હળવાશ:‘માથું કોઈ પણ કારણસર દુખી શકે છે, એ માટે ઉનાળાને બદનામ ન કરો’

એક મહિનો પહેલાલેખક: જિગીષા ત્રિવેદી
  • કૉપી લિંક

બહુ ગરમી ભઈસાબ...’ ‘કસુ નઇ હવે... એ તો આપડે બહુ ગરમી... બહુ ગરમી... એવું બોલ બોલ કરીએ એટલે લાગે... બાકી એની સિજન છે તો પડે તો ખરી જ ને યાર... આપડે કોક વાર વધારે ગેસ્ટો હોય છે, તો છાનામાના રાહોડામાં કામ કરીએ છીએ કે કામના નામનું ગીત ગા ગા કરીએ છીએ? અને એં, કોઈ બી વસ્તુ, તમે ફીલ કરો એટલે જ લાગે.’ ‘તો ય... આ ઉનાળો નઇ હારો... તડકામાં બહાર જઈએ, એટલે માથું તો દુખે યાર.’ ‘ના ના ના ના... એસા ઝરૂરી નઇ હૈ... માથું કોઈ બી કારણસર દુખી સકે છે... આપડાને ખાધાની ખબર ના પડે, તો દરેક સિજનમાં દુખે... એ માટે ઉનાળાને બાપડાને બદનામ કરવાની કોઈ જરૂર નથી... તમે માત્ર તડકાને જ જવાબદાર ઠેરવો એ યોગ્ય નથી.’ ‘પણ એના માટે તમે તડકાને સાવ નકારી બી ના સકો.’ રેખાબહેન અને કલાકાકીનો વાર્તાલાપ ચાલતો’તો, ત્યા હંસામાસીએ તપાસ આદરી, ‘એજજેટલી તમને દુખે છે ક્યા? આઇબ્રોની ઉપર? કે આજુબાજુના લમણા પર?’ ‘અરે યાર... એટલી બધી સુ પડપૂછ કરવાની...? દવા લઈ લો એટલે પાર આવે...’ કંકુકાકી આટલું બોલ્યા... ત્યાં તો સવિતાકાકીએ તુટી પડ્યા એમના ઉપર, ‘હાય હાય... માથાના દુખાવામાં તે કંઇ દવા લેવાતી હોય! એક તો આપડા સરીરમાં કસુ નાનું મોટું નાનું મોટું તો થયા જ કરતું હોય... એમ આ દવા જઈને બધંુ કન્ફયુજન ઊભું કરે... અને મારા જેવાને તો લોચો જ પડે... એક તો બીપી ને ડાયાબિટીસની દવા ઓલરેડી પેટમાં જતી જ હોય... એમાં આ દવા ય જાય, એટલે ત્યાં ટ્રાફિક જામ... અને એમાં ય વળી માથા વાળી દવાને તો નીચે જઈને પાછું જવાનું તો ઉપર જ...’બધાને થોડા વિચારમાં પડેલાં જોઈને એમણે આગળ ચલાવ્યું, ‘તમે જ વિચારોને, તમને કસુ થાય છે, તો દવા ક્યાં નાખો છો? પેટમાં જ ને? હાંભળો, પેટનું એજજેટ પોસ્ટઓફિસ જેવું હોય... પહેલાં મેઇન પોસ્ટઓફિસે બધી ટપાલો જાય, પછી ત્યાંથી એ લોકોને એરિયાવાઈજ જુદી પાડે... આમાં બી પહેલા દવા પેટમાં જાય, પછી દરેક પોતપોતાનાં એરિયામાં જાય... હવે નીચે ને નીચેના અવયવોની તો એટલામાં ફટાફટ જતી રહે, પણ માથાવાળીને છેક ઉપર જવાનું એટલે એનો રુટ લાંબો થઈ જાય, ને ત્યાં પહોંચતા વાર લાગે... આપડે સુરેન્દ્રનગરથી વઢવાણ જવું હોય તો અમદાવાદ થઈને જઈએ? ‘ના...’