વુમનોલોજી:સુખ, સંતોષ અને સાર્થકતાનું માપન કર્યું છે?

એક મહિનો પહેલાલેખક: મેઘા જોશી
  • કૉપી લિંક

પલ્સ રેટ, બ્લડ પ્રેશર કે હિમોગ્લોબિનના માપનની જેમ હવે આનંદ, ખુશી, સુખ અને સંતોષના માપનયંત્રો અંગે કામ શરૂ થઇ ગયું છે. એક સામાન્ય નાગરિક ખુશ છે કે નહીં તે અંગે ઘણા દેશમાં હેપ્પીનેસ ઇન્ડેક્સ મપાય છે જેમાં મનોવૈજ્ઞાનિક, સોશિયલ વર્કર, મેડિકલ પ્રેક્ટિશનર અને અન્ય ટીમ મેમ્બર દ્વારા સર્વે પણ થાય છે અને જરૂર પડે ત્યાં ઇનપુટ અપાય છે. યુએઈના એક નાનકડા દેશમાં ‘હેપ્પીનેસ મિનિસ્ટ્રી’નું નિર્માણ થયું છે. દિલ્હીની શાળાઓમાં હેપ્પીનેસ વર્ગની શરૂઆત થઇ. અતિ તેજ ગતિએ રોજ વિકસિત થતા વિશ્વમાં હવે નવી શોધની નવાઈ નથી રહી, પરંતુ એક સામાન્ય નાગરિકના સુખ અને આનંદ માટે હવે ગંભીરતા સાથે વિચારીને નક્કર પગલાં લેવા જરૂરી બન્યા છે. જેમ જેમ વિશ્વ મૂડીવાદી બનતું ગયું તેમ તેમ ભૌતિક સુખનું લિસ્ટ ઝડપથી બદલાતું ગયું. પહેલાં બહુમતી સમાજના સુખ અને આનંદ મહદંશે સમાન હતાં, પરંતુ સુખ પૈસાથી કમાઈ શકાય એ વિચાર માત્રથી જ તેના પેરામીટર બદલાઈ ગયા. જેટલી આર્થિક સધ્ધરતા વધુ એટલા સુખ મેળવવાના વિકલ્પ વધુ અને જેટલા વિકલ્પ વધુ એટલી સુખની અનુભૂતિ પૂરી થઇ જવાની અવધિ પણ ઘટી. વ્યાપાર અને લાઈફ સ્ટ્રેટજિસ્ટ ટોની રોબિન્સે આનંદ અને સુખ માટે ઉદાહરણ આપીને એક સરસ વિચાર આપ્યો હતો. ટોનીએ કહ્યું કે, ‘સંતોષ પ્રોગ્રેસિવ એટલે કે વધતા ક્રમમાં હોય ત્યારે તે બરાબર હોય છે. તમે તમારી જરૂરિયાતને સંતોષી લો, એનો અર્થ એવો નથી કે તમે બીજા કશા માટે હવે પ્રયત્ન નહીં કરો. પછી માત્ર વસ્તુ જ બદલાશે. ધારોકે મને ત્રણ હજાર ડોલરનો જેકપોટ લાગ્યો, મને સંતોષ ના થયો અને બીજી વાર હું હારવા માટે રમ્યો. આનંદ મેળવવાનું એકમાત્ર સિક્રેટ છે પ્રગતિ. લક્ષ્ય પર પહોંચવું એ સંતોષજનક છે પરંતુ અલ્પ સમય માટે. જીવનમાં કોઈ પણ ધ્યેય પર પહોંચ્યા પછી આનંદિત થવાનો અનુભવ મહિનો, છ મહિના કે વર્ષ ચાલે છે? કારણકે જીવન એ લક્ષ્ય સિદ્ધ કરવાનો સંતોષ નથી પરંતુ લક્ષ્ય પર પહોંચવાની પ્રક્રિયા છે.’ આપણે જાણીએ છીએ તેમ આનંદ કે ખુશી એટલે શરીર અને મનને ગમે એવો અનુભવ. શરીર વિજ્ઞાનમાં કેટલાક અંતસ્રાવોને ‘હેપ્પી હોર્મોન’ તરીકે ઓળખવામાં આવે છે. આપણે સામાન્ય બોલચાલની ભાષામાં પણ સાંભળ્યું છે કે ક્રિકેટની રસાકસી જોઈને ડોપામાઈન રશ થયું. સારો અનુભવ હોર્મોનનો સ્રાવ વધારે કે હોર્મોનના સ્રાવને કારણે ‘સારું’ લાગે એ આમ તો મરઘી પહેલાં કે ઈંડા પહેલાં જેવો કોયડો છે. આપણે સમજવું હોય તો એટલું જ કરી શકાય કે શરીરને પૂરતો સહકાર આપીએ જેથી જરૂરી હોર્મોનનો સ્રાવ નિયંત્રિત અને સંતુલિત રહી શકે. આથી જ સુખનો કે આનંદનો વૈયક્તિક અનુભવ વધારવા માટેની મુસાફરી આંતરિક જગતથી બાહ્ય જગત તરફની હોવી જરૂરી છે. આનંદ અવકાશયાનમાં બેસવાથી મળે કે બીજી વ્યક્તિ ભોંય ભેગી થાય એનાથી મળે એ નિર્ણય તમારો છે. સંત રાબિયાની એક જાણીતી કથા છે. એક વખત રાબિયા એમની ઝુંપડીની બહાર સોય શોધતા હતા, ગામના લોકોએ રાબિયાને મદદ કરી. ઘણા પરિશ્રમ પછી એક ડાહ્યા વ્યક્તિએ પૂછ્યું કે, ‘સોય ક્યાં ખોવાણી હતી?’ રાબિયાએ કહ્યું કે એ તો ઝૂંપડામાં ખોવાઈ હતી. ‘તો કેમ તમે અહીં શોધો છો?’ એવા સવાલના જવાબમાં રાબિયાએ જવાબ આપ્યો, ‘કારણકે પ્રકાશ તો અહીં છે.’ ગામલોકો અકળાયા ત્યારે રાબિયા એ કહ્યું કે એ જ તો હું કહેવા માગુ છું. જે જ્યાં ખોવાયું હોય ત્યાં જ શોધાય, જાતમાં ડોકિયું કરીએ તો વિશ્વ સમજાય.meghanajoshi74@gmail.com

અન્ય સમાચારો પણ છે...