1 ચમચી, લસણ પેસ્ટ-1 ચમચી, લાલ મરચું પાઉડર-2 ચમચી, હળદર પાઉડર-અડધી ચમચી, ધાણાજીરું પાઉડર-1 ચમચી, ગરમ મસાલો-1 ચમચી, મીઠું-સ્વાદ મુજબ, કોથમીર-પા કપ, તીખું ચવાણું-1 કપ રીત : કડાઈમાં તેલ ગરમ કરો. ડુંગળીની પેસ્ટ ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતળો. હવે આદું, મરચાં અને લસણની પેસ્ટ તથા ટામેટાની પેસ્ટ ઉમેરી ચડવા દો. થોડું તેલ છૂટવા આવે એટલે તેમાં બધા મસાલા અને ફણગાવેલા મગ ઉમેરો. એક ગ્લાસ પાણી ઉમેરી દસ મિનિટ સુધી પકાવો. હવે એક ડિશમાં તૈયાર થયેલ મિસળ અને તેનાં ઉપર ઝીણી સેવ, કોથમીર, લીંબુનો રસ અને ચવાણું ભભરાવો. વરસતાં વરસાદમાં ચટાકેદાર સ્વાદિષ્ટ મિસળ પાંઉનો આનંદ માણો. આ મિસ‌ળ પાંઉ ચટાકેદાર વાનગી ખાવાની ઇચ્છા પૂરી કરશે અને સાથે સાથે એ ખાધા પછી પેટ સારી રીતે ભરાઇ જાય છે. ફાડાના ઢોકળાં રીત : ઘઉંના ફાડામાં ઘઉંનો લોટ, રવો, દહીં અને પા કપ પાણી ઉમેરી 7થી8 કલાક માટે પલળવા દો. ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મરચું, મીઠું, હળદર, સોડા, મીઠું અને ૨ ચમચી તેલ ઉમેરી એકદમ મિક્સ કરી થાળીમાં તેલ લગાવી ખીરું પાથરી દો. વરાળથી 10થી 15 મિનિટ ગરમ થવા દો. ઠંડું થયા બાદ કાપા પાડી ઉપર રાઈ, જીરું અને લીમડાનો વઘાર રેડી ગરમ ગરમ ખાઓ.

અન્ય સમાચારો પણ છે...