કવર સ્ટોરી:હિરોઇનો, ચિંતાઓ વચ્ચે પણ તમારી ત્વચા માખણ જેવી મુલાયમ રહી શકે?

એષા દાદાવાળા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમારે મેનોપોઝ ચાલુ થાય ત્યારે અમારું ડિપ્રેશન ઘરમાં બાળકો પર અને પતિ પર નીકળે. તમારે એવું થાય? મોટી ઉંમરે તમારે જુવાન કઇ રીતે દેખાવું એની ચિંતા સિવાય બીજી કોઇ ચિંતા તમારે હોય?

હિન્દી ફિલ્મોની પ્રિય હિરોઇનો, અમે તમારા જેવા બનવાની કોશિશ કરતા રહીએ છીએ. ક્યારેક તમારા જેવા કપડાં પહેરી જોઇએ તો ક્યારેક તમારા જેવી હેરસ્ટાઇલ બનાવીએ. ડિટ્ટો તમારા જેવો જ મેકઅપ કરીએ તો પણ તમારી લગોલગ પહોંચી શકીએ નહીં. જિમમાં કલાકો પસાર કર્યા પછી પણ અમારા શરીરનાં વળાંકો જોવાલાયક ના બને. તમારી કમર માખણ જેવી મુલાયમ...નજર પણ નીચે સરકી જાય એવી હોય અને અમારી કમર ચરબીથી ખરબચડી થઇ ગઇ હોય! આ કાગળ અમે એટલા માટે લખી રહ્યા છીએ કારણ કે અમારા જીવન પર તમારી ફિલ્મોનો બહુ પ્રભાવ છે. અમે પણ ઇચ્છીએ છીએ કે અમારા જીવનનો ધી એન્ડ તમારી હેપ્પી એન્ડિંગવાળી ફિલ્મો જેવો જ હોય! અમારી મોટાભાગની ફેન્ટસીઓ ફિલ્મોમાંથી જ આવે. અમારી જિંદગીનો હીરો પણ તમારા હીરો જેવો જ હોવો જોઇએ...આવું અમે માનીએ. અમને ઘોડા પર આવતા રાજકુમારનાં સપનાં આવે પણ અમારા સપનાંનો રાજકુમાર ઘોડા પર નહીં આવે. એ તો સ્કૂટી પર, બાઇક પર, એક્ટિવા પર કે ઉબેરમાં આવે...! અમે આ રાજકુમારને પરણી જઇએ પછી એ રાજા થાય કે ન થાય પણ બે બેડરૂમ, હોલ, કિચન અને વરંડાનું એક નાનકડું ઘર અમારો રાજમહેલ ચોક્કસ બની જાય. તમારો રાજકુમાર તો ફરારીમાં આવે. એ પરણેલો હોય...એને બે સંતાનો હોય...તમારાથી ઉંમરમાં દસ-પંદર વર્ષ મોટો હોય પણ તમને એની પરવા ન હોય. અમારે આવી બધી પરવા કરવી પડે. તમારી ફિલ્મોમાં બતાવાતો મધ્યમવર્ગીય પરિવાર અમારા મધ્યમવર્ગીય પરિવારથી ઘણો જુદો છે. સવારે વહેલા ઉઠીને અમે આળસ મરડીએ ત્યારે કોયલનાં ટહુકાઓને બદલે કોટન નાઇટીનો એકાદો સાંધો તૂટ્યાનો અવાજ આવે અને અમારો દિવસ શરૂ થાય. અમે ભગવાનની પૂજા આટોપીએ ત્યારે બેક ગ્રાઉન્ડમાં શંખને બદલે કૂકરની સીટીનો અવાજ સંભળાય. રસોડામાં પંખો ચાલુ રાખી કામ કરીએ તો પણ અમને પરસેવો તો થઇ જ જાય. તમે તો રસોઇ કરતી વખતે પણ કેટલા ફ્રેશ લાગો! અમે ગમે એટલી કોશિશ કરીએ પણ લોટ બાંધતી વખતે અમારી લટો તમારી જેમ લોટવાળી થાય જ નહીં! રસોડાની અભરાઇએ ચડાવેલો ડબ્બો લેવા ટેબલ પર ચડીએ અને પગ લપસે ત્યારે આયોડેક્સ અમને ઝીલી લે! ડાયનિંગ ટેબલ પર જમવાનું પીરસીએ ત્યારે શાકની સાથે-સાથે તારા આંગળા પણ ખાઇ જવાનું મન થાય છે એવું અમને કોઇ કહેતું નથી. ગેસ પર ચઢાવેલી તવી પર રોટલીની સાથે-સાથે શેકાઇને અમે ઓફિસે જવા નીકળીએ ત્યારે આંખોમાં આંજેલું આંજણ આંખોનાં ખૂણેથી બહાર નીકળી આવ્યું હોય છે. અમે પ્રેમ કરીએ ત્યારે બેકગ્રાઉન્ડ મ્યુઝિક નથી સંભળાતું. કારણ વિના વરસાદમાં ભીના થવાનું અમને ફાવતું નથી. થોડું દોડીએ ત્યાં તો અમે હાંફી જઇએ છીએ. ગમે એટલી કોશિશ કરીએ પણ તમારી જેમ સૂરમાં રડી શકતા નથી. અમે કોલેજમાં ભણતાં ત્યારે તમારા જેવા જ હોવાનો અમને વહેમ હતો. તમારી એકાદી ફિલ્મોનાં ગીત ગણગણતાં-ગણગણતાં અમે અમારી જિંદગીને ફિલ્મ જેવી બનાવી નાંખવાની કોશિશો પણ કરી જોયેલી...પણ, અફસોસ. અસલ જિંદગીનો ક્લાયમેક્સ એ ફિલ્મોનાં ક્લાયમેક્સ સાથે મેચ નથી થતો! તમારી ફિલ્મ શરૂ થાય ત્યારે સ્ક્રીન પર લખેલું આવે કે ‘યે કથા કાલ્પનિક હૈ, કિસી ભી વાસ્તવિક પાત્રોં યા ઘટનાઓં કે સાથ ઇસકા કોઇ સંબંધ નહીં હૈ!’ સાચું કહીએ તો ક્યારેક-ક્યારેક અમારે ય અમારી જિંદગીનાં વાસ્તવિક પાત્રો સાથે કોઇ ઝાઝો સંબંધ રહેતો નથી અને છતાં અમારી કહાની અટકતી નથી. એક સવાલ પૂછીએ? તમારા લગ્ન વખતે તમારાં મનમાં શું હોય? પહેરવા-ઓઢવાની તો તમને બહુ ચિંતા નહીં હોય પણ મામી, સાસુ કે કાકી સાસુ શું વિચારશે એની પરવા તમે કરો ખરા? અમારે તો લગ્નનાં દિવસે અને લગ્ન પહેલાં હજ્જારો પ્રકારની ચિંતાઓ હોય. પહેરવાનાં કપડાંથી માંડીને ફોઇ સાસુ અને માસી સાસુના ઇગોને પંપાળવાનાં લાખો પેંતરાઓ અમારે અગાઉથી વિચારી રાખવા પડે. અમારે મેનોપોઝ ચાલુ થાય ત્યારે અમારું ડિપ્રેશન ઘરમાં બાળકો પર અને પતિ પર નીકળે. તમારે એવું થાય? મોટી ઉંમરે તમારે જુવાન કઇ રીતે દેખાવું એની ચિંતા સિવાય બીજી કોઇ ચિંતા તમારે હોય? ક્યારેક અમને તમારી બહુ ઇર્ષ્યા થાય...પણ એક વાત કહીએ? ક્યારેક તમે અમારા જેવા જ બનીને પરદા પર દેખાઓ તો? અમારા જેટલી જ જવાબદારી લઇને તમે જીવી શકો ખરાં? અમારે જોવું છે કે અમારા જેવી જ જવાબદારીઓ અને ચિંતાઓ વચ્ચે તમારી ત્વચા માખણ જેવી મુલાયમ રહી શકે છે? ડિપ્રેશનનાં સ્ટ્રેસ ઇટિંગ પછી અમારી જેમ જ તમારી કમર પર ચરબી ઘર બનાવી દે છે? અમારે એ જોવું છે કે લાખોની સાડી પહેર્યા પછી તમે ઘરમાં કેવી રીતે કામ કરી શકો છો? હે પ્રિય હિરોઇનો! જે દિવસે તમે આવું કરી શકશો ત્યારે તમે રિલ લાઇફની જ નહીં પણ રિઅલ લાઇફની પણ અમારી પ્રિય હિરોઇનો બની જશો ! dadawalaesha@gmail.com

અન્ય સમાચારો પણ છે...