બ્યૂટી:ટેમ્પરરી ટેટૂને હટાવવાના ઘરગથ્થુ ઉપાયો

21 દિવસ પહેલાલેખક: કાવ્યા વ્યાસ
  • કૉપી લિંક

હાલમાં યુવાનોમાં ટેટુ બનાવવાનો ટ્રેન્ડ ચરમસીમા પર છે. ટેટૂ બે પ્રકારના હોય છે, કાયમી અને ટેમ્પરરી. કાયમી ટેટૂ ડિઝાઇન બનાવતી વખતે થોડી પીડા થાય છે અને કોઇ કારણોસર એ દૂર કરવું હોય તો લાંબી પ્રક્રિયા કરવી પડે છે. આ સંજોગોમાં અનેક યુવાનો ટેમ્પરરી ટેટૂ બનાવવાનું પસંદ કરતા થયા છે કારણ કે એને સરળતાથી ઘરગથ્થુ ઉપાયોની મદદથી દૂર કરી શકાય છે. વળી, આ ટેમ્પરરી ટેટૂ દૂર કરવા માટે ડોક્ટર પાસે જઇને વધારે ખર્ચ કરવાની જરૂર પણ નથી પડતી. એક્સફોલિએટિંગની મદદ ડેડ સ્કિન દૂર કરવા માટે સ્ક્રબ એક સરળ રસ્તો છે. બોડી એક્સફોલિએટિંગની મદદથી ત્વચાના મૃત કોષોની સાથે સાથે ટેમ્પરરી ટેટૂના નિશાનને પણ દૂર કરી શકાય છે. જો તમારે ઘરે જ એક્સફોલિએટિંગ સ્ક્રબ બનાવવું હોય તો અડધો કપ બ્રાઉન શુગરમાં અડધો કપ કોપરેલ અથવા તો ઓલિવ ઓઇલ નાખીને મિક્સ કરો. જો તમે ઇચ્છો તો માર્કેટમાં મળતા બોડી સ્ક્રબનો પણ ઉપયોગ કરી શકો છો. તમે અઠવાડિયામાં એક વખત બોડી સ્ક્રબનો ઉપયોગ કરી શકો છો. ઓવર સ્ક્રબિંગ ત્વચાને સેન્સિટિવ બનાવી શકે છે. માઉથવોશની મદદથી કરો રિમૂવ સામાન્ય રીતે માઉથવોશનો ઉપયોગ મોંના કીટાણુને મારવા માટે કરવામાં આવતો હોય છે પણ જો તમારા શરીર પરથી ટેમ્પરરી ટેટૂનું નિશાન સરળતાથી દૂર ન થતું હોય તો માઉથવોશનો ઉપયોગ કરી શકાય છે. આના માટે ટેટૂ પર તો થોડું માઉથવોશ લગાવો. થોડી સેકંડ માટે ઘસી જુઓ. ધીરે ધીરે ટેટૂનું નિશાન દૂર થતું જશે. છેલ્લે પાણીની મદદથી ત્વચાને સાફ કરી લો. કોલ્ડ ક્રીમની મદદથી હટાવો ટેટૂ સામાન્ય રીતે ટેમ્પરરી ટેટૂ થોડા સમય પછી આપોઆપ દૂર થઇ જતું હોય છે પણ તમે એને ઝડપથી હટાવવા ઇચ્છતા હો તો કોલ્ડ ક્રીમનો ઉપયોગ કરવાથી ફાયદો થઇ શકે છે. આના માટે ટેટૂ પર દસ મિનિટ સુધી કોલ્ડ ક્રીમ લગાવી રાખો. આ પછી કોલ્ડ ક્રીમને વોશક્લોથની મદદથી સાફ કરી લો. જો જરૂર પડે તો ગરમ પાણીનો ઉપયોગ પણ કરી શકાય.

અન્ય સમાચારો પણ છે...