શરીર પૂછે સવાલ:ઘણા મહિનાથી માસિક નથી આવ્યું...

વનિતા વોરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રશ્ન : હું નિયમિત રીતે ઘણા સમયથી એક્સરસાઇઝ કરી રહી છું પણ આમ છતાં મારું વજન ઘટી નથી રહ્યું. આવું કેમ થઇ રહ્યું હશે? એક યુવતી (અમદાવાદ) ઉત્તર : ઘણી વાર કસરત કરવા છતાં વજન ઘટતું નથી, પણ ઘણા લોકોને એ ખબર નથી હોતી વજન ઘટાડવા માટે કસરત કરવી જ પૂરતું નથી. તમારી ખાણી-પીણી અને જીવનશૈલીમાં પણ ફેરફાર કરવો જરૂરી છે. યોગ્ય કસરત પસંદ કરી અને સવારના સમયે કસરત કરો. કસરત કરવા સાથે રોજની આઠ કલાકની પૂરતી ઊંઘ લો. તે સાથે પૂરતા પ્રમાણમાં પાણી પણ પીવાનું રાખો અને ખાવા-પીવામાં પણ ફેરફાર કરો. ભોજનનો સમય નિશ્ચિત રાખવા સાથે પૂરતો નાસ્તો કરો. જંક ફૂડ વધારે ન ખાવ. વધારે કોલ્ડડ્રિંક્સનાં સેવનથી પણ વજન વધે છે, તેથી તે ઓછા પીઓ. તમારા ખોરાકમાં ફાઇબરયુક્ત ખાદ્યપદાર્થો (ફણગાવેલા કઠોળ, ફ્રૂટ, લીલાં શાકભાજી) વધારે લો. તે સાથે જ તમે ઝડપથી ખાતાં હો તો શરીરનો સંકેત મળતાં પહેલાં તો તમે વધારે કેલેરી લઇ ચૂક્યાં હો છો. આથી ઝડપથી ન ખાવ કેમ કે ઝડપથી ખાનારા લોકોમાં સ્થૂળતાની શક્યતા વધારે રહે છે. ભોજન ધીમેથી અને બરાબર ચાવીને ખાઓ. આનાથી શરીરમાં વજન ઘટાડનારા હોર્મોન્સનો સ્રાવ વધે છે અને તેથી વજન ઘટે છે. પ્રશ્ન : મારી પત્નીને છેલ્લા ઘણા મહિનાથી માસિક નથી આવ્યું. મને લાગે છે કે એણે ગર્ભધારણ કર્યો છે, પણ એ કહે છે કે એને એવા કોઇ લક્ષણો જણાતા નથી. આ માટે માર્કેટમાં મળતી પ્રેગ્નન્સી કિટનો ઉપયોગ કરીને જાણી ન શકાય? એક યુવક (જામનગર) ઉત્તર : તમારાં પત્નીને શક્ય છે કે ગર્ભધારણના લક્ષણોનો ખ્યાલ ન આવ્યો હોય. આ મુદ્દે તમારી જે ધારણા છે તે સાચી હોઇ શકે અથવા તો બીજી કોઇ શારીરિક સમસ્યા પણ આ માટે જવાબદાર હોઇ શકે છે. તમે તમારાં પત્નીને કહો કે તેઓ પોતાની રીતે કોઇ પણ નિર્ણય પર આવ્યાં વિના ગાયનેકોલોજિસ્ટને બતાવે અને ગાયનેકોલોજિસ્ટ તેમને માસિક ન આવવા પાછળનું કારણ તેમણે ગર્ભધારણ કર્યો છે કે અન્ય કારણ છે, તે તપાસ કરીને જણાવશે. તમે કહો છો એ મુજબ પ્રેગ્નન્સી કિટ દ્વારા જાણી શકાય ખરું, પરંતુ તે અંગે અધિકૃત ન કહી શકાય. જો તમારે પરિસ્થિતિ વિશે સાચી માહિતી જોઇતી હોય તો તમારાં પત્નીને ગાયનેકોલોજિસ્ટ પાસે લઇ જાઓ. હકીકતમાં ઘણી વખત વધારે પડતો સ્ટ્રેસ માસિકના હોર્મોન્સને બદલી દે છે. તેના કારણે માસિક અનિયમિત થાય છે. આ સિવાય બર્થ કંટ્રોલ પિલ્સ ખાવાથી પણ માસિકમાં સમસ્યા થાય છે. ગર્ભ નિરોધક ગોળી શરીરમાં ઈંડા બનવા દેતી નથી અને તેના કારણે માસિકમાં સમસ્યા ઉભી થાય છે. 8થી 9 કલાકની ઊંઘ ન કરવી પણ સ્ટ્રેસના હોર્મોન્સ વધારે છે અને તેનાથી માસિક ધર્મ પ્રભાવિત થાય છે. આ સિવાય જે મહિલાઓમાં રક્તની ખામી હોય છે અથવા તો જેને એનીમિયા હોય છે તેમને પણ માસિકમાં સમસ્યા ઉભી થાય છે. પ્રશ્ન : હું એક 18 વર્ષીય યુવતી છું. મારી સમસ્યા એ છે કે મને ઘણીવાર બ્રેસ્ટમાં દુખાવો થાય છે જેના કારણે હું ચિંતામાં મુકાઇ ગઈ છું. મને કોઈ મોટી સમસ્યા તો નહીં હોય ને? એક યુવતી (રાજકોટ) ઉત્તર : ઘણી યુવતીઓને ટીનેજના દિવસોમાં આ પ્રકારની સમસ્યા સતાવતી હોય છે. હકીકતમાં આ દિવસો દરમિયાન શરીરમાં