વુમનોલોજી:સપનાં પૂરાં કરવાનું સાહસ છે?

18 દિવસ પહેલાલેખક: મેઘા જોશી
  • કૉપી લિંક
  • હવે દૃશ્યો બદલાયાં છે. રાષ્ટ્રની સીમા અને સલામતીની બાબત હોય કે નવા ઉદ્યોગની શરૂઆત કરવાનું સાહસ હોય...આગવી ઓળખ સાથેની સ્ત્રી તમને દેખાશે

સ્ત્રી અને સાહસ, સ્ત્રી અને સ્વાવલંબન, સ્ત્રી અને સત્તા, સ્ત્રી અને વ્યાપાર. આ દરેક જોડકાં સમાજમાં જોડકણાં જેવા હતા. સ્ત્રી હંમેશાં પુરુષની સપોર્ટ સિસ્ટમ અને સહયોગી રહી છે. આથી તે કોઈ પણ નવી કે સાહસિક પ્રવૃત્તિની શરૂઆત કરે તે સમાજની અપેક્ષાની બહાર છે. હવે દૃશ્યો બદલાયાં છે. રાષ્ટ્રની સીમા અને સલામતીની બાબત હોય કે નવા ઉદ્યોગની શરૂઆત કરવાનું સાહસ હોય...આગવી ઓળખ સાથેની સ્ત્રી તમને દેખાશે. વિશ્વના સૌથી સફળ અને પ્રતિબદ્ધ ઉદ્યોગ સાહસિક ગણાતા સ્ટીવ જોબ્સ માટે એમ કહેવાય છે કે એમનું સૌથી મોટું પ્રેરકબળ એ હતું કે એમને કશુંક લાંબા ગાળાનું અને સ્થાયી કરવાની બળુકી ઈચ્છા હતી. ધ ઇન્ડિયન એલર્ટ દ્વારા ભારતની દસ સફળ ઉદ્યોગ સાહસિક સ્ત્રીઓનું લિસ્ટ જાહેર થયું. 2022માં ભારતની આ ઉદ્યોગ સાહસિકની પ્રોફાઈલ ખાસ્સી રસપ્રદ છે. બિઝનેસની સ્થાપના કરવાના વિચારમાત્રથી સૌથી પહેલાં આપણે મૂડી રોકાણ અંગે વિચારીએ. વ્યાપાર માટે જે પ્રોડક્ટ વિચારી હોય તેના વેચાણ અને લોકોની જરૂરિયાત વિશે વિચારીએ. વસ્તુમાં નવીનીકરણ,માત્ર પોસાય એટલું જ નહીં પરંતુ કમાણી થઇ શકે તેવી બિઝનેસ ટેક્નિક વિશે પણ વિચારીએ. વ્યાપારની વાત આવે ત્યારે ઉચ્ચ શિક્ષણમાં પણ કોમર્સ અને મેનેજમેન્ટની ડિગ્રી વિશે પણ ધારણા બાંધીએ, પરંતુ ડો શુબા ચાર્લ્સ એક સફળ લેખક,અને બિહેવિયર થેરાપિસ્ટ હોવા સાથે એક અનોખી આંત્રપ્રિન્યોર છે. માનસિક સુખાકારી માટે યુ ટ્યુબ વિડીયો દ્વારા જાગરૂકતાના પ્રયત્નો કરતા ડો શુબાએ તામિલનાડુ ગવર્મેન્ટમાં રાજીનામું આપ્યા બાદ ઇકો ફ્રેન્ડલી સેનિટરી નેપ્કિનના વ્યાપારની શરૂઆત કરી. માત્ર મૂડી, કમાણી અને નફાની ગણતરી કરવાને બદલે સમાજસેવી સંસ્થાની પણ શરૂઆત કરી અને સ્લમ વિસ્તારના બાળકો માટે કામ શરૂ કર્યું. અમેરિકાની ભૌતિક દુનિયામાં જે હોય, તમામ સુખાકારી ભોગવી હોય તે યુવતી ભારતમાં આવી ચાર્ટર્ડ એકાઉન્ટન્સીનો અભ્યાસ કરે તો તેની કારકિર્દી કેવી હોય? તાન્યા બંસલ એક એવી ઉદ્યોગ સાહસિક સ્ત્રી છે જેમને લગ્ન બાદ તેમના શ્વસુર પાસેથી પ્રેરણા મેળવીને ગૌશાળાનું સંચાલન કર્યું. ગૌશાળા સાથે તાન્યાએ એક એવી શાળા ખોલી જેમાં અછત અને અભાવગ્રસ્ત પરિવારના બાળકોને શિક્ષણ અપાય છે. તાન્યાના જીવનનો આ એક એવો વળાંક હતો જ્યાંથી માર્ગ સીધો એક એવી મંઝિલ તરફ લઇ ગયો જેમાં માત્ર પૈસા અને પાવર નહીં, પરંતુ સમાજ-દેશ અને માતૃભૂમિ માટે દાયિત્વ પણ દેખાય. મહિલાઓ માટે વ્યવસાયની તક ઉભી કરી. આ જ લિસ્ટમાં ટીના ફોગટ એક એવું નામ છે જેને મૂલ્યો સાથે ક્યારેય બાંધછોડ નથી કરી. બિઝનેસ માટેની ધગશ અને સમજ સાથે ટીના ફોગાટના ટાઈમ અને ટીમ મેનેજમેન્ટ કૌશલ્ય ઉદાહરણ સ્વરૂપ રહ્યા છે. રિયલ એસ્ટેટ સામાન્ય રીતે પુરુષોનો ધંધો કહેવાતો. આ જ બિઝનેસને પ્રોફેશનલ અને મૂલ્યલક્ષી આકાર આપવાની સાથે ટીનાએ ડિજિટલ માર્કેટિંગમાં પણ સફળતા હાંસિલ કરી. આંતરરાષ્ટ્રીય સ્તરે ટેરોટ કાર્ડ અને રેકી જેવા ક્ષેત્રમાં સફળ થનાર ડો. તારા મલ્હોત્રા હોય કે ડિજિટલ સ્ટ્રેટેજિસ્ટ બબીતા સિંઘ હોય કે ન્યુટ્રિશન એક્સપર્ટ સૃષ્ટિ અગ્રવાલ હોય...આ એવી સ્ત્રીઓના નામ છે જેઓએ માત્ર સપનાં નથી જોયાં, પરંતુ સપના પૂરાં કરવાનું સાહસ ખેડ્યું છે અને સંઘર્ષની પેલે પાર સફળતાનો ઝંડો ફરકાવ્યો છે. તમારાં સપનાં તમારા સાહસની રાહ જુએ છે? meghanajoshi74@gmail.com

અન્ય સમાચારો પણ છે...