સ્વાસ્થ્ય:સ્વાસ્થ્ય :સૌથી મોટું ધન

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

તમે તમારા સ્વાસ્થ્યને લઈને હવે ચોક્કસ થોડા વધારે સજાગ થઈ ગયા છો. યોગ, પ્રાણાયામ અને વોકનો તમારી રોજિંદી એક્ટિવિટીમાં સમાવેશ કરી લીધો હશે, પણ તમારી જાતને પૂછો કે શું આટલું પૂરતું છે? શું તમે શરીરને પોષણ મળે એવો સંતુલિત આાહાર લઈ રહ્યાં છો? તમે તમારી ઉંમર મુજબ નિયમિત બોડી ચેક-અપ કરાવી રહ્યાં છો કે પછી હંમેશાંની જેમ બીમાર પડવાની અથવા તકલીફ વધવાની રાહ જોઈ રહ્યાં છો? શું તમે જાણો છો કે તમારી ઉંમરમાં કઈ સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ તમને થઈ શકે છે? તમે એવું તો નથી વિચારતાને કે અન્ય કોઈ તમારી આ બધી બાબતોનું ધ્યાન રાખે? કોરોનાકાળે એ તો શીખવી દીધું છે કે સ્વાસ્થ્ય છે તો બધું છે. તમે સ્વસ્થતાથી કામ કરી શકો, જીવનનો આનંદ માણી શકો એ માટે તમારે સ્વસ્થ રહેવું જરૂરી છે. ફાઈનાન્સ : વિશ્વાસનો અનુભવ સ્વાસ્થ્ય પછી જીવનમાં બીજી અગત્યની જરૂરિયાત છે એ છે ‘ધન’. વર્તમાન અને ભવિષ્યનો વિશ્વાસ આ સાથે જોડાયેલો છે. આ પ્રત્યે તમે કેટલા જાગૃત છો? આ માત્ર કમાણી કરવાની કે આવકમાં વધારો કરવાની વાત નથી. નાણાકીય જ્ઞાન નિર્ણય લેવાના આત્મવિશ્વાસ સાથે પણ જોડાયેલું છે. ઘણી નોકરી કરતી મહિલાઓ પણ એ વાતથી સહમત છે કે, હિસાબ-કિતાબ, રોકાણ કરવું આ બધું પુરુષોનું જ કામ છે. પ્રશ્ન એ છે કે, તમે જીવનના દરેક ક્ષેત્રમાં આગળ વધી તેમાં સક્રિય છો તો નાણાકીય બાબતોમાં કેમ નહીં? તમે નોકરીયાત હો કે ગૃહિણી હો જો નાણાકીય આયોજનમાં રસ દાખવશો તો બચત, રોકાણ, ટેક્સ વગેરે બાબતોથી પણ માહિતગાર રહેશો. ઘરમાં જ્યારે પ્રોપર્ટી અંગે વાત થતી હશે ત્યારે તેમાં તમારો દૃષ્ટિકોણ પણ આવકાર્ય હશે. તમે માહિતગાર હશો તો એક મહિલાની તરીકે સલાહ પણ આપી શકો છો. આમ જે પણ નિર્ણય લેવાશે તેમાં કોઈ પણ પાસાથી તમે અજાણ નહીં હો. રોજિંદી જરૂરિયાતની ખરીદી તમે જ કરો છો. બજેટ અંગે જાણ્યા બાદ તમે તમારા ખર્ચા પર નિયંત્રણ રાખી શકશો અને જરૂરિયાત મુજબ જ ખરીદી કરશો. વૈજ્ઞાનિક તારણ છે કે, મહિલાઓ પુરુષની સરખામણીમાં વધારે જીવે છે. આ વાતને ધ્યાનમાં રાખતાં પાછળથી કોઈ મુશ્કેલી ન થાય એ માટે પણ નાણાકીય જ્ઞાન હોવું જરૂરી છે. આ ઉપરાંત બા‌ળકોને માતા પ્રત્યે વધારે લગાવ હોય છે. તેમને પણ નાણાકીય બાબતોથી માહિતગાર કરવા માટે તમારી પાસે નાણાકીય જ્ઞાન હોવું જરૂરી છે. ટેક્નિક : સગવડ અને સ્થિરતા છેલ્લી એક સદીમાં ટેક્નોલોજીને કારણે મહિલાઓમાં ઘણું પરિવર્તન જોવા મળ્યું છે. પહેલાં એક સામાન્ય મહિલાનો આખો દિવસ અથવા કહી શકો કે આખું જીવન રસોડામાં કે અન્ય ઘરેલું કાર્યમાં પસાર થઈ જતું હતું, પણ વર્તમાનમાં ટેક્નોલોજીના પગપેસારના કારણે સગવડો અને આ સાથે સમયમાં પણ વધારો થતો ગયો. મહિલાઓને પોતાનો ‘મી ટાઈમ’ મળવા લાગ્યો. ટેક્નોલોજી કોઈ ભારેખમ શબ્દ નથી જેનાથી તમે દૂર ભાગો. ખાયણી-દસ્તો પણ એક ટેક્નિક હતી અને મિક્સર પણ એ જ છે. નળ હોય, રસોઈ કરવા વપરાતો ગેસ હોય કે પછી એલઈડી બલ્બ હોય... જેમ જેમ ટેક્નોલોજીનો પ્રવેશ થતો ગયો તેમ તેમ જીવન સરળ બનતું ગયું, તો પછી આટલી ઉપયોગી વસ્તુથી માહિતગાર થવામાં ખચકાટ શું કામ! સૌથી અગત્યની વાત એ કે ટેક્નોલોજીથી ક્યારેય ગભરાવું નહીં. જે વસ્તુ તમને આત્મનિર્ભર બનાવી શકે છે, તેના માટે જ અન્યો પર નિર્ભર રહેવું એ કેટલું વ્યાજબી છે? સ્વાસ્થ્ય, ફાઈનાન્સ અને ટેક્નોલોજી…આ ત્રણેય બાબતો અલગ અલગ હોવા છતાં એકબીજાની પૂરક છે. ટેક્નોલોજી પ્રત્યે જાગૃત રહેવાથી તમે સ્વાસ્થ્ય અંગે માહિતગાર રહેશો. નાણાકીય બાબતોની સમજ હશે તો આત્મવિશ્વાસ સાથે સ્વાસ્થ્ય, રસોઈ વગેરે જેવા સાધનોની ખરીદી માટે નિર્ણય લઈ શકશો. એપ, ઈન્ટરનેટ વગેરેની જાણકારી સ્વાસ્થ્ય અને નાણાકીય જ્ઞાન વધારવામાં મદદરૂપ રહેશે. આર્થિક રીતે તમે પગભર હશો તો સ્વાસ્થ તેમજ અન્ય બાબતો માટે તમે ચિંતામુક્ત થઈ ખર્ચ કરી શકશો. આ રીતે તમારું જીવન ઉત્તમ થતું જશે અને આ બધું શક્ય બનશે જાત પર વિશ્વાસ રાખવાથી!

અન્ય સમાચારો પણ છે...