(મારા સહિત બધાએ એક સાથે ના પાડી) ‘બસ તો પછી... માથાના દુખાવામાં દવા તો ના જ લેવાય. એના કરતાં બામ લગાઈ દો, એટલે સીધો ત્યા જ એટેક થાય... અને એં, આમ ચપટીમાં માથું ઉતરી જસે.’ એમણે સચોટ ઈલાજ બતાવ્યો... ‘અરે ના હો... જોજો ભૂલેચૂકે ય બામ લગાડતા... એનાથી માથું ઉતરસે એની કોઈ ગેરંટી નથી, ઊલટું કપાળે કલર ચડી જસે કાળો... એની એકસોને દસ ટકા મારી ગેરંટી... કાળું મેશ કપાળ હારુ નઇ લાગે... એકેય રંગનો ચાંદલો ય સેટ નઇ થાય.’ લીનાબહેને એમને ખોટું કરતાં વાર્યા... અને સમજાવ્યું, ‘જો, કોઈ બી દુ:ખાવામાં તમે બામો કે ટ્યુબો કે મલમો લગાડો, એટલે પત્યું... તમે ગયા... ભલે તમને નરી આંખે ના દેખાય, પણ ચામડી એકસોને દસ ટકા કાળી પડી જ જાય... તમે જ કહો, તમે એ લગાડો, એટલે બળે છે કે નઇ? અને બળે એટલે વસ્તુ કાળી પડી જ જાય. એક ને એક બે જેવી વાત છે...’ ‘આ દવાની ના પાડે છે... તમે બામની ના પાડો છો... તો કરવાનું સુ?’ રેખાબહેન મૂંઝાયા... ‘વધારે મસાલાવાળી ચા પી લો... મસાલો જ માથું મટાડશે... જો, મસાલો ગળે અટકશે, એટલે અંતરસ જશે... એટલે નાક સુધી તો પહોંચી જ ગયો... બે ત્રણ અંતરસે તો મસાલો સીધો માથે... દુખાવાની વાર્તા પૂરી.’ હંસામાસીએ યથાશક્તિ ઈલાજ બતાડયો, પણ લીનાબહેને એનો ય વિરોધ કર્યો, ‘ના ના... અંતરસ ના ગઈ તો? ખોટું નાકની નસો ડિસ્ટોપ થાય... એ લોચો પડે યાર...’ ‘રૂમાલ બાંધી દો કચકચાઈને...’ કલાકાકીએ નવો ઈલાજ સૂચવ્યો... પણ આમાંય લીનાબહેને તે જ ક્ષણે વિરોધ દર્શાવ્યો, ‘‘ના હોં... કસુ બી બાંધો, એટલે વસ્તુ સંકોચાય... કપાળ નાનું થઈ જસે. આ તો મને ખબર છે એટલે તમને ચેતવ્યા, પછી એમ ના થાય કે જાણતા’તા તો પહેલા કહેવું’તું ને.’ અને માથાના દુખાવા વિશે નિદાન કરીને વિગતે સમજાવ્યું..., ‘જો, માથું દુખે છે, એનો અર્થ જ એ, કે લોચો ઉપર છે... તમારા મન મગજમાં. બરાબર? તો પછી ઈલાજ ય ઉપરના એરિયાનો જ કરો... એટલે કે, મનને બીજે વાળો... એનો કોન્ટ્રાસ ચેન્જ કરો... સૌથી નિર્દોષ ઈલાજ આ જ છે... જો, આ આપડે કોઈ રોડે કામ ચાલતું હોય છે, તો હેરાન થવાને બદલે બીજા રોડે જઈએ છીએ ને? એવું...’ માની ગયા બોસ. ખરેખર નિર્દોષ ઈલાજ... અઘરા શબ્દો : કોન્ટ્રાસ – કોન્સન્ટ્રેશન

અન્ય સમાચારો પણ છે...