બહુ ઝડપથી હોર્મોનલ પરિવર્તન થઈ રહ્યું હોય છે જેના કારણે આ સ્થિતિ ઉભી થાય છે. પીરિયડ્સ શરૂ થયા પછી દર મહિને શરીરમાં થતા હોર્મોનલ પરિવર્તનને કારણે પણ સ્તનમાં દુખાવો થઈ શકે છે. યોગ્ય સાઈઝની બ્રા ન પહેરવાની કુટેવ પણ બ્રેસ્ટ પેઇનનું કારણ હોઈ શકે છે કારણ કે ચુસ્ત બ્રા પહેરવાથી ત્વચા અને સ્નાયુઓ સતત દબાણમાં રહે છે અને એના કારણે પીડા થાય છે. આ સિવાય ઓવર-સાઇઝની બ્રા પહેરવાથી માંસપેશીઓને જરૂરી ટેકો નથી મળતો અને પીડા વધી શકે છે. આ સંજોગોમાં હંમેશા યોગ્ય માપની બ્રા પસંદ કરવી જોઇએ. જો તમને આ પીડા વધારે હોય તો તરત ડોક્ટરનો સલાહ લેવી જોઇએ પણ જો પીડા બહુ વધારે ન હોય તો ઘરગથ્થુ ઉપચારો પણ કરી શકાય છે. સરસવના તેલમાં 3 કળી લસણની, બે ચપટી અજમો અને થોડા મેથી દાણા નાંખીને ગરમ કરો. જ્યારે તેલ સારી રીતે ગરમ થઈ જાય પછી તેને ઠંડુ થવા દો. આ પછી તેલથી હળવા હાથે બ્રેસ્ટ ઉપર માલિશ કરો. પ્રશ્ન : મને ઘણી વખત રાત્રે ઊંઘમાં શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. ડોક્ટરે સ્લીપ એપ્નિયા હોવાનું કહે છે. શું આ કોઇ મોટી બીમારી છે? એક પુરુષ (વડોદરા) ઉત્તર : ઘણીવાર એવું બને છે કે ઊંઘમાં જ શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે અથવા કેટલીક વાર શ્વાસ રુંધાય છે. આ ખરેખર તો સ્લીપ એપ્નિયાનાં લક્ષણ છે. જો રાત્રે ઊંઘતી વખતે તમારા નસકોરાં બોલતાં હોય અને આખી રાત ઊંઘ્યા પછી પણ થાક દૂર ન થતો હોય તો એ સ્લીપ એપ્નિયા હોઇ શકે છે. આ ઊંઘની સમસ્યા છે, જે મોટા ભાગે નસકોરાં બોલાવતાં હોય તેમને વધારે થાય છે કેમ કે ઊંઘમાં વારંવાર ખલેલ પડે છે. આમાં શ્વાસ રુંધાતો હોય એવો લાગે છે, જેનો અર્થ એ થાય છે કે મગજ અને આખા શરીરનો પૂરતા પ્રમાણમાં ઓક્સિજન નથી મળતો. સ્લીપ એપ્નિયા કોઇને પણ ગમે તે ઉંમરે થઇ શકે છે. સ્થૂળ લોકોને આવી સમસ્યા થવાની સંભાવના વધારે હોય છે. વજન નિયંત્રણમાં રાખવાથી, કસરત કરવાથી અને બને ત્યાં સુધી સ્લીપિંગ પિલ્સ લેવાનું ટાળવાથી ફાયદો થાય છે. આ સમસ્યામાં વધારે પરેશાની થાય તો ડોક્ટરની સલાહ લેવી. પ્રશ્ન : મારી ઉંમર 24 વર્ષની છે મે મારી ગર્લફ્રેન્ડ સાથે હાલમાં જ અનસિક્યોર જાતીય સંબંધ માણ્યો છે. હવે અમને બંનેને ડર લાગે છે. શું પ્રેગ્નેન્સી રહેવાના ચાન્સિસ છે? જો હા તો શું કરવું જોઈએ? એક યુવક (ગાંધીનગર) ઉત્તર : જો તમે અનસિક્યોર જાતીય સંબંધ માણ્યો હોય તો પ્રેગ્નેન્સી રહેવાની શક્યતા વધી જાય છે. હકીકતમાં બાળક થવા માટે એક જ શુક્રાણુની જરૂર હોય છે અને એક વખતના સ્ખલનમાં લાખો અને કરોડો શુક્રાણુઓ હોય છે જે નરી આંખે દેખાતા નથી. જો હાઈલી ફર્ટાઈલ પીરિયડમાં અનપ્રોટેક્ટેડ સેક્સ માણવામાં આવ્યુ હોય તો પ્રેગ્નેન્સી રહેવાના ચાન્સિસ વધુ હોય છે. જો કોઇ કારણોસર અનસિક્યોર જાતીય સંબંધ ભૂલથી બાંધી જ લીધો હોય તો આ કિસ્સામાં 72 કલાકની અંદર ઈમરજન્સી કોન્ટ્રાસેપ્ટિક પીલ્સ સ્ત્રીએ લેવી પડે છે. જો આમ ન કરેલ હોય તો, તમારી પાસે પીરિયડ્સમાં આવવાની રાહ જોયા સિવાય અન્ય કોઈ ઉપાય રહેતો નથી, જો માસિક નિશ્ચિત સમય કરતા પાંચ દિવસ ઉપર ચઢી જાય તો યૂરિન પ્રેગ્નેન્સી ટેસ્ટ કરાવી લેવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...