લઘુનવલ:'હીરો, હું બે-ત્રણ વરસ મોટો જરૂર હોઈશ, પણ દોસ્તીમાં આપણને તુંકારો વધુ ફાવશે'

22 દિવસ પહેલાલેખક: કિન્નરી શ્રોફ
  • કૉપી લિંક

પ્રકરણ -9

રાત્રિવેળા રિસોર્ટના કોટેજ સામેની લોનમાં પગ લંબાવી બેઠેલા અરેને આભમાં નજર કરી : ગુરુની આજની સાંજે પ્રેસ મીટ પછી સ્પર્ધકો અને મેકર્સની ક્રિયેટીવ ટીમ વચ્ચે ફુલ લેન્ગ્થ ચર્ચા થયેલી. એ પ્રમાણે પ્રથમ સપ્તાહમાં બધાને જનતા સાથે રેપો રચવાની તક મળશે.. એમાંથી ક્રૂને પણ ખબર પડી જશે કે કોની સાથે કોનંુ કેવંુ ઇક્વેશન જામશે. મારે શરૂથી બેડ-બોય તરીકે ઇમ્પ્રેશન જમાવી દેવાની છે! ‘તને ફિનાલે સુધી પહોંચતા કોઇ રોકી નથી શકવાનંુ અને એક કરોડ રૂપિયાનું મની પ્રાઇઝ જીતવામાં તારી બરાબરી કરી શકે એવા ત્રણેક નામ છે. બુટલેગર યાસિન પાસે બદનામ વસતીની, દુ:ખી બાળપણની સ્ટોરી છે...જે દરેકને અપીલ કરવાની. કથાકાર વિઠ્ઠલભાઇના બે લગ્ન થયા છે એ રહસ્યસ્ફોટ પ્રેક્ષકને ચોંકાવી દેવાનો. શગુફ્તા તો પંકાયેલી ડ્રામા કવીન છે જ... ’ ડિનર પછી છૂટાં પડતાં પહેલાં ઝરણાએ બ્રીફ કરવાની ઢબે કહેલંુ, ‘અહીંના દરેક પાત્રને પોતાની ગાથા છે, બાકીમાં એટલિસ્ટ મને તો તારી ટક્કરનું કોઇ લાગતુ નથી..’ ‘તંુ એક નામ ભૂલે છે ઝરણા...’ અરેને કહેલું, ‘શોની મધ્યમાં વાઇલ્ડ કાર્ડના હથિયારથી કોઇની એન્ટ્રી છેને.’ સાંભળીને કેવી ચોંકી ગઇ હતી ઝરણા. ‘તું એના વિશે કંઇ જાણે છે?’ અરેને પૂછતા એણે ઉડાઉ લાગે એવો જ્વાબ આપેલો : દરેક બાબતની મને જાણ ક્યાંથી હોય, હંુ ઓછી પ્રોડ્યુસર છું! પછી ‘ઓલ ધ બેસ્ટ’ કહી અમદાવાદ જવા નીકળેલી. એનું શૂટ શેડ્યુલ વીકએન્ડમાં છે. ‘મેડમ, ચાંદની રાતમાં સૂરીલી તાન છેડો તો મજા આવી જાય!’ ઘૂંટાયેલો સ્વર કાને પડતા અરેને વિચારમેળો સમેટી જોયું તો મોટાભાગના સ્પર્ધકો પોતાની જેમ લોનમાં આવી બેઠા છે. ખરેખર તો આ રિસોર્ટ સેટને અડીને આવ્યો છે, સેટ પર અવરજવર માટે કેવળ ત્રણ મિનિટનું વોક. પ્રેક્ષકોને એવું જ લાગે કે સૌ ‘કારાગાર’માં પૂરાયેલાં છે, પણ શૂટ વચ્ચેના વિરામ દરમિયાન આરામ માટે કોટેજ પર આવતા રહે એવી અનુકૂળતા ક્રુ માટે પણ સવલતભરી હતી. કેવળ ઝરણા-નિરંજનભાઇ જેવા ચાર-પાંચ સિવાય રાઇટર્સથી માંડી મેક-અપમેન સુધીનો સ્ટાફ પણ ત્રણ મહિના અહીં જ રહેવાનો. એમનો ઉતારો જોકે અહીંથી થોડો અલગ, નોર્મલ રૂમ્સમાં છે. અલબત્ત, નો મોબાઇલ પોલીસી તમામ માટે છે. સોશિયલ મિડિયાનાં અકાઉન્ટસ પણ ઓપરેટ નહીં કરવાના, જેથી લોકોને ખાતરી થાય કે અમારા ફેવરિટ સ્પર્ધક ખરેખર કારાગારમાં પૂરાયાં છે! આમાં હવે ગાયિકા રશ્મિને સૂર છેડવાનંુ કહેતાં બુટલેગરને શું જવાબ મળે છે એ તો જોઇએ! અરેન ટટ્ટાર થયો. ‘યા!’ જવાબ જોકે બોલવામા મોંફાટ ગણાતી શગુફ્તાએ આપ્યો, ‘તુ ગા, મેં નાચતી હૂં.’ કહી બેસૂરા અવાજે ગીત લલકારી ઠુમકા માર્યાં. ‘બેન, ટીવી પર એક રાખી બસ છે.’ નાટકના કલાકાર ધનંજયની ટકોરે હાસ્ય પ્રસરી ગયંુ. તો ય ઝંખવાય એ બીજા! ઉલ્ટી શગુફ્તાએ ધનંજય તરફ જઇ વધારે ઠુમકા માર્યા, ‘મેં ઓરિજીનલ હંૂ, સમજા ક્યા!’ અરેનને લાગ્યુ ઓફ એર પણ બાઇ આટલી બિન્ધાસ્ત છે કે પછી શોનંુ રિહર્સલ કરે છે! ‘અહીં ઓરિજિનલ તો આ કથાકાર પણ નથી...’ કલમવીર ત્રિલોકે ઝંપલાવ્યુ, ‘ક્ષમા કરજો, મહારાજ પણ રામાયણની તમારી કથાના અમુક દૃષ્ટાંતો ભૂતિયા લેખકો પાસે લખાવો છો એવુ સાંભળ્યુ છે...’ કફની, ધોતીનો પોશાક અને કપાળે તિલકથી પ્રભાવશાળી દેખાતા પાંત્રીસેક વરસના વિઠ્ઠલભાઇએ જોકે ખભા ઉલાળ્યા, ‘તમારા કાન ક્યાંથી શંુ સાંભળે એ તમે જાણો.’ ‘છતાં, ઇશ્વરને તમે અમારા કરતા વધુ સારી રીતે જાણો એ તો સત્ય ને..’ પત્નીના મર્ડરના આરોપમાંથી માનભેર છૂટેલા જવાહરભાઇએ બધાને એકાગ્ર કરી દીધા, ‘કહો તો, માણસે એવા તે કયાં પાપ કર્યા હશે ત્યારે આ...આ રવિની જેમ ન મરદ, ન ઓરતની જેમ જન્મવું પડે!’ બધાની નજર ટ્રાન્સજેડર રવિકિશન પર ગઇ. એણે સાડીનો છેડો મોં પર દબાવ્યો. અરેનને થયું, લોકોની સિમ્પથી જીતવાની પ્રેક્ટિસ આણે પણ શરૂ કરી દીધી! ‘પાપનો હિસાબ તમે ક્યા માંડો છો, જવાહરભાઇ!’ જવાબ બુટલેગર યાસિન તરફથી આવ્યો. એ આમ પાછો રૂપાળો છે. નાઇટવેરમાં બેઠો છે તો ય આંગળીઓમાં હીરા-સોનાની વીંટીઓને કારણે એનો કેવો વટ પડે છે! પણ એણે જવાહરની બૈરીના કતલના મામલે શું કહેવંુ છે? ‘તમારી બૈરીનો ખૂન કેસ અહીં કોઇથી છૂપો નહીં જ હોય... છતાં જે નથી જાણતા એમને કહી સંભળાવું છું. તમે શહેરના જાણીતા વેપારી. પચાસ-સાઠ કરોડની પાર્ટી. પરિવારમાં ત્રણ જ જણ. તમે, તમારા મધર અને વાઇફ સાવિત્રી... બે વરસ અગાઉની એ વરસાદી રાત્રે તમારા ઘરે ન બનવા જેવું બની જાય છે...’ યાસિનની લઢણ એવી હતી કે કેસ જાણનારા પણ કથામાં જકડાતા ગયા. ‘શહેરથી દૂર આવેલા તમારા બંગલે ચોર ત્રાટકે છે. તમે ત્યારે અમદાવાદમાં જ નથી. કામકાજ અંગે બહાર ગયા છો અને સવારે પરત થવાના છો. વરસાદને કારણે ચોકીદાર એની ખોલીમાં પોઢી ગયો છે. માજી નીચેના રૂમમાં સૂતા છે અને સાવિત્રી મેડીના શયનખંડમાં. ચોરને કદાચ જાણ હતી કે તિજોરી તમારા રૂમમાં રહે છે એટલે પાઇપ વાટે સીધો તમારા રૂમના ઝરૂખે ઉતરી એ જાળીનંુ લોક તોડી રૂમમાં પ્રવેશે છે. જોકે તિજોરી સુધી પહોંચતા પલંગની ધાર સાથે પગ અથડાતા અવાજથી સાવિત્રી જાગી જાય છે... એના મોંમાંથી ‘ચોર’ની ચીસ ફૂટે એ પહેલાં ચોરનો હાથ એના મો પર ભીંસાયો, જોર વધતંુ ગયું, પછી તો એમના પર ચડી બાજુનો તકિયો ઉઠાવી મોં પર દબાવ્યો ને એક તબક્કે સાવિત્રીના હાથપગ હાલતા બંધ થઇ ગયા…’ એકશ્વાસે બોલતો યાસિન હાંફી ગયો, ‘સાવિત્રી મરી ચૂકી હતી!’ ‘સા...વિત્રી!’ જવાહર રોઇ પડ્યો. એની સૌથી નજીક બેઠેલી મોડલ શ્રીલેખાએ પાસે જઇ સહાનુભૂતિથી પીઠ પસવારી યાસિનને કહ્યું, ‘સ્ટોપ ઇટ. વી આર નોટ શૂટિંગ. કોઇનો અંગત જખમ ખોતરવો મેનરલેસ ગણાય.’ જોકે યાસિન પર એની અસર ન થઇ, ‘પરોઢિયે જવાહર ઘરે પહોંચે છે ત્યારે વરસાદ ચાલુ હતો. ચોકીદાર ખોલીમાં જ હતો, પોતાની પાસે રહેતી ચાવીથી જવાહરે ઘર ખોલ્યું ત્યારે માજી પણ એમના રૂમમાં સૂતાં જ હતાં. પણ સીડી ચડી પોતાના રૂમમાં પગ મૂકતા જવાહરની આંખો ફાટી ગઇ: બેડ પર પત્ની મૃત અવસ્થામાં પડી હતી, બાલ્કનીનો દરવાજો ખુલ્લો હતો ને ખુલ્લી તિજોરીમાંથી વીસ લાખની કેશને ત્રીસ લાખના દાગીના ગાયબ હતા!’ જવાહરે રડી પડ્યો: ‘વ્હાય! ચોરને રૂપિયા-ઝવેરાત લૂંટવા હતા તો લૂંટી લેવા હતા, મારી સાવિત્રીને શું કામ મારાથી છીનવી!’ કંઇક બોલવા જતો યાસિન અટકી ગયો, એ અરેને નોંધ્યું. યાસિને પણ એને જોયો. સ્મિતની હળવી આપ-લે થઇ ન થઇ કે વિભૂતિના તીણા અવાજે બેઉનંુ ધ્યાન ફંટાયંુ. ‘હેય, કેન એની વન ટેલ, આજે મોબાઇલ જમા પરાવ્યા પછી જાણવું કઇ રીતે કે આજની પ્રેસ-મીટની મારી પોસ્ટને હાઉ મેની લાઇક્સ મળ્યા?’ ‘મેડમ, તમારી લાઇક્સને તડકે મૂકોને.’ બધા વતી એને ઠપકારી ત્રિલોકે યાસિનને નિહાળ્યો, ‘તમે કહેલી કથા જગજાહેર છે. જવાહરે જ પોલીસને ખૂન-લૂંટની જાણ કરી હતી. પોલીસને જવાહર પર શક નહોતો, એનો ગામબહાર હોવાનો પુરાવો મજબૂત હતો. એ તો સાવિત્રીના પિયરીયાંએ જમાઇ વિરુદ્ધ ફરિયાદ કરેલી: લગ્નના આઠ વરસેય સંતાન ન હોવાથી જવાહરનું મન ઊઠી ગયાનંુ સાવિત્રી હમણાંનંુ કહેતી. જમાઇરાજને ધંધામાં કપરો સમય છે ને સાવિત્રીની કરોડોની પોલિસી ગયા વરસે જ ઉતરાવેલી... બસ, આ આરોપે જવાહરની એરેસ્ટ થયેલી. આરોપ જોકે પુરવાર ન થતા છ મહિના અગાઉ જ એ નિર્દોષ છૂટયા..’ આ ખૂનકેસે શહેરમાં બહુ ચકચાર જગાવી હતી. પોલીસે પૈસા ખાઇ મામલો રફેદફે કર્યાનો પણ સાવિત્રીના પિયરીયાંનો આક્ષેપ છે. સાચંુ ખોટંુ રામ જાણે! ‘કે પછી ખૂની જાણે!’ ત્રિલોકે ઉમેર્યુ, ‘અને એવું કેમ લાગે છે કે યાસિન આ વિષયમાં જ ફોડ પાડવા માગે છે?’ યા, પાપના હિસાબવાળું યાસિનનંુ વાક્ય તો કઇ આવંુ જ સૂચવે છે! અરેનની જિજ્ઞાસા સળવળી: જવાહર કોર્ટમાંથી ભલે છૂટ્યો, ખરેખર ખૂનમાં સંડોવાયેલો પણ હોય! પત્નીનો વીમો પકવવા ‘ચોર’ને એણે જ મોકલ્યો હોય... કે પછી એ પોતે જ ખૂની હોય! ગુનાની દુનિયા સાથે સંકળાયેલા યાસિનને કોઇક રીતે ભીતરના ભેદનો અણસાર હોય પણ ખરો! યાસિને જોકે સૌને નિરાશ કર્યા, ‘મારા કહેવાનો ગલત અર્થ મત નિકાલો. કોર્ટે જેને નિર્દોષ માન્યો એને ગુનેગાર કહેવાવાળો હંુ કોણ!’ ‘બુટલેગર યાસિન, જેના નામના સિક્કા પડે છે!’ કથાકાર વિઠ્ઠલભાઇએ વજનદાર અવાજે કહી સોપો સર્જી દીધો. કાણાને કાણો કોઇ કહેતંુ નથી. કોને ખબર, પોતાની આવી ઓળખે યાસિન ઉશ્કેરાઇ જાય, છેવટે તો ગુંડો જને! એ જોકે હસતો રહ્યો, ‘કથાકારજી, પોલીસ ખાતામાં આપણો રેકોર્ડ સાફ છે. મને બુટલેગર કહી વગોવો નહીં. આ વખતે ઇલેક્શનમાં ઉભા રહેવાનો વિચાર કરું છું.’ ‘તમને વાંધો નહીં આવે.’ પહેલી વખત પર્યાવરણવાદી મેઘનાબહેને હાજરી પૂરાવી, ‘પોલિટિક્સ આમેય નામચીન લોકોનંુ જ ક્ષેત્ર છે.’ ‘દંભી અને દેશદ્રોહી કરતા નામચીન સારા. કમસેકમ પર્યાવરણનો આંચળો ઓઢી વિદેશી ફંડિગથી દેશની પ્રગતિમાં બાધારૂપ તો નથી બનતા! તારું શું કહેવંુ છે, હીરો?’ યાસિને સીધું અરેનને પૂછતા બધી નજર એને તાકવા લાગી. અરેન મલક્યો, ‘મારે એ જ કહેવું છે કે હવે રશ્મિ ગીત છેડે તો અહીંનંુ પર્યાવરણ બગડતું અટકી જાય’ રશ્મિએ તૈયારી આરંભી અને એટલામાં યાસિન ઉઠીને અરેનની બાજુમા ગોઠવાયો, ‘ભારે શાણો છે દોસ્ત!’ ‘યાસિનભાઇ...’ ‘દેખ, હીરો, હંુ તારાથી બે-ત્રણ વરસ મોટો જરૂર હોઇશ, પણ દોસ્તીમાં આપણને તુંકારો વધુ ફાવશે.’ આમાં દંભ નહોતો, ગણતરી નહોતી. અરેનને સાચે જ એ મિત્ર જેવો લાગ્યો. ‘ઠીક છે, યાસિન... પણ મને કેમ એવું લાગે છે કે જવાહરની પત્નીના ખૂન બાબત તમે કંઇક વધુ, વિશેષ જાણો છો...’ ‘તારી ધારણા સાચી છે... પત્નીનાં ખૂનનંુ પ્લાનિંગ જવાહરનંુ જ હતંુ.’ કાનમાં કહેવાયેલા શબ્દોએ અરેનને કંપાવી દીધો. ‘વીમો?’ અરેને મોટિવ પૂછ્યો. યાસિન મલક્યો, ‘તારે બધું આજે, અત્યારે જ જાણી લેવંુ છે?’ પછી ગજવામાંથી સિગારેટ કાઢી, સળગાવી, ‘ત્રણ મહિના સાથે રહેવાનંુ છે, અહીંથી જતા પહેલાં તને બધું કહી દઇશ, બસ!’ પછી કશ લઇ ઉમેર્યુ, ‘ત્યાં સુધી તું પણ વિચાર, આઠ-આઠ વરસના સહજીવન પછી પતિએ પત્નીને મારવાનું બીજંુ કયંુ કારણ હોય?’ કહી ધૂમાડો ફેંકતો યાસિન તો પાછો પોતાની બેઠકે જતો રહ્યો, પણ અરેન તર્કવિતર્કના આટાપાટામાં અટવાઇ ગયો! ત્યાં રશ્મિએ લતાજીનંુ ગીત છેડ્યું : સાવનકે ઝૂલે પડે... અને અરેનને તીવ્રપણે રેવા સાંભરી ગઇ. (ક્રમશ:)

અન્ય સમાચારો પણ છે...