તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કવર સ્ટોરી:એને દુનિયાની સૌથી જૂઠાંબોલી વ્યક્તિનો ખિતાબ આપવો જોઇએ

એષા દાદાવાળા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બએ ખૂબ જિદ્દી હોય. એની જીદ વચ્ચે આપણે પીસાતા રહીએ ક્યારેક. તારું વજન વધી ગયું છે આવું કહેતી રહે પણ ડાયેટિંગનાં બધા જ પ્લાન પર પાણી પણ એ જ ફેરવતી રહે

એ બહુ સરળતાથી જુઠ્ઠું બોલી શકે છે. નાની નાની વાતોમાં એ જુઠ્ઠું બોલે. ખૂબ ભૂખ લાગી હોય તો પણ એવું કહી શકે કે મને ભૂખ લાગી જ નથી. સ્વમાન પર ઘા થયો હોય પછી પણ ખડખડાટ હસી શકે. ફિલ્મો જોવાનાં શોખને સાડીઓની થપ્પી નીચે મૂકી એ એવું કહી શકે કે મને પણ તારી જેમ ફિલ્મો સાવ બોરિંગ લાગે છે. કયારેક એને પૂછીએ કે તું સુખી છે ને? ત્યારે પણ એ જુઠ્ઠું બોલે. એને દુનિયાની સૌથી જૂઠ્ઠાંબોલી વ્યક્તિનો ખિતાબ આપવો જોઇએ. જીવનભર જુઠ્ઠું બોલતા રહેવાનાં ભયંકર ગુનાસર એને આજીવન સુખની સજા ફટકારવી જોઇએ. એ બહુ અજીબ હોય છે. મારી હોય કે તમારી હોય, મા મૂળે અજીબ હોય છે. નળમાંથી પડતાં પાણીના ધોધને એ નાયગરા સમજી લે. આંખમાં આવી જતાં પાણીને વરસાદ સમજી લે. એ માને છે એ સત્ય નહીં, આપણે બોલીએ એ જ એનાં માટે સત્ય હોય છે. એ દૂરનું જોઇ શકતી હોય છે એટલે એને ચશ્મા પણ વહેલાં આવી જાય છે. આપણી જેમ લેન્સવાળી આંખો એને ફાવતી નથી. લેન્સ પહેરાવો એટલે ‘સપનાંઓ ઝૂમ થઇ જાય છે’ની બૂમો પાડે છે. એ પણ ફેસબુક પર એકાઉન્ટ રાખે છે. ફેસબુક પર લોગ ઇન થઇ આપણે ઓનલાઇન છીએ કે નહીં એ જોતી રહે છે. આપણી જાસૂસી માટે નહીં, આપણે સલામત છીએ કે નહીં એની ખાતરી કરવા. એને યાદશક્તિમાં કોઇ નહીં પહોંચે. ભૂરા રંગનું ચેક્સવાળું શર્ટ કબાટમાં ડાબી બાજુએ ત્રીજી થપ્પીમાં છેલ્લેથી બીજું પડ્યું છેથી લઇને બટાકાનાં શાકમાં રાઇનો વઘાર નથી ભાવતો સુધીનું બધું જ એને કડકડાટ યાદ હોય. મોટેભાગે એ ભૂતકાળમાં જ જીવે. પાણીની અછત હોય એમ આંસુઓને પીવે. બ્યૂટી પાર્લરમાં જઇ ચહેરા પર પડી ગયેલી કરચલીઓને સીધી કરવાની મથામણો કરતી રહે. કન્સિલરથી આંખોની નીચે આવી ગયેલા કુંડાળાઓ છૂપાવતી રહે. ડાઇ કરેલા કાળા વાળની પાછળ કેટકેટલાં અંધારાઓ સાચવી રાખે. વરસાદમાં ભીના થયેલા આપણને ટુવાલથી કોરાં કરતાં કરતાં આંખ સામે આવી ગયેલાં વાદળાંને પણ એ લૂંછી નાખે. સવારે ભાત મૂકતી વખતે મુઠ્ઠીમાં ચોખાનું માપ લેતી આપણી મા વહાલ વરસાવતી વખતે, ચિંતા કરતી વખતે, કાળજી લેતી વખતે બધું પ્રમાણભાન ભૂલી જતી હોય છે. જો જે હં…બારીમાંથી મોઢું બહાર નહીં કાઢતો…આપણે ફ્લાઇટમાં ટ્રાવેલ કરી રહ્યા હોઇએ ત્યારે પણ એ આવી સલાહ આપી શકે. આપણે સ્કાય ડાઇવિંગ કરવાનાં હોઇએ તો આકાશ જમીન પર કેમ નથી?નો અફસોસ કરે. તીખું ખાઇ લીધા પછી આપણને એસિડિટી થાય તો લાલ લીલાં મરચાં સાથે ઝગડો કરે. એ ખૂબ જિદ્દી હોય. એની જીદ વચ્ચે આપણે પીસાતા રહીએ ક્યારેક. થાળીમાં ભૂખ કરતા વધારે પીરસે. ટિફિનબોક્સમાં મૂકેલી રોટલીઓ પર વધારે ઘી લગાડે. તારું વજન વધી ગયું છે આવું કહેતી રહે પણ ડાયેટિંગનાં બધા જ પ્લાન પર પાણી પણ એ જ ફેરવતી રહે. માને કંઇપણ કહી શકાય. તને કંઇ જ સમજ નથી પડતીથી લઇને તું મારી મા કેમ છે આવું પણ એને પૂછી શકાય. આપણે જ ગુસ્સામાં એલફેલ બોલી દઇએ એવું નથી હોતું, એ પણ ક્યારેક ગુસ્સામાં ઘણું બોલી નાંખે. પછી રડી પડે. તું હોસ્પિટલમાં બદલાઇ ગયેલીથી લઇને તું મારા પેટે કેમ જન્મી એવું પણ એ કહી શકે. ‘તું મા બનશે ત્યારે તને સમજાશે’ આ એનું અંતિમ શસ્ત્ર હોય. મને લાગે છે કે આવું કહેતી વખતે એનો ઉદ્દેશ આપણને પાઠ ભણાવવાનો ઓછો અને આપણા સંતાનો આપણને સમજવામાં ભૂલ ન કરે એવો વધારે હશે. દરેક મા થોડીક નેગેટિવ હોય છે. ખરાબ વિચારો એના મનમાં પહેલા આવતા હોય છે. ‘આ તારો દોસ્ત છે ને એ તને બનાવે છે’ આવું માનતી રહેતી આપણી મા આપણે મોડા પડીએ તો રસોડાથી ડ્રોઇંગરૂમ કોઇ મંદિરની પરિક્રમા ફરતી હોય એમ ચક્કર લગાવતી રહે છે. એણે મનમાં ધારેલા દિવા રસોડાનાં પાણિયારે સૂરજ થઇને ઊગી નીકળતા હોય છે. પપ્પાને કહી દઇશ…આવું કહી આપણને ચૂપ કરાવવાની કોશિશ કરે ત્યારે એનો ઉદ્દેશ પપ્પાથી ડરાવવાનો સહેજ પણ નથી હોતો. આ ઘરમાં સામ્રાજ્ય તો પપ્પાનું જ છે એવું જતાવવાનો હોય છે. તમારી માને ક્યારેક ઓબ્ઝર્વ કરજો. તમને એન્જિનિયર કે ડોક્ટર બનાવવા ઇચ્છતી તમારી મા તમને ક્યારેય એવું નથી કહેતી કે સંઘર્ષ તો મેં પણ કરેલો…હું પણ આ જ તકલીફો વચ્ચેથી પસાર થયેલી…! એણે ભોગવેલી તકલીફો વચ્ચેથી આપણે પસાર ન થવું પડે એ માટે એ ઇશ્વરને ચુનૌતીઓ આપતી ફરે છે. મા પાસે બે વાતો શીખવા જેવી હોય છે. એક...જીવનમાં શું કરવું એ અને બે...જીવનમાં શું ન કરવું એ પણ. લાગણીનાં આવેશમાં તમારી મા કંઇપણ કરી શકે છે. નિર્ણયો લેતી વખતે મોટાભાગે એ દિમાગનો ઉપયોગ કરતી જ નથી હોતી. મા એ મા બીજા બધા વગડાનાં વા...આ કહેવત એમનેમ નથી પડી. આપણે રવિવારે મધર્સ ડે ઉજવ્યો. કેટલાકે માને થેન્ક યુ કહ્યું હશે. કેટલાક હેપ્પી મધર્સ ડે કહીને માને વળગી પડ્યા હશે. કેટલાકે એનાં માટે લંચ બનાવ્યું હશે. કેટલાકે વગેરે…વગેરે…ઘણું કર્યું હશે. હવે તમે તમારી જાતને એક સવાલ પૂછજો. તમારી માએ રિટાયર ક્યારે થવાનું? તમને મતાધિકાર મળે એ પછી? તમારી કોલેજ પૂરી થાય પછી? તમે નોકરીએ જવા માંડો પછી? તમે પરણી જાવ પછી? તમારે ત્યાં છોકરાઓ આવે પછી? તમારા છોકરાઓ મોટાં થઇ જાય પછી? ક્યારે? દરેક માએ રિટાયર થવું જોઇએ. રસોડામાંથી, જવાબદારીઓમાંથી. ડાઇનિંગ ટેબલ પહેલા ભીના કપડાંથી અને પછી કોરા કપડાથી ન લૂછાશે તો ચાલશે. પણ આંખો પર બાઝી ગયેલો ભેજ લૂછાય એ જરૂરી છે. રોટલી સહેજ જાડી કે પાતળી થશે તો ચાલશે પણ વર્તુળાકારે દોડી દોડી થાકી ગયેલાં શરીરને હવે આરામ આપવો જરૂરી છે. દરેક મા પાસે પોતાની બચત હોય છે. જીવાઇ ગયેલી અને જીવવા ધારેલી પળોની બચત. રિટાયરમેન્ટ પછી આ બચતને એણે દિલ ખોલીને વાપરી નાંખવી જોઇએ. બાકી, મા પાસે જીવવા જેવું ઓછું પણ જીવાડવા જેવું ખૂબ બધું હોય છે. dadawalaesha@gmail.com

અન્ય સમાચારો પણ છે...